લખાણ પર જાઓ

કચ્છનો કાર્તિકેય/બન્ધુમિલન અને ગુપ્તધન ભંડાર

વિકિસ્રોતમાંથી
← કપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્દ્ધાર કચ્છનો કાર્તિકેય
બન્ધુમિલન અને ગુપ્તધન ભંડાર
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
અહમ્મદાબાદમાં નિવાસ →


પંચમ પરિચ્છેદ
બન્ધુમિલન અને ગુપ્ત ધનભંડાર

અલૈયાજી જ્યાં ખેંગારજી તથા સાયબજીએ ઉતારો કર્યો હતો, ત્યાં આવી પહોંચ્યો અને પોતાના બંધુઓને બાથ ભીડીને ભેટ્યો. ત્રણે બંધુઓને એ પ્રસંગે જે એક પ્રકારને અપૂર્વ હર્ષ થયો તે હર્ષના પરિણામે તેમનાં નેત્રોમાંથી અશ્રુબિન્દુઓ ટપકી પડ્યા; પરંતુ તેમના એ અશ્રુઓમાં જેમ હર્ષનો ભાવ સમાયલો હતો તેમ અમુક અંશે શોકનો ભાવ પણ સમાયલો હતો; કારણ કે, આ સંમેલન તેમના હર્ષનું કારણ હતું અને જામ હમ્મીરનું અકાળ મરણ તેમના શોકનું કારણું હતું, એ અહીં નવેસરથી કહેવાની આવશ્યકતા નથી. જામહમ્મીરના દુષ્ટ જામ રાવળના હસ્તથી થયેલા ઘાતના સમાચાર પ્રથમથી જ અલૈયાજીના જાણવામાં આવી ગયેલા હોવાથી એ સમાચાર નવીનતાથી સાંભળવાની કે જાણવાની તેને આવશ્યકતા નહોતી અને તેથી એ વિષયનું પિષ્ટપેષણ ન કરતાં ત્યાં નીરાંતે બેઠા પછી ખેંગારજીને ઉદ્દેશીને અલૈયાજીએ ગંભીરતાથી કહેવા માંડ્યું કે:–

"બંધુ ખેંગારજી, જ્યારથી આપણા પૂજ્ય પિતાશ્રીના પ્રપંચ તથા કપટથી થયેલા ઘાતના શોકકારક સમાચાર મારા અને આપણાં પૂજ્ય ભગિની કમાબાઈના સાંભળવામાં આવ્યા છે, ત્યારથી અમારાં હૃદય નિરંતર વ્યગ્ર રહ્યાં કરે છે. અમારા મનમાં વિશેષ વિચાર તો એ જ વિષયનો થયા કરતો હતો કે પિતાશ્રીનું તો જે કાંઈ થવાનું હતું તે થયું; પણ તે દુષ્ટાત્મા નરપિશાચ જામ રાવળ તમારી, સાયબજીની અને રાયબજીની પણ હત્યા કરી નાખશે, તો કચ્છનું રાજ્ય આપણા પિતાશ્રીના વંશમાંથી સદાને માટે ચાલ્યું જશે; કારણ કે આપણા પિતાશ્રી પછી કચ્છ રાજ્યના સિંહાસનના પ્રથમ ઉત્તરાધિકારી તમે છો, તમારા અભાવે સાયબજી છે અને સાયબજી ન હોય, તો રાયબાજી છે. પરંતુ પરમાત્માએ તમને શત્રુરુ૫ કાળના મુખમાંથી બચાવ્યા છે અને અત્યારે નિર્વિઘ્ન અમદાવાદમાં પહોંચાડી દીધા છે, એમાટે આપણે પરમાત્માનો જેટલો પણ આભાર માનીએ તેટલો ઓછો જ છે. મહાભયંકર પ્રાણઘાતક પ્રસંગોમાંથી નિર્વિઘ્ને છટકીને તમો અહીં પહોંચી શક્યા છો, એથી સ્પષ્ટ જણાઈ આવે છે કે પરમકૃપાળુ અને પરમદયામય ન્યાયશીલ જગત્પિતાની તમારા હસ્તથી તે દુષ્ટ જામ રાવળને યોગ્ય શિક્ષા અપાવીને તમને જ પાછા કચ્છના રાજસિંહાસન પર સ્થાપવાની દૃડ ઈચ્છા હોવી જોઈએ; કારણ કે, નહિ તો તે જગદાધાર તમને બચાવીને અહિં પહોંચાડે જ નહિ. અસ્તુઃ હવે તમો અહીંથી ચાલો અને આપણા ગૃહમાં આનન્દથી મારી સાથે રહો. આપણે નીરાંતે આપણા શત્રુના અધિકારમાં ગયેલા રાજ્યને પાછું મેળવવામાટે શો પ્રયત્ન કરવો એ વિશેનો યોગ્ય ઊહાપોહ પૂર્વક નિર્ણય કરીશું અને મારો નિશ્ચય છે કે સુલ્તાન મહમ્મદ બેગડો આપણો સંબંધી હોવાથી અવશ્ય આપણને જોઇતી સહાયતા આપશે."

એના ઉત્તરમાં ખેંગારજીએ તેવી જ ગંભીરતાને ધારણ કરીને જણાવ્યું કે: "જ્યેષ્ઠ બંધુ અલૈયાજી, આપના આ વિચારો જો કે યોગ્ય છે; છતાં પણ આ કાર્યમાં આટલી બધી શીઘ્રતા કરવાની આવશ્યકતા નથી; કારણ કે, કોઈ પણ વસ્તુને નષ્ટ કરતાં વિલંબ લાગતો નથી, પણ કોઈ પણ બગડેલા કાર્યને સુધારતાં અથવા તો બગડેલી વસ્તુને પુનઃ તેના મૂળ સ્વરૂપમાં લાવતાં વિલંબ પણ થાય છે અને તેમાટે કેટલોક પરિશ્રમ પણ કરવો પડે છે. અમે અહીં સુલ્તાન બેગડાની સહાયતા મેળવવાના આશયથી જ આવ્યા છીએ અને સુલ્તાન બેગડાની સહાયતા જ્યાં સૂધી ન મળે, ત્યાં સૂધી આપણા કાર્યની સિદ્ધિનો પણ સંભવ નથી. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ અત્યારે જ આવી દીન તથા હીન સ્થિતિમાં સુલ્તાન બેગડો આપણો સંબંધી હોવા છતાં તેના સમક્ષ રજૂ થવાનો અને તેની પાસેથી એક ભિક્ષુક પ્રમાણે સહાયતાની ભિક્ષા માગવાનો મારો વિચાર નથી. મારો એવો જ મનોભાવ છે કે અત્યારે કોઈના પણ જાણવામાં ન આવી શકે કે અમો કચ્છના રાજા જામ હમ્મીરના કુમારો છીએ અને અહીં સુલ્તાનની સહાયતા મેળવવાની અભિલાષાથી આવ્યા છીએ એવા ગુપ્ત ભાવથી અને ગુપ્ત વેષથી અમદાવાદમાં રહેવું અને જ્યારે સુલ્તાનપર ઉપકાર કરવાનો અથવા તો પોતાના શૌર્યથી સુલ્તાનને પ્રસન્ન કરવાનો કોઈ યોગ્ય પ્રસંગ પ્રાપ્ત થાય, તે વેળાએ તે ઉપકાર અથવા તો શૌર્યના બદલામાં જ આપણને જોઇતી સહાયતાની તેની પાસેથી યાચના કરવી. એવા પ્રસંગને આવતાં કેટલોક સમય વીતી જાય, તો તેની ચિંતા નથી; કારણ કે, એવા પ્રસંગે સુલ્તાન જે સહાયતા આપશે,  તેથી આપણા ગૌરવની વૃદ્ધિ થશે અને અત્યારે તે જે સહાયતા આપશે, તેથી આપણા ગૌરવની હાનિ થવાનો સંભવ છે. વળી આ સંસારનો એક એવો નિયમ છે કે વિપદ્‌ગ્રસ્ત મનુષ્યનો બહુધા સત્તાધીશ પુરુષના હૃદયમાં જોઈએ તેવો પ્રભાવ પડી શકતો નથી; તેમ જ મારા અલ્પ વયનો પણ યોગ્ય પ્રભાવ પડે કે ન પડે એ વિશેની પણ મારા હૃદયમાં શંકા રહ્યા કરે છે એટલે કદાચિત્ અત્યારે જ સુલ્તાન પાસેથી આપણે સહાયતાની યાચના કરીએ અને 'નગારખાનામાં તૂતેડીનો અવાજ કોણ સાંભળે છે' એ નિયમ પ્રમાણે આપણી યાચના પ્રતિ સુલ્તાન લક્ષ ન આપે, તો પછી ભવિષ્યમાં પણ એવી માગણી કરવામાટેનો આપણો માર્ગ બંધ થઈ જાય. આ સર્વ કારણોથી અત્યારે તો અમદાવાદમાં ગુપ્ત રહીને યોગ્ય પ્રસંગની પ્રતીક્ષા કરવી એ જ આપણામાટે અધિક ઉત્તમ માર્ગ છે અને એટલામાટે જ આપની સાથે આપના ગૃહમાં રહેવાની પણ મારી ઈચ્છા નથી; કારણ કે, આપના ગૃહમાં એકત્ર નિવાસ કરવાથી આપનાં દાસદાસીઓ અમારા ભેદને જાણી જાય અને અમારી વાર્તા સુલ્તાન સૂધી પહોંચી જાય, તો આપણા મનની અભિલાષા મનમાં જ રહી જાય. અર્થાત્ આજની રાત તો અમો અહીં જ વીતાડીશું. આવતી કાલે અમદાવાદ નગરના કોઈ એકાંત ભાગમાં અમારા નિવાસમાટે આપ કોઈ સારું ભાડાનું મકાન રાખીને અને તેમાં આવશ્યકીય વસ્તુઓની સર્વ યોગ્ય વ્યવસ્થા કરાવીને અમને સંદેશો મોકલજો એટલે અમો તે મકાનમાં જ જઈને રહીશું અને વારંવાર આપને મળ્યા કરીશું. અમને હાલ જોઈએ તેટલા પૈસા ટકાની સગવડ અમારી પાસે છે એટલે એ વિશેની અત્યારે આપે કશી પણ ચિન્તા રાખવાની નથી; ભવિષ્યમાં જો અગત્ય પડશે, તો આપને પરિશ્રમ આપીશું. ભિન્ન ગૃહમાં નિવાસ કરવાનો બીજો હેતુ એ છે કે માર્ગમાં આવતાં ઝાલાવંશની એક ઉત્તમ કન્યા સાથે મારો લગ્નસંબંધ થયો છે અને તેથી જો અહીં ધાર્યા કરતાં વધારે સમય વીતવાનો સંભવ હોય, તો મારી પત્નીને પણ મારે અહીં બોલાવવાં પડશે; કારણ કે, મેં તેમને એ પ્રમાણેનું વચન આપેલું છે." આ પ્રમાણે કહીને ખેંગારજીએ પોતાના તથા સાયબજીના થયેલા લગ્નસમારંભનો વૃત્તાંત પણ અલૈયાજીને કહી સંભળાવ્યો.

ખેંગારજીના એ વિચારોને જાણીને અલૈયાજીને પણ એમ જ લાગ્યું કે તેના એ વિચારો સર્વ પ્રકારે યોગ્ય હતા અને તે સાથે ઉભય ભ્રાતાઓના લગ્નની વાર્તા સાંભળીને તેના મનમાં એક પ્રકારનો સ્વાભાવિક આનંદ થવા લાગ્યો. છતાં પણ તે ખેંગારજીને આગ્રહ કરતો કહેવા લાગ્યો કેઃ "ભલે તમારો ગુપ્ત રહેવાનો અને પોતાના ભિન્ન ગૃહમાં વસવાનો વિચાર છે, તો હું તે માટેની આવતી કાલે સર્વ વ્યવસ્થા કરી આપીશ; પરંતુ આજની રાત મારે ઘેર મેહમાન તરીકે રહેવામાં શો વાંધો છે ? કાંઈ એક જ રાતમાં તમારો ભેદ ખુલ્લો નહિ પડી જાય. અહીં જંગલમાં રહેવું સારું નથી અને તેમાં પણ આ સ્થાન તો વળી મહાભયંકર મનાય છે. આ સ્થાનમાં આ મહાદેવનો પૂજારી ખાકી બાવો જ માત્ર રાતે રહી શકે છે; કારણ કે, મધ્યરાત્રિના સમયમાં અહીં કેટલાક પિશાચો, ભૂતો અને ડાકિનીઓ વિહાર તથા નૃત્ય કરવા માટે આવે છે અને જો કોઈ પણ મનુષ્ય તે વેળાયે અહીં તેમના જોવામાં આવે છે, તો તેનો તેઓ તત્કાળ ભક્ષ કરી જાય છે એવી અહીંના લોકોની દૃઢ માન્યતા છે; માત્ર માન્યતા છે એટલું જ નહિ, પણ એવી રીતે અનેક પ્રવાસીઓ અહીં રાતવાસો કરવાથી અદૃશ્ય થઈ ગયા છે અને તેથી નિશાના સમયમાં આ સ્થાનમાં વાસ કરવાની કોઈ પણ હિંમત કરી શકતું નથી. આ મહાદેવનો પૂજારી ખાકી બાવો એક મહાવિલક્ષણ માંત્રિક, તંત્રવિદ્યાવિષારદ તથા સિદ્ધ પુરુષ હોવાથી માત્ર એને એકલાને જ એ પિશાચ આદિ કશી પણ બાધા કરી શકતાં નથી અને આ કારણથી લોકો એ ખાકી બાવાને બહુ જ માનની દૃષ્ટિથી નિહાળે છે."

અલૈયાજીના મુખથી તે સ્થાનની ભયંકરતાનો તથા તે ખાકી બાવાની સિદ્ધતાનો આ અદ્‌ભુત વૃતાન્ત સાંભળીને ખેંગારજીને મનમાં તો બહુ જ હસવું આવ્યું; છતાં પોતાના મનના એ ભાવને મનમાં જ દબાવી રાખીને બાહ્ય ગંભીરતાને અવિચલ રાખી ખેંગારજીએ કહ્યું કેઃ "પ્રિય બંધુવર્ય, ક્ષત્રિયના કુમારો ભૂત પિશાચ આદિથી કદાપિ ડરતા નથી અને જો પોતાના હસ્તમાં પોતાની અસિ દૃઢ હોય, તો તેઓ એક વાર તો કાળ સાથે લડવાને પણ તૈયાર થઈ જાય છે, એ તો આપ જાણો જ છો એટલે ભૂત પિશાચાદિના ભયથી અમો આ સ્થાનનો પરિત્યાગ કરીએ, એ તો સંભવતું જ નથી; અને તેમાં વળી અહીં રાતવાસો કરવાનું બીજું કારણ એ છે કે જે ખાકી બાવાની સિદ્ધતાની આપ આટલી બધી પ્રશંસા કરો છો, તે ખાકી બાવો અમો જ્યારે અહીં આવ્યા ત્યારે અહીં હતો, પણ ત્યાર પછી તે કોઈ અગત્યના કાર્યમાટે અહીંથી આઠ દશ ગાઉપરના કોઈ સ્થાનમાં જવામાટે ચાલ્યો ગયો છે અને આવતી કાલે તેના પાછા આવતાં સૂધી આ મહાદેવના મંદિર તથા તેની પોતાની પર્ણકુટીને સંભાળવાનો ભાર તે અમારા શિરપર નાખતો ગયો છે. અર્થાત્ અમોએ તેના આવતાં સૂધી આ સ્થાનમાં રહીને શિવમંદિર તથા પર્ણકુટીને સંભાળવાનું વચન આપેલું હોવાથી વચનનું પાલન અમારે કરવું જ જોઈએ અને તેથી અત્યારે તો નગરમાં અમારાથી કોઈ પણ રીતે આવી શકાય તેમ નથી. અમો અહીં પાંચ જણ હોવાથી આપ અમારા વિશે કોઈ પણ પ્રકારની ચિંતા રાખશો નહિ."

"અન્નદાતા, અમો સ્વામિનિષ્ઠ સેવકો આપના બંધુ કુમારશ્રી ખેંગારજી તથા કુમારશ્રી સાયબજીની સેવામાં જ્યાં સૂધી હાજર છીએ, ત્યાં સુધી આપે એમની લેશ માત્ર પણ ચિન્તા રાખવાની નથી. જો અમારા પ્રાણપક્ષી આ શરીરપિંજરમાંથી ઊડી જશે, તો જ એમનો વાળ વાંકો થશે; અર્થાત્ જ્યાં સૂધી અમે જીવતા છીએ, ત્યાં સૂધી તો એમનો એક વાળ પણ વાંકો થવાનો નથી." ખેંગારજીએ છચ્છરને ખાકી બાવાના અથવા તો કાપાલિકના વધનો અને ત્યાંના ગુપ્ત ધનભંડારનો સમસ્ત ભેદ જણાવેલો હોવાથી છચ્છરે અલૈયાજીને આ પ્રમાણેનું યોગ્ય આશ્વાસન આપ્યું.

છચ્છર પ્રમાણે જ રણમલ્લ તથા તેના ભત્રીજાએ પણ અલૈયાજીના હૃદયનું સાંત્વન કરીને નિર્ભય રહેવાનું જણાવ્યું અને તેથી અંતે નિરુપાય થઈને અલૈયાજી ત્યાંથી જવાની તૈયારી કરતો કહેવા લાગ્યો કે: "વારુ, ત્યારે હવે રાત્રિના આગમનમાં અધિક વિલંબ ન હોવાથી હું ઘેર જવાની આજ્ઞા લઉં છું. આવતી કાલે ગૃહ, ગૃહમાં જોઇતી આવશ્યકીય વસ્તુઓ અને બે ચાર દાસ દાસી આદિની વ્યવસ્થા કર્યા પછી હું તમને સંદેશો કહાવીશ એટલે સંદેશ લાવનાર મનુષ્ય સાથે તમો અમદાવાદમાં આવી તમારા પોતાના ગૃહમાં નિવાસ કરશો અને રાત્રિના સમયમાં હું પણ તમારી મુલાકાતે ત્યાં આવીશ ત્યારે આપણે વિશેષ વાર્તાલાપ કરીશું."

"પરંતુ અમારા આગમનની વાર્તા હાલ તરત જ્યાં સુધી અમો આપને અનુમતિ ન આપીએ, ત્યાં સૂધી આપણાં ભગિની કમાબાઈને પણ કૃપા કરીને જણાવશો નહિ." ખેંગારજીએ એક વિશેષ સૂચના આપી દીધી.

"જો તમારી એવી જ ઈચ્છા છે, તો તમારા આગમનની વાર્તા હું તમારી અનુમતિ મળ્યા પૂર્વે બહેન કમાબાઇને જણાવીશ નહિ; કારણ કે, હું જામ હમ્મીરનાં ઉપપત્નીનો પુત્ર હોવાથી એક રીતે આપનો બંધુ છું, પરંતુ કચ્છ રાજ્યના સિંહાસનના ઉત્તરાધિકારી અને રાણીજાયા રજપૂત હોવાથી અમો બીજી રીતે આપનાં પ્રજાજન છીએ અને તેથી આપની આજ્ઞાથી વિરુદ્ધ વર્તવું એ મારો ધર્મ નથી. આપ મને પોતાનો જ્યેષ્ઠ ભ્રાતા માનો છો અને મારું આટલું બધું માન જાળવો છો, એ આપની ઉદારતા તથા સદ્‌ગુણગ્રાહકતા છે; બાકી હું તો મને પોતાને આપનો એક રાજનિષ્ઠ સેવક જ માનું છું અને આપની સેવાનો આ પ્રસંગ પ્રાપ્ત થયો છે એ મારાં પરમ સદ્‌ભાગ્ય છે, એમ જ ધારું છું." અલૈયાજીએ નમ્રતા તથા વિવેકિતાની પરમસીમા કરી બતાવી.

અલૈયાજીની આ શાલીનતાથી ખેંગારજીની પ્રસન્નતાનો પરમાવધિ થયો અને તેથી તે અલૈયાજીને ધન્યવાદ આપતો કહેવા લાગ્યો કે: "જ્યેષ્ઠ ભ્રાતા, આપનાં માતુશ્રી ભલે આપણા પિતાશ્રીનાં ઉપપત્ની હતાં, છતાં એક ક્ષત્રિય સ્ત્રીમાં હોવા જોઈએ તે સર્વ સદ્‌ગુણોનો તેમનામાં નિવાસ હતો અને તેથી જ તેમણે મારા માતુશ્રી પ્રમાણે જ આપણા પિતાશ્રીની ચિતામાં તેમની સાથે સ્વર્ગગમન કર્યું છે. અર્થાત્ અમો આપનાં માતુશ્રીને અમારાં સગાં માતુશ્રી કરતાં પણ અધિક પૂજ્ય માનતા હતા અને અંત પર્યંત માનીશું. આ દૃષ્ટિથી તો કચ્છ રાજ્યના સિંહાસનના ઉત્તરાધિકારી આપ જ છો, છતાં સાંસારિક વ્યવહાર અથવા રુઢિએ મને જ કચ્છ રાજ્યનો રાજા ઠરાવ્યો છે અને એ રુઢિને માન આપવામાં આપે કોઈ પણ પ્રકારના લોભ તથા દ્વેષ આદિ વિકારને વશ ન થતાં જે ઉદારતા દર્શાવી છે, એ આપનો મારા પર એક પ્રકારનો અગાધ ઉપકાર થયો છે. ધારો કે, હું કચ્છનો રાજા થઈશ, તો પણ મેવાડના ચંદાવતો પ્રમાણે આપનું આસન મારા સિંહાસનની જમણી બાજૂએ રહેશે અને આપની અનુમતિ વિના આપનો આ કનિષ્ઠ ભ્રાતા ખેંગારજી રાજ્યવિષયક કોઈ પણ ગંભીર કાર્ય કરશે નહિ, એ નિશ્ચયપૂર્વક માનજો. માત્ર આપના વિશે મારા હૃદયમાં જે સમભાવ તથા પૂજ્ય ભાવનો નિવાસ છે, તેને વ્યકત કરવાનો અને વ્યવહારમાં યોજી બતાવવાનો પ્રસંગ મને પરમાત્મા સત્વર આપે, એટલી જ તે પરમકૃપાળુ પરમાત્માનાં ચરણોમાં મારી પ્રાર્થના છે."

"પરમાત્મા આપની શુભ મન:કામનાઓને સત્વર સિદ્ધ કરો, એ જ મારી પણ તે દયાઘન પ્રભુના પદપંકજમાં અનન્ય અભ્યર્થના છે." અલૈયાજીએ પણ શુભ વાસના દર્શાવી.

એ પછી અલૈયાજી ત્યાંથી નગરપ્રતિ ચાલ્યો ગયો અને તેના જવા પછી ખેંગારજીએ રણમલ્લ તથા તેના ભત્રીજાને પણ પોતાના વિશ્વાસપાત્ર સેવકો માનીને કાપાલિકના વધનો, તેના અત્યાચારોનો તથા તેના ગુપ્ત ભંડારનો વૃત્તાન્ત કહી સંભળાવ્યો અને ત્યાર પછી જણાવ્યું કે: "આજે રાતે આપણે અહીં સર્વથી પ્રથમ જે કાર્ય કરવાનું છે તે એ છે કે આ પર્ણકુટીના ભોંયરામાં કાપાલિકનું જે શબ પડેલું છે તેને બહાર કાઢીને ચિતામાં બાળી નાખવું કે જેથી તેના વધનું કાંઈ ચિહ્ન જ અવશિષ્ટ ન રહે; ત્યાર પછી ભૂગર્ભમાંના તે સ્થાનમાં જે અસ્થિઓનો રાશિ છે, તેમાંનાં અસ્થિઓને ત્યાંથી ખસેડીને ધનભંડારનો શોધ કરવાનો છે; કારણ કે જો તે ધનભંડારમાંથી આપણને સારા પરિમાણમાં ધનસંપત્તિ મળી જશે, તો તેના યોગે અત્યારે આપણે અમદાવાદમાં આડંબરથી રહી શકીશું અને ભવિષ્યમાં જામ રાવળ સાથેના યુદ્ધના સમયમાં પણ એ ધનસંપત્તિ આપણા માટે બહુ જ ઉપયોગિની થઈ પડશે. ભૂત પિશાચ આદિના ભયથી રાત્રિના સમયમાં અહીં કોઈ આવતું નથી એટલે કાપાલિકના શબને નિર્ભયતાથી બાળી નાખવામાં કાંઈ પણ બાધા આવે તેમ નથી અને દૂરથી જે કોઈ ચિતાની જ્વાળા જોશે, તે તો એ જ્વાળાને પિશાચની લીલા માની લેશે એટલે લોકોની આ માન્યતા આપણામાટે તો લાભકારક અને નિર્ભયતાને લાવનારી જ થઈ પડવાનો સંભવ છે."

"કાપાલિકની પર્ણકુટીમાં ખાનપાનની વસ્તુઓ પણ અવશ્ય હોવી જોઈએ અને એટલામાટે મારો એવો વિચાર છે કે અત્યારે આપણે રાંધવાના કાર્યનો આરંભ કરી દઈએ એટલે ભોજન તૈયાર થશે અને આપણે ઉદરપૂજાના કાર્યથી નિવૃત્ત થઈશું તેટલામાં રાતનો પણ કેટલોક સમય વીતી જશે અને ત્યાર પછી કાપાલિકના શબને અગ્નિસંસ્કાર કરવાનો સમય થતાં તે કાર્ય પણ શાંતિથી કરી શકાશે." છચ્છરે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો.

છચ્છરના આ અભિપ્રાયને સર્વનું અનુમોદન મળવાથી છચ્છર તથા રણમલ્લે કાપાલિકની પર્ણકુટીમાં પ્રવેશ કર્યો અને શોધ કર્યો, તો ત્યાં ખાનપાનનાં નાનાવિધ સાધનો તેમને મળી આવ્યાં. છચ્છર પાકનિષ્પતિની કળામાં પણ નિપુણ હોવાથી એક પ્રહરથી પણ અલ્પ સમયમાં તેણે ભોજનની સામગ્રીને તૈયાર કરી જૂદા જૂદા પાંચ કે છ ભોજ્ય પદાર્થો બનાવ્યા અને થાળીઓ પીરસી દીધી; કારણ કે, કાપાલિકની પર્ણકુટીમાં કેવળ ત્રાંબા પીતળનાં જ નહિ, પણ સુવર્ણ તથા રૌપ્યકનાં પાત્રોનો પણ સુકાળ હતો. રાજકુમારોને સુવર્ણના થાળમાં ભોજન પીરસવામાં આવ્યું હતું અને છચ્છર, રણમલ્લ તથા રણમલ્લના ભત્રીજાએ ત્રાંબા પીતળનાં પાત્રમાં જ ભોજન લીધું. ખેંગારજી, સાયબજી તથા છચ્છરને કચ્છ છોડ્યા પછી ભોજનને ન્યાય આપવામાં આવો શાંતિમય, નિર્ભયતાયુક્ત તથા આનંદવર્ધક પ્રસંગ મળ્યો જ નહોતો એટલે તેઓ આજના આ વનભોજનથી અત્યંત સંતુષ્ટ થયા. ભોજનકાર્યની સમાપ્તિ પછી કાપાલિકે ધૂણી સળગાવવા માટે સૂકા લાકડાના જે ત્રણ ચાર ગંજ ખડકી રાખ્યા હતા તેમાંથી મોટાં મોટાં લાકડાં કાઢીને છચ્છર તથા રણમલ્લે જોતજોતાંમાં એક ચિતા ત્યાંથી કેટલાક અંતરપર ખડકી દીધી અને કાપાલિકના શબને તે ચિતાપર રાખી તેમાં અગ્નિ પ્રકટાવી દીધો. મધ્યનિશા થવા પૂર્વે તો કાપાલિકનું મૃતશરીર ભસ્મીભૂત થઈને હતું નહોતું થઈ ગયું. ચિતાભસ્મને તત્કાળ આમ તેમ વિખેરી નાખવામાં આવી અને ત્યાંની ભૂમિને એવી તો સ્વચ્છ કરી નાખવામાં આવી કે ત્યાં ચિતા પ્રકટાવવામાં આવી હતી એવી કોઈના મસ્તિષ્કમાં કલ્પના માત્ર પણ ન આવી શકે. એ કાર્યની સમાપ્તિ પછી ખેંગારજી, છચ્છર તથા રણમલ્લ કાપાલિકની પર્ણકુટીમાંના ભૂગર્ભમાંના ગુપ્ત સ્થાનમાં દીપક લઈને ઊતર્યા અને સાયબજી તથા રણમલ્લનો ભત્રીજો બહાર જ દેખરેખમાટે પર્ણ કુટીની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા.

તે ભૂગર્ભવાસમાં પ્રથમ તો નિર્દયતાથી કાપાલિકના હસ્તથી મરાયેલાં અનેક નિર્દોષ મનુષ્યનાં અસ્થિઓનો એક મહાન્ રાશિ પડેલો તેમના જોવામાં આવ્યો અને તેને જોઈને તેમના હૃદયમાં ત્રાસ, શોક તથા સંતાપયુકત ધિક્કાર છૂટવા લાગ્યો. એક મહાપાપિષ્ઠ, નિર્દય તથા કાળસ્વરૂ૫ કાપાલિક નરપિશાચના અસ્તિત્વને મટાડી અસંખ્ય જનોને ભયમુક્ત કરવાનું પુણ્ય કિંવા શ્રેય આજે પોતાને પ્રાપ્ત થયેલું હોવાથી ખેંગારજી પોતાને ધન્ય તથા ભાગ્યશાળી માનવા લાગ્યો અને છચ્છર તથા રણમલ્લ પણ તેને તેના એ પરોપકારમય વીરકૃત્યમાટે અનેકશઃ ધન્યવાદ આપવા લાગ્યા. મનુષ્યાસ્થિના આવા વિશાળ રાશિને જોતાં પ્રથમ તો તેમનો એવો જ અભિપ્રાય બંધાયો હતો કે કાપાલિકનો ધનભંડાર એ અસ્થિઓની નીચે હોવાથી અસ્થિના રાશિને દૂર કર્યા વિના તે દૃષ્ટિચર થવાનો નથી; પરંતુ એટલામાં તેમને એમ જણાયું કે ઉપરના ભાગમાં જેવા બે ઓરડા હતા તેવા જ નીચેના ભાગમાં પણ બે ઓરડા હતા; તેમાંના એક અસ્થિરાશિવાળા ઓરડામાં અત્યારે તેઓ ઊભા હતા અને બીજા ઓરડામાં જવાનું દ્વાર તેમની સામે જ હતું. તે દ્વાર જોકે વાસેલું હતું, પરંતુ સાંકળ કે તાળાથી વાસેલું નહોતું એટલે ત્યાંના થોડાંક અસ્થિઓને ખસેડીને તેમણે તે દ્વારને ઉધાડી નાખ્યું અને તે બીજા એરડામાં પ્રવેશ કર્યો. તે ઓરડાના મધ્યભાગમાં પાષાણનો જાણે ચતુષ્કોણ ઓટલો જ કરેલ હોયની ! એવા આકારનો પાષાણનો બનાવેલો એક વિશાળ મંજૂષ અથવા પટારો પડેલો તેમના જોવામાં આવ્યો કે જે મંજૂષને મજબૂત તાળાથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ચાર ખૂણામાં બીજી ચાર પેટીઓ લોઢાની બનાવેલી પડી હતી અને તે અડધી જમીનમાં દાટેલી હોવાથી કોઈથી પણ તરત ઉપાડી શકાય તેમ નહોતું. એ સઘળી પેટીઓને પણ તાળાં વસેલાં હતાં. દીપકને પાષાણુમંજૂષાપર મૂકીને હવે એ મજબૂત તાળાને ઉઘાડવાં કેવી રીતે ? ચાવીઓનો શોધ કરવો કે તાળાંને તોડી નાખવાં એ વિશેનો તેઓ પોતપોતામાં વિચાર કરવા લાગ્યા. એટલામાં તો ઓરડાની સામેની ભીંતપરના એક શિલાલેખપર ખેંગારજીની દષ્ટિ પડી અને તેથી કૌતુક થતાં દીપકને હાથમાં લઈ તે દીવાલ પાસે જઈને તેણે તે શિલાલેખના આશયને જાણવાનો પ્રયત્ન કર્યો; પરંતુ તે શિલાલેખ તેની ભાષા તથા લિપિ વિલક્ષણ હોવાથી તેનાથી વાંચી શકાયો નહિ. અંતે તેઓ તે પેટીઓનાં તાળાને તોડી નાખવાના અને સંપત્તિસાથે દીવાલમાંના તે શિલાલેખને પણ કાઢીને લઈ જવાના નિશ્ચય પર આવ્યા અને છચ્છર ઉપર જઇને તાળાં તોડવાનાં સાધનો લઈ આવ્યો એટલે તત્કાળ તે મંજૂષ તથા પેટીઓનાં તાળાં તે સાધનોવડે તૂટી જતાં તેમનો એ પ્રત્યવાય દૂર થઈ ગયો.

પ્રથમ તેમણે પાષાણના મંજૂષને ઊઘાડ્યો અને તેમાંની વસ્તુઓને જોઈને તેઓ સર્વથા આશ્ચર્યચકિત તથા દિગ્મૂઢ થઈ ગયા. તે પાષાણમંજૂષમાં દેવાધિદેવ મહાદેવની સમસ્ત સુવર્ણની બનાવેલી એક અર્ધપ્રતિમા હતી અને તેને જ્યારે બહાર કાઢવામાં આવી ત્યારે તે પ્રતિમાનાં નેત્રો, તેની જટામાં વિરાજતી ગંગાનાં નેત્રો, તેના ગળામાં લપટાયેલા ભુજંગોનાં નેત્રો અને મસ્તકવિભાગમાંના ચંદ્રનો સમસ્ત ભાગ નાનાવિધ રત્નોવડે ખચિત (જડેલાં) હતાં અને તે રત્નોના ચમકાટનો દીપકના પ્રકાશ સાથે મિશ્રભાવ થતાં ત્યાં એક પ્રકારના વિલક્ષણ પ્રકાશનો વિસ્તાર થઈ રહ્યો. એ પ્રતિમા પોલી નહિ, પણ પીન (નક્કર) હોવાથી ઓછામાં ઓછું પણ તેનું વજન દોઢ મણ જેટલું હોવું જોઈએ, એવું સાધારણ અનુમાન કરી શકાતું હતું. મહાદેવની એ અર્ધપ્રતિમાનો કોઈ ઉત્સવને દિવસે પાલખીમાં બેસાડીને દર્શન કરાવવાના પ્રસંગે ઉપયોગ થતો હોવો જોઇએ, એવી તેમણે કલ્પના કરી લીધી. એ ઉપરાંત તે પાષાણમંજુષમાં અષ્ટભૂજા દેવીની પણ એક લઘુ સુવર્ણપ્રતિમા હતી અને તેમાં પણ નાનાવિધ રત્નો બહુ જ સારી સંખ્યામાં જડવામાં આવ્યાં હતાં; તેમ જ રત્નજડિત સુવર્ણના કેટલા અલંકારો પણ તેમાં હતા. લોઢાની જે ચાર પેટીઓ હતી તેમાંની એક પેટીમાં આકંઠ સુવર્ણમુદ્રાઓ ભરેલી હતી, બીજી પેટીમાં આકંઠ રજતમુદ્રાઓ ભરેલી હતી, ત્રીજી પેઢીમાં સોનાની લગડીઓ ભરેલી હતી અને ચોથી પેટીમાં તાલપત્રપર લખેલાં તંત્રવિદ્યા તથા મંત્રવિદ્યાનાં કેટલાંક જીર્ણ પુસ્તકો ભરેલાં હતાં તેમ જ મનુષ્યની બે ખોપરીઓ, બાહુ તથા એવા જ અન્ય મૃત મનુષ્યના અસ્થિમય અવયવો પડેલા હતા. એ ધનભંડારને જોઈને આપણા કથાનાયક ખેંગારજીના હૃદયમાં શોક તથા હર્ષની મિશ્ર ભાવનાઓ ઉદ્‌ભવવા લાગી.

ખેંગારજીએ છચ્છરને ઉદ્દેશીને કહ્યું કેઃ "ભાઈ છચ્છર, દુષ્ટ કાપાલિકે આ સર્વ સંપત્તિ અનેક મનુષ્યોના કપટથી ઘાત કરીને આ સ્થાનમાં એકત્ર કરી છે તેથી આ સંપત્તિ દૈવી સંપત્તિ નહિ, કિન્તુ આસુરી સંપત્તિ છે, એ તો સર્વથા નિર્વિવાદ વાર્તા છે અને તેથી આવી સંપત્તિનો ઉપયોગ કરવો એ જો કે યોગ્ય નથી; છતાં આપણો અત્યારે સારો સમય ન હોવાથી અને આપણે જે કાર્યની સિદ્ધિમાટે આ દેશમાં આવ્યા છીએ તે કાર્યની સિદ્ધિમાં ધનની અત્યંત આવશ્યકતા હોવાથી અત્યારે તો આ સંપત્તિનો ઉપયોગ કર્યા વિના આપણો છૂટકો જ નથી; પરંતુ જ્યારે આપણો સારો સમય આવશે, ત્યારે એટલી જ સંપત્તિનો ધર્મદાનમાં આપણે વ્યય કરીશું એટલે મારી માન્યતા છે કે આ સંપત્તિના ઉપયોગથી આપણું કાંઈ પણ અનિષ્ટ થશે નહિ. અસ્તુ: પરંતુ જો આ સંપત્તિ આ સ્થાનમાં જ રહે, તો તો તે આપણામાટે કશા પણ ઉપયોગની થઈ શકે નહિ, એટલે હવે આ સંપત્તિને આપણે અધિકારમાં લઈ લેવાનો શો પ્રયત્ન કરવો, એનો જ અત્યારે આપણે સર્વથી પ્રથમ વિચાર કરવાનો છે."

એના સમાધાનકારક નિર્ણયના માર્ગને દર્શાવતો છચ્છર કહેવા લાગ્યો કે: "અન્નદાતા, એ વિશે આપ લેશ માત્ર પણ ચિંતા રાખશો નહિ. આપ આવતી કાલે નગરમાં નિવાસ કરવામાટે આનન્દથી ચાલ્યા જજો અને હું તે કાપાલિકના શિષ્ય તરીકે સાધુના વેષમાં અહીં જ રહીશ. આપ સર્વ નિત્ય અહીં અમસ્તા ફરવામાટે આવ્યા કરજો અને હું એ સંપત્તિનો જે થોડો ભાગ બહાર કાઢી રાખું તે સાથે લેતા જજો એટલે કોઈના મનમાં કશી શંકા પણ નહિ આવે અને ધીમે ધીમે આ સર્વ સંપત્તિ આપણા ગૃહમાં પહોંચી જશે. રોકડ સંપત્તિ તથા રત્નખચિત અલંકારો આપણા ગૃહમાં પહોંચી ગયા પછી આ મૂર્તિઓને તથા ગ્રંથોને પણ અન્ય કોઈ યુક્તિથી આપણે અહીંથી ઉપાડી જઇશું. રાજાને કોઈ પણ પ્રકારની સંપત્તિના ઉપયોગનો નિષેધ હોતો નથી અને તેમાં પણ વળી જો પરમાત્માની ઇચ્છા ન હોત, તો અચાનક આટલી બધી સંપત્તિ આપના અધિકારમાં આવત જ નહિ; અર્થાત્ પરમાત્માએ આ સંપત્તિ આપના કલ્યાણમાટે જ આ સ્થાનમાં એકત્ર કરાવી રાખી છે એમ માનીને આ સંપત્તિના યોગ્ય ઉપયોગમાટે કોઈ પણ પ્રકારના સંકોચ કિંવા સંશયને હૃદયમાં સ્થાન આપવાનું કાંઈ પણ કારણ નથી. છતાં પણ યોગ્ય સમય આવતાં આપ ધર્મદાન કરો, તો તેમાટે પણ મારી કાંઈ ના નથી. અસ્તુ: આપણે અત્યારના આપણા કાર્યની સમાપ્તિ કરેલી હોવાથી ઉપર જઇને નિદ્રા લઈએ અને વિશ્રાંતિમાં નિશા વીતાડીએ, તો સારું; કારણ કે, રાત વધારે વીતી ગઈ છે અને તેથી જો આપ વિશ્રાંતિ નહિ લ્યો, તો કદાચિત્ આપની પ્રકૃતિ મંદ થઈ જશે, એવી મારા મનમાં ભીતિ રહ્યા કરે છે."

અર્થાત્ પાષાણુમંજૂષ તથા લોઢાની પેટીઓને બંધ કરીને તેમ જ તે ઓરડાના દરવાજાને બંધ કરી સાંકળ ચઢાવીને ખેંગારજી, છચ્છર તથા રણમલ્લે ઉપર જવામાટેની તૈયારી કરી અને પ્રથમ ખેંગારજી, પછી છચ્છ૨ અને છેવટે રણમલ્લ અનુક્રમે ઉપરના ઓરડામાં આવી ગયા. છચ્છરે ત્યાર પછી નીચેના ભૂગર્ભકક્ષમાં જવાના ઉપરના મુખરુપ દ્વારને ઢાંકી દીધું અને તેની ઉપર ગાલીચો પાથરી દીધો. ખેંગારજી તથા સાયબજીને કાપાલિકની પર્યકશય્યામાં સૂવાડીને છચ્છર પોતે હસ્તમાં નાગી તલવારને રાખી તેમના રક્ષણમાટે ત્યાં જાગતો જ બેસી રહ્યો. રણમલ્લ અને તેનો ભત્રીજો પોતાના ઊંટ પાસે બિત્તર લગાવીને નિદ્રાવશ થયા. ખેંગારજીના કૃષ્ણાશ્વને તો છચ્છરે પર્ણકુટીની પાસે જ લાવીને બાંધી દીધો હતો; કારણ કે, તે અશ્વ શુભશકુનરુપ હોવાથી તેના રક્ષણની પણ અત્યંત આવશ્યકતા હતી. કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના રાત્રિનો અવશિષ્ટ સમય આનંદમાં વીતી ગયો અને બીજા દિવસના રમણીય પ્રભાતના ઉત્સાહવર્ધક દર્શનનો વિશ્વના જીવોને લાભ મળી ચૂક્યો. આખી રાતનું અખંડ જાગરણ હોવા છતાં પણ પ્રભાતમાં સ્નાન આદિ કાર્યથી નિવૃત્ત થઈને છચ્છરે રસોઈની તૈયારી કરવા માંડી અને મધ્યાહ્ન પૂર્વે તો તેઓ ભોજનના કાર્યથી પણ નિવૃત્ત થઈ ગયા. બહુધા તૃતીય પ્રહરની સમાપ્તિ અને ચતુર્થ પ્રહરના આરંભના સંધિકાળમાં અલૈયાજીનો એક અનુચર ખેંગારજી પાસે આવ્યો અને તેણે નગરમાં ચાલવામાટેનો અલૈયાજીનો સંદેશ તેને સંભળાવ્યો. છચ્છર તથા રણમલ્લને ત્યાં જ રાખીને ખેંગારજી પોતાના બંધુ સાયબાજી તથા રણમલ્લના ભત્રીજાને પોતાની સાથે લઇને નગરપ્રતિ જવાને પ્રયાણ કરી ગયો. આ વેળાએ ખેંગારજી પોતાના અશ્વપર તથા સાયબજી અને રણમલ્લનો ભત્રીજો ઊંટપર આરુઢ થયા હતા અને અલૈયાજીનો અનુચર તેમને માર્ગ બતાવતો તેમની આગળ આગળ ચાલ્યો જતો હતો.