કચ્છનો કાર્તિકેય/ભયંકર વિશ્વાસઘાત!

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ કચ્છનો કાર્તિકેય
ભયંકર વિશ્વાસઘાત!
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
પલાયન →


ષષ્ઠ પરિચ્છેદ
ભયંકર વિશ્વાસઘાત!


" नदीनां नविनां चैव शृंगिनां शस्रपाणिनाम् ।
विश्वासो नैव कर्तव्य: स्त्रीषु राजकुलेषु च" ॥
सुभाषितम्.

.

"આજનો દિવસ પણ એક વિચિત્ર દિવસ જ કહી શકાય. આજ સંધ્યાકાળના ભોજનસમારંભમાં બે મહાન અતિથિઓ પધારશે અને તેમના માટે ભિન્ન ભિન્ન બે થાળીઓ પિરસાશે. એક તો જામ હમ્મીર કે જે બિચારાં નિરપરાધી પશુઓના માંસથી અને અન્ન આદિ સાધારણ ભોજ્યવસ્તુઓના ભક્ષણથી પોતાની ક્ષુધાને શાન્ત કરશે; અને બીજો અતિથિ સાક્ષાત્ અંતકાળ છે તે આવીને એ જામ હમ્મીરના માંસ અને રકતથી પોતાના ઉદરમાં સળગતી ક્ષુધાની ભયંકર જ્વાળાને સમાવશે. કેવી વિચિત્રતા ! વિશ્વનો એ જ વિલક્ષણ વ્યવહાર ! એકનો નાશ તે જ બીજાનો વિલાસ થાય છે ! આજે સંધ્યાકાળે નભોમંડળમાં સૂર્યનો અસ્ત થશે એટલે શીઘ્ર જ ચંદ્રનો ઉદય થશે ! તે જ પ્રમાણે, આજે જામ હમ્મીરરૂપ સૂર્યના અસ્તંગત થવાની સાથે જ જામ રાવળરૂપ વિધુનો વૈભવ પ્રકટશે, એ વિધિએ નિર્માણ કરી મૂકેલું હોય, એમ જ દેખાય છે !

“પ્રભવતી જવ હાનિ એકની, લાભ જાય;—
નર કર વળી બીજે, રીતિ એ સૃષ્ટિમાંય;
દિનપતિ રવિ થાતાં, અસ્ત આકાશ માન;
નિશિપતિ વિધુ રાજે, તે સ્થળે પૂર્ણમાન !'

આજના દિવસમાં જેમ રમણીયતા સમાયલી છે, તેમ ભયંકરતા પણ મેળવાયલી છે ! ભયાનક કાળ મુખ વિકાસીને ઉભો છે, તેની લંબ જિહ્વા રકતપાનમાટે મુખમાંથી બહાર ડોકિયાં કરતી દેખાય છે અને તેની દાઢો માંસ ચાવવામાટે આતુર થયેલી દ્દષ્ટિગોચર થાય છે ! મહારૌરવનરક સમાન સ્મશાનભૂમિ, ચિતા અને માનવી

જીવનની ક્ષણભંગુરતા આજે ક્ષુધાતુર થયેલી છે અને તેથી તે કોઈ પણ ઉપાયે અવશ્ય પોતાના અદ્વિતીય ભક્ષ્યને મેળવીને પોતાની ભયંકર ક્ષુધાને શાંત તો કરવાની જ !

દિવસના લગભગ તૃતીય પ્રહરનો આરંભ થઈ ચૂક્યો હતો અને સૂર્યનારાયણ પ્રતિક્ષણે ધીમે ધીમે અસ્તાચલભણી ગમન કરતા જતા હતા. ગ્રામના બહિર્ભાગમાંનાં ક્ષેત્રોમાં, આજે ઉત્સવનો દિવસ હોવાથી, કૃષિકારો પોતાના વ્યવસાયમાટે આવ્યા નહોતા અને તેથી સર્વત્ર નિર્જનતા તથા શાંતિનું જ સામ્રાજય પ્રસરેલું દેખાતું હતું. જે સ્થળે જામ હમ્મીરજીને ઉતારો આપવામાં આવ્યો હતો, તેનાથી લગભગ બે વિઘાના અંતરે એક રમણીય આમ્રવૃક્ષરાજી આવેલી હતી અને ત્યાં વૃક્ષોની એવી તો ઘાટી ઘટા વિસ્તરેલી હતી કે જો એ ઘટાના મધ્યભાગમાં પાંચ પચાસ માણસ બેઠેલાં હોય અને તેઓ પોતપોતામાં સંભાષણ કરતાં હોય, તો માર્ગમાં ચાલનારાઓને તેમનાં શરીર દેખાય અથવા તેમનું સંભાષણ તેમના સાંભળવામાં આવે, એ સર્વથા અશક્ય અને અસંભવનીય જ હતું. એ આમ્રવૃક્ષરાજીના મધ્યભાગમાં અત્યારે એક કદાવર પુરુષ ઊભેલો હતો. તેણે પોતાના શરીરને કૃષ્ણવર્ણ વસ્ત્રોવડે આચ્છાદિત કર્યું હતું અને મુખભાગને નકાબની મદદથી છુપાવી રાખ્યો હતો એટલે તેના મુખમંડળના દર્શનનો લાભ મળી શકતો નહોતો. તે વારંવાર આમતેમ ચારે તરફ દૃષ્ટિપાત કરતો હોવાથી કોઈ બીજાં માણસોના આવવાની વાટ જોતો હોય, એવું સ્પષ્ટ અનુમાન કરી શકાતું હતું. પરંતુ અદ્યાપિ કોઈ પણ મનુષ્ય ન આવી લાગવાથી તે ઉપર પ્રમાણેના ઉદ્‌ગારો કાઢવામાં નિમગ્ન થયો હતો. થોડી વારમાં જ એ પુરુષ સમાન જ કૃષ્ણવસ્ત્રધારી અને શસ્ત્રધારી બીજા ચાર પુરુષો ત્યાં આવી લાગ્યા અને પ્રથમ પુરુષને મસ્તકવડે નમન કરીને તેની આજ્ઞાની પ્રતીક્ષા કરતા ઊભા રહ્યા. તેમને ઉદ્દેશીને તે પ્રથમ પુરુષ ગંભીરતાથી કહેવા લાગ્યો કે:—

"મારા બહાદુર શેરો, આજના ભયંકર કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિ ઉપર જ આપણા ભાવિ ઉદયનો સઘળો આધાર રહેલો છે; માટે મનમાં જરા પણ ભય ન રાખતાં જીવ૫૨ ઉદાર થઇને એ કાંટાને તલ્વારના એક જ વારથી છાંટી નાખજો !”

"ચામુંડરાજ, અમે જામ હમ્મીરના જીવનરૂ૫ દીપકને આ તલ્વારની માત્ર એક જ ફૂંકથી બુઝાવી નાખીશું; કારણ કે, એમ કરવાથી જ લક્ષ્મી અમારા ઘરમાં પધારશે. આજે અમોએ એવો જ નિશ્ચય કર્યો છે કે, કાં તો આ તલ્વારથી રાજાનું માથું લેવું અને કાં તો આ અમારું માથું દેવું ! અમો આજે માથાપર કફન બાંધીને જ આવ્યા છીએ. એટલે આપ એ વિશેની જરા પણ ચિન્તા ન રાખવી," ચારમાંના પ્રથમ મનુષ્યએ હિમ્મતથી જવાબ આપ્યો.

“જો અમો ખરેખર જલ્લાદની ઔલાદના હઈશું, તો તો આ ફૌલાદની તલ્વારથી રાજાને ક્ષણ માત્રમાં સ્વર્ગનાં દ્વાર દેખાડી દઈશું !” બીજાએ બહાદુરી બતાવીને કહ્યું.

“આજે અમો એ ક્રૂરતાને જ પોતાની ઈષ્ટ દેવી બનાવી છે." ત્રીજાએ પોતાનો મનોભાવ જણાવ્યો.

"આજે નિર્દયતા જ અમારી આરાધ્ય દેવતા થવા આવી છે! ” ચોથાએ ચપળતાથી તેવો જ અભિપ્રાય દર્શાવ્યો.

“ખરેખર આજની તમારી આ હિમ્મત સિંહને પણ હિમ્મતમાં પાછો હટાવી દે તેવી છે. જાઓ અને સાવધ રહો. પરિણામના વિચારને હૃદયમાં નિરંતર મૂર્તિમાન્ રાખજો.” ચામુંડરાજે ધન્યવાદ સાથે ચેતવણી આપીને ધીમા સ્વરથી કહ્યું.

ચારે જલ્લાદો એક પછી એક નમન કરીને ત્યાંથી ચાલતા થયા અને ત્યાર પછી પુનઃ ચામુંડરાજ એકલો જ વિચાર કરતો મનોગત કહેવા લાગ્યો કે;—

"લોકો એમ કહે છે કે, જે મનુષ્યો આ નશ્વર વિશ્વના ચાર દિવસના ક્ષણભંગુર વૈભવમાટે અનેક પ્રકારનાં પાપ અને પ્રપંચ આચરે છે તે અંતે નરકમાં સંચરે છે અને ત્યાં યમના દૂતો તેને અસહ્ય યાતનાઓ આપીને ભયંકર શિક્ષા કરે છે: પરંતુ હું એવી વાતોને નથી માનતો, મારા પોતાના સ્વાર્થ સમક્ષ પાપ તથા પુણ્યને નથી પિછાનતો ! સ્વર્ગ અને નરક એ બધી કહેવાની અને લોકોને વિના કારણ ડરાવવાની જ વાતો છે. લક્ષ્મીની વિપુલતા જ સ્વર્ગસુખાકાર છે અને દરિદ્રતા જ સાક્ષાત નરકદ્વાર છે ! આ જગતમાં ધનહીનની જરાય પ્રતિષ્ઠા નથી અને ધનવાનની પ્રતિષ્ઠાનો પાર નથી. ત્યારે જે માર્ગે ધનનો લાભ મળતો હોય, તે માર્ગમાં શામાટે સંચાર ન કરવો ? બસ, કોઈ પણ ઉપાયવડે ધન મેળવવું એ જ મારો નિર્ધાર છે; મારા મનમાં પરમેશ્વરનો ભય નથી કે ન પાપ પુણ્યનો વિચાર છે !”

એ પ્રમાણે વિચાર કરતો તે પણ ત્યાંથી ચાલતો થયો. હવે આપણે વાર્ત્તાના વિષયમાં આગળ વધવા પૂર્વે એ ચામુંડરાજ કોણ હતો એ જાણી લેવું જોઈએ.

ચામુંડરાજ રાજપૂત જાતિનો, પરંતુ ક્રૂર હૃદયનો અને સ્વાર્થપરાયણવૃતિનો એક મહા અધમ પુરુષ હતો, એમ કહેવામાં કશો પણ પ્રત્યવાય આવે તેમ નથી જ. જો કે પ્રસ્તુત પરિચ્છેદના પ્રારંભમાં પાઠકો સમક્ષ તે આચ્છાદિત મુખથી રજૂ થયેલો હોવાથી સાધારણત: તેનું બાહ્ય સ્વરૂ૫ પાઠકોના જોવામાં આવ્યું નથી; પરંતુ લેખક જે જે પાત્રોને પોતાની નવલકથામાં રજૂ કરે છે, તે સર્વના બાહ્ય તથા આભ્યંતર સ્વરૂ૫ને તે સારી રીતે જાણતો હોય છે, એટલે અત્યારે અમો જો એ પુરુષના બાહ્ય સ્વરૂપનું વિવેચન કરીશું, તો તે સર્વથા યથાર્થ જ હોવાનું. એનું આભ્યંતર સ્વરૂપ તો એ પાત્રના પોતાના મનોગત ઉદ્‌ગારોથી જ કેટલેક અંશે પાઠકોના જાણવામાં આવી ગયું છે, એટલે તે વિશે વિશેષ લખવાની અગત્ય નથી. એ ચામુંડરાજનું હૃદય જેવી રીતે કૃષ્ણ હતું અને તે કૃષ્ણ વસ્ત્ર ધારીને આવ્યો હતો, તેટલી જ કૃષ્ણતાનો એના બાહ્ય આકારમાં પણ નિવાસ હતો. એના શરીરનો રંગ ભારતવાસીઓ જેવો ઘઉંલો નહિ, પણ આફ્રિકાના નિવાસીઓ જેવો-અમાવાસ્યાની રાત્રિવત્-કાળો હતો, અને એનું આંખોમાં લાલાશ હદ કરતાં વધારે હોવાથી તેમજ એનું કદ રાક્ષસ જેવું લાંબું પહોળું હોવાથી જાણે સાક્ષાત્ નિર્દયતા જ એ મનુષ્યાવતાર ધારણ કરીને નિરપરાધી જનોને પીડવામાટે આ અવનીતલ પર ઊતરી આવી હોયની ! એવો જ જોનારને પ્રત્યક્ષ ભાસ થતો હતો. 'आकृतिर्गुणान्कथयति' એ કહેવત એના સંબંધમાં અક્ષરે અક્ષર સત્ય સિદ્ધ થતી હતી. એ ચામુંડરાજ અત્યંત સ્વાર્થપરાયણ અને દયાહીન હોવાથી જામ રાવળે આજે જામ હમ્મીરજીનો ગુપ્ત રીતે વધ કરવામાટે એની જ યોજના કરી હતી અને તે પૂર્વસંકેત પ્રમાણે ચામુંડરાજ એ ભયંકર વિશ્વાસઘાતનું નારકીય કૃત્ય ઉપર એાળખાવેલા પોતાના ચાર જલ્લાદ સાથીઓના સાહાય્યથી પાર પાડવાનો હતો. 'समानव्यसनशीलेषु सख्यम्'“ એ નિયમ પ્રમાણે જેવો જામ રાવળ પોતે વિશ્વાસઘાતક અને મહાપાપી હતો તેવો જ તેને એ પાપાત્મા સહાયક મળી આવ્યો હતો; એટલે પછી પાપના પ્રચારમાં ન્યૂનતા જ શી રહે વારુ ? ચામુંડરાજને ઈશ્વરનો કિંચિત્માત્ર પણ ભય હતો નહિ: કારણ કે, તે ચાર્વાકના “જ્યાં સુધી જીવવું ત્યાં સુધી સુખમાં જ જીવવું; ઋણ કરીને પણ ધૃત પીવું; કારણ કે, આ ભસ્મીભૂત દેહનું કાંઈ પુનરાગમન થવાનું નથી;" એ સિદ્ધાન્ત અનુસાર ચાલનારો હતો. જો કે, ચાર્વાકનું તો એણેનામ માત્ર પણ સાંભળ્યું નહોતું, પરંતુ સ્વાભાવિક જ એના અંતઃકરણમાં ચાર્વાકતાનો નિવાસ હોવાથી પોતાના મનથી જ એ તે મતનો અનુયાયી થયો હતો અને નેત્ર બંધ હોવા છતાં એ માર્ગમાં સરળતાથી ચાલ્યો જતો હતો. અસ્તુ. જામ હમ્મીરજીના ઊતારાવાળા સ્થાનને અનેક પ્રકારે શૃંગારવામાં અને સુશોભિત બનાવવામાં જામ રાવળે કશી પણ કચાશ રાખી નહોતી. ચારે તરફ ઊભા કરેલા વિશાળ તંબૂઓપર સોનાના કળશ ચઢાવી દેવામાં આવ્યા હતા અને અસ્તાચલમાં જતા સૂર્યનાં કિરણોનું તેમના પર પતન થતાં તેજનું પરાવર્તન થવાથી એક પ્રકારની વિચિત્ર લીલા જોવામાં આવતી હતી. ચાર તંબૂઓની વચ્ચે જે એક મોટો ચૉક હતો, તેના ચાર ખૂણે ચાર થાંભલા ઉભા કરી ઉપરથી રેશમનો ચંદરવો બાંધી લીધો હતો અને જમીન પર મોટી કીમતના ગાલીચા પાથરીને તેના પર જામ હમ્મીરજીને બેસવામાટેના કીનખાબથી મઢેલા ઉચ્ચ આસનની યોજના કરવામાં આવી હતી. ગાનારી અને નાચનારી વારાંગનાઓ, ગવૈયા, સારંગીવાળા ઉસ્તાદો અને તબલચીઓ રાજાનું મનોરંજન કરવામાટે હાજર હતાં. ભાંડોનો પણ સુકાળ હતો. એટલે કે, જો દુષ્કાળ હોય, તો તે કેવળ કવિ, કોવિદ અને પંડિત પૌરાણિકોનો જ હતો અને તે હોય એમાં નવાઈ પણ નહોતી. કારણ કે, 'કવિયનકો કહા કામ કૃપણકચારીમેં ?' અર્થાત્ જામ રાવળ જેવા દુષ્ટ હૃદયના મનુષ્યને ત્યાં નીતિવિજ્ઞ વિદ્વાનો હોઈ જ કયાંથી શકે ? એ મંડપથી થોડાક અંતર૫ર એક પડદાથી ચારે તરકની જમીનને ઘેરી લઇને રસોઈઆઓ રસોઈ કરવામાં પ્રવૃત્ત થયા હતા. મંડપની વચ્ચે દારૂની સુરાહી તથા પ્યાલીઓ અને કસૂંબામાટે અફીણના ગોળા આદિ વસ્તુઓ મદ ઉત્પન્ન કરવા માટે તૈયાર રાખવામાં આવી હતી. રાજાના ભોજનમાટે થોડા અંતરપર ઊભા કરેલા તંબૂમાં યોગ્ય વ્યવસ્થા કરેલી હોવાથી નૃત્યગાનની સમાપ્તિ થવા પછી રાજા ત્યાં જવાનો હતો.

સૂર્યના અસ્તાચલગમનનો સમય વધારે અને વધારે નિકટમાં આવતો જતો હતો. સૂર્યાસ્તથી કિંચિત્ પૂર્વે જામ હમ્મીર પોતાના સેવક છચ્છરબૂટા અને બીજા કેટલાક આજ્ઞાધારકો સહિત પોતાના તંબૂમાંથી બહાર નીકળવાની તૈયારીમાં હતો એટલે જામ રાવળના એક અનુચરે આવીને રાવળને ખબર આપી કેઃ “મહારાજ પધારે છે.” એ ખબર સાંભળી જામ રાવળે ચામુંડરાજને ઉદ્દેશીને કહ્યું કેઃ “ચામુંડરાજ, સાવધ ! રાજા પધારે છે એટલે આપણે પણ બીજા ખુશામદી માણસો પ્રમાણે એને માન આપવામાટે ઊઠીને સામા જવું જોઈએ; કારણ કે, આ દુનિયાના લોકોને બેવકૂફ બનાવવા માટે ખુશામદ જેવું બીજું એક પણ ઉત્તમ સાધન મળી શકે તેમ નથી.”

“ખરું છે, ખુશામદથી જ જગતને વશ કરી શકાય છે. જ્યાં પરમેશ્વર પોતે પણ ખુશામદથી જ પ્રસન્ન થાય છે, ત્યાં બિચારા મનુષ્યની શી કથા ?” ચામુંડરાજે ખુશામદનું ખુશામદથી સમર્થન કર્યું.

જામ રાવળ, ચામુંડરાજ તથા બીજા સરદારો સામા ગયા અને જામ હમ્મીરજીને તેના અનુયાયિજનો સહિત મંડપમાં લઈ આવ્યા. જામ હમ્મીર પોતાને આસને વિરાજમાન થતાં જ જામ રાવળના ઈશારાથી ગવૈયાઓએ સંગીતની પ્રસ્તાવના તરીકે નીચેના છંદોના ઉચ્ચાર કરવા માંડ્યા અને ત્યાર પછી વારાંગનાઓએ નૃત્ય સહિત સંગીતનો આરંભ કર્યો;––

ગવૈયો:––ઘનઘોર ઘટાયેં છાઈ હયઁ, રુત બદલી આજ જમાનેકી;
પી ઔર પિલાતા જા સાકી, હે ખયર તેરે મયખાનેકી.

૨ ગવૈયો:––નરગિસ કે ઇશારે હોતે હયઁ, ફૂલોંકા રંગ બદલતા હય;
ગુન્ચેકી સુરાહી ઢલતી હય, લાલેકા પ્યાલા ચલતા હય;

ગવૈયો:––સબ રિન્દ હયઁ મસ્ત અલસ્ત બને, મય દસ્ત બદસ્ત ઉડાતે હયઁ;
સબ સંગ તરંગ ઉમંગમે હયઁ, સૌ ઢંગસે રંગ જમાતે હયઁ !

સંગીત

વારાંગનાઓઃ–ભર ભર જામ પિલા ગુલલાલા બના દે મતવાલા;
તૂ લા લા લા લા––ભર ભર.

૪ ગવૈયો:–– સાકિયા, તરસા ન તૂ એક બૂંદ પાનીકે લિયે;
દિલ તડપતા હય શરાબે અર્ગવાનીકે લિયે;
ફિર કહાં યે દોસ્ત હોંગે ઔર કાહાં યે બજમે દોસ્ત;
આ ગઈ પીરી તો રોએંગે જવાનીકે લિયે.

'વારાંગનાઓ:-તૂ લા લા લા લા––ભર ભર.

એ નૃત્ય અને સંગીત વ્યાપારની સાથે મદિરાપાનનો વ્યવસાય પણ ચાલૂ જ હતો. અંતે સૂર્યનો અસ્ત થયો, અંધકારનો અધિકાર જામી ગયો અને મદિરાપાનનો રંગ પણ વધારે ચઢતો ગયો એટલે એમાં વધારે સમય ન વીતાડતાં એ આનંદનો પ્રકાર બંધ કરવામાં આવ્યો. જામ હમ્મીર પોતાની થયેલી સરભરાથી આનંદિત થઈને અંતઃકરણપૂર્વક જામ રાવળનો આભાર માનતો કહેવા લાગ્યો કે :––

"જામ રાવળજી, તમોએ આજે મારો આટલો બધો સત્કાર કરીને પોતાની ભાતૃભક્તિ તથા રાજભક્તિનું જે અદ્વિતીય દર્શન કરાવ્યું છે, તેમાટે તમારો હું જેટલો આભાર માનું તેટલો થોડો જ છે. સર્વ આર્યજનો તમારા જેવા જ સુશીલ અને કર્તવ્યપરાયણ થાઓ, એ જ મારી તે જગન્નિયંતા જગદીશ્વરનાં ચરણોમાં નિરન્તર પ્રાર્થના છે.” "સેવા અને રાજનિષ્ઠા એ જ અમારો ધર્મ છે અને એનું જ અત્યારે મેં યોગ્યતાથી પાલન કર્યું છે. સિંહાસન, રાજ્ય, રાજા, રાજપરિવાર અને રાજ્યાધિકારીઓની એકનિષ્ઠાથી સેવા કરવી એ અમારું કર્તવ્ય છે અને એ સેવાનો સ્નેહથી સ્વીકાર કરવો, એ આપનું કર્ત્તવ્ય છે. આજે અમોએ આપનો જે સત્કાર કર્યો છે, તે કરવાને અમે બંધાયલા જ છીએ એટલે એમાં આભાર કે ઉપકાર માનવા જેવું કાંઈ પણ નથી. છતાં વિવેકના આવા શબ્દો ઉચ્ચારીને આપ મારા ગૌરવને વધારો છો એ માત્ર આપની ઉદારતા અને સુજનતા જ છે. મેં મારા કર્ત્તવ્યથી વિશેષ કાંઈ પણ કર્યું નથી,” જામ રાવળે મધુર સુધા સમાન વાણીથી એ વાક્યો ઉચ્ચાર્યાં અને હસ્ત જોડીને નમ્રતા પ્રદર્શિત કરી.

"મહારાજાના આજે અહીં પધારવાથી ગ્રીષ્મકાળમાં વસન્ત-વિલાસનો જ ભાસ થાય છે,” એક સરદારે રાજાની પ્રશંસા કરીને કહ્યું.

“મને તો અમાવાસ્યાની રાત્રિમાં એકાએક ચંદ્રનો જ પ્રકાશ દેખાય છે,” બીજા સરદારે અતિશયોક્તિ કરી.

"ઈન્દ્રભુવનમાં આજે ઈન્દ્રનું આગમન થયેલું જણાય છે. મારા દીનગૃહને મહારાજાના ચરણસ્પર્શથી પવિત્ર થયેલું જોઈને મારા અંતઃકરણમાંમો આનંદ છલકાઈ જાય છે,” જામ રાવળે સ્તુતિસ્તોત્ર ગાયું.

"આજે સૂર્ય તથા ચંદ્રે પોતાના પરાપૂર્વના વૈરભાવનો ત્યાગ કર્યો હોય, એમ જ જણાય છે અને તે ઉભયનો એક સમયાવચ્છેદે ઉદય થયેલો દેખાય છે. મહારાજા જામ હમ્મીરજી સૂર્ય છે અને આપણા સ્વામી જામ રાવળ ચંદ્ર છે કે જેઓ આ સરદારરૂપ નક્ષત્રોના મધ્યમાં અત્યારે સિંહાસનરૂઢ થયેલા છે,” ચામુંડરાજે સીમાનું ઉલ્લંઘન કરીને પૂર્ણ અતિશયોક્તિરૂપ વાક્યોનો ઉચ્ચાર કર્યો."

એટલામાં એક અનુચરે આવીને પ્રાર્થના કરી કે “ભોજનની સર્વ તૈયારી થઈ ચૂકી છે; માટે પધારો.”

"મહારાજ અને સરદારો, ચાલો પધારો ભોજનાલયમાં,” જામ રાવળે પ્રાર્થના કરી.

"ભોજનાલયમાં કે યમાલયમાં?” છચ્છરબૂટાએ પોતાના મનમાં પ્રશ્ન કર્યો અને તે જાણી જોઈને એક તરફ ખસી ગયો.

જામ હમ્મીર, જામ રાવળ અને ચામુંડરાજ બીજા સરદારોથી છૂટા પડીને ખાસ તંબૂતરફ ચાલવા લાગ્યા. જામ હમ્મીર આગળ ચાલતો હતો અને રાવળ તથા તેનો સાથી પાછળ પાછળ ચાલ્યા જતા હતા; કારણ કે, તેમના આગળ ચાલવાથી શિષ્ટાચારનો ભંગ થવાનો સંભવ હતો. જામ હમ્મીર તંબૂમાં જઈને બેઠો અને પકવાનથી પિરસેલો સોનાનો થાળ તેના મુખ આગળ લાવીને રાખવામાં આવ્યો. પાણી લાવવાના નિમિત્તથી જામ રાવળ તથા ચામુંડરાજ તંબુમાંથી બહાર નીકળી આવ્યા અને રાજાએ હજી તો ભોજનનો એક ગ્રાસ પણ લીધો નહોતો એટલામાં તો તંબૂના ચાર તરફના ચાર દરવાજામાંથી ચાર જલ્લાદો આવીને તેના શરીર પર ટૂટી પડ્યા અને તલ્વારોના વારથી તેને ત્યાનો ત્યાંજ ઠાર કરી નાખ્યો. જામ હમ્મીર વિશ્વાસઘાતનો ભોગ થઈને અકાળ મૃત્યુને આધીન થયો. રાણીની શંકા સત્ય સિદ્ધ થઈ.

એ નિર્દયતાપૂર્ણ કૃત્ય પૂરું થતાં જ તંબૂની બહાર ઊભેલા રાવળે ચામુંડરાજને આજ્ઞા કરી કેઃ “સર્પનો તો નાશ થયો. પણ અદ્યાપિ સર્પના સંતાનો જીવતાં છે. હમ્મીરના બે કુમારો વિંઝાણમાં અજાજીને ત્યાં છે, માટે અત્યારે જ થોડાંક માણસોને લઈને મારતે ઘોડે જાઓ અને એ કુમારોને પણ પોતાના પિતાની સેવા કરવામાટે યમલોકમાં મોકલી આપો. સમજો કે, એટલું કાર્ય કરવાની સાથેજ તમારા ભાગ્યનો પૂર્ણ ઉદય થયો !”

"ચિન્તા ન કરો; આ ચાલ્યો,” એમ કહીને ચામુંડરાજ ત્યાંથી ચાલતો થયો અને વિંઝાણ તરફ જવાની તૈયારી કરવા લાગ્યો.

રાવળે ચામુંડરાજને જે આજ્ઞા કરી તે હમ્મીરજીના નિમકહલાલ નોકર છચ્છરબૂટાએ સાંભળી; કારણ કે, તે પાસેના એક વિશાળ વૃક્ષની આડમાં છુપાઈને ઊભો હતો પણ અંધકારનો વિસ્તાર વધેલો હોવાથી રાવળ કે તેનો સાથી બન્નેમાંથી કોઈ પણ તેને જોઈ શક્યો નહોતો. તે વિશ્વાસઘાતક નરપિશાચની આજ્ઞાથી ચાલાક છચ્છરબૂટો પોતાના સ્વામીના સ્વર્ગવાસની વાર્ત્તાને જાણી ગયો અને વખત ઘણો જ બારીક હોવાથી શોક કરવા માટે ત્યાં ન રોકાતાં પોતાના રાજાના બે કુમારોના પ્રાણ બચાવવાનો નિશ્ચય કરીને છુપી રીતે જ તે ત્યાંથી પલાયન કરી પોતાની સાંઢણીપર સ્વાર થઈને વાયુના વેગથી વિંઝાણ તરફ ચાલતો થયો.

સાંઢણી અત્યંત દ્રુતગામિની હોવાથી ચામુંડરાજ હજી તો બાડામાં પ્રવાસની તૈયારી કરતો બેઠો હતો તેટલા સમયમાં તે છચ્છરબૂટો કેટલાક ગાઉનો પંથ કાપી ગયો. “મરણ થાય તો થાય, પણ રાજકુમારોના પ્રાણ ન જાય !” એ જ તેની એક માત્ર મનોભાવના અને મહત્ત્વાકાંક્ષા હતી. તે પોતાની મનોભાવનાને સફળ કરી શક્યો કે કેમ, એ હવે આપણે દ્વિતીય ખંડમાં જોઈશું.