લખાણ પર જાઓ

કચ્છનો કાર્તિકેય/અમદાવાદમાં હાહાકાર

વિકિસ્રોતમાંથી
← વિપત્તિના મેઘોની એક નવીન ઘટા કચ્છનો કાર્તિકેય
અમદાવાદમાં હાહાકાર
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
બાહુબળથી ભાગ્યપરીક્ષા →


અષ્ટમ પરિચ્છેદ
અમદાવાદમાં હાહાકાર!

ખેંગારજી તથા સાયબજી પોતાપોતાની પત્નીના સમાગમમાં અહમ્મદાબાદમાં અનુકૂલ સમયની પ્રતીક્ષા કરતા આનન્દથી સમય વિતાડી રહ્યા હતા અને જામ રાવળ તરફથી અમદાવાદમાં દીર્ધ કાળથી તેમને કશો પણ ઉપદ્રવ થયેલો ન હોવાથી તેઓ તેના તરફથી તેવો ઉપદ્રવ થવાની વાર્તાને તથા છચ્છરની શંકાને બહુધા ભૂલી જ ગયા હતા; પરંતુ છચ્છરની શંકા સત્ય સિદ્ધ થવાનો સમય કેટલો બધો નિકટમાં આવતો જતો હતો, એ તો ગત પરિચ્છેદમાં આપણે જોઈ ચૂક્યા છીએ. અસ્તુ: પણ હજી ચામુંડરાજ આદિ રાવળના મોકલેલા ખેંગારજીના પ્રાણુશત્રુ અમદાવાદમાં પહોંચ્યા નહોતા એટલામાં બનાવ એવો બન્યો કે અમદાવાદની પાસેના એટલે કે સાભ્રમતી નદીના પશ્ચિમીરપ્રાંતમાં વિસ્તરેલા એક નિબિડ અરણ્યમાં વસતા એક મૃગરાજ સિંહે લોકોને અત્યંત ત્રાસ આપવા માંડ્યો અને તેથી અમદાવાદમાં સર્વત્ર હાહાકાર વ્યાપી ગયો.

જે નિબિડ અરણ્યમાં તે મૃગરાજ સિંહ વસતો હતો, તે અરણ્યમાં વૃક્ષોનો એટલો બધો વિસ્તાર હતો અને વૃક્ષોની એવી તો ઘાટી ઘટા જામી ગઈ હતી કે ધોળે દિવસે પણ તે વૃક્ષઘટામાં સૂર્યનાં કિરણોનો પ્રવેશ થઈ શકતો નહોતો અને તેથી ત્યાં દિવારાત અંધકાર અને અંધકાર જ વ્યાપેલો રહેતો હતો. હિંસ્ર પશુઓના નિવાસમાટે એ અરણ્ય એક સર્વથા નિર્ભય સ્થાન હોવાથી તેમાં અનેક પ્રકારના હિસ્ર પશુઓ વ્યાધ્ર, વરાહ, રીંછ, વરુ અને ભુંડ તથા ડુક્કર આદિ વસતાં હતાં અને તેઓ આજે કેટલાંક વર્ષથી અમદાવાદની આસપાસનાં પરાંના નિવાસીઓને તથા પ્રવાસીઓને અસહ્ય ત્રાસ આપ્યાં કરતાં હતાં; કારણ કે, તેઓ રાત્રિના સમયમાં અરણ્યમાંના પોતપોતાનાં સ્થાનમાંથી નીકળીને પરાંની ભાગોળો પાસે આવી પોતાના વિલક્ષણ અને ભયંકર ધ્વનિથી પ્રથમ સર્વને ભયભીત કરતાં હતાં અને ત્યાર પછી ગાય, ભેંસ, બળદ, બકરું કે મેઢું જે કાંઈ નજરે પડે તેને મારીને તેના માંસના ભક્ષણથી પોતાની ક્ષુધાને શાંત કરતાં હતાં, માત્ર એટલું જ નહિ, પણ કેટલીક વાર તો પરાંના અંતભાગમાં પ્રવેશીને મનુષ્યોનો પણ સંહાર કરી નાખતાં હતા. તેમના એ અસહ્ય ઉપદ્રવ તથા ઉપદ્રવ્યાપની વાર્તા જ્યારે સુલ્તાન મહંમદ બેગડાના સાંભળવામાં આવી એટલે તેણે તત્કાળ તે સમસ્ત અરણ્યને બાળી નાખવાની અને તે હિંસ્ર પશુઓને વીણીવીણીને મારી નાખવાની પોતાના બહાદુર તથા જવાંમર્દ સિપાહોને આજ્ઞા આપી દીધી. સુલ્તાનની આજ્ઞાનુસાર તે અરણ્યને બાળવાના તથા હિંસ્ર પશુઓને મારવાના કાર્યનો આરંભ તો થઈ ગયો; પરંતુ અરણ્યનો અર્ધ ભાગ પણ હજી ભાગ્યે જ બળ્યો હશે અને એવાં સો એક હિંસ્ર પ્રાણીઓ ભાગ્યે જ મરાયાં હશે એટલામાં ત્યાં એક મહાભયંકર, વિશાળકાય, ક્રૂરાત્મા અને પોતાની ગર્જનાથી મેઘની ગર્જનાની સ્પર્ધા કરનાર વનરાજ સિંહ અથવા કેસરીની ભૂમિ તથા આકાશને કંપાવનારી એક ભીષણતમ ગર્જના તે સિપાહો અથવા સૈનિકોના સાંભળવામાં આવી અને એ ગર્જનાને સાંભળતાની સાથે જ ગર્ભગળિત થઇને તેઓ પ્રાણરક્ષામાટે ત્યાંથી પલાયનનો પ્રયત્ન કરવા લાગ્યા; પરંતુ એટલામાં તો તે સિંહ પોતાની ગુહામાંથી બહાર નીકળી આવ્યો અને તત્કાળ તેણે પાંચપંદર સૈનિકોનો ઘાણ કાઢી નાખ્યો. એ સિંહ જો કે તે સ્થાનમાં ઘણા કાળથી વસતો હતો, પરંતુ અન્ય વનપશુઓની તે અરણ્યમાં વિપુલતા હોવાથી તેને પોતાનો આહાર ત્યાં જ મળી જતો હતો અને તેથી અરણ્યમાંથી બહાર નીકળીને તેણે મનુષ્યોને કદાપિ ત્રાસ આપ્યો નહોતો. હવે તે અરણ્યને બાળી નાખવાની ચેષ્ટા થવાથી એક તો તેનું નિવાસસ્થાન ઉઘાડું થઈ ગયું હતું અને તેના નિત્યના આહારરૂ૫ વનપશુઓનો પણ નાશ થવા માંડ્યો હતો એટલે તે સ્વાભાવિક જ એટલો બધો છેડાઈ ગયો હતો કે સૈનિકોને જોતાં જ તેમનાપર લપકતો હતો અને જ્યારે બે ચાર મનુષ્યોનાં રક્તમાંસ તેના ઉદરમાં જતાં હતાં ત્યારે જ તે તૃપ્ત અને શાંત થતો હતો. આ કારણથી અરણ્યને બાળવાનું તથા અન્ય હિંસ્ર પશુઓને મારવાનું કામ હાલ તરત મુલ્તવી રાખીને એ વિકરાળ વનરાજને મારવાનું કામ પ્રથમ હાથમાં લેવામાં આવ્યું અને તેને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પણ તેમાંનો એક પણ પ્રયત્ન સફળ થયો નહિ અને સિંહના પંજામાંથી નિત્ય પાંચ દસ મનુષ્યો આ સંસારમાંથી સદાને માટે સ્વર્ગમાં પ્રયાણ કરી જવા લાગ્યા. આથી સ્વાભાવિક જ અમદાવાદમાં હાહાકાર વર્તી ગયો અને લોકો 'ત્રાહિ ત્રાહિ' પોકારવા લાગ્યા.

જ્યારે એ કાળસ્વરૂપ સિંહને મારવામાટે કોઈ પણ સમર્થ ન થઈ શક્યો અને લોકોનો પોકાર અત્યંત વધી ગયો એટલે મહાશૂરવીર અને રણયોધ સુલ્તાન મહમ્મદ બેગડાએ પોતે જ તે સિંહને પોતાના હસ્તથી મારી નાખવાનો અને પોતાની પ્રજાને તેના ત્રાસથી સદાને માટે મુક્ત કરવાનો પોતાના મનમાં દૃઢ નિશ્ચય કરી લીધો. તેણે પોતાના સેનાપતિ (સિપાહસાલાર)ને એક દિવસ પોતાપાસે બોલાવીને અત્યંત ગંભીર ભાવથી કહ્યું કે: "મારા જંગબહાદુર સિપાહસાલાર, મને જણાવતાં અત્યંત શોક થાય છે કે મારા લશ્કરમાં આટ-આટલા બહાદુર સિપાહો હોવા છતાં એક અદનો શેર આજ સૂધી કોઈથી મરાયો નથી અને મારી રૈયતમાં આટલો બધો પોકાર થઈ ગયો છે. જો આવી રીતે મારી રૈયતનો પોકાર ચાલૂ રહે અને મારા હાથથી રૈયતના દુઃખને દૂર કરવાનો ઉપાય યથાસમય ન થાય, તો મારા નામને દાગ લાગે અને હું નામનો જ સુલ્તાન રહી જાઉં; એટલામાટે મેં એવો નિશ્ચય કરેલો છે કે કોઈ ૫ણ રીતે મારે પોતે જ એ શેરનો શિકાર કરીને મારી રૈયતના ત્રાસને ટાળવો અને રૈયતની દુઆ લેવી. આ સાહસમાં કદાચિત્ મારા જીવનું જોખમ થઈ જાય, તો પણ મને તેની પરવા નથી. આ કારણથી મારી તમને એવી આજ્ઞા છે કે આપણા લશ્કરમાંના ચુંટી કાઢેલા બે હજાર ઘોડેસવાર સિપાહીઓને આવતી કાલે સુબહમાં 'ભદ્ર' ના દરવાજાપર તૈયાર રાખજો અને હાથીખાનામાં મારા માવતને મારા હાથીને અંબાડી સહિત તૈયાર કરીને સવારમાં અહીં લાવવાનો હુકમ કહાવી દેજો. એ ઉપરાંત તે શેરના નિવાસસ્થાનને જાણનાર જંગલના ભોમીઆ પારધી તથા વાઘરીઓને પણ તૈયાર રાખજો કે જેથી તે શેરને શોધી કાઢતાં આપણને વધારે વિલંબ ન થાય. મારી રૈયત પીડાતી હોય અને આર્તનાદ કરતી હોય, તેવા સમયમાં અયશોઆરામ ભોગવતો હું મારા જનાનખાનામાં પડ્યો રહું અને રૈયતના દુઃખનિવારણનો પ્રયત્ન ન કરું, તો મારા સુલ્તાનપદનું ગૌરવ લેશ માત્ર પણ ન જળવાય, એ સર્વથા સ્વાભાવિક જ છે. અર્થાત્ રૈયતનું દુ:ખ તે મારું પોતાનું જ દુઃખ હોવાથી મારે રૈયતના સુખને સ્થાપવાનો યોગ્ય ઉદ્યોગ કરવો જ જોઈએ. જાઓ અને મારી આજ્ઞાના પાલનમાં રંચ માત્ર પણ પ્રમાદ ન થાય તેવી રીતે સર્વ પ્રબંધ કરી નાખો."

સિપાહસાલાર સુલ્તાનને નમન કરીને છાવણીમાં જવા માટે રવાના થયો અને ત્યાં ઘોડેસવાર સિપાહોને સુલ્તાનનું ફર્માન સંભળાવીને બીજા દિવસના પ્રભાતમાં 'ભદ્ર'ના દ્વાર સમક્ષ આવીને હાજર રહેવાની આજ્ઞા આપી દીધી. સુલ્તાનના માવતને પણ સુલ્તાનની આજ્ઞા પહોંચાડી દેવામાં આવી અને સિંહના શિકારમાટેની બાદશાહી સવારીની ધામધૂમથી તૈયારીઓ થવા લાગી. 'આવતી કાલે સુલ્તાન સલામત પોતે સિંહના શિકારમાટે જવાના છે!'. એ સમાચાર મધ્યાહ્ન થતાં સૂધીમાં તો સમસ્ત અમદાવાદમાં વ્યાપી ગયા, અને તેથી સર્વત્ર સુલ્તાનની પ્રજાવત્સલતાની એક્વાક્યતાથી પ્રશંસા થવા લાગી. ખેંગારજીના બજારમાં ગયેલા અનુચરોએ આ વાત સાંભળી અને તેમણે ઘેર આવીને એ વાર્તા ખેંગારજીને સંભળાવી. સુલ્તાન પોતે જ તે સિંહને મારવામાટે જવાના છે, એ વાર્તા ખેંગારજીના જાણવામાં આવતા જ તેના મનમાં એક વિશિષ્ટ આકાંક્ષાનો ઉદ્‌ભવ થયો અને તેથી તત્કાળ અલૈયાજીને પોતા પાસે બોલાવીને તે કહેવા લાગ્યો કે:−

"વડિલ બંધુ અલૈયાજી, મારી મનોદેવતા આજે મને એમ જ કહ્યા કરે છે કે: 'ખેંગાર, તું અમદાવાદના સુલ્તાનને પોતાના શૌર્યથી પ્રસન્ન કરવાના જે પ્રસંગની પ્રતીક્ષા કરે છે, તે પ્રસંગ આજે આવી લાગ્યો છે; એટલામાટે આ અલભ્ય પ્રસંગને હાથમાંથી જવા દઈશ નહિ અને તારા શૌર્યનું સુલ્તાનને આ પ્રસંગે સંપૂર્ણ દર્શન કરાવી દેજે; કારણ કે, તારા અત્યારના શૌર્યથી જ તારા ભાગ્યેાદયનો સમય નિકટ આવવાનો છે.' તો હવે આપનો એ વિશે શું અભિપ્રાય છે ?"

"ભાઈ, હું આપના આ સંદિગ્ધ સંભાષણના મર્મને સમજી શકતો નથી; તો કૃપા કરીને આપનો જે કાંઈ પણ આશય હોય, તે સ્પષ્ટતાથી કહી સંભળાવો એટલે પછી હું મારો જે અભિપ્રાય હશે, તે વિચાર કરીને દર્શાવીશ." અલૈયાજીએ કહ્યું.

અલૈયાજીના આ શબ્દો સાંભળીને ખેંગારજીએ પોતાના આશયને સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતાં કહેવા માંડ્યું કે:−

"આવતી કાલે પ્રભાતમાં સુલ્તાન પોતે પેલા વિકરાળ સિંહને મારવા માટે હાથીની અંબાડીમાં બેસીને બે હજાર ઘોડેસવારો ના લશ્કર સહિત જવાના છે, એ વાત તો આપના સાંભળવામાં પણ આવી ચૂકી હશે; એટલે મારી એવી આકાંક્ષા છે કે સિંહ૫રના એ બાદશાહી આક્રમણસમારંભમાં મારે પણ યોગ્ય કિંબહુના અગ્રેસર ભાગ લેવો અને જો પ્રસંગ મળે, તો તે ઉન્મત્ત સિંહને મારીને સુલ્તાનના અનુગ્રહને પાત્ર થવું. બાહુબળથી ભાગ્યપરીક્ષાનો આવો અવસર વારંવાર પ્રાપ્ત થવાનો નથી અને તેથી આ અવસરનો યોગ્ય લાભ લઈ લેવો, એ જ મારા માટે ઈષ્ટ છે. મને લાગે છે કે મારી ભાગ્યદેવી અવશ્ય મને આ સાહસકર્મમાં યશ અપાવશે અને તે યશના ૫રિણામે અવશ્ય મારી અન્ય આશાઓ પણ સફળ થઈ જશે."

ખેંગારજીના આ વિચારોને જાણીને અલૈયાજી કેટલીક વાર સૂધી તો આશ્ચર્યમાં પડી જતાં અવાક્ થઈ ગયો અને ત્યાર પછી શાંત તથા ગંભીર ભાવથી કહેવા લાગ્યો કેઃ “ભાઈ ખેંગારજી, આપના વિચારો જો કે એક વીર ક્ષત્રિયકુમારને શોભાવે તેવા જ છે; છતાં પણ આ સાહસકર્મમાં પ્રવૃત્ત થવામાટે અનુકૂળ અભિપ્રાય હું આપને આપી શકતો નથી; કારણ કે, એ સિંહ એવો તો ક્રૂર, વિકરાળ અને મરણિયો છે કે બંદૂકમાંથી વર્ષતા ગેળીઓના વર્ષાદની પણ ભીતિ રાખતો નથી અને મનુષ્યને જોતાની સાથે જ ઉન્મત્ત થઈને તેના શરીર પર તૂટી પડે છે; એટલામાટે જો આ સાહસ કરવા જતાં ક્યાંક આપના પ્રાણની હાનિ થઈ જાય, તો લેવાના દેવા થઈ પડે અને 'ક્યાં ગયા હતા તો કહે ક્યાંય નહિ' એ પ્રમાણનો ઘાટ આવીને ઊભો રહે. અર્થાત્ જો અન્ય કોઈ પ્રસંગે શૌર્ય બતાવો, તો તે એક જુદી વાત છે; આ પ્રસંગ શૌર્યને દર્શાવવાનો નથી. આપે હજી જામ રાવળ પાસેથી પિતૃહત્યાના વૈરનો બદલો લેવાનો છે અને કચ્છ રાજ્યના સિંહાસનને દીપાવવાનું છે, એનું કદાપિ વિસ્મરણ ન થવા દ્યો અને આવા સાહસમાં પડવા પૂર્વે કાંઈક વિચાર કરો.”

“પૂજ્ય ભ્રાતા, આપનો આ ઉપદેશ જો કે યોગ્ય છે, છતાં પણ મારે એટલું તો કહેવું જ જોઈએ કે મરણના ભયથી જો ક્ષત્રિયો આવા સાહસમાં પ્રવૃત્ત થતા અટકી જાય, તો પછી તેઓ શત્રુ સાથેના ભયાનક યુદ્ધમાં પ્રાણોપર ઉદાર થઈને કેવી રીતે ઝૂંઝી શકે, એ એક પ્રશ્ન છે ? શૌર્ય દર્શાવતાં જો મરણ આવે, તો તે ક્ષત્રિયોમાટે તો એક અલૌકિક ગૌરવનો વિષય મનાય છે, એ આપ નથી જાણતા કે શું ? એ મારા ભાગ્યમાં આપણા જનકની હત્યાના વૈરનો શત્રુ પાસેથી બદલો લેવાનો તથા કચ્છરાજ્યના સિંહાસનને શોભાવવાનો યોગ લખાયેલો હશે, તો સિંહને મારવાના આ સાહસકર્મમાં મારો વાળ પણ વાંકો થવાનો નથી અને અવશ્ય મારો વિજય થશે, એ આપે નિશ્ચયપૂર્વક માની લેવાનું છે; જો મરણ થવાનું હશે, તો તે કોઈ પણ નિમિત્તે થશે જ; કારણ કે, કાળના આઘાતને અટકાવવાનું સામર્થ્ય કોઈમાં છે જ નહિ. વળી ધારો કે, કદાચિત્ મારું મરણ થઈ જાય, તે પણ સાયબજી તથા રાયબજી શત્રુ પાસેથી વૈરનો બદલો લેનાર જીવતા બેઠા છે એટલે એ વિષયથી પણ મારે અધિક ચિન્તા રાખવાની નથી. મારાં પત્નીએ પણ મને આ સાહસકર્મમાં પ્રવૃત્ત થઈને ભાગ્ય પરીક્ષા કરવાની અનુમતિ આપી દીધી છે એટલે હવે માત્ર આપની અનુમતિની જ આવશ્યતા છે.”

ખેંગારજીની આવી દૃઢતાને જોઈને અલૈયાજીએ જાણી લીધું કે ખેંગારજી કોઈ પણ ઉપાયે પોતાના નિશ્ચયથી ચળે તેમ નથી અને તેથી હવે ખેંગારજીના જીવનરક્ષણનો ભાર પરમાત્માના શિરપર નાખી દઈને વિશેષ આગ્રહ ન કરતાં તેણે ખેંગારજીને એ વિષયમાં તેની ઇચ્છા અનુસાર વર્તવાની આનન્દથી અનુમતિ આપી દીધી. ખેંગારજી અત્યંત પ્રસન્ન થયો અને અલૈયાજીના ગમન પછી તત્કાળ તેણે સિંહના સંહારસમારંભમાં જવામાટેની યોગ્ય તૈયારીઓ કરવા માંડી.

* * * * *

પ્રભાત થવા પૂર્વે જ ઉષઃકાળમાં નિદ્રામાંથી જાગ્રત થઈને ખેંગારજી તથા સાયબજીએ નિત્યકર્મથી મુક્ત થઈ સ્નાનાદિ કરી પોતાનાં શરીર પર કવચ ધારી લીધા. ખેંગારજીએ દેવીની આપેલી સાંગને પોતાના દક્ષિણ બાહુમાં ઉપાડી લીધી અને બીજાં શસ્ત્રો પણ ધારણ કરી લીધાં. સાયબજીએ પણ ઢાલ, તલ્વાર, ધનુષ્ય બાણ તથા નાલિકા આદિ શસ્ત્રાસ્ત્રોવડે પોતાના શરીરને શૃંગાર્યું અને ત્યાર પછી ઉભય ભ્રાતાઓ પોતપોતાના અશ્વપર આરુઢ થઈને પોતાની પત્ની તથા દાસદાસીઓને પ્રણામ કરી તેમના આશીર્વાદોને સ્વીકારીને 'ભદ્ર' ભણી જવાને વીરવેષથી રવાના થઈ ગયા. જ્યારે તેઓ 'ભદ્ર'ના દ્વારપાસે આવી પહોંચ્યા ત્યારે ત્યાંની સૈન્યરચનાને તથા ત્યાંની તૈયારીને જોઈને તેઓ આશ્ચર્યચક્તિ થયા અને તેમનાં તેજસ્વી મુખમંડળોને જોઈને અન્ય જનો આશ્ચર્યમુગ્ધ થવા લાગ્યાં. અર્થાત કેટલીક વાર સુધી ત્યાં પરસ્પર આશ્ચર્યનો વ્યાપાર ચાલી રહ્યો.

'ભદ્ર'ના દ્વાર સમક્ષ સુલ્તાનના બે હજાર ઘોડેસવાર સિપાહો પંકિતબદ્ધ થઈને ઊભા હતા અને સુલ્તાનનો અંબાડીદાર હાથી પોતાની દૃષ્ટિને 'ભદ્ર'ના દ્વારમાં સ્થિર કરીને સુંઢને હીલવતો ઊભેલો હોવાથી જાણે પોતાના સ્વામી સુલ્તાનના આગમનની તે આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યો હોયની ! એવો જ ભાસ થતો હતો. સૈનિકોના અગ્રભાગમાં અને સુલ્તાનના હાથીની પાસે સિપાહસાલાર પોતે પોતાના અરબી અશ્વને લગામથી કાબુમાં રાખવાની ચેષ્ટા કરતો ઊભો હતો; વાદ્યવાદકો પણ હાજર હતા અને એક ઘોડેસવાર ઇસ્લામની અર્ધચંદ્રચિન્હાંકિત પતાકાને હસ્તમાં ધારણ કરેલી હતી. શેરના શિકારમાટે જનારી સુલ્તાનની એ સવારીના સમારંભને જોવામાટે ત્યાં એકત્ર થયેલા નાગરિકોની પણ એટલી બધી ભીડ જામી ગઈ હતી કે જો એક બાજૂથી થાળીને ચક્રાકાર ફેરવી નાખી હેય, તો તે ફરતી ફરતી મનુષ્યોનાં શિરપરથી જ બીજી બાજુએ નીકળી જાય, પણ તેને ભૂમિનો સ્પર્શ થઈ શકે નહિ. કેટલાક સમય એવી રીતે વીત્યા પછી ચોબદારે નેકી પુકારીને સુલ્તાનના આગમનની સુચના આપી, સુલ્તાન આવ્યો અને સર્વ સૈનિકો તથા સેનાપતિ એ શસ્ત્રો નમાવીને તેને માન આપ્યું; હાથીને બેસાડીને માવતે સીડી માંડી દીધી એટલે તેપર ચઢીને સુલ્તાન અંબાડીમાં બેઠો અને અત્યારે તેણે વીરોચિત પોષાક ધારણ કરેલો હોવાથી તેના બેસવાથી હાથીને પણ શોભાની પ્રાપ્તિ થવા લાગી. અર્ધચંદ્રચિન્હાંકિત પતાકાનો વાહક અગ્રભાગમાં ચાલવા લાગ્યો, તેની પાછળ વાઘવાદકો અને એક હજાર સવારો ચાલવા લાગ્યા, તે પછી સેનાપતિ તથા સુલ્તાનનો હાથી ચાલતા હતા અને બાકીના એક હજાર સૈનિકો પાછળ ચાલ્યા આવતા હતા. ખેંગારજી અને સાયબજી પોતાના અશ્વોને સુલ્તાનના હાથીની બે બાજુએ રાખીને ચાલ્યા જતા હતા. આવા સમારંભથી સુલ્તાન બેગડાની સવારી 'ભદ્ર'ના દ્વારમાંથી નીકળીને નદીની દિશામાં ચાલવા લાગી અને નદીને ઓળંગ્યા પછી બહુ જ અલ્પ સમયમાં એ સવારી જે અરણ્યમાં તે વિકરાળ સિંહનો નિવાસ હતો, તે અરણ્યના સીમાપ્રાંતમાં આવી પહોંચી. ત્યાર પછી ધીમે ધીમે સુલ્તાનની સવારીએ અરણ્યના આંતરિક ભાગમાં પ્રવેશ કરવા માંડ્યો.

«»«»«»