ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર/વિદ્યાસાગરની સાહિત્ય સેવા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સરકારી નોકરીમાં વિદ્યાસાગર ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
વિદ્યાસાગરની સાહિત્ય સેવા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સ્ત્રી કેળવણી માટે વિદ્યાસાગરનો પ્રયાસ →


પ્રકરણ ૫ મું.


વિદ્યાસાગરની સાહિત્ય સેવા.


હાલનું બંગાળી સાહિત્ય વિદ્યાસાગરને ઘણુંજ આભારી છે. બંગાળી ભાષાના પિતા એ નહોતા, પણ બંગાળી ભાષાના પ્રથમ શિલ્પી એ હતા એમ બંગાળાના વિદ્વાન સાક્ષરોનું માનવું છે. બંગાળી ગદ્ય સહિત્ય રચના એમના સમય પહેલાં થઇ ચૂકી હતી પણ એમાં કળા નૈપુણ્ય લાવનાર પ્રથમ સાક્ષર વિદ્યાસાગર જ હતા. એમણે બંગાળી સાહિત્ય સૃષ્ટિમાં પ્રવેશ કર્યો તે સમયે એ સાહિત્ય તાન અપૂર્ણ હતું. બાળપોથી ભણાવવા જેવાં પુસ્તકો હતાં નહીં. અને સાહિત્યના બીજા ગ્રંથો પણ એવા હતા, કે ત્હેમને બંગાળી નહીં પણ સંસ્કૃત ગ્રંથો કહેવા વ્યાજબી ગણાય.

બંગાળી ગદ્યમાં એમની પ્રથમ રથના “વાસુદેવ ચરિત” છે. શ્રીમદ્ ભાગવતના આધારે લખાયેલું આ સુન્દર પુસ્તક હતું. પણ એમાં શ્રી કૃષ્ણનું પૂર્ણ બ્રહ્મત્વ પ્રતિપાદિત કરેલું હોવાથી, કૉલેજ કમિટીએ સિવિલિયનો અભ્યાસને માટે એ પુસ્તક પસંદ ન કર્યું અને તેથી એ અપૂર્ણ અને અપ્રકાશિત જ રહ્યું.

ત્ય્હાર પછી ઈ. સ. ૧૮૪૭ માં એણે સંસ્કૃત વૈતાલ પચીશીનો બંગાળીમાં તરજુમો કર્યો. એ તરજુમો ઘણોજ સારો થયો અને ભાષાને માટે તો એ વિદ્યાસાગરની સર્વોત્કૃષ્ટ રચના છે, મ્હોટા મ્હોટા પંડિતોએ એ પુસ્તકનાં વખાણ કર્યા છે પણ એવા ઉત્તમ ગ્રન્થનો પ્રચાર કરવામાં પણ એમને ઘણો પરિશ્રમ કરવો પડ્યો હતો. કેળવણી ખાતામાં એ ગ્રન્થને મંજૂર કરવાને માટે એક દેશી ગૃહસ્થે વાંધો લીધેલો હોવામી એમને શ્રીરામપુરના એક વિદ્વાન પાદરી માર્શમેન સાહેબના અનુમોદનની જરૂર પડી હતી. બંગાળી સાહિત્યના મુરબ્બી રૂ૫ વિદ્યાસાગર ને ત્હેમના પ્રથમ ગ્રન્થને માટે આ પ્રમાણે પાદરી સાહેબને ત્ય્હાં ધક્કા ખાતા જોઇએ છીએ ત્ય્હારે સાંભરી આવે છે, કે ઉત્તમ લેખકોને પોતાના શ્રેષ્ઠ ગ્રન્થોનો પ્રચાર કરવામાં પ્રાયઃ ઘણા દેશોમાં એવીજ વિપત્તિ નડી છે. જગ–વિખ્યાત નાટકકાર શેક્સપિયરનાં અમૂલ્ય નાટકો ઘણા કાળ સૂધી આદર પામ્યા વગર પડ્યાં રહ્યાં હતાં; સ્કોટના વ્હેવરલીનો સત્કાર કાંઈ પ્રગટ થતાં વાર તરજ થયો નહોતો; મિલ્ટનની જીંદગીમાં ત્હેમના પેરેડાઈસલોસ્ટની કદર કોઈએ કરી નહોતી, જોન્સન જેવા ઉતમ ગ્રન્થકારની પાસે સદ્‌ગૃહસ્થને છાજે એવો પોશાક નહીં હોવાથી એ લોકોને મળવા જઈ શકતો નહિ, ગોલ્ડસ્મિથ ચિરજીવન દારિદ્રયમાં પીડા પામ્યો હતો, અને યોગ્ય કદર કરનારના અભાવે બંગાળી ભાષાના અમર કવિ શ્રી માઈકેલ મધુસુદન દત્ત કંગાળપણામાંજ, મરી ગયા હતા, તો પછી વિદ્યાસાગરને પોતાના પ્રથમ ગ્રન્થને માટે ધક્કા ખાવા પડ્યા હોય તો આશ્ચર્ય શું?

આ સ્થળે ન્યાયની ખાતર એ પણ કહેવું પડશે, કે વિદ્યાસાગરના ગ્રન્થોને નાણાંની મદદ આપનાર પહેલા ગૃહસ્થ માર્શલસાહેબ નામના એક અંગ્રેજ ગૃહસ્થ હતા. એમણે રૂ. ૩૦૦) ત્રણસેં રૂપિયાની કિંમતની નકલો ખરીદ કરીને વિદ્યાસાગરના આ પ્રથમ પ્રયાસને ઉત્તેજન આપ્યું હતું.

ઈ. સ. ૧૮૪૮ માં ત્હેમણે માર્શમેન સાહેબના અંગ્રેજી ઇતિહાસના આધારે, બંગાળામાં અંગ્રેજોના આવ્યા પછીથી પોતામના સમય સુધીનો ઇતિહાસ લખ્યો. એની ભાળ ઘણી સાદી અને મનોહર છે. એ ઇતિહાસ ઘણા વર્ષો સુધી બંગાળાની નિશાળોમાં શિખવાતો હતો.

ઈ. સ. ૧૮૫૦ માં ચેમ્બર્સ બાયોગ્રાફીના ભાષાન્તર રૂપે “જીવનચરિત” નામનો અન્ય ગ્રન્થ પ્રગટ કર્યો. આ પુસ્તકમાં પાશ્ચાત્ય જાગૃતિઓના મહાન્ નરોનાં જીવનચરિત્ર આલેખાયાં છે,

ઈ. સ. ૧૮૫૧ માં “ચેમ્બર્સ રૂડિમેન્ટ ઑફ નોલેજ” નામના પુસ્તકનો આધાર લઈને બાળકોના અભાસ માટે “શિશુશિક્ષા” તથા “બોધોદય” નામનાં પુસ્તકો રચ્યાં. જાણવા લાયક ઘણા વિષયો સ્હેલી ભાષામાં સ્હમજાવવામાં આ પુસ્તકો ઘણાં ઉપયોગી થઈ પડ્યાં છે.

ઈ. સ. ૧૮૫૫ માં મહાકવિ કાલિદાસના પ્રસિદ્ધ નાટક “અભિજ્ઞાત શાકુન્તલ” ને આધારે ત્હેમણે “શકુન્તલા” નામનું સુંદર ઉપન્યાસ રચ્યું. ઉત્તમ શૈલીને લીધે આ પુસ્તકે વાચક માત્રને મોહક કરી લીધા, અને ચારે દિશામાં એની પ્રશંશા થવા લાગી.

આજ વર્ષમાં વિદ્યાસાગરે સુપ્રસિદ્ધ ‘વિધવા વિવાહ વિષયક પુસ્તક’ લખ્યું. પુસ્તકના પ્રચારથી બંગાળમાં કેવો ખળભળાટ મચ્યો તે હમે આગળ ઉપર જુદા પ્રકરણમાં કહીશું.

ત્ય્હાર પછીના વર્ષમાં એમણે બાળકોને માટે ‘વર્ણ પચિચય’ ‘કથા માળા’ તથા ‘ચરિતાવલી’ નામની ચોપડીઓ રચી.

એજ સમયમાં ‘બેથ્યૂન સોસાઇટી’ માં એમણે ‘સંસ્કૃત ભાષા અને સંસ્કૃત સાહિત્ય’ સંબંધી એક નિબંધ વાંચ્યો હતો.

બ્રાહ્મ સમાજના આગેવાન સભાસદો બાબુ અક્ષય કુમાર દત્ત, હર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર , તથા બાબુ રાજનારાયણ વસુ સાથે એ ઘણા સમથી ગાઢ પરિચયમાં આવ્યા હતા. અને ત્હેમને લીધેજ સમાજ તરફથી પ્રગટા થતી ‘તત્ત્વ બોધિની પત્રિકા’ માં એ ઉત્સાહ પૂર્વક લેખો લખવા લાગ્યા. ઈ. સ. ૧૯૬૦માં એમણે મહાભારતનું બંગાળી ભાષાન્તર આરંભ્યું અને ત્હેનો ઉપોદ્‌ઘાત આ માસિક પત્રમાં છપાવા લાગ્યો. મહાભારતનું ભાષ્યતો એ પૂર્ણ કરી ન શક્યા, પણ ત્હેનો ઉપોદ્‌ઘાત જે છૂટો છવાયો છે તે ચાંચતા સ્પષ્ટ જણાઈ આવે છે કે એ આખું પુસ્તક જો સમાપ્ત થયું હોત તો બંગાળી સાહિત્યમાં એક અમૂલ્ય પુસ્તકની વૃદ્ધિ થાત.

ઈ. સ. ૧૮૬૨માં એમણે સંસ્કૃત ગ્રન્થના આધારે ‘સીતા વનવાસ’ લખ્યું. એ કેવળ ભાષાન્તર નથી, પણ મૂળની છાયા લઈને એક નવો ગ્રન્થ લખ્યો છે. ભાષા અને ભાષાના વિષયમાં એ ગ્રન્થ બીજાઓને માર્ગ સૂચક બન્યો છે. ‘સીતા વનવાસ’ માં વિદ્યાસાગરે બંગાળી રમણીઓ આગળ નિષ્કામ સંસાર ધર્મનો આદર્શ રજૂ કર્યો છે. કરૂણા રસ ઉત્પન્ન કરાવવામાં વિદ્યાસાગરની અદ્ભૂત શક્તિનું ભાન આ ગ્રન્થમાં થાય છે. એક વિદ્વાને આ ગ્રન્થને ‘આંખનો જુલાબ’ કહ્યો છે.

‘સીતા વનવાસ’ પછી ‘રામનો રાજ્યાભિષેક’ લખવાનો ત્હેમણે આરંભ કર્યો હતો, અને ત્હેના કેટાલાક પાનાં છપાઈ પણ ગયાં હતાં. પણ એવામાં એમને ખબર મળી કે અન્ય કોઈ ગૃહસ્થે વું પુસ્તક રચ્યું છે અને તે પોતાના પુસ્તક કરતાં કાંઈ ખરાબ નથી. એટલે એમણે પોતાનું પુસ્તક છપાવવું માંડી વાળ્યું. સાહિત્ય સંસારમાં આવી ઉદારતા ઘણાં થોડા લોકોમાં જોવામાં આવે છે.

ઈ. સ. ૧૮૬૮ માં ત્હેમણે ‘આખ્યાન મંજરી’ તથા ઈ. સ. ૧૮૭૦માં સટીક ‘મેઘદૂત’ ની રચના કરી. એજ અરસામાં, પોતે મંદવાડને લીધે ‘વર્ધમાન’ રહેતા હતા, ત્ય્હારે કોમેડી ઑફ એરર્સ Comedy of Errors નો અનુવાદ કરીને ‘ભ્રાન્તિ વિલાસ’ ગ્રન્થ પ્રસિદ્ધ કર્યો. શુદ્ધ નિર્મળ હાસ્યના ઉપયોગને માટે ‘ભ્રાન્તિવિલાસ’ બંગાળીઓની આદરની વસ્તુ થઈ પડી છે.

આ ઉપરાંત, કુળવાન બ્રાહ્મણોમાં ચાલતા અનેક સ્ત્રીઓ પરણવાના ચાલ વિરુદ્ધ એમણે અનેક ન્હાના મ્હોટા પુસ્તકો લખ્યાં છે. ત્હેમના લખેલાં, અનુવાદ કરેલાં, તથા સંપાદન કરેલાં પુસ્તકોની સંખ્યા બાવનની છે. એમના પુસ્તકોની ભાષા ઘણી સરળ તથા મધુર છે. બંગાળી ભાષામાં વિરામ ચિહ્નો આદિનો પ્રયોગ એમણે જ પહેલાં શરૂ કર્યો હતો. એ વખતના પ્રસિદ્ધ માસિક પત્રો ‘સોમ પ્રકાશ’ ‘બંગ દર્શન’ અથા ‘તત્ત્વબોધિની પત્રિકા’ વગેરેમાં ત્હેમના લેખો ઘણી વખત આવતા હતા. પોતાના લેખોથી એમણે પત્રોની ભાષા સુધારી દીધી હતી. ત્હેમની સાહિત્ય સેવાથી બંગાળી ગદ્યનું સ્વરૂપજ બદલાઈ ગયું છે.

ભારત વર્ષનો એક સર્વાંગ સુંદર ઇતોહાસ લખવાનો એમને તીવ્ર અભિલાષ હતો. એને માટૅ સામ્ગ્રી એકઠી કરવામાં એમણે ઘણાં વર્ષે સૂધી પરિશ્રમ કર્યો હતો. પરંતુ એ વખતે એમની પાછલી વય હતી. શરીર જીર્ણ થઈ ગયું હતું. પોતાની એકઠી કરેલી સામગ્રીનો ઉપયોગ કરીને એવો ઇતિહાસ લખવા માટે પાછલી વયમાં એમને એક વિદ્વાન ગ્રેજ્યુયેટને આગ્રહ પણ કર્યો હતો. સડસઠ વર્ષના અસ્વસ્થ વૃદ્ધ પુરુષે ભારત વર્ષનો સંપૂર્ણ ઇતિહાસ લખવાની સમગ્રી એકઠી કરવી અને એ ઉદ્યમમાં પ્રવૃત્ત થવું એ ભારત વર્ષેમાં એક વિચિત્ર વાત છે.

ટુંકામાં આ પ્રકરણ સમાપ્ત કરતાં હમે કહીશું, કે બંગાળી ભાષા વિદ્યાસાગરની એક મુખ્ખ કીર્તિ છે. એ ભાષા જો કદી સાહિત્ય સંપત્તિને લીધે ઐશ્વર્યશાલી થઈ ઉઠશે, જો એ ભાષાની ગણના અક્ષય ઉચ્ચભાવની જનની તરીકે, માનવ સભ્યતાની ધાત્રી અને માતા એમાં થશે. જે એ ભાષા પૃથ્વીના શોક સંતાપમાં એક નૂતન સાંત્વનાનું સ્થળ બનશે અને સંસારની તુચ્છતા અને ક્ષુદ્ર સ્વાર્થો મુકી દેવરાવી એક મહત્વના આદર્શરૂપ બનશે, તો ત્હેની એ કીર્તિને માટે એ વિદ્યાસાગરની ઘણે અંશે આભારી ગણાશે.

આ પ્રસંગે એ પણ કહેવું જોઈએ, કે બંગાળી ભાષામાં એમના પુસ્તકોનો સત્કાર ઘણોજ સારો થયો છે. પોતાનાં પુસ્તકો તથા છાપખાના વગેરેમાંથી એમને ૩ હજારથી પાંચ હજાર સૂધીની માસિક આવક થતી, આટલી માસિક આવક આપણા દેશમાં ઘણા થોડાજ ગ્રન્થકારોનાં નસિબમાં હશે. પણ આપણે આગળ ઉપર, આ ટુંકા જીવન ચરિત્રમાં જોઈશું, કે એમણે પોતાની સકમાઈના ધન ઉપર તાગડધીનાં કર્યાં નથી, ગાડી ઘોડા દોડાવ્યા નથી, ઘરની વહુઓને કે છોકરીઓને કિંમતી વસ્ત્ર કે મૂલ્યવાન ઘરેણાં ગંઠા પહેરાવ્યાં નથી. ઘણીજ સાદાઈથી પોતાનો તેમજ કટુંબનો નિર્વાહ કરીને બધી આવક દીન નિરાધાર દેશબન્ધુઓના કલ્યાણ માટે વાપરી છે.