કચ્છનો કાર્તિકેય/વિપત્તિના મેઘોની એક નવીન ઘટા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અહમ્મદાબાદમાં નિવાસ કચ્છનો કાર્તિકેય
વિપત્તિના મેઘોની એક નવીન ઘટા
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
અમદાવાદમાં હાહાકાર →


સપ્તમ પરિચ્છેદ
વિપત્તિના મેઘોની એક નવીન ઘટા !

"કેવળ મારા પરમપ્રતિસ્પર્ધી જામ હમ્મીરની હત્યાનું કાર્ય જ મારી ઈચ્છા અનુસાર નિર્વિધ્ન પાર પડ્યું; પરંતુ ત્યાર પછીનાં મારી સર્વ કાર્યો મારી ઈચ્છાથી ઉલટાં થતાં જાય છે; મારા ભાગ્યમાં છિદ્ર પડેલાં દેખાય છે. જામ હમ્મીરના બે કુમારો ખેંગારજી અને સાયબજી મારા હાથમાંથી આબાદ છટકી ગયા છે અને રાયબજી પણ તેના મોશાળમાં સુરક્ષિત હોવાથી મારા હાથમાં આવી શકે તેમ નથી. જો જામ હમ્મીર સાથે તેના એ ત્રણે રાજકુમારોના પ્રાણનો પણ નાશ થઈ ગયો હોત, તો પર્વત પ્રમાણે મારી સત્તા આ કચ્છદેશમાં અચલ થઈ ગઈ હોત અને અંતરિક્ષમાં જેવી રીતે વાયુ અવ્યાહત સંચાર કરે છે, તેવી રીતે મારી સત્તા પણ અવશ્ય સર્વત્ર સંચારિણી થઈ શકી હોત ! પરંતુ અફસોસ; મારા શત્રુના તે કુમારો મારા હાથમાંથી છટકી ગયેલા હોવાથી એક કેદખાનામાં પૂરાયેલા અથવા તો જેના પગોને ભાંગી નાખેલા હોય છે, તેવા મનુષ્ય જેવી જ મારી સર્વથા દયાજનક દશા થઈ પડી છે ! કદાચિત્‌ ખેંગારજી, સાયબજી અથવા રાયબજી આ રાજ્ય અને આ સતાને મારી પાસેથી છીનવી લેશે, તો ? આ શંકા અને આ ભીતિથી દિવસ અને નિશા મારા હૃદયને ત્રાસ તથા અશાંતિનો સાક્ષાત્કાર થયા કરે છે. મારામાટે સુખ પણ નથી અને વિશ્રામ પણ નથી. આવા ભયંકર રાજ્યસુખ કરતાં તો જેમાં ચિત્તાનો ભાસ માત્ર પણ નથી એવો અંતકાળ આવીને મને આ સંસારમાંથી સદાને માટે લઈ જાય, તે જ વધારે સારું છે ! !"

જામ રાવળ પોતાના મહાલયમાંના એક ભાગમાં પોતાના વિશ્વાસપાત્ર રાજકર્મચારીઓ તથા શુભેચ્છકોની ગુપ્ત સભા ભરીને બેઠો હતો; ચામુંડરાજ તથા શિવજી આદિ પણ એ ગુપ્ત સભામાં હાજર હતા; મદિરા તથા કસૂંબાના પાનનો વ્યવસાય ચાલી રહ્યો હતો; બે ખવાસણો જામ રાવળને મદિરા પાતી અને પંખાવડે હવા નાખતી 'ખમ્મા ખમ્મા' કરતી ઊભી હતી; બે ત્રણ ખવાસો બાપૂના મોઢામાંથી પડતા બોલને ઝીલી લેવામાટે હાથ જોડીને હુજૂરીમાં હાજર ઊભા હતા અને નાનાપ્રકારની વાર્તાઓ ચાલી રહી હતી એવામાં જામ રાવળના મુખમંડળમાં નિરાશાની કાલિમા વિસ્તરી ગઈ અને તેના મુખમાંથી ઉપર્યુક્ત નિરાશાજનક ઉદ્‌ગારો અચિંત્ય નીકળી પડ્યા.

જામ રાવળના આવા નિરાશાજનક અથવા નિરાશાદર્શક ઉદ્‌ગારોના શ્રવણથી પ્રથમ તો એ ગુપ્ત સભામાં ભયંકર મૌન કિંવા નિઃસ્તબ્ધતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું અને કેટલીક વાર સૂધી કોઇના મુખમાંથી એક પણ શબ્દ બહાર ન નીકળ્યો. કેટલીક વાર પછી ચામુંડરાજ મૌનનો ભંગ કરીને ગંભીરતાથી કહેવા લાગ્યો કેઃ "અન્નદાતા, જામ હમ્મીરની હત્યા કરી નાખ્યા પછી તેમના કુમારોને પકડીને આપણી તલ્વારોના શિકાર બનાવવામાટે આપણે કાંઈ થોડા ઘણા અથવા જેવા તેવા પ્રયત્નો તો નથી જ કર્યા; છતાં પણ તેઓ આપણા પંજામાંથી છટકી ગયા છે, તો એ આપણો દોષ નથી; કારણ કે, 'यत्ने कृते यदि न सिध्यति कोऽत्र दोषः' એ ન્યાય વિશ્વવિખ્યાત છે અને તેથી હવે એ વિષયની ચિન્તા રાખવી સર્વથા નિષ્પ્રયોજન છે. અત્યારે આપ શ્રીમાન્‌ કચ્છદેશના સર્વસત્તાધીશ અને સ્વતંત્ર ભૂપાલ છો એટલે હવે આપની પાસેથી આ કચ્છદેશની રાજસત્તા તેઓ આવીને છીનવી લે, એ કદાપિ બની શકે તેમ નથી; કારણ કે, કચ્છરાજ્યની રાજલક્ષ્મી, રાજસત્તા અને રાજસેના આદિ સર્વ આપના અધિકારમાં છે; આસપાસના કેટલાક રાજાઓ આપના મિત્ર છે અને આપની સત્તાનો પાયો આ ભૂમિમાં દિવસાનુદિવસ વધારે અને વધારે દૃઢ થતો જાય છે એટલે આવા ભયને હૃદયમાં સ્થાન આપવાનું કાંઈ પણ પ્રયોજન નથી. ખેંગારજી, સાયબજી તથા રાયબજી કાં તો રખડી રઝળીને ક્યાંક મરી ગયા હશે અને કદાચિત્ જીવતા હશે, તો પણ તેઓ સાધનહીન, દીન અને દરિદ્ર હોવાથી મૃતસમાન છે અને મૃત મનુષ્યોથી ભયભીત થવું, એ વીરપુરુષનો સ્વભાવ નથી. હવે તો સર્વ ભય તથા ચિન્તાઓને ત્યાગીને રાજવૈભવને સ્વચ્છંદતાથી ભોગવો અને આનન્દવિલાસમાં નિમગ્ન રહો; કારણ કે, જીવનની સાર્થકતાનો સત્ય માર્ગ એ જ છે.”

ચામુંડરાજની એવી ધારણા હતી કે આવા પ્રકારના ઉપદેશથી જામ રાવળના સંતપ્ત હૃદયને આશ્વાસન મળશે અને તેના હૃદયમાં તત્કાળ આનન્દવિકારનો અધિકાર જામી જશે, પરંતુ તેની એ ધારણા સફળ ન થઈ શકી; કારણ કે, તેના આ ઉપદેશથી તો જામ રાવળની મુખમુદ્રામાં અધિકતર ગંભીરતાનો આવિર્ભાવ થયો અને વળી પણ તે પૂર્વવત્ નિરાશાને દર્શાવતો જ કહેવા લાગ્યો કે: "ચામુંડરાજ, મારા પરમવિશ્વાસપાત્ર સેનાધ્યક્ષ, આપણે આ કચ્છદેશનું રાજ્ય મેળવીને સર્વથા નિર્ભય થઈ ગયા છીએ અને ખેંગારજી, સાયબજી તથા રાયબજી જીવતા હોવા છતાં પણ સાધનહીન હોવાથી આપણા માટે તેમનાથી ડરવાનું કાંઈ પણ કારણ છે જ નહિ; એવી જ જો તમારી ધારણા હોય, તો તે તમારી ધારણા ખોટી છે, એમ જ મારે નિરુપાય થઇને કહેવું પડે છે; કારણ કે, તેઓ ગમે તેવા પણ ક્ષત્રિયકુમાર હોવાથી સિંહના બાળકો છે અને ચગદાયલો સર્પ જેવી રીતે વૈરના પ્રતિશોધ વિના કદાપિ શાંત થતો નથી, તે જ પ્રમાણે જો તેઓ જીવતા હશે, તો વૈરના પ્રતિશોધનો અવશ્ય પ્રયત્ન કરશે, એમ મારી મનોદેવી મને વારંવાર કહ્યા કરે છે. વળી તેઓ અદ્યાપિ મરી ગયા નથી, પણ જીવતા જ છે, એવા સમાચાર પણ મને મળી ચૂક્યા છે. ગુજરાતમાં જઈ આવેલા કેટલાક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ખેંગારજી તથા સાયબજી અમદાવાદમાં છે; કારણ કે, તેઓ તેમને ત્યાં જોઈ આવ્યા છે. જો કે ગુજરાતમાં જઈ આવેલા એ લોકો નિશ્ચયાત્મક કાંઈ પણ જણાવી શક્તા નથી, પરંતુ તેમણે જે બે કુમારોને ત્યાં જોયા છે. અને તેમનું જે વર્ણન તેઓ કરી સંભળાવે છે, તે વર્ણનથી તો એમ જ જણાય છે કે તેઓ ખેંગારજી તથા સાયબજી જ હોવા જોઈએ અને તેઓ અમદાવાદમાં જઇને રહ્યા હોય તો તે સંભવનીય પણ છે; કારણ કે, જામ હમ્મીરની રખાત રાજબાની પુત્રી કમાબાઈ અમદાવાદના સુલ્તાન મહમ્મદ બેગડાને આપેલી છે અને રાજબાનો પુત્ર અલૈયાજી પણ અમદાવાદમાં પોતાની બહેન પાસે રહે છે, એ તો તમે સારી રીતે જાણો જ છો. અર્થાત્ અલૈયાજીદ્વારા કમાબાઇને અને કમાબાઈદ્વારા સુલ્તાન બેગડાને પોતાના પક્ષમાં લઈ તેની પાસેથી જોઈતી સહાયતા મેળવીને જો ખેંગારજી તથા સાયબજી મારી સાથે યુદ્ધ કરવા માટે આવવાની તૈયારી કરે, તો તે સર્વથા શક્ય છે અને જો તેઓ બેગડાના સૈન્ય સહિત કચ્છરાજ્યપર આક્રમણ કરે, તો આપણામાટે અવશ્ય તેમના પરાજયનું કાર્ય વિચારભરેલું થઈ પડે, એ પણ સર્વથા નિર્વિવાદ છે અને એટલામાટે જ મારું મન આજકાલ આટલું બધું ચિંતામગ્ન, શોકાતુર તથા નિરાશ રહ્યા કરે છે. આ ચિંતાથી મુક્ત થવાનો યોગ્ય ઉપાય જ્યાં સૂધી ન યોજાય, ત્યાં સૂધી ચિંતામુક્ત ન થઈ શકાય, એ સર્વથા નૈસર્ગિક જ છે.”

અહીં જણાવવાની ખાસ અગત્ય છે કે જામ રાવળની એ ગુપ્ત સભામાં કેવળ 'હા જી હા'ના મહામંત્રથી પોતાના જીવનશકટને યથેચ્છ દિશામાં ચલાવનારા અને એ જ મહામંત્રથી મોટા મોટા રાજકર્મચારી તરીકે પ્રકાશમાં આવેલા ખુશામદી ટટ્ટુઓનો જોઈએ તેવો સુકાળ હતો અને તે ખુશામદી ટટ્ટુઓનો કેવળ:–

“ખુશામદહીસે આમદ હય, બડી ઇસલિયે ખુશામદ હય;
મહારાજને કહા એક દિન, બૈંગન બડા બુરા હય.
હમને ઝટ કહ દિયા, તભી તો બેગુન નામ પડા હય;
ખુશામદસે સબ કુછ રદ હય, બડી ઇસલિયે ખુશામદ હય.
મહારાજ કુછ દેરમેં બોલે, બૈંગન તે અચ્છા હય;
હમને ભી ઝટ કહા તભી તો સરપર મુકુટ ધરા હય.
ખુશામદકી ભી કુછ હદ હય, બડી સબસે ખુશામદ હય;
સ્વામી દિનકો રાત કહેં, તો હમ તારે ચમકા દેં.
યદી રાતકો દિન કહેં તો હમ સુરજ ભી દિખલા દેં;
ખુશામદમેં ઇતના મદ હય, બડી ઈસલિયે ખુશામદ હય !*"[૧]

આ જ અષ્ટૌપ્રહરનો ધર્મ અને નિત્યપાઠ હોવાથી તેઓ જામ રાવળના વિચારો જે પક્ષમાં જાય, તે જ પક્ષના પ્રતિપાદક થઈ જતા હતા. પોતાના એ મહાધર્મ ખુશામદને અનુસરીને જામ રાવળના એ ઉદ્‌ગારો નીકળતાં જ તેના એ ઉદ્‌ગારોને પુષ્ટિ તથા અનુમોદન

  1. *આ ગાયન નવી આલ્ફ્રેડ નાટક મંડળીના પંડિત રાધેશ્યામ કવિરત્નકૃત 'વીર અભિમન્યુ' નાટકમાંથી લેવામાં આવ્યું છે.

આપતા તેઓ એકસ્વર તથા એકવાક્યતાથી બોલી ઊઠ્યા કે: “મહારાજનું કથન યથાર્થ છે, અક્ષરશ: સત્ય છે ! જો ખેંગારજી તથા સાયબજી સાંભળવા પ્રમાણે અમદાવાદમાં હોય અને સુલ્તાન બેગડાની સહાયતાથી કચ્છદેશ પર સૈન્ય સહિત ચઢી આવે, તો આપણે કોઈ પણ પ્રકારે નિર્ભય નથી. અર્થાત્ એ કાંટાઓને આપણા માર્ગમાંથી છાંટી નાખીને જો આપણા માર્ગને નિષ્કંટક કરવાનો યથાસમય યોગ્ય ઉપાય યોજાય, તો જ આપણી નિર્ભયતારૂ૫ ઈમારતનો પાયો દૃઢ થાય. !”

માત્ર લુહાણો શિવજી અદ્યાપિ કોઈ પણ પ્રકારનો અભિપ્રાય દર્શાવ્યા વિના તટસ્થ વૃત્તિથી મૌન ધારીને બેસી રહ્યો હતો; કારણ કે, યોગ્ય પ્રસંગ આવ્યા વિના કાંઈ પણ બોલવાનો પ્રથમથી જ તેનો મનોભાવ નહોતો.

ચામુંડરાજ પણ એક પ્રપંચપરાયણ, કુટિલનીતિવિશારદ અને પ્રસંગાનુસાર વેષપરિવર્તક હોવાથી સભાના બદલાયેલા રંગને નિમેષ માત્રમાં ઓળખી ગયો અને તેથી પોતે પણ જામ રાવળના અભિપ્રાયને અનુકૂળ થઈને બોલ્યો કેઃ “જો વસ્તુસ્થિતિ આવી જ હોય, તો તો પછી આ દુઃખ તથા ચિન્તાથી નિવૃત્ત થવામાટેનો કોઈ પણ યોગ્ય ઉપાય આપણે સત્વર જ યોજવો જોઈએ.”

“પરંતુ અમદાવાદમાં આપણી રાજસત્તાનો વિસ્તાર નથી અને તેથી જો ખેંગારજી તથા સાયબજી ત્યાં હોય, તો તેમના જીવન નાટકની ગુપ્ત રીતિથી જ સમાપ્તિ થઈ જાય, એવા કોઈ ઉપાયને યોજવાની આવશ્યકતા છે; નહિ તો ક્યાંક આપણા ટાંટિયા આપણા ગળામાં જ આવી જાય, તો બહુ ભૂંડી થઈ કહેવાય !” જામ રાવળે કહ્યું.

"ત્યારે તો પ્રથમ આપણે આપણા બે ગુપ્ત દૂતોને અમદાવાદ મોકલીને એ નિશ્ચય કરી લઈએ કે, ખેંગારજી તથા સાયબજી ત્યાં છે કે નહિ; જો તેઓ ત્યાં છે, એવો આપણો નિશ્ચય થઈ જાય, તો પછી તેમને ગુપ્ત રીતે મારી નખાવવાનો આપણે યોગ્ય પ્રબંધ કરીશું.” ચામુંડરાજે કાર્યને લાંબી મુદ્દતપર ધકેલી દેવાના ઉદ્દેશથી કહ્યું.

પરંતુ જામ રાવળ એ વિશે પોતાના વિરોધને દર્શાવતો કહેવા લાગ્યો કે : “અહીંથી આપણે ગુપ્તચરોને મોકલીએ, તેઓ ત્યાંના સમાચાર લઈને પાછા અહીં આવે અને ત્યાર પછી ખેંગારજી તથા સાયબજીને મારી નાખવાનો પ્રબંધ કરી આપણે બીજા મનુષ્યને રવાના કરીએ, તેટલામાં તો એક વર્ષ જેટલો દીર્ઘ કાળ વીતી જાય અને તેટલા સમયમાં તો કદાચિત્ જો તેઓ ત્યાં જ હોય, તો સુલ્તાનની સહાયતા મેળવીને આપણી સાથેના યુદ્ધનો આરંભ પણ કરી દે. આ કારણથી મારો એવો અભિપ્રાય છે કે ચામુંડરાજ, આપણા ચાર પાંચ અત્યંત વિશ્વાસપાત્ર રાજકર્મચારીઓને લઈને તમો પોતે જ ગુપ્ત વેષથી અમદાવાદ ભણી જવાને આવતી કાલે જ રવાના થાઓ, ત્યાં તેમની યોગ્ય તપાસ કરો અને જો તેઓ ત્યાં હેાય, તો કોઈ પણ ઉપાયે, કોઈ પણ જોખમે અને ગમે તેટલા ધનના ભોગે તેમનો નાશ કરાવી નાખો. માત્ર એ કાર્ય કરતાં આપણો ભેદ પ્રકાશમાં ન આવી જાય અને તમારાં જીવન ભયમાં ન આવી પડે, એની તમારે બહુ જ સંભાળ રાખવી અને અવિચારથી સાહસકર્મ ન કરવું. જો તેઓ અમદાવાદમાં ન હોય અને તેમના કોઈ અન્ય સ્થાનમાં હોવાનો પત્તો તમને અચાનક ક્યાંકથી મળી જાય, તો તે સ્થાનમાં જઈને તેમના નાશમાટેના યોગ્ય પ્રયત્નો કરજો; પણ કાર્યની સિદ્ધિ થયા વિના પાછા અહીં આવશો નહિ. તમને જોઈએ તેટલું ધન અને અન્ય સાધન લઈ જાઓ; પણ કાર્યની સિદ્ધિ કરી બતાવો.”

આટલી વાર સૂધી મૌન ધારીને વિચારમગ્ન અવસ્થામાં બેઠેલો લુહાણો શિવજી બોલવાના પ્રસંગને આવેલા જોઈને નમ્રતાથી જામ રાવળને ઉદ્દેશીને પ્રાર્થનાના રૂપમાં કહેવા લાગ્યા કેઃ “મહારાજાધિરાજ, અમારા મુકુટમણિ અને અમારા અન્નદાતા, આપણા રાજનિષ્ઠ, શૂરવીર તથા ઉદારાત્મા સેનાધ્યક્ષ ચામુંડરાજ સાથે આ દાસને પણ જો અમદાવાદ જવાની આજ્ઞા આપશો, તો આ દાસપર આપ શ્રીમાનનો અત્યન્ત આભાર થશે; કારણ કે, આ પ્રસંગે આપ શ્રીમાનની સેવા બજાવીને કૃતકૃત્ય થવાની મારી પરમ આકાંક્ષા છે. જો ખેંગારજી અને સાયબજી અમદાવાદમાં હશે, તો હું અવશ્ય તેમને ગમે ત્યાંથી પણ ખોળી કાઢીશ અને તેમનો એવી તો દક્ષતાથી ઘાત કરી નાખીશ કે જમણા હાથથી થયેલા કૃત્યની ડાબા હાથને પણ જાણ ન થાય ! મારા હૃદયમાં એવી આશા છે કે જો આપ શ્રીમાનના આ કાર્યની મારા હસ્તથી સિદ્ધિ થશે, તો મને ઈનામમાં મોટી જાગીર મળશે, હું કોઈ મોટી પદવીનો અધિકારી થઇશ અને મારું દારિદ્રય સદાને માટે ટળી જશે ! અર્થાત્ એ આશાથી હું આ કાર્ય મારા જીવના જોખમથી પણ સિદ્ધ કરીશ, એ આપ નિશ્ચયપૂર્વક માનશો.”

જામ રાવળના હૃદયમાં શિવજીની એ પ્રાર્થનાનું તેની ધારણા પ્રમાણેનું જ પરિણામ થયું અને તેથી જામ રાવળ તેને ધન્યવાદ આપતા કહેવા લાગ્યો કે: “ધન્ય છે, શિવજીભાઇ, તમારી રાજભક્તિને ! ખરેખર રાજનિષ્ઠા તો આવી જ હોવી જોઈએ. હું તમને ચામુંડરાજ સાથે અમદાવાદ જવાની આનંદથી અનુમતિ આપું છું અને જો મારા આ કાર્યની સિદ્ધિ તમારા હસ્તથી થશે, તો તમને તમારી ઇચ્છા પ્રમાણેનાં સર્વ પારિતોષિકો અવશ્ય મળશે, એમાં લેશ માત્ર ૫ણ શંકા નથી. ”

"મહારાજની આ દાસપર જે આટલી સીમા પર્યન્ત કૃપાદૃષ્ટિ છે, તે પણ કાંઈ જેવું તેવું પારિતોષિક તો ન જ કહી શકાય; કારણ કે, અન્ય સર્વ પારિતોષિકોનું આદિકારણ તો એ જ છે.” શિવજીએ ખુશામદની છટાનું દર્શન કરાવીને એ શબ્દો ઉચ્ચાર્યા.

એ પછી જ્યારે જામ રાવળે ખુશામદી ટટ્ટુઓમાંના બીજા ચાર રાજકર્મચારીઓને ચામુંડરાજ સાથે અમદાવાદ જવાની આજ્ઞા સંભળાવી એટલે ઔપચારિક વિધિથી તો તેમણે તેની તે આજ્ઞાને બાહ્ય પ્રસન્નતા દર્શાવીને તત્કાળ મસ્તકે ધારણ કરી લીધી; પરંતુ તેઓ અંતઃકરણમાં એટલા બધા શોકાતુર તથા નિરાશ થઈ ગયા કે તેમના તે શોક તથા તેમની તે નિરાશાનાં ચિન્હો તેમનાં મુખમંડળોમાં પણ વ્યક્ત થવા લાગ્યાં; કારણ કે, એ સર્વ કેવળ 'હાજી હા'નો પાઠ ભણી આવી પ્રજાને ગમે તેમ પીડી, પરધન તથા પરદાર આદિનો અપહાર કરી, પોતાના વિશ્રામભવનમાં પડ્યા પડ્યા નાના પ્રકારના ઉપભોગોને ભોગવનારા ઇન્દ્રિયલોલુપ, સ્વાર્થપરાયણ તથા પરિશ્રમભીરુ પુરુષ કિંવા ખરી રીતે કહીએ તો કાપુરુષ જ હતા અને તેથી જામ રાવળની આ આજ્ઞાથી પ્રવાસના અગાધ પરિશ્રમોનો વિચાર આવતાં તેમનાં ગાત્રો એ ક્ષણેજ ગળી જવા લાગ્યાં હતાં. 'કામના ન કાજના; દુશ્મન અનાજના' એ કહેવત જે લોકોને લાગૂ પડે છે, તે લોકોમાંના જ એ રાજકર્મચારીઓ પણ હતા, એ નવેસરથી કહેવાની કે લખવાની આવશ્યકતા નથી. પ્રવાસના પરિશ્રમોને સહન કરવાની શક્તિનો તેમનામાં સર્વથા અભાવ હોવાથી જો કે તેમની અમદાવાદ જવાની આંતરિક ઈચ્છા લેશ માત્ર પણ નહોતી, છતાં પણ જામ રાવળના ભયથી અમદાવાદ જવા વિના કોઈ પણ પ્રકારે તેમનો છૂટકો નહોતો અને તેથી તેઓ જામ રાવળની આજ્ઞા લઇને પ્રવાસની તૈયારી કરવામાટે ત્યાંથી રવાના થઈ ગયા. તેમના ગમન પછી ચામુંડરાજ તથા શિવજી ૫ણ સભામાંથી પ્રયાણ કરી ગયા અને અન્યાન્ય સભાસદો પણ રવાના થવાથી એ ગુપ્ત સભાનું લગભગ મધ્યરાત્રિના સમયમાં વિસર્જન થઈ ગયું.

અસ્તુ: હવે અહીં જે એક અન્ય શંકા ઉપસ્થિત થાય છે તે એ છે કે, ભીયાં કક્કલના ગ્રામમાં જે વેળાયે ઘાસની ગંજીઓ (કાલર) છુપાયેલા ખેંગારજી તથા સાયબજીને, તેમના ભેદને જાણવા છતાં પણ, શિવજીએ જાણી જોઇને જામ રાવળના પંજામાંથી બચાવ્યા હતા, તે વેળા એ શિવજી બીજો હતો અને આજે તે જ ખેંગારજી તથા સાયબજીને મારી નાખવામાટેનું બીડું ઝડપીને અમદાવાદ જવામાટે તૈયાર થયેલો શિવજી બીજો હતો ? અથવા તો શિવજીની તે સમયની ભાવના બીજી હતી અને અત્યારની ભાવના બીજી હતી ? શું તે સમયનો દયાળુ, અનુકંપાશીલ, ન્યાયપરાયણ અને નિસ્પૃહ શિવજી અત્યારે પિશાચના પ્રપંચજાળમાં કિંવા માયાના મોહજાળમાં સપડાઈને દયાહીન, અનુકંપારહિત, અન્યાયપરાયણ અને સ્વાર્થલોલુપ થતાં ધર્મ તથા અધર્મ, નીતિ તથા અનીતિ અને સત્કર્મ તથા કુકર્મના વિવેકને સર્વથા ભૂલી ગયો હતો અને પાપના પંકમાં અવિચારથી ડુબી ગયો હતો ? આ શંકાના સમાધાનમાં અમો કેવળ એટલું જ જણાવી શકીએ તેમ છીએ કે કેટલીક વાર અત્યંત અધર્માચારી પુરુષો કોઈ એક કારણથી ક્ષણ માત્રમાં જ પરમ ધર્માત્મા થઈ જાય છે અને કેટલીક વાર પરમધાર્મિક પુરુષ પણ માયામોહનીમાં સપડાઈને અધર્મ તથા પાપના અનન્ય ઉપાસક બની જાય છે એટલે શિવજીના હૃદયનું પણ જો એવા કોઈ કારણથી અચાનક પરિવર્તન થઈ ગયું હોય, તો તેમાં વિશેષ આશ્ચર્ય પામવા જેવું કાંઈ પણ નથી. છતાં પણ અત્યારે, શિવજી અવશ્ય પાપાત્મા જ થયો હતો, એમ નિશ્ચયપૂર્વક તો આપણાથી કહી શકાય તેમ નથી; કારણ કે, કેટલીક વાર એવો પ્રસંગ આવી પડે છે કે જે પ્રસંગે મનુષ્યને પોતાની વાણી અને ભાવનાને અથવા તો વાચા અને કૃતિને ભિન્ન કરી નાખવી પડે છે. અર્થાત્ ભવિષ્યમાં શિવજીના હસ્તથી જે કૃતિ થશે, તે કૃતિના આધારે આપણાથી તેની પાપિષ્ઠતા કિંવા ધર્મશીલતાનો નિર્ણય કરી શકાશે, એ કારણથી અત્યારે તો એ વિષયમાં મૌનને ધારણ કરી લેવામાં જ અધિક સાર સમાયલો છે.

બીજે દિવસે ચામુંડરાજ, શિવજી અને અન્ય ચાર રાજકર્મચારીઓ તેમ જ તેમના છ અનુચર મળીને બાર મનુષ્ય કચ્છની નવીન રાજધાનીમાંથી અમદાવાદ ભણી જવાને રવાના થયા અથવા અન્ય શબ્દોમાં કહીએ, તે ખેંગારજી તથા સાયબજીના શિરપર વિપત્તિના મેઘોની એક નવીન ઘટા ઘેરાવા લાગી.

−+−+−+−+−