લખાણ પર જાઓ

ઈશુ ખ્રિસ્ત/યોહાન

વિકિસ્રોતમાંથી
ઈશુ ખ્રિસ્ત
યોહાન
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
૧૯૨૫
ઈશુનો જન્મ અને સાધના →





યોહાન
जन्म
યહૂદીઓની આવી પરિસ્થિતિમાં તેમનામાં બે સત્પુરુષોનો જન્મ થયો: યોહાન (યોહાન્નાન, જૉન) અને ઈશુ (જિસસ). ઝખારિયા અને એલિઝાબેથ નામનાં એક પૂજારી દંપતીને ત્યાં યોહાનનો જન્મ થયો. તેઓ એકમાર્ગી અને ધાર્મિક ક્રિયાઓમાં સરળપણે શ્રદ્ધાવાળાં હતાં. ઘરડે ઘડપણ સંતતિની આશા છૂટી ગયા પછી, એમને પુત્ર સાંપડ્યો હતો. તેના બાળપણની કશી હકીકત જણાઈ નથી પણ એમ લાગે છે કે એણે કેટલાંક વર્ષ એકાન્તવાસ અને તપશ્ચર્યામાં ગાળ્યાં હશે.

એ કફની કે જામાના જેવું ઊંટના વાળનું એક વસ્ત્ર પહેરતો. અને તેને ચામડાના પટ્ટાથી કમર આગળ બાંધી રાખતો . 'લોકસ્ટ' નામનાં બી.*[] અને જંગલી મધ એટલો જ એનો આહાર હતો.


  1. *અંગ્રેજી 'લોકસ્ટ' શબ્દનો અર્થ તીડ પણ થાય છે. આથી, ઘણા હિંદી વાચકો એવો ખ્યાલ કરે છે કે યોહાન તીડનો આહાર કરતો. પણ એ જુદો જ શબ્દ છે. બાવળ, ખેર જેવાં ઝાડોના પરડા પણ 'લોકસ્ટ' કહેવાય છે.
उपदेश
લગભગ ત્રીસ વર્ષની ઉંમરે એણે ઉપદેશ આપવાનું કાર્ય શરૂ કર્યું. તે પોતાના શિષ્યોને પાણીનું સિંચન કરી દીક્ષા (બૅપ્ટિઝમ) આપતો. તેથી દીક્ષા આપનાર યોહાન તરીકે તે ઓળખાતો હતો. એની સાદાઈ, નિષ્કિંચનતા, પવિત્રતા અને સ્પષ્ટવક્તાપણાથી આકર્ષાઈ ઘણા લોકો એનો ઉપદેશ સાંભળવા ભેગા થતા, અને ઘણા તેના શિષ્ય થયા હતા. તેના ઉપદેશમાં મુખ્યત્વે એ આવતું કે ધર્મરાજયની સ્થાપનાનો કાળ હવે આવી લાગ્યો છે. તે રાજ્યને લાયક થવા પ્રજાએ તૈયાર થવું જોઈએ. એટલે કે, પોતાનાં પાપો માટે અનુતાપ કરી ચિત્ત શુદ્ધ કરવું જોઈએ. મિથ્યા કુલાભિમાન, જાત્યભિમાન અને પાંડિત્યભિમાન પર એ ચાબખા મારતો. આથી ફૅરિસી, સૅડ્યૂસી અને પૂજારીઓ એની સામે બળતા. પણ પ્રજાનો સામાન્ય વર્ગ એના ઉપદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળતો, અને તેને પ્રાચીન પેગંબર*[] એઝાયાહનો અવતાર માનતા.
  1. *પેગંબર અને ખ્રિસ્ત - આ બે વચ્ચે ખ્રિસ્તી ધર્મમાં ભેદ કરવામાં આવે છે. પેગંબર એટલે ઈશ્વરનો પેગામ - સંદેશો - કહેનાર. ખ્રિસ્તનો અર્થ અભિષિક્ત થાય. હિબ્રૂ ભાષામાં તે માટે મેસાયાહ શબ્દ છે. આપણી ભાષામાં કહીએ તો તેનો અર્થ યુવરાજ થાય. સાધના કરી જ્ઞાન પામેલો મનુષ્ય અને સ્વયંભૂ અથવા જન્મથી જ જ્ઞાની એ બે વચ્ચે જેવો ભેદ કરીએ, તેવો આ કંઈક ભેદ છે. અલબત, કોઈને ખ્રિસ્ત માનવો, કોઈને પરમેશ્વરનો અવતાર માનવાની જેમ, માત્ર શબ્દપ્રમાણ પર શ્રદ્ધા રાખવાની બાબત છે.
मृत्यु
આ વખતે પહેલા પ્રકરણમાં રાજા હૅરોદના પુત્ર બીજો હૅરોદ ગાદી પર હતો. તેણે પોતાના ભાઈની વિધવા સાથે લગ્ન કર્યું હતું. યહૂદીઓમાં ભાભી સાથે પુનર્વિવાહ કરવાનો નિષેધ છે. એક વાર રાજાએ યોહાનને આમંત્રણ આપી, આ બાબતમાં તેનો અભિપ્રાય પૂછ્યો. તેણે તે કામને વખોડી કાઢ્યું. આથી ગુસ્સે થઈ તેની રાણીએ યોહાનને બંદીખાનામાં નંખાવ્યો. ઘણો વખત સુધી તે કેદમાં જ સડ્યો. પછી એક વાર હૅરોદના જન્મ દિવસે હૅરોદની દીકરીએ પોતાના નૃત્યથી બાપને ખુશ કર્યો. તેણે ઇનામ માગવા કહ્યું. માની શિખવણીથી તેણે યોહાનના માથાનું ઇનામ માગ્યું. વચનબદ્ધ (!) થયેલા રાજાએ યોહાનનો શિરચ્છેદ કરાવ્યો. આમ, આ સત્પુરુષનો ક્રૂર્ અંત આવ્યો.