કચ્છનો કાર્તિકેય/બેગડાની માગણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કચ્છનો કાર્તિકેય
બેગડાની માગણી
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
કમાબાઈના લગ્ન →


દ્વિતીય પરિચ્છેદ
બેગડાની માગણી

જે વેળાએ કચ્છમાં જામ હમ્મીરજીનો રાજ્યાધિકાર પ્રવર્ત્તતો હતો, તે સમયે ગુજરાતમાં મહાપ્રતાપી સુલ્તાન મહમ્મદ બેગડાની હુકૂમત ચાલતી હતી, એ નવેસરથી કહેવાની કશી પણ અગત્ય નથી. 'બેગડો' ઉપનામ એક મુસલ્માન સુલ્તાનના નામ સાથે જોડાયલું જોઈને ઘણાકોના મનમાં આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે; કારણ કે, એવા પ્રકારનું ઉપનામ બીજા કોઈ પણ મુસલ્માન બાદશાહ, સુલ્તાન કિંવા નવ્વાબ આદિના નામ સાથે જોડાયેલું હોય, એમ ઈતિહાસના અવલોકનથી આપણા જોવામાં આવી શકતું નથી. 'મીરાતે સિકન્દરી’ નામક ગુજરાતના ફાર્સીભાષામાં લખાયેલા ઈતિહાસનો કર્તા એ વિષે લખે છે કે: “બેગડો ગુજરાતી ભાષામાં તેવા બળદને કહે છે કે જેનાં શીંગડાં આગળના ભાગમાં નીકળી આવીને જાણે કોઈ મનુષ્યે કાઈને આલિંગન આપવાને હાથ પહોળ્યા કર્યા હોય તે પ્રમાણે વળેલાં હોય છે. અર્થાત્ એ સુલ્તાનની મૂછો એવી તે ઘાટી અને લાંબી હતી કે તે એવા બેગડા બળદનાં શીંગડાં જેવી દેખાતી હતી અને તેથી તેને બેગડા ઉપનામથી ઓળખવામાં આવતો હતો. બીજા કેટલાકો એમ પણ કહે છે કે, મહમ્મદ સુલ્તાને જૂનાગઢ અને ચાંપાનેર એ બે ગિરિદુર્ગોપર વિજય મેળવેલો હોવાથી એ બેગડો ( બેગઢવાળો ) કહેવાતો હતો. આમાં સત્ય શું છે, તે પરમાત્મા જાણે.”

મહમ્મદ બેગડો ગુજરાતનો એક મહાપ્રતાપી સુલ્તાન થઈ ગયો છે, તેણે અનેક વિજયો મેળવ્યા હતા અને ગુજરાતમાં તેના રાજત્વકાળમાં અનેક પ્રકારની સુધારણાઓ તથા સુવ્યવસ્થાઓ થઈ હતી, એ વાર્તા ગુજરાતના ઈતિહાસમાં પ્રસિદ્ધ હોવાથી તે વિશે અહીં વિશેષ વિવેચન કરવાની આવશ્યકતા નથી. સિંધના સુમરા અને સોઢા નામક હિન્દુ રાજપૂત જાતિના લોકોને પ્રથમ મુસલ્માન બનાવનાર, એ સુલ્તાન બેગડો જ હતો, એમ 'મીરાતે સિકન્દરી'નો કર્તા લખે છે. મહમ્મદ બેગડાએ સિંધપર ત્રણ વાર ચઢાઈ કરી હતી; પ્રથમ ઇ. સ. ૧૪૭૧ માં, બીજી ઇ. સ. ૧૪૭૨ માં અને ત્રીજી ઈ. સ. ૧૫૦૬ની લગભગમાં, આપણી વાર્તાનો સમય ઇ. સ. ૧૫૦૬ નો જ છે. સુલ્તાન બેગડો સિંધમાંની કેટલીક બળવાખોર જાતિના લોકોને દાબી દેવાના હેતુથી સિંધ તરફ જવા નીકળ્યો હતો અને તેનો માર્ગ કચ્છમાં થઈને જવાનો હોવાથી ઉપર જણાવ્યા પ્રમાણે તેણે કચ્છમાંના એક વિશિષ્ટ સ્થાનમાં પોતાની છાવણી નાખી હતી. લગભગ બે માઈલ જેટલા ઘેરાવામાં બેગડાની છાવણીનો વિસ્તાર જોવામાં આવતો હતો. છાવણીમાં અનેક તંબૂઓ ઉભા કરી દેવામાં આવ્યા હતા; છતાં સુલ્તાનનો પોતાનો તંબૂ દૂરથી પણ ઓળખી શકાતો હતો. સુલ્તાનનો તંબૂ મખમલ અને ઝીકના ભરતકામથી ભરપૂર હતો તેમ જ તેના શિખરે રાજપતાકા અને સુવર્ણનો અર્ધચન્દ્ર શોભી રહ્યાં હતાં. સુલ્તાન આ વેળાએ પોતાની બેગમો અને રખાયતોને સાથે લાવ્યો નહોતો એટલે છાવણીમાં કેવળ કેટલીક ખિદમતગાર લૉંડીઓ વિના સ્ત્રીઓની વિપુલતા જોવામાં આવતી નહોતી. દિવસના લગભગ તૃતીય પ્રહરનો સમય થયેલો હતો અને સુલ્તાન પોતાના વિશાળ તંબુમાં સાદા પોશાકમાં જ સજ્જ થઈ હુક્કા પાણીનો આસ્વાદ લેતો પોતાના સરદાર તથા અમીરો સાથે કચ્છ રાજ્ય વિશેની જ કેટલીક ચર્ચા ચલાવતો બેઠો હતો. એટલામાં અચાનક એક પહેરેગીરે આવી કોર્નિશ્ કરીને જણાવ્યું કે: “આલમપનાહ, કચ્છના રાજાના દીવાન નજરાણું લઈને હુજૂરેવાલાની કદમબોસીમાટે આવ્યા છે; જો હુકમ હોય તો મોકલું.”

"જાઓ અને તેમને ઈજ્જતની સાથે અહીં લઈ આવો,” સુલ્તાને પોતાની યોગ્યતાને દર્શાવનારી આજ્ઞા કરી અને પહેરેગીર મસ્તક નમાવીને ચાલ્યો ગયો.

ભૂધરશાહ થોડી વારમાં જ સુલ્તાન સમક્ષ આવીને ઉભો રહ્યો અને રાજરીતિ પ્રમાણે અદબથી સલામ અકરામ કરીને હમ્મીરજીએ મોકલાવેલું નજરાણું સુલ્તાનને ભેટ ધર્યું. નજરાણાનો આનંદથી સ્વીકાર કરીને ચાણક્ય બુદ્ધિ સુલ્તાને તેને સવાલ કર્યો કેઃ “દીવાન સાહબ, તમારા કચ્છના રાજા સાથે અમારો કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોવા છતાં તેમણે આ નજરાણું મોકલવાની તસ્દી લીધી અને વિવેક બતાવ્યો, એને ભાવાર્થ શો વારૂ ?"

“એના ભાવાર્થ એ જ કે, આપ શત્રુતાનું કોઈ પણ પ્રકારનું ચિહ્ન્ બતાવ્યા વિના જ અમારા દેશમાં પધાર્યા છો અને જે કોઈ પણ શાંતિથી દ્વારમાં આવે તે અતિથિ મનાય છે. વળી અતિથિનો સત્કાર કરવો એ અમારા આર્યધર્મનો પરમ સિદ્ધાન્ત હોવાથી આપનો આપની યોગ્યતા પ્રમાણે અમારે આદર સત્કાર કરવો જ જોઈએ.” ભૂધરશાહે સમયસૂચકતાથી યોગ્ય અને સંતોષકારક ઉત્તર આપ્યું.

"દીવાન સાહબ, તમારા રાજાના યોગ્ય વર્ત્તનથી મારા મનમાં અતિશય આનન્દ થયો છે. મારી પણ એ જ ઇચ્છા છે કે તમારા રાજા સાથે મારી મૈત્રી સદાને માટે જળવાયલી જ રહે,” સુલ્તાને કહ્યું. "પરંતુ હુજૂરેવાલાનું કયા ખાસ ઉદ્દેશથી કચ્છમાં પધારવું થયું છે, તે જો હરકત ન હોય તો કૃપા કરીને જણાવશો !" ભૂધરશાહે વિનીતભાવથી પોતાના સ્વાર્થનો પ્રશ્ન પૂછ્યો.

"હું આવ્યો તે વેળાએ તો મારો ઉદ્દેશ એ જ હતો કે આ કચ્છ દેશને જીતીને મારી સલ્તનતમાં મેળવી દેવો," સુલ્તાને એક પ્રકારના વિશિષ્ટ કટાક્ષથી ઉત્તર આપ્યું.

"પણ જહાંપનાહ, કચ્છ દેશને જીતી લઇને લાભ શો મેળવશો ? કારણ કે, આ પ્રદેશ ગુજરાત પ્રમાણે ધનધાન્યની સમૃદ્ધિવાળો નથી. આપના જેવા એક વિશાળ સત્તા અને સંપત્તિ ધરાવતા સુલ્તાનની કીર્તિમાં આ દેશને જીતી લેવાથી શો વધારો થઈ શકશે, તે મારા ધ્યાનમાં આવી શકતું નથી. ડુંગર ખોદીને ઉંદર કાઢ્યા જેવું જ થવાનું,” ભૂધરશાહે કહ્યું.

“ત્યારે શું આ દેશમાં કોઈ પણ સારા પદાર્થની વિપુલતા નથી જ કે ? એમ કદાપિ હોઈ શકે ખરું કે ?” સુલ્તાને આશ્ચર્યચકિત થઈને પ્રશ્ન કર્યો.

“અમારા કચ્છ દેશમાં માત્ર વાલુકા અને પાષાણ જોઈએ તેટલા વિપુલ પરિમાણમાં મળી શકે છે,” ભૂધરશાહે વિનોદ અને માર્મિકતા મિશ્રિત ઉત્તર આપ્યું.

"ત્યારે શું, અમે અહીં સુધી આવ્યા, તે અમારી તલ્વારનો કોઈ પણ પ્રકારે વિજય કર્યા વિના ખાલી હાથે જ પાછા ચાલ્યા જઇએ કે ? એમ તો બને જ નહિ. જો તમારો રાજા અમારી તાબેદારી કબૂલ કરીને અમુક વાર્ષિક ખંડણી આપવાના કોલકરાર કરતો હોય, તો અમે લડાઈ નહિ કરીએ; પરંતુ જો એમ ન થાય, તો પછી યુદ્ધ વિના બીજો ઉપાય જ નથી,” મહમ્મદ બેગડાએ પોતાને અભિપ્રાય દર્શાવ્યો.

"ખંડણી આપી શકાય એટલી રાજ્યની ઉપજ જ ક્યાં છે જે ! અહીં તો ઢોરોની વિપુલતા છે, માટે એ ઈચ્છા હોય, તો પ્રતિવર્ષ અમુક સંખ્યામાં ઢોરો આપવાને અમે તૈયાર છીએ. અહીં એવી બીજી એક પણ વસ્તુ મારા જોવામાં નથી આવતી કે જે આપના જેવા એક જહાંગીર સુલ્તાનને નજર કરવાને લાયક હોય !” ભૂધરશાહે શાંતિથી કહ્યું.

“એ તે તમારા સાદા પોશાકપરથી જ જણાઈ આવે છે કે આ રાજ્યમાં વધારે સમૃદ્ધિ નહિ જ હોય. તો પણ અમારે અહીંથી ખાલી હાથે પાછા ફરવું પડે, એ તો યોગ્ય ન જ કહેવાય. મેં સાંભવ્યું છે કે, કચ્છના રાજાની રાજકુમારી બહુ જ સ્વરૂપવતી અને સદ્દગુણવતી છે; માટે જો તેનાં લગ્ન મારી જોડે કરી આપવામાં આવે, તો પછી બીજી કોઈ પણ વસ્તુની મને ઇચ્છા કે આકાંક્ષા નથી. જાઓ અને તમારા રાજાને મારો એ છેલ્લામાં છેલ્લો વિચાર કહી સંભળાવો," બેગડાએ પોતાનો અંતિમ વિચાર સ્પષ્ટ શબ્દોમાં કહી સંભળાવ્યો.

બેગડાની એ વિલક્ષણ માગણીને સાંભળી ભૂધરશાહ મહાગંભીર વિચારમાં પડી ગયો અને થોડી વાર થોભી જવા પછી તેણે નમ્રતાથી કહ્યું કે: “ગેતીપનાહ, એમ તે કેમ બની શકે વારુ ? આ કાર્યમાં ધર્મની મહાબાધા આવી પડે છે. આપ મુસલ્માન અને અમારા રાજા આર્ય ક્ષત્રિય, એટલે આપની સાથે તેઓ પોતાની કન્યાનો શરીરસંબંધ કેમ કરીને જોડી શકે, એનો આપ જ વિચાર કરી જુઓ.”

“હિન્દુ અને મુસલ્માનમાં ખરી રીતે જોતાં કશો પણ તફાવત નથી જ. મારા વચનને માન્ય રાખવાથી ભવિષ્યમાં તમને ઘણો જ લાભ થવાનો સંભવ છે. માટે જાઓ અને મારી આ માગણીને પૂરી કરવાની વ્યવસ્થા બનતી ઉતાવળે કરી નાખો,” બેગડાએ દૃઢતાથી કહ્યું.

"હું એમાટેનું આપને નિશ્ચિત વચન આપી શકતો નથી. રાજાને જઈને આપનો આ સંદેશો સંભળાવું છું. આમ કરવું કે ન કરવું, એનો આધાર તેમની ઈચ્છાપર રહેલો છે,” ભૂધરશાહે પોતાનું અસામર્થ્ય વ્યક્ત કર્યું.

“ભલે, હું તમને ત્રણ દિવસની મુદ્દત આપું છું. એટલા સમયમાં તમારા રાજાની જેવી ઈચ્છા હોય તે ઈચ્છા મને જણાવી દેજો, એટલે પછી મારે શું કરવું એના એક નિશ્ચયપર હું આવીશ. પણ દીવાન સાહબ, એ તો તમે જાણો જ છો કે પોતાના રાજાનું ભલું કરવું અને રાજાને હિતકારક માર્ગમાં લઈ જવો, એ જ સારા દીવાનનું પ્રથમ કર્તવ્ય હોય છે; એટલે અત્યારે તમારે તમારા રાજાને ખરા હિતનો માર્ગ બતાવવો જ જોઈએ. મારા સંબંધ અને મૈત્રીભાવમાં તમારા રાજાના કેટલા અને કેવા લાભ સમાયલા છે, એનું ભાન કરાવવું એ કામ તમારું છે. તમે શાણા અને સમજૂ દીવાન છો, એટલે વધારે બોલવું હું વ્યાજબી ધારતો નથી,” એટલું કહીને સુલ્તાન ત્યાંથી ઉઠી નમાજ પઢવા ચાલ્યો.

પ્રધાન ભૂધરશાહ કચ્છરાજ્ય અને પોતાના રાજાની ભાવિ દશા વિષે મનમાં અનેક પ્રકારના અનુકુળ પ્રતિકૂળ વિચાર કરતો ત્યાંથી ઉઠ્યો અને પોતાના અનુચરો સહિત પાછો લાખિયાર વિયરામાં આવી પહોંચ્યો. ત્યાં આવીને તેણે સુલ્તાન સાથે થયેલ બધો સંવાદ જામ હમ્મીરને અથથી ઇતિપર્યન્ત કહી સંભળાવ્યો.

જામ હમ્મીરના મુખમંડળમાં કૃષ્ણતાની છટા દેખાવા લાગી. તે મહાભયંકર ચિન્તામાં પડી ગયો. થોડી વાર સૂધી તો તે કાંઈ પણ બોલ્યો નહિ. અન્તે તેણે ભૂધરશાહને કહ્યું કેઃ “પરંતુ અમો આર્ય અને ઉત્તમ ક્ષત્રિય, અને તે મુસલ્માન સુલ્તાન; એટલે આ શરીરસંબંધ બની જ કેમ શકે ?”

“આપની આ વાત સાચી છે; પણ કરવું કેમ ? એ વિના બીજો કોઈ ઉપાય જ નથી” ભૂધરશાહ બોલ્યો.

"કોઈ રીતે નાણાંની રકમ આપીને તેનું મન મનાવી શકાય તેમ નથી કે ?” હમ્મીરજીએ પાછો સવાલ કર્યો.

"સુલ્તાનનું ડાચું ભરી શકાય, એટલું બધું નાણું આપણા ખજાનામાં છે ખરું કે ?” પ્રધાન સુધરશાહે સામે સવાલ કર્યો.

“શું નાણાંની તે એટલી મોટી રકમ માગશે કે જે આપણાથી ન જ આપી શકાય ?” હમ્મીરજીએ સાશંક મુદ્રાથી પૂછ્યું.

"ત્યારે આપ શું ધારો છો વારુ ? ગમે તેવો પણ એ સુલ્તાન છે, એટલે જેવી તેવી રકમ એના ધ્યાનમાં પણ આવે ખરી કે ?” પ્રધાને કહ્યું.

"ભૂધરશાહ, તમે મારા હિતૈષી અને રાજ્યનું કલ્યાણ ઇચ્છનાર સચિવ છો, તો પણ એટલું તો મારે કહેવું જ જોઈએ કે વાણિયા હોવાથી તમારામાં આત્માભિમાન કિંવા સ્વાભિમાનનો અભાવ જ છે. નાણાંની આપણાથી બની શકે તેટલી રકમ આપવા છતાં પણ જો સુલ્તાન ન માનતો હોય, તો હું યુદ્ધ કરીશ અને યુદ્ધભૂમિમાં મારા પ્રાણનું બલિદાન આપીશ; પરંતુ મુસલ્માનને કન્યા આપીને કચ્છના રાજ્યકર્ત્તા જાડેજાઓની નિર્મળ કીર્તિને સદાને માટે કલંકિત તો નહિ જ થવા દઉં. શું, સુલ્તાન પુરુષ છે અને આપણે હાથમાં બંગડીઓ પહેરીને બેઠા છીએ કે ? આમ નહિ બને તે નહિ જ બને !” હમ્મીરજીએ પોતાના ક્ષત્રિયસ્વભાવનું દર્શન કરાવીને કોપથી એ વાક્યો ઉચ્ચાર્યા.

"અન્નદાતા, આપ વિના કારણ ઉશ્કેરાઈ જાઓ છો. જો શાંતિથી વિચાર કરી જોશો, તો તરત આપને દેખાઈ આવશે કે કમાબાઈનાં લગ્ન સુલ્તાન સાથે કરી આપવાથી આપના રાજકુળને કલંક લાગવાને લેશ માત્ર પણ સંભવ નથી.” ભૂધરશાહે માર્મિક્તાથી કહ્યું.

"શું કમાબાઈ મારી પુત્રી નથી ?” પ્રધાનના સત્ય આશયને ન સમજવાથી હમ્મીરજીએ વિચિત્ર પ્રશ્ન કર્યો.

"ત્યારે શું અલૈયાજી આપના પુત્ર નથી ? અલૈયાજી આપના સર્વથી જ્યેષ્ઠ પુત્ર હોવા છતાં કુમારશ્રી ખેંગારજીને યુવરાજપદ શામાટે આપવામાં આવ્યું છે વારુ ?” ભૂધરશાહે કહ્યું. "એનું કારણ એ છે કે, અલૈયોજી મારી રખાયતનો પુત્ર છે અને ખેંગારજી રાણીજાયો રાજકુમાર છે," હમ્મીરજીએ કહ્યું.

"એજ નિયમ કમાબાઇને પણ લાગૂ પડે છે. કમાબાઈ આપની રખાયતના ઉદરથી જન્મેલાં પુત્રી છે; કાંઈ રાણીજાયાં નથી," પ્રધાને મૂળ કારણનું દર્શન કરાવ્યું.

"માન્યું કે, કમાબાઈ રાણીજાયાં નથી, પરંતુ તે રાજબીજ છે, એની તો તમારાથી ના પાડી શકાય તેમ નથી જ," હમ્મીરજીએ બીજો વાદ ઉપસ્થિત કર્યો.

"બીજની જાતિ એક હોવા છતાં તે જેવી ભૂમિમાં વવાઇને ઉગી નીકળે છે તે ભૂમિની યોગ્યતા પ્રમાણે તેના પાકની યોગ્યતામાં ભેદ રહેલો હોય છે. અલૈયાજી રાજબીજ હોવા છતાં રાણીજાયા ન હોવાથી જેમ યુરાજપદવીને યોગ્ય ગણાતા નથી, તેવી જ રીતે કમાબાઈ પણ રાજબીજ હોવા છતાં રાણીજાયાં ન હોવાથી રાણીજાયાં રાજકુમારી જેટલી તેમની યોગ્યતા અને પ્રતિષ્ઠા ન હોય એ સર્વથા સ્વાભાવિક જ છે. એટલામાટે જ મારો એ આગ્રહ છે કે આ લગ્ન કરી નાખવાં. આમ કરવાથી જેટલો અત્યારે આપણને લાભ છે, તેટલો જ કિંબહુના તેથી વધારે લાભ કમાબાઈનો પોતાનો પણ છે," પ્રધાને યથાર્થ બુદ્ધિવાદ કરીને કહ્યું.

"એમાં કમાબાઈનો શો લાભ છે વારુ?" હમ્મીરજીએ પૂછ્યું.

"એ જ કે, કમાબાઈ રાણીજાયાં રાજકુમારી ન હોવાથી કોઈ પણ ક્ષત્રિય રાજકુમાર તો એમનું પાણિગ્રહણ કરવાનો નથી જ અર્થાત્ કમાબાઈ કોઈ નીચ કુળના અને સાધારણ સ્થિતિના મનુષ્યનાં પત્ની થાય, તેના કરતાં સુલ્તાનની સુલ્તાના બનીને અગાધ રાજવૈભવ ભોગવે એ શું તેમનો મોટામાં મોટો લાભ નથી કે ?" પ્રધાને કહ્યું.

"પ્રધાનજી, તમારું કથન સત્ય છે અને તમારા કથનથી મારા મનમાંની સર્વ શંકાઓ જતી રહી છે. આ સંબંધ સાંધવામાં હવે હું કશો પણ વાંધો જોતો નથી. માત્ર એક શંકા થાય છે અને તે એ કે કમાબાઈ પોતે આ વાર્ત્તાને કબૂલ કરશે કે કેમ ? જો તે હઠ પકડીને ના પાડશે, તો માત્ર અડચણ આવશે." હમ્મીરજી બોલ્યો.

"પુત્રી માતાના વચનને વિશેષ માન આપે છે; માટે આપ પોતે પધારીને કમાબાઈનાં માતુશ્રીને બધી વાત સમજાવશો, તો તેઓ ભલાં, ભોળાં અને આપપ્રતિ અત્યંત પ્રેમ ધરાવનારાં હોવાથી પોતાની પુત્રીને ગમે તેમ કરીને સમજાવશે અને ખરા રસ્તાપર લાવશે," પ્રધાને મંત્રણા આપી. "એ જ યોગ્ય ઉપાય છે. મારો નિશ્ચય છે કે મારા વચનનો તે કદાપિ તિરસ્કાર કરવાની નથી. હું હવે રાણીવાસમાં જાઉં છું અને તમો ૫ણ રાત્રિ વિશ્રાંતિમાં વીતાડો," એ પ્રમાણે આજ્ઞા કરીને હમ્મીરજી દોઢ પ્રહર રાત્રિ વીતેલી હોવાથી અંતઃપુરમાં ચાલ્યો ગયો અને ભૂધરશાહ પોતાના નિવાસસ્થાન તરફ પ્રયાણ કરી ગયો.

—:O:—