કચ્છનો કાર્તિકેય/કમાબાઈના લગ્ન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બેગડાની માગણી કચ્છનો કાર્તિકેય
કમાબાઈના લગ્ન
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
પ્રાર્થના કે પ્રપંચ →


તૃતીય પરિચ્છેદ
કમાબાઈનાં લગ્ન

જામ હમ્મીરજીની ધારણા સફળ થઈ. કમાબાઈની માતા રાજબાએ પોતાના પ્રિયકરની ઈચ્છાને માન્ય કરી પુત્રી કમાબાઈને સમજાવી અને કુમારીની અનિચ્છા હોવા છતાં અંતે તેના મુખથી એ સંબંધમાટેની હા પડાવી. કુમારીની અનુમતિ મળતાં જ રાજાએ ભૂધરશાહને બોલાવીને આજ્ઞા કરી કે: "પ્રધાનજી, ત્યારે હવે તમે જાઓ અને અમદાવાદના સુલ્તાનને તેની આખી ફોજ સાથે અહીં લઈ આવો. અત્યારે, એ જાનને જાણે ઈશ્વરે પોતે જ મોકલી હોયની ! એમ જ આપણે માની લેવાનું છે."

"જેવી બાવાની આજ્ઞા," એમ કહી ભૂધરશાહ મનમાં હર્ષાતો હર્ષાતો દરબારગઢમાંથી બહાર આવી સાંઢિયાપર સ્વાર થયો અને તે સાંઢિયો ચાલવામાં ઘણો જ ઉતાવળો હોવાથી થોડા જ વખતમાં તે મહમ્મદ બેગડાની છાવણીમાં આવી પહોંચ્યો.

"કેમ દીવાનજી, શા સમાચાર છે?" સુલ્તાને પૂછ્યું.

ભૂધરશાહે અદબથી મુજરો કરીને એના ઉત્તરમાં જણાવ્યું કેઃ "હજરત સલામત, શુભ સમાચાર છે. આપની ઈચ્છા પ્રમાણે અમારાં રાજકુમારી સાથે આપનો વિવાહસંબંધ કરી આપવામાં કશો પણ બાધ નથી. પરંતુ અમારી એક ઈચ્છા પ્રમાણે આપને વર્ત્તવું પડશે."

"તમારી તે ઈચ્છા શી છે ?" સુલ્તાને ઉત્સુકતાથી પૂછ્યું.

"એ જ કે લગ્નવિધિ અમારા આર્યધર્મશાસ્ત્રના નિયમ અનુસાર કરવામાં આવશે." ભૂધરશાહે જણાવ્યું.

"તમે ગમે તે વિધિથી શાદી કરો, એમાં અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી." સુલ્તાને તરત જવાબ આપી દીધો.

"આપની આ ઉદારતામાટે અમે આપનો અત્યંત આભાર માનીએ છીએ," એમ કહીને પછી તરત જ ભૂધરશાહે જણાવ્યું કે: "ત્યારે ચાલો, તમારી આ ફૌજને અમારા ગામને પાદરે છાવણી નાખવાનો હુકમ ફરમાવો." "મારી પણ એવી જ ઈચ્છા હતી કે આ કામ જેમ જલ્દી આટોપાઈ જાય, તેમ વધારે સારૂં; કારણ કે, મારે પાછું થોડા જ દિવસમાં સિંધુદેશમાં જઈ પહોંચવું છે." એવી રીતે ભૂધરશાહને પોતાનો મનોભાવ જણાવી સુલ્તાને પોતાની ફૌજના સિપાહસાલાર–સેનાપતિ–ને આજ્ઞા કરી કે: "આપણી ફૌજમાં સર્વને આનંદ ઉત્સવ કરવાનો અને ગામને પાદરે છાવણી નાખવાનો હુકમ કરી દ્યો. હું થોડાક સિપાહીઓ સાથે અત્યારે જ ત્યાં કૂચ કરી જાઉં છું."

"જેવું હુજૂરેવાલાનું ફરમાન!" સિપાહસાલારે એ શબ્દો ઉચ્ચારી ત્યાંથી છાવણીમાં આવીને આજ્ઞા પ્રમાણેની સર્વ વ્યવસ્થા કરી નાખી.

સુલ્તાન મહમ્મદ બેગડો પોતાના એક સો અશ્વારોહી સૈનિકો સાથે ભૂધરશાહ પ્રધાનના સંભાષણનો આસ્વાદ લેતો લાખિયાર વિયરા તરફ જવાને નીકળ્યો. "એક આર્યપુત્રી આવીને આજે મારા અંતઃપુરને ઓપાવશે !" એવા વિચારથી તેનો હર્ષ હૃદયમાં દાબ્યો દબાતો નહોતો. અસ્તુ.

હવે આપણે નગરમાં કેવીક ધામધૂમ ચાલે છે, તેનું કાંઈક અવલોકન કરીશું. ચાલો, ત્યારે પાઠક તથા પાઠિકાઓ, તમે પણ અમારી સાથે વિવાહસમારંભનું નિરીક્ષણ કરવા.

**** *

મહમ્મદ બેગડો લાખિયાર વિયરે આવ્યો અને ત્યાં તેનો ઘણોજ આદરસત્કાર કરવામાં આવ્યો. કોઠાર (મોદીખાનું)ને ખુલ્લો રાખીને સર્વને સીધાં આપવામાં આવ્યાં અને ઘોડા, હાથી તથા બીજાં વાહનોને ઘાસ દાણો આપવામાં આવ્યાં. સુલ્તાનને રમણીય ઉદ્યાનભવનમાં ઉતારો આપી ઘટિકાલગ્ન જોવડાવી રાજા અને પ્રધાને લગ્નની તૈયારી કરવા માંડી. નગરની નારીઓ રાજમહાલયમાં એકઠી થઈ અને પોતાના સુમધુર સુકોમલ કોકિલકંઠથી ગીતો ગાવા લાગી. પુરુષસમાજને કલાવતીઓ નૃત્ય અને સંગીતનો આસ્વાદ આપવા લાગી. નગરમાં પ્રત્યેક સ્થાને આનંદ મંગળનો પ્રસાર થઈ ગયો. લોકો આ વિચિત્ર લગ્ન વિષે પરસ્પર નાના પ્રકારની ચર્ચા ચલાવવા લાગ્યા. કોઈ હિન્દુએ કહ્યું કેઃ "રાજકુમારી તો અપ્સરા જેવી સ્વરૂપવતી છે અને વરરાજા તો દૈત્યરાજ જેવો છે." બીજાએ કહ્યું કે: "દાઢીવાળો વર જ્યારે તોરણે આવશે, ત્યારે કેવો શોભશે વારુ ?" ત્રીજો બોલ્યો કેઃ "કન્યા હિન્દવાણી અને વર મુસલ્માન, એમ તે કોઈ વાર થતું હશે કે ?" એના જવાબમાં ચોથાએ જણાવ્યું કે: "એ તે રાજાઓમાં એમ જ ચાલતું આવ્યું છે; અને આ કમાબાઈ તો વળી રાણીજાયાં પણ નથી, એટલે પછી વાંધો શો હોય ? જે થયું છે તે સારામાટે જ થયું છે." ઇત્યાદિ અનેક પ્રકારની ચર્ચા ચાલવા લાગી. કેટલાક તરુણો મુસલ્માનોના લશ્કરમાં જઈને તેમને મોઢાંમાંથી જે આવે તે ગાળો ભાંડવા લાગ્યા અને એનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કેઃ "ભાઈ, તમે જાનૈયા છો અને એથી અમારો તમને ગાળો ભાંડવાનો હક છે." એથી મુસલ્માન સૈનિકો હસીને છાના રહી ગયા. કહ્યું જ છે કે;—

"ફીકી યહિ નીકી લગે, કહિયે સમય બિચારિ;
સબકો મન હર્ષિત કરે, જ્યોં વિવાહમેં ગારિ !"

એમ કરતાં કરતાં પ્રદોષસમય થવા આવ્યો અને બ્રાહ્મણો લગ્નવિધિની તૈયારી કરવા માટે દોડધામ કરવા લાગ્યા. જામ હમ્મીરજી પોતે બીજા કેટલાક ભાયાતો તથા દરબારીઓને લઈને જમાઇરાજને તેડવા ગયા ને તેને વાજતે ગાજતે તેડી લાવ્યા. લગ્નમંડપ તૈયાર જ હતો, તેમાંના એક સિંહાસને વરરાજાને બેસાડવામાં આવ્યો. સર્વ જાનૈયા પણ યોગ્ય સ્થળે બેઠા અને વિપ્રરાજ વિધિપૂર્વક લગ્ન કરાવા લાગ્યા. રાજકુમારીને લાવી વેદીની પાસે બેસાડવામાં આવી અને વરરાજાને પણ ત્યાર પછી તેની જોડમાં બેસાડ્યો. જામ હમ્મીરે વિધિ પ્રમાણે તેમને ચાર ફેરા ફેરવીને કન્યાદાન આપ્યું અને પોતાની પુત્રીને દાયજામાં હાથી, ઘોડા, રથ, અમૂલ્ય અલંકારો, વસ્ત્રો અને બીજો પણ લાખો કોરીનો માલ આપ્યો. ત્યાર પછી ભોજનનો બહુ જ મોટો અને દબદબાભરેલો સમારંભ કરવામાં આવ્યો અને જ્યારે નીખેટ કરી ત્યારે સુલ્તાન બેગડાએ કહ્યું કે "મારે તો અહીંથી હવે સિંધમાંના બળવાખોરોપર ચઢાઈ કરવા જવું છે એટલે મારી બેગમને આ૫ પોતાના રિસાલા સાથે જ મારી રાજધાની અમદાવાદમાં મોકલી દેવાની કૃપા કરશો, તો ઘણો જ આભાર થશે."

"આપ સુખેથી સિંધ તરફ વિદાય થાઓ. અમે કમાબાઈને અમદાવાદ મોકલી આપીશું. એ વિશે આપે કશી પણ ચિન્તા રાખવી નહિ,” હમ્મીરજીએ આશ્વાસન આપ્યું.

સુલ્તાન બેગડો પોતાના સૈન્યસહિત સિંધુદેશની દિશામાં પ્રયાણ કરી ગયો.

સુલ્તાનના સિંધુગમનને આઠેક દિવસ થઈ ગયા પછી કમાબાઈને અમદાવાદ તરફ મોકલવાની તૈયારીઓ ચાલી. કમાબાઈની અવસ્થા એ વેળાએ બાવીસ ત્રેવીસ વર્ષની હોવા છતાં અત્યાર સૂધી માતા-પિતારુપ છત્રની છાયામાંથી તે દૂર થયેલી ન હોવાથી પોતાના આપ્તજનોનો ભાવિ વિયોગ તે તરુણીને મહાભયંકર દેખાવા લાગ્યો. તે પોતાની માતાને ઉદ્દેશીને એક દિવસ કહેવા લાગી કે: "માતા, 'દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય !' એ કહેવતની સત્યતાનો આજે મને પ્રત્યક્ષ અનુભવ થયો છે. સ્ત્રીઅવતારના ભાગ્યની નિર્બળતા આજે એક આર્ય અબળાને મુસલ્માનના ભવનમાં ઘસડી જાય છે. અસ્તુ. ભાવિને આધીન થવું જ જોઈએ, એટલે એ વિશે હું કાંઈ પણ કહેતી નથી. પણ માતાજી, હું અમદાવાદમાં નવીસવી જઈને બધાં અજાણ્યાં માણસોના સહવાસમાં મારા દિવસો કેમ કરીને વીતાડી શકીશ વારુ ? તમારા વચનને માન આપી મેં મારા જીવનનું બલિદાન તો આપ્યું, પણ અત્યારે મારી જે એક પ્રાર્થના છે તે મને આશા છે કે તમો અને પિતાશ્રી ઉભય માન્ય કરશો જ."

"તારા જેવી આજ્ઞાધારક પુત્રીની પ્રત્યેક ઈચ્છાને પૂર્ણ કરવી એ પ્રત્યેક માતાપિતાનો પરમ ધર્મ છે. જે ઇચ્છા હોય તે સંકોચ વિના જણાવી દે," રાજબાએ પુત્રીને પ્રેમપૂર્વક કહ્યું.

"મારી એ જ વિનતિ છે કે મારા ભાઈ અલૈયાજીને હાલ તરત મારી સાથે મોકલો. જ્યારે હું ત્યાં બધાં સાથે પળોટાઈ જઈશ અને મને સોવાઈ જશે, તે વેળાએ તરત ભાઈને પાછા મોકલી આપીશ." કમાબાઈએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી.

"કેમ ભાઈ, તારી આ વિશે શી ઈચ્છા છે ? તું અમદાવાદ જઈશ કે ?" માતાએ પાસે બેઠેલા અલૈયાજીને ઉદ્દેશીને પૂછ્યું.

"જો મારા જવાથી બહેનના શોકમાં ઘટાડો થતો હોય, તો હું બહેન સાથે જવાને અત્યારે જ તૈયાર છું. એથી બહેનને પણ આનંદ મળશે અને મને પણ પ્રવાસનો લાભ મળશે," અલૈયાજીએ કહ્યું.

"ધન્ય મારા વીરા ! હે પ્રભો, સર્વ બહેનોને ભાઈ આપે, તો આવા જ હૈયામાં બહેનની દાઝ ધરનારા જ આપજે," કમાબાઈએ ભાઈને ધન્યવાદ આપ્યો.

"અલૈયાજી ઉપરાંત અહીંથી હું કેટલીક દાસીઓ તથા કેટલાક સેવકોને પણ તારી જોડે મોકલીશ કે જેથી તને ઓછું ન આવે." રાજબાએ પુત્રીના મનમાં વિશેષ સંતોષ ઉપજાવનારું વાક્ય સંભળાવ્યું.

એ પછીના બે દિવસમાં રાજકુમારીના પ્રવાસમાટેની સર્વ વ્યવસ્થા થઈ ગઈ અને જવાનો સમય આવીને ઉભો રહ્યો. માતાએ શિષ્ટસંપ્રદાય પ્રમાણે કમાબાઈને સાસરે વળાવતી વેળાએ સ્ત્રીધર્મનો યોગ્ય ઉપદેશ આપીને વાત્સલ્યથી કહ્યું કે: "પુત્રિ, તું હવે પ્રભુના નામનું સ્મરણ કરીને પોતાના સદાના નિવાસસ્થાન પતિગૃહે આનંદથી સિધાર: અમારા વિયોગનું વધારે દુઃખ માનીશ નહિ. પુત્રી પારકું ધન કહેવાય છે અને એક દિવસ તેને પતિને ત્યાં જવું જ પડે છે. તારા ભાગ્યમાં વિધાતાએ જે પતિ લખ્યો હતો તે તને મળ્યો, એમાં અમારો કે તારો કોઈનો કશો પણ દોષ નથી. હવે એ પતિને જ પરમેશ્વરરૂપ માનીને આર્યસ્ત્રીધર્મ અનુસાર આનન્દથી વર્તજે અને વારંવાર તારા કુશળ સમાચાર અમને કહાવજે. પુત્રિ, વધારે સુખમાં પડીને તારાં આ વિયોગદુઃખથી ઝૂરતાં માતાપિતાને વિસારી મૂકીશ નહિ; કિન્તુ સ્મરણમાં રાખજે. જા અને સુખિની થા !"

રાજબા જો કે એક સાધારણ ખવાસણ અને જામ હમ્મીરજીની રખાયત હતી, છતાં હમ્મીરજીના સહવાસમાં આવ્યા પછી તેનામાં એક આર્યસ્ત્રીને યોગ્ય સદ્‌ગુણોનો ઘણો જ સારો વિકાસ થયો હતો. તે એક રાણી કરતાં પણ વિશેષ લજ્જા અને મર્યાદાનું પાલન કરતી હતી અને એટલામાટે જામ હમ્મીરનો તેનામાં અપૂર્વ સ્નેહ બંધાયો હતો તથા પ્રજાના લોકો પણ એ બાઈની સહસ્રમુખે પ્રશંસા કરતા હતા. એવી એક સદ્‌ગુણમંડિતા માતા પોતાની પુત્રીને આવો ઉત્તમ ઉપદેશ આપે એ સર્વથા સ્વાભાવિક જ હોવાથી એ વિષયના વિવેચનની આવશ્યકતા નથી.

શુભ ઘટિકા જોઈને કમાબાઈએ પોતાના માડીજાયા ભાઈ અલૈયાજી, કેટલાંક દાસદાસી તથા રિસાલાના માણસો સહિત લાખિયાર વિયરામાંથી અમદાવાદ જવામાટે પ્રયાણ કર્યું.

પુત્રીના વિયોગથી માતાને પાછળથી અત્યંત દુઃખ થવા લાગ્યું. તેને ગૃહ સ્મશાનવત્ ભાસવા લાગ્યું. પુત્રીનાં બાલ્યાવસ્થાનાં રમવાનાં રમકડાં, વસ્ત્ર અને તેવી જ બીજી વસ્તુઓને નિહાળી તેના મનમાં અનેક પ્રકારના વિચાર ઉદ્‌ભવવા લાગ્યા અને તેની સાથે પુત્રીના સદાના વિયોગની સરખામણી કરતાં તેનું હૃદય શોકથી વિદીર્ણ થઈ જવા લાગ્યું. શોક તો હમ્મીરજીના મનમાં પણ એટલો જ થયો હતો, પણ તે પોતે પુરુષ હોવાથી તેણે પોતાના તે શોકને વ્યક્ત થવા દીધો નહિ; એટલો જ માત્ર ભેદ. પુત્ર પુરુષ હોવાથી તેનો ઘર કરતાં બહાર સાથે વધારે સંબંધ હોય છે અને તેથી તેની ગેરહાજરીથી ગૃહમાં એટલો બધો શૂન્યતાનો ભાસ થતો નથી પરંતુ પુત્રી તો નિરન્તર ગૃહના શૃંગારરુ૫ હોવાથી અને રાત્રિદિવસ ગૃહમાં જ વસતી હોવાથી તેના આમ અચાનક દૂર થવાથી કુટુંબિજનોનાં મનમાં અને તેમાં પણ ખાસ કરીને તેની જન્મદાત્રી માતાના મનમાં જે એક પ્રકારનો અનિવાર્ય શોક થાય છે. તેનું યથાર્થ વર્ણન કરવાને કોઈ પણ લેખકની લેખિની સમર્થ નથી. એ શોકનો આઘાત કેવો ભયાનક હોય છે, એનો જેને ત્યાં એવો પ્રત્યક્ષ પ્રસંગ આવી પહોંચે છે, તેજ સારી રીતે જાણી શકે છે. છતાં પણ માતાપિતા સાસરે સિધાવતી, પુત્રીને છાતી પર પત્થર મૂકી ઉત્તમમાં ઉત્તમ બોધ આપે છે, એ તેમની કેટલી બધી સરળતા, દુઃખસહિષ્ણુતા અને પરોપકારબુદ્ધિ છે, એનો કોઈ પણ સુજ્ઞ પાઠક કિંવા પાઠિકા તર્ક કરી શકે એમ છે.

કમાબાઈના જવા પછી અચાનક તેની માતા રાજબાના મુખમાંથી એવા ઉદ્દ્ગારો નીકળી ગયા કે: "ઓ મારી વ્હાલી દીકરી, હવે આ તારી દુર્ભાગિની માતા પુનઃ તારા મુખચંદ્રનું દર્શન કરવાને ભાગ્યશાલિની થશે કે નહિ ? મારું હૃદય મને એમ જ કહે છે કે, હવે મને એ સુખ આ અવતારમાં તો મળવાનું જ નથી !"

આ ઉદ્દ્ગારોની સાથે જ તે મૂર્ચ્છિત થઈને ધરણીપર ઢળી પડી અને એવા જ બીજા પણ અસ્પષ્ટ ઉદ્દ્ગારો કાઢવા લાગી. તેને જલસિંચન આદિ ઉપચારોવડે શુદ્ધિમાં લાવ્યા પછી પણ તેનું મન ભ્રમિષ્ટ સમાન દેખાયું અને તેથી વૈધના ઉપચારનો આરંભ કરવામાં આવ્યો.

અસ્તુ-હવે આપણી વાર્ત્તાના સૂત્રને આપણે અન્ય પ્રસંગના અનુસંધાનમાં આગળ લંબાવીએ.

-🙠 ❀ 🙢-