કચ્છનો કાર્તિકેય/કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રાર્થના કે પ્રપંચ કચ્છનો કાર્તિકેય
કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
ભયંકર વિશ્વાસઘાત! →


પંચમ પરિચ્છેદ
કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ

કાળની અકળ ગતિ છે, અસ્ખલિત પ્રવાહ છે, અદ્‌ભુત પ્રભાવ છે અને અનંત આયુષ્ય છે. કાળના પ્રાબલ્યથી એક સમયે એક સ્થળમાં કેવળ શૂન્યતા હોય છે અને તે જ સ્થળમાં અન્ય સમયે કાળના પ્રભાવથી મહા આનંદકારક વસતિનો વિસ્તાર વૃદ્ધિગત થયેલો જોવામાં આવે છે. વળી એનો પણ કોઈ વેળાએ પાછો લોપ થઈ જાય છે. કાળના એવા સ્વભાવ કિંવા ધર્મ અનુસાર એક સમયમાં પશ્ચિમ પ્રદેશોમાંની કચ્છ નામક ભૂમિ એક ભયંકર અરણ્યરૂપે મહા ભય ઉપજાવનારી હતી. ભયંકર વનપશુઓ ત્યાં ભયંકર ધ્વનિ કરતાં વિચરતાં હતાં અને દુર્ભાગ્યયોગે જો ત્યાં કોઈ મનુષ્ય કિંવા ગ્રામ્ય પશુ આવી લાગતું, તો તેને તત્કાળ તેઓ યમપુરીનો વિકટ માર્ગ બતાવી દેતાં હતાં; અર્થાત્ ત્યાં વનપશુરૂ૫ પ્રજા જ વિહરતી હતી અને તેમના પર કેસરીસિંહો રાજસત્તા ચલાવતા જોવામાં આવતા હતા. એથી જાણે તેઓ એમ દર્શાવવા ઇચ્છતા હોયની કે, “જેમ આ સમયે અમો સર્વ વનપશુઓ પર સત્તા ચલાવીએ છીએ, તેમ એક સમય એવો પણ આવશે કે જ્યારે લક્ષાવધિ મનુષ્યો પોતાથી અધિક બળશાળી મનુષ્યસિંહોની સત્તાને આધીન વર્ત્તતા દૃષ્ટિગોચર થશે અને અમારા જેવા ભયંકર હિંસક પ્રાણીઓ તેમના શિકાર થઈ પડશે. અત્યારે ભયાનક ભાસતી ભૂમિ તે કાળે માંગલિક દીઠામાં આવશે અને જ્યાં આજે આકાશ સાથે વાર્ત્તાલાપ કરતાં અનેક ઉન્નત વૃક્ષો વિસ્તરેલાં દેખાય છે, ત્યાં તે અવસરે નાના પ્રકારની સુંદર અટારીઓ ગગન સાથે સંભાષણ કરશે; તથા ગરાશીઆની અટારીઓ, ચારણોની કટારીઓ, વાણિયાની પટારીઓ અને ખેડુતોની ખટારીઓની છટા દેશમાં સર્વત્ર પ્રવર્ત્તશે !” એવા ભવિષ્યનું દિગ્દર્શન કરાવવામાટે જ તેમણે એ કચ્છ દેશને પોતાનું નિવાસસ્થાન બનાવેલું હોયની ! એવો જ પરિપૂર્ણ ભાસ થતો હતો. સારાંશ કે, પૂર્વે એક કાળ એ હતો કે જે કાળમાં આપણે વાર્ત્તાના સ્થળ કચ્છ નામક દેશમાં મનુષ્યજાતિની વસતિ બહુ જ અલ્પ પરિમાણમાં હતી અને નિર્જન ભાગનું પરિમાણ વિશેષ હતું.

કચ્છ દેશમાંનું નારાયણસરોવર નામક સ્થાન બહુ જ પુરાતન છે. એ સ્થાનમાં પ્રાચીન બહિંના પુત્ર દશ પ્રચેતાંઓએ ઉગ્ર તપ કર્યું હતું અને કોટેશ્વરની સ્થાપના રાવણના સમયમાં કરવામાં આવી હતી. કચ્છમાં શ્રી આશાપૂર્ણા–આશાપુરા–દેવીનું સ્થાન પણ અત્યંત પ્રાચીનકાલિક ગણાય છે. એ દેવીની કથા સ્કંદપુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણવાયલી છે. કેટલાક વિદ્વાનોનો એવો અભિપ્રાય છે કે, વિરાટ્ રાજાની રાજધાની કચ્છ દેશમાં જ હતી. ઇત્યાદિ પ્રમાણોથી એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે અત્યંત પુરાતન કાળમાં કચ્છ દેશમાં મનુષ્યવસતિ હતી અને રાજ્યો પણ હતાં. એના અધિક બળવાન્ પ્રમાણ તરીકે કચ્છ શબ્દ અનેક પુરાણ અને અન્ય ગ્રંથોમાં મળી આવે છે કે, જે એ જ દેશનો વાચક છે. કચ્છ દેશની ભૂમિ સર્વ દિશાએથી જળવડે ઘેરાયેલી હોવાથી જ એ દેશને કચ્છ નામ આપવામાં આવેલું હોવું જોઈએ એવું સાધારણ અનુમાન કરી શકાય છે. એ દેશ યાદવોના સમયમાં ભોજકટના નામથી ઓળખાતો હતો, એવો પણ કેટલાક ગ્રંથોમાં ઉલ્લેખ કરાયલો છે. એક સમયમાં એ દેશનું નામ અનુપમ દેશ ( કિંવા અનૂપદેશ ) પણ હતું. 'મીરાતે અહમ્મદી' નામક ઇતિહાસગ્રંથમાં એ દેશને સલીમાનગરના નામથી ઓળખાવેલો છે. વળી એક કાળમાં કચ્છ ભૂમિ સૌરાષ્ટ્ર દેશના નામથી પણ પ્રખ્યાત હતી. જેવી રીતે કાળના પ્રભાવથી સૃષ્ટિની સર્વ વસ્તુઓની સ્થિતિનું પરિવર્તન થઈ જાય છે, તેવી જ રીતે એ કચ્છ દેશની સ્થિતિમાં પણ સ્થિતિને અનુકૂલ થઈ પડે તેવાં અનેક વાર અનેક પરિવર્તનો થયાં છે, થાય છે અને હવે પછી પણ થતાં રહેવાનાં છે. એ નિસર્ગનો એ એક નિયમ જ છે અને એ સર્વવ્યાપક નિયમને ભાગ્યે જ કોઈ અપવાદ મળી શકશે.

કચ્છમાંના આશાપુરા દેવીના આસમન્તાત્ ભાગમાં કોઈ એક રાજ્ય બહુ પુરાતન સમયમાં પણ હોવું જોઇએ, એવી કલ્પના કરવા માટેનાં આપણને અનેક પ્રમાણો મળી આવે છે; કારણ કે, રામચન્દ્ર જે વેળાએ વનવાસી હતા, તે વેળાએ તેમણે પોતાની પત્ની સીતા સહિત એ દેશમાં નિવાસ કરેલો હતો. તેઓ જે સ્થળે આવીને વસ્યા હતા, તે સ્થળ પૂર્વે રામારણ્યના નામથી ઓળખાતું હતું. પ્રથમ રામ અને સીતાએ અઘોરા નદીની દરીમાં નિવાસ કર્યો હતો અને ત્યાંથી ગોરખતડાગ તથા તુંગભેર આદિ સ્થળે જઈને ત્યાર પછી તેઓ સૈન્યસહવર્તમાન હિંગુલાદેવીના દર્શનમાટે ગયાં હતાં, એવી એક પુરાતન જનાખ્યાયિકા આજે પણ કચ્છના જનસમાજમાં ચાલતી જોવામાં આવે છે.[૧]. જે સ્થળ પૂર્વે રામારણ્યના નામથી ઓળખાતું હતું, તે વર્તમાનકાળમાં રામવાડાના અપભ્રષ્ટ નામથી ઓળખાય છે. એરિયન્‌ના ગ્રંથમાં એનો રામબાગના [૨] નામથી ઉલ્લેખ કરાયલો છે. કચ્છ પ્રાન્તમાં અઘોરા નદીની દરીમાંની બે ગુહાઓમાં કાળી અને હિંગુલા નામક બે દેવીઓનાં દેવાલયો છે તેમ જ નદીના પાત્રમાં એક કૂવો છે કે જે રામચંદ્રવાપી કિંવા રામચંદ્રકૂપના નામથી અદ્યાપિ એળખાય છે.[૩] ભદ્રાવતી નગરી પણ પ્રાચીન જ છે. એ નગરીમાં મહાભારતના સમયમાં યૌવનાશ્વ નામક રાજા રાજ્ય કરતો હતો. એ અને બીજાં કેટલાંક કારણોથી પરાપૂર્વથી એ દેશમાં અનેક રાજ્યો થતાં આવ્યાં છે અને એ દેશમાંની કેટલીક વસ્તુઓ બીજા દેશોમાં પણ જતી હતી, એમ માનવામાં પણ અનેક કારણો વિદ્યમાન છે. આશાપુરી ધૂપ અને ફટકડી કે જે પૂર્વે સૌરાષ્ટ્રાના નામથી ઓળખાતી હતી તે બે વસ્તુઓ માત્ર એ દેશમાં જ ઉત્પન્ન થતી હતી અને કચ્છના વ્યાપારીઓ એ વસ્તુઓને અન્ય દેશોમાં મોકલતા હતા. એથી બીજો એ સિદ્ધાન્ત પણ બાંધી શકાય છે કે પ્રાચીન કાળમાં પણ કચ્છનો વ્યાપાર બીજા દેશો સાથે ચાલ્યા કરતો હતો. કચ્છમાં આજ સૂધી એક કહેવત બોલાતી સાંભળવામાં આવે છે કે: “ કચ્છમેં પખે રાજ હો !” (કચ્છમાં છાપરિયા રાજ્ય હતુ.) એટલે કે, જેવી રીતે પ્રત્યેક ગ્રામમાં કેટલાક દીન સ્થિતિના મનુષ્યો ગામના પાદરમાં અથવા દૂર જંગલમાં જાવલી વગેરેનાં છાપરાં કરી રહે છે, તેવી રીતે કચ્છમાં મોડ અને મનાઈના સમયમાં એવાં છાપરાં જ હતાં. માત્ર ચાર પાંચ નગરમાં જ સારી બાંધણીનાં ઘરો જોવામાં આવતાં હતાં. ત્યારપછી કાળનું જેમ જેમ પરિવર્ત્તન થતું ગયું તેમ તેમ રાજ્યની સ્થિતિમાં પણ પરિવર્તન થતું ગયું અને ગ્રામોની સંખ્યામાં દિવસે દિવસે વધારે થતો ગયો.

અકબરના સમયમાં કચ્છ દેશ સિંધપ્રાંતની સાથે જ ગણાતો હતો. પ્રોફેસર્ લૅસને[૪] કચ્છના લોકોને 'ઔદુંબર' નામ આપેલું છે અને તે જ પ્રમાણે પ્લીની [૫] પણ પોતાના ગ્રંથમાં 'ઔદુંબરીય' શબ્દનો ઉલ્લેખ કરી ગયો છે. પરંતુ અત્યારે એ દુંબર કિવા 'દુંબરીય શબ્દનો કિંવા તેના કોઈ અપભ્રષ્ટ રૂપનો કચ્છમાં ક્યાંય પ્રચાર જોવામાં આવતો નથી. પ્રાચીન ભૂગોલવેત્તાઓના અભિપ્રાય પ્રમાણે સાતમી સદ્દીમાં કચ્છ દેશ સિંધુ દેશનો ચતુર્થ પ્રાન્ત હતો અને ઉપર જણાવ્યા પ્રમાણે અકબરના સમયમાં પણ તેનો સિંધમાં જ સમાવેશ થતો હતો. ચીની પ્રવાસી હુએનસંગના સમયમાં કચ્છ દેશ સિંધની રાજધાની અલોડથી નૈર્ઋત્ય કોણમાં ૨૬૭ માઇલપર આવેલો હતો, એમ તેના પોતાના વર્ણનથી જણાય છે. હુએનસંગે કચ્છનું ક્ષેત્રફળ ૮૩૩ માઈલનું લખેલું છે. હવે જો રણની ઉત્તરે આવેલો નગરપારકર નામક પ્રાંત એમાં આવી જતો હોય, તો તો એ ક્ષેત્રફળ સત્ય છે અને એમ હોવાનો સંભવ પણ છે; કારણ કે, પૂર્વે તે પ્રાંતને કચ્છનો એક ભાગ માનવામાં આવતો હતો અને અત્યારે પણ તેમ જ મનાય છે. એની ઉત્તરસીમા જો ઉમરકોટથી આબૂ પર્યન્ત લઈએ તો એકંદર ક્ષેત્રફળ (ઘેરાવો) ૭૦૦ માઈલનું થાય છે. રાજધાની Kietsishifalo નો ઘેરાવો પાંચ માઈલનો હુએનસંગે કહેલો છે. જુલિયન્ એ રાજધાનીનું ખજિશ્વર અને લૅસન્ કચ્છેશ્વર નામ આપે છે; પરંતુ તે કોટેશ્વર હોવું જોઇએ. કચ્છના પશ્ચિમતીરપ્રાંતમાં કોટેશ્વર એક તીર્થસ્થાન છે. તે સિંધુ નદીની પાસે અને સમુદ્રતીરે હતું, એમ હુએનસંગ લખે છે. અત્યારે તે કોરી નામક સિંધુ નદની શાખાના મુખ પાસે આવેલું છે. એ નગરમાં એક શિવાલય હોવાનું હુએને લખ્યું છે અને તે પ્રમાણે અત્યારે ત્યાં અનેક શિવલિંગો જોવામાં આવે છે. આ સર્વ પ્રમાણોથી કચ્છની પ્રાચીનતા અને ઐતિહાસિકતા તેમ જ તેનો સિંધુ દેશ સાથેનો ગાઢ સંબંધ આદિ નિર્વિવાદ સિદ્ધ થાય છે. અસ્તુ.

ઉપર્યુક્ત પરિવર્તનશીલ કાળમાં જામ લાખા જાડાણીએ એક નગર જેવું જ લાખિયાર વિયરો નામક ગ્રામ વસાવ્યું હતું કે જે અદ્યાપિ એક ગામડાના રૂપમાં કચ્છમાં વર્ત્તમાન છે. આપણી વાર્ત્તાના સમયમાં એ જ ગ્રામ રાજધાનીનું નગર હતું. એ નગરમાં રાજધાની થવાનું કારણ એ થયું કે, સિંધુ દેશ (સિંધ)ના નગરસમૈ (વર્ત્તમાન નગરઠઠ્ઠા) નામક સ્થાનમાં ચંદ્રવંશીયોના રાજ્યની સ્થાપના થયેલી હતી અને તે રાજ્ય સારી રીતે સુવ્યવસ્થાથી ચાલતું હતું. એજ વંશના રાજ્યકર્ત્તાનું એક બીજું રાજ્ય કચ્છમાંના કેરા નામક નગરમાં પ્રવર્ત્તમાન હતું. કેરાનું રાજ્ય જામ લાખા ફુલાણી પછી ચાલ્યું નહિ અને કચ્છમાં બીજા બહારના રાજાઓ આવીને રાજ્ય કરવા લાગ્યા. એથી કચ્છ દેશની બહુ જ દુર્દશા થઈ ગઈ અને એ સમાચાર સિંધુ દેશના નગર સમૈના તે સમયના ભૂપાલ જામ જાડાના સાંભળવામાં આવ્યા. પરંતુ પોતાને કોઈ પુત્ર ન હોવાથી તેની પ્રાપંચિકી વૃત્તિઓનો બહુધા લોપ થયેલો હતો અને તેથી તેણે પોતે તો રાજ્ય લેવાનો કાંઈએ પ્રયત્ન ન આદયોં; પણ જામ જાડાના કનિષ્ઠ બંધુ વૈરેજીના બે કુમારો હતા અને તેમનાં અનુક્રમે લાખો અને લાખિયાર એવાં નામો હતાં. તેમાંના લાખાને જામ જાડાએ દત્તક કરી લીધો અને તેને જ પોતાના રાજ્યનો ઉત્તરાધિકારી બનાવ્યો. પણ લાખાને દત્તક લીધા પછી જામ જાડાને ઘેર પોતાની રાણીના પેટે એક પુત્રનો જન્મ થયો અને તેનું નામ ઘાઓ રાખવામાં આવ્યું. એ પુત્રના જન્મથી લાખાનો રાજ્યપરનો અધિકાર કાંઈ જતો રહ્યો નહોતો. એ વિશે કોઈ પણ પ્રકારની વિશેષ વ્યવસ્થા કર્યા વિના જામ જાડો પરલોકવાસી થયો અને પાછળથી તેના ઔરસ પુત્ર ઘાઆએ એવો દાવો કર્યો કેઃ “ઔરસ પુત્ર છતાં દત્તકને રાજ્ય કેમ મળે ?” એના ઉત્તરમાં લાખાએ જણાવ્યું કે: “વૈરેંજીનો મટી જાડાનો કહેવાયો, માટે રાજ્યસિંહાસને વિરાજવાનો અધિકાર મારો જ છે !” એવી રીતે ઔરસ પુત્ર અને દત્તક પુત્ર વચ્ચે વિવાદ ઉત્પન્ન થયો અને તેમાં કેટલોક કાળ વ્યર્થ વીતી ગયો. અંતે લાખાએ વિચાર કર્યો કે: “આવા વ્યર્થ વિવાદોમાં રાજ્યનો નાશ થઈ જશે અને સ્વાર્થપરાયણ તથા વિઘ્નસંતોષી જનો પોતાનો સ્વાર્થ સાધશે. કુસંપ થાય ત્યાં લાભ લોપાય છે; માટે મારે આ વિવાદ છોડી દેવો જોઈએ.” આવો મનોનિશ્ચય કરીને લાખાએ ઘાઆને કહ્યું કે: “તમો રાજ્ય સંભાળો; મારે આ રાજ્યની કશી પણ આવશ્યકતા નથી. જો મારામાં પરાક્રમ હશે, તો હું મારા બાહુબળથી કોઈ અન્ય સ્થાનમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરીશ.”

એ સમયે કચ્છ દેશના કેરા નામક નગરમાં જામ લાખો ફૂલાણી રાજ્ય કરતો હતો અને તેનો ભત્રીજો પુંઅરો પધરગઢમાં રાજ્ય ચલાવતો હતો. એ કાકા ભત્રીજા વચ્ચે જેમ પરસ્પર વિશેષ વિરોધભાવ પણ નહોતો તેમ જ વધારે સ્નેહભાવ પણ હતો નહિ. તે પણ લાખા ફૂલાણીના દેવ થવા પછી જામ પુંઅરાએ કેરાનું રાજય ન લેતાં પોતાના પધરગઢના રાજ્યને સંભાળવાનું કાર્ય કર્યું. પરંતુ લાખા ફુલાણીના પરલોકવાસ પછી અન્ય દેશના ક્ષત્રિયોની દ્દષ્ટિ કચ્છ દેશપર આવી પડી. એટલામાં અધૂરામાં પૂરું એ થયું કે, જામ પુંઅરો ધૂમલીના વિઅડ ગુજ્જરની આથ વાળી આવ્યો એટલે વિઅડ પધરગઢપર ચઢી આવ્યો. એ યુદ્ધમાં સિંધના હમ્મીર સૂમરાને પુંઅરાએ પોતાની કુમકે બોલાવ્યો. હમ્મીર અને વિઅડ સામસામા લડ્યા. દ્વંદ્વયુદ્ધમાં હમ્મીરે વિઅડ ઉપર એક ગુણજ-એક પ્રકારના અસ્ત્ર-નો પ્રહાર કર્યો અને તેના પ્રહારને ચૂકવીને વિઅડે સામો તેનાપર ગુણજ નાખ્યો. એ પ્રહારથી હમ્મીરના દાંત ટૂટી ગયા અને તેથી બહુ જ કોપ કરીને તેણે વિઅડપર સાંગનો એક એવો તો પ્રચંડ પ્રહાર કર્યો કે તે તેને અને તેની પાછળ ઉભેલા એક ઘોડેસ્વારને વીંધીને પાર નીકળી ગઈ. અર્થાત્ વિઅડ રણમાં રોળાયો. પુંઅરાએ એવો નિશ્ચય કર્યો હતો કેઃ “જેના હાથે વિઅડનો નાશ થશે, તેને હું મારી કન્યા આપીશ.” એ પ્રતિજ્ઞા પ્રમાણે હમ્મીરને પોતાની રાજૈં રાણીથી ઉત્પન્ન થયેલી પુત્રી આપીને તે પોતે સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો.

પુંઅરાએ જામ લાખા પછી પાંસઠ વર્ષ રાજ્ય કર્યું અને ત્યાર પછી તે યક્ષોના હાથે મરાયો. પુંઅરાના મરણ સમયે તેની રાણી રાજૈં વૃદ્ધા થઈ ગઈ હતી. પરંતુ પુંઅરાની વૃદ્ધાવસ્થામાં પરણેલી એક બીજી રાણી બાર વર્ષના વયની બાળા હતી. તેણે પધરગઢમાં બેસી રહીને ઈશ્વરના ભજનમાં જ પોતાના જીવનનો સમય વીતાડવા માંડ્યો. એ સમયે દેશમાં બીજી કેટલીક ગડબડો ચાલવા લાગી હતી, પણ તેમાં એ રાણીએ જરા પણ ભાગ લીધો નહોતો. પરંતુ જ્યારે તેની પોતાની વૃદ્ધાવસ્થા થવા આવી અને અંતકાળ સમીપમાં દેખાવા લાગ્યો, ત્યારે તેના મનમાં પુત્રની આકાંક્ષાને ઉદય થયો. એવામાં એક દિવસ તેને સ્વપ્ન આવ્યું કે “તું સો વર્ષ કરતાં પણ વિશેષ અવસ્થા ભોગવી આવેલી છે અને હવે મરણરૂ૫ ભયંકર સમુદ્રના તીરે આવી ઉભી છે. તારા જીવનસમયમાં કચ્છની આટઆટલી દુર્દશા થઈ, પણ તારા મનમાં તેના ઉદ્ધારનો વિચાર ન આવ્યો !” એના ઉત્તરમાં રાણીએ પ્રાર્થના કરી કેઃ “હું અબળા જાતિ છું એટલે શું કરી શકું ?” એટલે સ્વપ્નમાં એનું પ્રત્યુત્તર મળ્યું કે: “સિંધમાંથી લાખાને બોલાવીને તેને દત્તક કરી સિંહાસને બેસાડ એટલે તેનો વંશ ચિરકાલ પર્યન્ત ચાલશે.” પ્રભાતમાં રાણીએ ઘડિયા યોજન-એક ઘડીમાં ચાર ગાઉ ચાલનારસાંઢવાળાને બોલાવી પત્ર આપીને તેને નગરસમૈ તરફ મોકલી આપ્યો. તે બીજે દિવસે જ સિંધમાં જઈ પહોંચ્યો અને રાણીનું પત્ર લાખાના હાથમાં મૂક્યું. લાખાએ પત્ર વાંચ્યું અને મનમાં વિચાર કર્યો કે : “ભાવતું હતું અને વૈદ્યે કહ્યું.” તરત તે પત્ર લાખાએ પોતાના બંધુ લાખિયારને વાંચી સંભળાવ્યું અને તે બન્ને યોગ્ય વિચાર કરી ઉપર લખ્યા પ્રમાણે ઘાઆને જ પિતાના સિંહાસનનો ઉત્તરાધિકારી ઠરાવીને પોતે કચ્છમાં આવ્યા. લાખાને પુંઅરાની રાણીએ શાસ્ત્રવિધિપૂર્વક દત્તક લીધો અને ત્યાર પછી થોડા દિવસમાં જ તેને રાજયનો સ્વતંત્ર સ્વામી બનાવીને તે વૃદ્ધા રાજ્ઞી શાંતિથી પરલોકમાં પ્રયાણ કરી ગઈ.

પુંઅરાના મરણ પછી કેટલાંક કારણોને લીધે પધરગઢની પ્રજા ધીમે ધીમે ઓછી થવા માંડી હતી. લાખો જાડાણી જે વેળાએ ત્યાં આવ્યો, તે વેળાએ લોકવસતિ બહુ જ થોડી હતી. એવી પરિસ્થિતિને જોઈને લાખાએ પધરગઢની પાસે જ પોતાના ભ્રાતાના નામથી એક ગ્રામ કિંવા નગર વસાવ્યું. એ સ્થળે પાણીથી ઉભરાઈ જતો એક સુંદર વિયરો-કૂવો-હતો એટલે તેનું નામ પણ સાથે રાખવા માટે નગરનું નામ લાખિયાર વિયરો રાખવામાં આવ્યું અને એ નગરને તેણે પોતાની રાજધાનીનું પદ આપ્યું.

એ સમયથી કચ્છના રાજવંશીયો જાડેજા નામથી ઓળખાવા લાગ્યા. એનું કારણ એવું બતાવવામાં આવે છે કે, લાખાને જાડાએ દત્તક લીધો એટલે સિંધી ભાષા પ્રમાણે તે જાડેજો-જાડાનો-થયો અથવા કહેવાયો. બીજું કારણ એ કહેવાય છે કે, લાખો અને લાખિયાર એ બન્ને જોડિયા ભાઈ હતા. સિંધી અને કચ્છી ભાષામાં જોડિયા ભાઈને જાડા કહેવામાં આવે છે, એ વિશે કચ્છી ભાષામાં નીચે પ્રમાણે એક જૂનો દોહરો છે;—

“લાખો ને લખધીર, બએ જનમ્યા જાડા;
વૈરેં ઘર લાખો વડો, જેનું જાડેજા !"

એનો ભાવાર્થ એવો થાય છે કે: “વૈરેંજીને ત્યાં લાખો અને લખધીર –લાખિયાર-બે જોડિયા ભાઈ અવતર્યા. જેમાંનો લાખો મોટો પુત્ર હતો અને તેમાંથી જાડેજા થયા.” એ જામ લાખા પુંઅરાણીથી વંશ ચાલ્યો તે જામ લાખાનો જામ રાયધણ રત્તો થયો, તેના પુત્રો જામ ઓઠોજી, જામ ધાઓજી અને વેહેણજી થયા. એમની પછી જામ મૂળવોજી થયો; તે પછી જામ કાંયોજી, જામ અમરજી તથા ભીમજી થયા અને ત્યાર પછી જામ હમ્મીરજી થયો. જામ ભીમજીના રાજત્વકાળમાં કચ્છના બાડા પ્રગણામાં ગજણ વંશનો ધરાપતિ જામ લાખો હતો. તે એક વેળા વાગડમાં પોતાને સાસરે ગયો હતો. ત્યાંથી જે વેળાએ તે પાછો વળ્યો, તે વેળાએ હબ્બાય ડુંગરની આસપાસમાં વાંઢ કરી રહેલા સંઘારોએ તેને રોક્યો અને રાતે દગાથી મારી નાખ્યો. એનું મરણ કેટલાકો બીજી રીતે પણ બતાવે છે. ગમે તેમ હોય, પણ એના પરલોકવાસ પછી એનો કુમાર રાવળસિંહ સિંહાસનારૂઢ થયો. પોતાના પિતા લાખાની ઉત્તરક્રિયાના અવસરે રાવળે એક મહાયજ્ઞ કરીને પોતાના સર્વ ભાયાતોને બોલાવ્યા હતા, પણ કેટલાંક કારણોથી જામ ભીમજી તથા તેનો કુમાર જામ હમ્મીરજી ત્યાં ગયા નહોતા. એ અપમાનનો કાંટો જામ રાવળના મનમાં ખૂંચ્યા કરતો હતો; તો પણ ઉપરથી એ ગત વાર્ત્તાનું જાણે પોતાને સ્મરણ જ નથી એવો ભાવ બતાવી જ્યારે જામ ભીમજીનો સ્વર્ગવાસ થયો, તે વેળાએ રાવળ તેમની ગૂડાવાર-પાથરણા-પર આવ્યો હતો અને તેણે જામ હમ્મીરજીને બહુ જ સ્નેહભાવ બતાવીને કહ્યું હતું કેઃ “આપણા પૂર્વજોએ સીમામાટે લઢીવઢીને ઉભય પક્ષની બહુ જ હાનિ કરી છે; માટે વાંધાવાળું સ્થાન હું છોડી દઉં છું અને તમો પણ હબ્બાય ડુંગરની હદને મૂકીને પાછા લાખિયાર વિયરે પધારો. આમાં ઉભય પક્ષની શોભા છે.” રાવળનાં એવાં બહુ જ વિશ્વાસદર્શક વચનો સાંભળીને જામ હમ્મીરજી ભોળવાઈ ગયો અને રાવળના વચનને માન આપી પોતે પાછો લાખિયાર વિયરે જઈ રહ્યો. જામ રાવળ બાડામાં જઈને આનંદથી દિવસ વીતાડવા લાગ્યો.

ધીમે ધીમે જામ રાવળે જામ હમ્મીરજી સાથેનો પોતાનો મૈત્રીસંબંધ કેટલો બધો વધારી દીધો હતો અને તેના મનમાં પોતા વિશેનો કેવો દ્દઢ વિશ્વાસ બેસાડી દીધો હતો, એ આપણે ઉપર જોઈ આવેલા હોવાથી એના વિશેષ વિવેચનની અત્ર આવશ્યકતા નથી. પરંતુ જે રાજકારણપટુ, રાજનીતિવિશારદ તથા રાજપ્રપંચજ્ઞાતા પુરુષો હતા તેઓ જામ રાવળના કપટભાવને સારી રીતે જાણતા હતા અને તેના “સુધા વસે જિહ્વાગ્રમાં, હૃદયે વિષભંડાર !' એ સ્વભાવને બરાબર પિછાનતા હતા. આ કારણથી જ જામ હમ્મીરજીને તેમનાં રાણી, પ્રધાન ભૂધરશાહ તથા અન્ય જનોએ રાવળનો વિશ્વાસ ન રાખવામાટેનો ઉપદેશ આપ્યો હતો. પરંતુ હઠીલા રાજાએ કોઈનું કાંઈ પણ ન માન્યું અને અંતે પોતાનુંજ ધાર્યું કર્યું. આપણે ગત પરિચ્છેદમાં જામ હમ્મીરજીને રાવળના આદરાતિથ્યનો ઉપભોગ લેતો બાડામાં મૂકી આવ્યા છીએ, તો ચાલો હવે ત્યાં જઈને જોઈએ કે, રાણી અને પ્રધાન આદિની શંકાની સત્યતાનો આપણને પરિચય મળે છે કે હમ્મીરજીના વિશ્વાસ અને રાવળના મૈત્રીભાવની સત્યતાનો સાક્ષાત્કાર થાય છે; કારણ કે, બેમાંથી એક વિષયનો તો આપણને પરિચય થવો જ જોઈએ.

-+-+-+-


  1. * * Arriani Periplts Maris Erythaci
  2. Cunn. Anet. Geog. India, Pages 302-304. Hwen-sangs Travels by Cunn.
  3. Cunningham's Anct. Geography of India; Pages 302–304.
  4. * Prof. Lassen's Map of Anct. India explaining his Indian Antiquities.
  5. † Plinic Naturales Histarin.