આ તે શી માથાફોડ !/૯૭. પ્રશ્ન કેમ પૂછતો નહોતો ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૯૬. મતાગ્રહ અને સ્વાતંત્ર્ય આ તે શી માથાફોડ !
૯૭. પ્રશ્ન કેમ પૂછતો નહોતો ?
ગિજુભાઈ બધેકા
૯૮. આવું હજી છે ? →


: ૯૭ :
પ્રશ્ન કેમ પૂછતો નહોતો ?

હીરો બાલ મંદિરમાં આવ્યો ત્યારે ચાર વર્ષનો હતો. હીરો દીઠે રૂડો રૂપાળો; હીરો લૂગડાં પણ સ્વચ્છ અને સારાં પહેરી લાવતો.

હીરાનું બાલમંદિરમાં એક વર્ષ વીતી ગયું. બધાં બાળકો કંઈ ને કંઈ પ્રશ્ન પૂછે પણ હીરો સદા એ રીતે મૂંગો જ હોય. હીરાના મોંમાંથી એક પણ પ્રશ્ન ન નીકળે; જાણે કે હીરાને કશુંય જાણવાની ઈચ્છા જ નથી.

બાલમંદિરના શિક્ષકના મનમાં વિચાર ઊઠ્યો: "આનું કારણ શું ?" બાલમંદિરનો શિક્ષક એટલે અવલોકનકાર; અવલોક્યા પછી તેનું કારણ શોધનાર."હીરો શા માટે સવાલ ન પૂછે ? કુદરતી જિજ્ઞાસા એનામાં પણ હોય; હોવી જ જોઈએ." શિક્ષકના મનમાં વિચાર ઘોળાયા કરતો હતો.

હીરાની સાથે રમતાં ફરતાં બાળકોને અને હીરાને પાછળ ઊભા રહી શિક્ષકે જોઈ લીધાં. ત્યાં પણ હીરો પ્રશ્ન પૂછતો નહોતો.

શિક્ષકે વિચાર કર્યો: "આનું કારણ ઘરમાં તો નથી ?"

અને સાચે જ કારણ હતું. મા કે બાપ બેમાંથી હીરો કોને પ્રશ્ન પૂછે ? બાપા દિવસ બધો વેપારમાં રહેતા; બા દિવસ બધો સભામાં ને ઘરવ્યવસ્થામાં રોકાતી. નોકરો સવાલનો જવાબ કેવો આપે તે તો આપણે જાણીએ જ છીએ ના !