ઈશુ ખ્રિસ્ત/આ પુસ્તક

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શબ્દસૂચિ ઈશુ ખ્રિસ્ત
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
૧૯૨૫આ પુસ્તક

લગભગ ૧૬-૧૭ વર્ષ પર નવજીવનની અવતાર-લીલા લેખમાળાના એક ભાગ રૂપે આ નામનું મારું પુસ્તક બહાર પડ્યું હતું. એ પુસ્તકને લગભગ આખું નવેસરથી લખી તથા તેમાં વધારો કરી આ તૈયાર કર્યું છે. નવા ઉમેરામાં ઈશુનાં પ્રવચનો, રૂપકો અને સુભાષિતો મુખ્યત્વે છે. કેટલીક નોંધો પણ છે. અને છેવટની સમાલોચના.

ચરિત્રની હકીકતોની બાબતમાં બાઈબલનાં મૅથ્યુ, માર્ક, લૂક અને જૉનના પુસ્તકો જ મારો આધાર છે. તે પૈકી કોઈ એકમાંથી જ મેં હકીકતો લીધી નથી, પણ બધામાંથી તારવી છે.

પહેલી આવૃત્તિ છપાયા પછી મને કેટલાક ગુજરાતી ખ્રિસ્તીઓ તરફથી ટીકારૂપે પત્રો મળ્યા હતા. ચમત્કારો વિષે ગૌણપણે ઉલ્લેખ અને ઈશુની કબરમાંથી ઊઠવા વિષે મૌન માટે તેમને તે પુસ્તક નાપસંદ પડ્યું હતું. એ બન્ને બાબતમાં મારા વિચારો સ્પષ્ટપણે પુસ્તકમાં રજૂ કર્યા છે. હું દિલગીર છું કે એથી કદાચ પંથશ્રદ્ધાળુ ખ્રિસ્તીઓને સંતોષ નહિ થાય. પણ તેમાં મારો ઇલાજ નથી. મને જે સત્ય લાગે તે જ માંડવાની મેં મારી શક્તિ અને દ્રષ્ટિ પ્રમાણે અત્યન્ત કાળજી તો લીધી જ છે, છતાં તેથી કોઈની શુભ શ્રદ્ધાઓનું એવી રીતે ખંડન ન થાઓ, કે જેથી એક નજીવી શુભ વસ્તુમાં પણ એને નાસ્તિકભાવ ઉત્પન્ન થાય. કોઈનો અધોગતિ કરનારો બુદ્ધિભેદ ન થાઓ. જે માર્ગે પોતાનું અત્યન્ત કલ્યાણ મનાયું હોય તે માર્ગને, બુદ્ધિપૂર્વક વિશેષ સારો માર્ગ દેખાયા વિના, છોડવાની પ્રવૃત્તિ ન થાઓ. એવું એક પણ વાક્ય આ દોષો ઉત્પન્ન કરે એવું છે એમ જેને લાગે તે જો કૃપા કરી મને જણાવશે, તો હું એનો વિચાર કર્યા વિના નહિ રહું.

આટલો દોષા થયા વિના કોઈની અંધશ્રદ્ધાને ધક્કો પહોંચે, અને એના દ્રષ્ટિબિન્દુને નવું વળણ મળે એ ઇષ્ટાપત્તિ જ છે. આપત્તિ એટલા માટે કહું છું કે એક ભાવનામાંથી બીજી ઉચ્ચતર ભાવનામાં પહોંચવાનો માર્ગ અત્યન્ત કષ્ટ ભોગવાવનારો છે. બુદ્ધિને એક નવી વસ્તુ સત્ય તરીકે સમજાય, અને તેમાં મન, વાણી અને શરીરથી નિષ્ઠા થાય, એ બેની વચ્ચે લાંબો કાળ જાય છે. અને એ કાળ જૂના સંસ્કારો અને નવીન સંસ્કારો વચ્ચેના ઝઘડા લડવામાં વીતે છે. એ લડાઈનું દુઃખ તીવ્ર હોય છે. પણ એ દુઃખ ભોગવ્યા વિના બાળકનું મુખ માતા જોઈ શકતી જ નથી; જેટલું પૂર્વારોગ્ય સારું એટલી પીડા ઓછી એટલું જ. તેમ કોઈનો ઝઘડો દીર્ઘ કાળ ચાલે, કોઈને ટૂંકો સમય. પણ ઝઘડો લીધે જ છૂટકો. ઉન્નતિની તીવ્ર ઇચ્છા રાખનાર પુરુષને એ યુદ્ધ માટે આવશ્યક ધૈર્ય મળી રહે છે, એ જ મનુષ્યને મળેલી શુભ સામગ્રી છે. એ વેદના કરાવવામાં હું નિમિત્તભૂત થાઉં તેનુંયે મને દુઃખ લાગે છે; પણ એ વિષે નિરુપાય છું. એ દુઃખને તીવ્રપણે અનુભવી ગયેલાનો એની સાથે સમભાવ રહેલો છે. એટલું જ એને હું આશ્વાસન આપી શકું. જો ખ્રિસ્તીભાઈઓ આવા વિશ્વાસપૂર્વક આ પુસ્તક વાંચશે તો તેમનેયે આ પુસ્તક ઉપયોગી જ માલૂમ પડશે, અને ધર્માન્તર કરાવવાની ભાંજગડમાં પડ્યા વિના ખ્રિસ્તીધર્મની વિશેષતાનો જગતને લાભ આપી શકશે. તેઓ પોતે પાર્થિક શ્રદ્ધાની સંકુચિતતામાંથી નીકળી જશે, અને છતાં સાચા અર્થમાં ખ્રિસ્તી ધર્મત્ત્વને રાખી શકશે. તેમને માટે હિંદુધર્મની જ્ઞાનદ્રષ્ટિની એટલી જ જરૂર છે, જેટલી હિંદુઓને ખ્રિસ્તીધર્મની માનવસેવા દ્વારા ઈશ્વરોપાસનાની. પણ એની હવે અહીં વધારે ચર્ચા કરવાની જરૂર નથી.

બાઈબલમાં આવતાં યહૂદી નામોના શુદ્ધ ઉચ્ચારો મેં એક યહૂદી સજ્જન ડૉ. એબ્રાહમ પાસેથી જાણ્યા છે. પણ અંગ્રેજી ઉચ્ચારોથી પરિચિત વાચકોને માટે છેવટે શબ્દસૂચિ આપી છે. આ ઉપરાંત બંગલૂરમાં રહેતા મારા એક મિત્ર શ્રી રાલ્ફ રિચર્ડ કૈથાન તરફથી કેટલીક મહિતી મેળવી છે. એ બન્ને સજ્જનોનો આભાર માનું છું.

કિશોરલાલ ઘ. મશરૂવાળા
વર્ધા, ૧૯૪૧