કંકાવટી/મંડળ ૨/૮. મેઘરાજનું વ્રત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૭. વિસામડા ! વિસામડા ! કંકાવટી
૮. મેઘરાજ
ઝવેરચંદ મેઘાણી
૯. ગોર-ગોરાણીનાં ટીખળ →


મેઘરાજનું વ્રત


જેઠ મહિનો આવે છે. બળબળતા બપોર થાય છે. તે વેળા રોજરોજ મેઘરાજાનું વ્રત રહેનારી સ્ત્રીઓ નીકળે છે. માથા પર લાકડાનો પાટલો મેલ્યો હોય છે. પાટલા ઉપર માટીનાં બે પૂતળાં બેસાડ્યાં હોય છે. એને મેઘરાજાનું પૂતળાં કહે છે. ઘેરેઘેર જઈને વ્રત રહેનારીઓ આ જોડકણું બોલે છે :

આંબલી હેઠે તળાવ
સરવર હેલે ચડ્યું રે,
સહિયર ના'વા ન જઈશ,
દેડકો તાણી જશે રે.

દેડકાની તાણી કેમ જઈશ,
મારી મા ઝીલી લેશે રે !

પછી મેઘરાજાને અને વીજળીને આજીજી કરવાનું જોડકણું ઊપડે છે :


ઓ વીજળી રે !
તું ને મારી બેન ! અવગણ મા ના લ્યો !
ઓ મેઘરાજા !
આ શી તમારી ટેવ ! અવગણ મા ના લ્યો !
પેલી વીજળી રીસઈ જાય છે.
પેલી બાજરી સૂકઈ જાય છે.
પેલી જારોનાં મૂલ જાય રે
ઓ મેઘરાજા !
આ શી તમારી ટેવ ! અવગણ મા ના લ્યો !

આ સમયે ઘરનાં માણસો આવીને મેઘરાજાનાં પૂતળાં ઉપર પાણી રેડે છે. વ્રત રહેનારી પલળીને તરબોળ બને છે. પછી બાકીનું જોડકણું ગવાય છે :


મેઘો વરસિયો રે
વરસ્યો કાંઈ મારે દેશ ! અવગણ મા ના લ્યો !
ઓ મેઘરાજા !
આ શી તમારી ટેવ ! અવગણ મા ના લ્યો !

હે મેઘરાજા ! આવી ટેવ ન રાખો. અમારા અવગુણો મનમાં ન લેશો, અને વહેલા વહેલા વરસજો !