લખાણ પર જાઓ

કચ્છનો કાર્તિકેય/કપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્દ્ધાર

વિકિસ્રોતમાંથી
← અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન કચ્છનો કાર્તિકેય
કપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્દ્ધાર
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
બન્ધુમિલન અને ગુપ્તધન ભંડાર →


ચતુર્થ પરિચ્છેદ
કાપાલિકાની કુટિલતા અને અબળાનો ઉદ્ધાર

જે પરમલાવણ્યવતી અને ઉત્કૃષ્ટવસ્ત્રાલંકારમંડિતા રમણી મધ્યાહ્નકાળે એ એકાંત અને બહુધા નિર્જન સ્થાનમાં આવી હતી, તે તેનાં વસ્ત્રોથી એટલે કે વસ્ત્રોની વિશિષ્ટ પદ્ધતિથી જાતિની બહુધા વૈશ્ય વનિતા હોય, એવું કેટલેક અંશે અનુમાન કરી શકાતું હતું; તેમ જ તેનાં મૂલ્યવાન્ વસ્ત્રો તથા બહુમૂલ્ય અલંકારોને જોતાં તે કોઈ ધનાઢ્ય કુટુંબની કામિની હોવી જોઈએ, એ પણ સ્પષ્ટ જણાઈ આવતું હતું. વળી તેના શરીરસૌન્દર્ય તથા લાવણ્યની છટા એવી તો આકર્ષક તથા મનોહારિણી હતી કે તેને જોઈને મુનિવરોનાં મન પણ ચળી જાય, તો પછી તેના રુપમાં કોઈ વિકારી પુરુષનું મન લુબ્ધ થાય એ તો સ્વાભાવિક જ હતું. અર્થાત્ તેની મુખપ્રભા અને તેજસ્વિતાથી તેની કુલીનતાની પણ સહજ કલ્પના કરી શકાતી હતી. આવી એક ધનાઢ્ય, સૌન્દર્યસંપન્ન તથા કુલીન તરુણીને મધ્યાહ્નના સમયમાં અરણ્યસમાન નિર્જનસ્થાનમાં વસતા એક ખાકી બાવાની ઝૂપડીમાં પ્રવેશ કરતી જોઈને કોઈના પણ મનમાં શંકા આવવાનો સંભવ હતો, તે પછી જો સાયબજીના મનમાં એવી શંકાનો આવિર્ભાવ થયો હોય, તો તેમાં આશ્ચર્ય કે નવીનતા જેવું કાંઈ હતું જ નહિ.

અસ્તુઃ ખાકી બાવાના જે નિવાસસ્થાનને આપણે 'ઝૂપડી' નામ આપ્યું છે, તે વાસ્તવિક 'ઝૂપડી' નહોતી, કિન્તુ પાકી લાલ ઇંટોનું ચણેલું એક સારું ઘર જ હતું; પરંતુ એ ખાકી બાવાનું ઘર હોવાથી લોકો તેને બાવાની ઝૂપડી જ કહેતા હતા અને તેથી અમોએ પણ અહીં 'ઝૂપડી’ શબ્દનો જ પ્રયોગ કર્યો છે. એ ઘરમાં બે ઓરડા કરેલા હતા, પરંતુ બહારનું બારણું એક હોવાથી એક ઓરડામાં પ્રવેશ કરી બે એારડાની વચ્ચેની દીવાલમાંના બીજા દરવાજામાં થઈને બીજા ઓરડામાં જઈ શકાતું હતું. બહારના બારણાવાળા એારડાને બીજી બે દિશામાં બે બારીઓ હતી અને અંદરના ઓરડાને ત્રણ દિશામાં ત્રણ બારીઓ કરેલી હતી; એ સઘળી બારીઓમાં લોઢાની સળિયાં નાખેલાં હતાં અને મજબૂત બારણાં પણ બેસાડેલાં હતાં. ખેંગારજી તથા સાયબજીએ જે વટવૃક્ષની છાયામાં પોતાની છાવણી નાખી હતી, ત્યાંથી એ ઝુપડી લગભગ ત્રીસથી ચાળીસ કદમના અંતર પર આવેલી હતી અને ઝૂપડીનું પછવાડું વટવૃક્ષની બરાબર સામે જ પડતું હતું. ત્યાં બે બારીઓ હતી અને તેમનાં બારણાં અત્યારે બંધ હતાં. 'જો બારીમાં કયાંક ફાંકું અથવા તેડ હશે, તો તેમાંથી અંદરની ઘટના પણ જોઈ શકાશે અને નિદ્રાધીન ખેંગારજી તથા પોતાની વસ્તુઓપર પણ દૃષ્ટિ રાખી શકાશે, એટલે જો બની શકે, તો એ રમણીના ભેદને જાણવાની ચેષ્ટા કરવી જ જોઈએ, આવા વિચારથી સાયબજી પોતાના સ્થાન પરથી ઊઠ્યો અને ઝૂપડીની પાછલી દીવાલમાંની એક બારી પાસે જઈ પહોંચ્યો. બારીના એક બારણાને હાથ અડકાડતાં જ તે બારી અંદરથી વાસેલી ન હતી, એમ તેના જાણવામાં આવી ગયું. બારણાને સહજ ઊઘાડતાં આંતરિક ભાગમાંનું જે દૃશ્ય તેના જોવામાં આવ્યું અને તે રમણી તથા ખાકી બાવાનો જે પરસ્પર વાર્તાલાપ તેના સાંભળવામાં આવ્યો તેથી તે કેવળ આશ્ચર્યચકિત જ નહિ, કિન્તુ કેટલેક અંશે ભયભીત પણ થઈ ગયો.

બાવો આ વેળાયે પોતાના સ્વાભાવિક ખાકી બાવાના વેશમાં નહોતો, કિન્તુ એક પ્રકારના રાજસી વેશમાં સજ્જ થઈને એક સુંદર પર્યકશધ્યામાં કામદર્શક છટાથી બેઠો હતો.ઓરડામાં એ વેળાએ બળતી સુવાસિકા અગરબત્તીઓને તેમ જ સુવાસિક તૈલ તથા અત્તર ઇત્યાદિના સુગંધનો વિસ્તાર થયેલો હતો અને તે સુગંધ સાયબજીની નાસિકામાં પણ પ્રવેશ કરતો હતો. તે આગંતુકા અબળા હસ્તદ્વય જોડીને બાવાજી સમક્ષ દીન ભાવને દર્શાવતી ઊભી હતી અને બાવો તેના મુખમંડળના અવલોકનથી પુલકિત થતો દેખાતો હતો. થોડી વાર સુધી ત્યાં મૌનનું સામ્રાજ્ય અખંડ રહ્યા પછી બાવાજીએ અચાનક મૌનનો ભંગ કર્યો અને ગંભીર સ્વરથી તે રમણીને પૂછ્યું કે:—

"મનોહારિણી રમણી, ભાવિક ભક્તા અને આસ્તિક આર્ય અબળા, તું આજે આ વેળાયે અહીં આવવાની છે એ સમાચાર મને આજે પ્રભાતમાં મળી ચૂક્યા હતા અને તેથી આ રાજસી વેશ ધારીને તારી મન:કામનાને પૂર્ણ કરવા માટે હું તારી વાટ જોતો જ બેઠો હતો. હવે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે કે, તારી શી આશા છે, શી વાંચ્છના છે અને શી અભિલાષા છે ?”

"આપ જેવા મહાત્મા પુરષો આ કલિકાળમાં દુર્લભ છે; કારણ આપનું પ્રત્યેક વચન સિદ્ધ થાય છે અને આપના કૃપાપ્રસાદથી અનેક ગૃહસ્થોનાં અંધકારમય ગૃહમાં પ્રકાશનો વિસ્તાર થયો છે, એ વાર્તા મારા જાણવામાં આવતાં હું પણ આપના કૃપાપ્રસાદને મેળવવાની આશાથી જ અત્યારે કોઈના જાણવામાં ન આવે તેવી રીતે આપની પાસે આવી છું અને ગુરુ તથા દેવ સમક્ષ ખાલી હાથે ન જવું એવો શાસ્ત્રનો દર્શાવેલો નિયમ હોવાથી યથાશક્તિ આપને આપવા માટેની ગુરુદક્ષિણા પણ સાથે લેતી આવી છું.” તે રમણીએ અત્યંત વિનીત ભાવથી પ્રાર્થનાના સ્વરૂપમાં એ શબ્દો ઉચ્ચાર્યા.

“તારૂં મધુર નામ માધુરી છે, કેમ ખરું કે નહિ ?” બાવાએ વિલક્ષણ કટાક્ષપાત કરીને પૂછ્યું.

“જી હા, મહારાજ, આ સ્ત્રીશરીરને લોકો માધુરી નામથી જ ઓળખે છે; પરંતુ વસ્તુતઃ માધુરીમાં માધુરીનો અભાવ છે.” માધુરીએ શ્લેષાત્મક વાક્યમાં ઉત્તર આપીને પોતાની સુશિક્ષિતતાનો કાંઇક પરિચય કરાવ્યો.

"માધુરીની સાક્ષાત્ પ્રતિમામાં તે વળી કઈ માધુરીનો અભાવ છે, તે મારાથી સમજી શકાતું નથી. સ્પષ્ટ શબ્દોમાં સાંભળ્યા વિના તારા આશયને હું જાણી શકું તેમ નથી.” બાવાજીએ તેના આશયને જાણવા છતાં પણ ન જાણવાનો ભાવ દર્શાવ્યો.

માધુરી હવે કિંચિદંશે લજજાને ત્યાગીને કહેવા લાગી કેઃ “મહામન, કેવળ સંતાનસુખમાં જ સ્ત્રીના અવતારની સત્ય માધુરી અથવા મધુરતા સમાયલી હોય છે, એ તો એક સાધારણ વાર્તા છે એટલે આપના જાણવામાં પણ હોવી જ જોઈએ. અર્થાત્ એક ગૃહસ્થ સ્ત્રીને સંતાનસુખહીન જીવન કેવળ અમધુર જ નહિ, પણ સર્વથા વિષ સમાન ભાસ્યા કરે છે અને મારી પણ અત્યારે એ જ અવસ્થા છે. મારા પતિ તરુણ, સુંદર, રતિપતિમૂર્તિ અને અતુલધનસંપતિના સ્વામી છે, તેમને મારામાં અગાધ અનુરાગ છે અને મારા સંસારસુખમાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા નથી; પરમાત્માએ અમને સુખ આપવામાં આવી રીતે સર્વ પ્રકારની ઉદારતા દર્શાવવા છતાં માત્ર એક શેર માટી આપવામાં જ અદ્યાપિ કૃપણતા દર્શાવી છે; સારાંશ સંતાનસુખ વિના એ સર્વ સુખો મને તુચ્છ ભાસે છે અને એ સંતાનસુખની ભિક્ષા લેવા માટે જ અત્યારે સાહસ કરીને હું આ સ્થાનમાં આવી છું; કારણ કે, મારી સખી અને પાડોશણ જેકોર (જયકુમારી)ના વંધ્યત્વનું નિવારણ થયું છે અને તે અત્યારે સુંદર પુત્ર સંતાનને રમાડવાના ભાગ્યને પ્રાપ્ત કરી શકી છે, એ સર્વથા આપના કૃપાપ્રસાદનું જ સુખદ પરિણામ છે અને એવી જ રીતે આપે અન્ય પણ કેટલાંક દંપતીને સંતાનસુખ આપ્યું છે, એમ જેકોરના મુખથી જ મારા જાણવામાં આવ્યું છે અને તેની પ્રેરણાથી જ હું આપની સેવામાં ઉપસ્થિત થઈ છું, એ તો આપ જાણો જ છો, એટલે વિશેષ વિવેચનની આવશ્યકતા હોય, એવી મારી માન્યતા નથી.”

માધુરીના આ ભાષણનું શ્રવણ કરીને બાવો કાંઈક વિચારમાં પડી ગયો અને ત્યાર પછી તેણે પૂછ્યું કેઃ “ગુરુદક્ષિણા તું કેટલી લાવી છે ?”

"આ ચાંદીના હાંડામાં પાંચસો સોના મોહોર ભરીને અત્યારે હું લાવી છું અને જ્યારે મારી આશા સફળ થશે, ત્યારે બીજી પણ એટલીજ સુવર્ણમુદ્રા લાવી આપવાનું હું આપને વચન આપું છું.” માધુરીએ એમ કહીને ચાંદીના હાંડામાંની સુવર્ણમુદ્રાઓનો ભોંયપર ઢગલો કરીને તેમને ગણવાનો આરંભ કરી દીધો અને પચાસ પચાસ સોનો મહોરોની થોકડીઓ કરીને બાવાની શય્યામાં રાખવા માંડી.

એ વેળાએ સાયબજીએ ખેંગારજી પ્રતિ દૃષ્ટિપાત કર્યો તો તે જાગ્રત થયેલો દેખાયો અને તેથી સાયબજી પોતાના જ્યેષ્ઠ બંધુ પાસે આવીને સંક્ષેપમાં માધુરી તથા ખાકી બાવાના તે ઝૂપડીમાં ચાલતા અભિનયની કથા તેને સંભળાવવા લાગ્યો. ખેંગારજીના મનમાં પણ એ કૌતુકને જોવાની અભિલાષા થવાથી ઉભય બંધુઓ પાછા તે બારી પાસે આવીને ઊભા રહ્યા. એ વેળાયે માધુરીએ છેલ્લી પચાસ મહોરોની થોકડીને બાવાની શય્યામાં રાખી અને પૂછ્યું કે: “પરમાત્માના કૃપાભાજન, ત્યારે હવે જણાવો કે, મને મારી ઇચ્છિત માધુરીનો લાભ ક્યારે મળશે ?”

બાવાજીએ વિલક્ષણ હાસ્ય કરીને કહ્યું કે “માધુરી, આ પાંચસો સુવર્ણમુદ્રા તો મહાદેવજીના એક જ રુદ્રાભિષેકમાં સમાપ્ત થઈ જશે અને તારી મનોવાંચ્છનાની સિદ્ધિ માટે ઓછામાં ઓછા ત્રણ રુદ્રાભિષેક તો અવશ્ય કરવાજ પડશે. અર્થાત્ ઓછામાં ઓછી પંદરસો મોહોરો તો પ્રથમ જ જોઇશે અને ત્યાર પછી પણ તેટલી જ બીજી ગુરુદક્ષિણા તારે આપવી પડશે. આ તો થઈ જાણે આપવા લેવાની વાત; પણ એ ઉપરાંત તારે મારી એક બીજી આજ્ઞાનો પણ સ્વીકાર કરવો પડશે, કારણ કે, મારી તે આજ્ઞાના પાલન વિના તને સંતાનસુખની પ્રાપ્તિ થાય, એ સર્વથા અશક્ય તથા અસંભવનીય છે.”

“જો ત્રણ રુદ્રાભિષેક માટે પંદરસો સુવર્ણમુદ્રાની આવશ્યકતા હશે, તો બીજી એક હજાર સુવર્ણમુદ્રા હું એક બે દિવસમાં જ આપને મળી જાય તેવો પ્રબંધ કરીશ અને તે ઉપરાંત આપની જે આજ્ઞા છે, તે આજ્ઞા જો હશે, તો તે આજ્ઞાનું પણ યથાર્થ પાલન કરવાને હું તત્પર છું." માધુરીએ કહ્યું,

હવે લફંગો લંગોટો પોતાના પ્રપંચ જાળને વિસ્તારતો આગળ વધીને ગંભીરતાથી કહેવા લાગ્યો કે “માનસમોહિની માધુરી, ધનસંપત્તિ આપવામાં તો તારી ઉદારતા અલૌકિક છે એટલે એ વિશે અધિક બોલવાનું કાંઈ રહેતું જ નથી. પરંતુ જે પ્રત્યવાયના કારણથી મારે તને જે એક બીજી આજ્ઞા સંભળાવવાની છે, તે પ્રત્યવાયનો તારા સમક્ષ યોગ્ય સ્ફોટ કરવાની આવશ્યકતા છે. શાસ્ત્રોનો એ તો એક સર્વસાધારણ સિદ્ધાન્ત છે કે, લક્ષ્મી સ્ત્રીના ભાગ્યની હોય છે અને સંતાનસંપત્તિ પુરુષના ભાગ્યની હોય છે. અર્થાત્ જો પુરુષના ભાગ્યમાં સંતાનસુખ ન જ લખાયલું હોય, તો અનેક પ્રયત્ન કરવા છતાં પણ સ્ત્રીને સંતાનસુખનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. જેકોરના મુખથી તારી અભિલાષાને જાણી લીધા પછી મેં સમાધિમાં જોયું તો તારા પતિના ભાગ્યમાં સંતાનસુખ નથી એમ જ મારા જોવામાં આવ્યું છે; છતાં જો સંતાનને મેળવવાની જ તારી ઈચ્છા હોય, તો તેની પ્રાપ્તિનો અન્યપુરુષસમાગમ વિના બીજો કોઈ માર્ગ છે જ નહિ. મહાદેવજીએ મને સ્વપ્નમાં જણાવ્યું છે કેઃ 'વત્સ, તારા ભાગ્યમાં એક સંતાનનો યોગ છે એટલામાટે તું સંસારત્યાગી હોવા છતાં પણ જે સ્ત્રીના સૌન્દર્યમાં તારું મન લુબ્ધ થાય, તે સ્ત્રી સાથે પ્રેમસંબંધ કરીને તે સંતાન તેને આપજે અને સિદ્ધિનાશનો લેશ માત્ર પણ ભય રાખીશ નહિ. મહાદેવજીના એ શબ્દો આજે મને સંપૂર્ણ સિદ્ધ થયેલા દેખાય છે; કારણ કે, તારા આ વિશ્વમોહન સૌન્દર્યને જોઇને આજે પ્રથમ વાર જ મારું મન તારામાં લુબ્ધ થયું છે અને તેથી તારી સાથે પ્રેમસંબંધ કરીને તને સંતાનવતી કરવાના દૃઢ નિશ્ચયપર હું આવી ગયો છું. આ કારણથી મારી એવી આજ્ઞા છે કે, હે ભાગ્યવતી ભદ્રનારી, તું મારા પ્રેમને સ્વીકારી લે, તારા અવતારને સુધારી લે અને આ સુકોમળ શય્યામાં પદાર્પણ કરીને અનુરાગવડે મારા બાહુને તારા કંઠમાં ધારી લે ! મારા જેવો એક બ્રહ્મચારી યોગી તારા લાવણ્યમાં લોભાયો છે, એ તારા મહાભાગ્યનું જ એક ચિહ્ન છે અને આજે આ રાજસી વેશ પણ મેં કેવળ તારા મનોરંજન માટે જ ધાર્યો છે.”

અત્યાર સુધી શાંત, ગંભીર અને લજ્જાશીલ દેખાતી માધુરીના મુખમંડળમાં એ વેશધારી અને દંભમૂર્તિ યોગીના મુખમાંથી નીકળેલા આવાં અયોગ્ય વચનો સાંભળતાં જ અશાંતિ, ક્રોધ તથા તિરસ્કારનાં ચિન્હો પ્રકટી નીકળ્યાં અને તેના નેત્રો રક્તવર્ણ થઈ ગયાં. તે યોગીની શય્યામાં ગણીને રાખેલી સુવર્ણમુદ્રાને પાછી ઉપાડીને પોતાના રજત પાત્રમાં નાખતી ધિક્કારદર્શક વાણીથી તે પાખંડપ્રતિમા બાવાને સંબોધીને કહેવા લાગી કેઃ “દુષ્ટ નરપિશાચ, તું આવો નીચાશય અને વિષયલોલુપ છે એ વાત જો પ્રથમ મારા જાણવામાં આવી હોત, તો હું અહીં આવવાનું સાહસ કદાપિ કરત નહિ. રાંડ જેકોરે આ વાત મને ન જણાવી તેનું કારણ એ જ હોવું જોઈએ કે, તે તારા હસ્તથી ભ્રષ્ટ થઈ ચૂકી છે અને હવે તેનો પોતાની નકટાજમાતને વધારવાનો વિચાર થયો છે. મારી તો એવી જ ધારણા હતી કે કેવળ તારા યોગબળ, બ્રહ્મચર્ય તથા દેવારાધનના પ્રતાપે તારા આશીર્વાદથી જ નિઃસંતાન દંપતીઓને સંતાનસુખની પ્રાપ્તિ થાય છે અને એ ધારણાથી હું તારો આશીર્વાદ લેવામાટે જ અહીં આવી હતી, પરંતુ તારા અત્યારના વર્તનથી સ્પષ્ટ રીતે મારા જાણવામાં આવી ગયું છે કે જે સ્ત્રીઓ તારા જેવા પાખંડીઓની કાલ્પનિક સિદ્ધિમાં વિશ્વાસ રાખીને સંતાનવતી થવાની અભિલાષા રાખે છે, તે સ્ત્રીઓના લક્ષ્મીધન, યૌવનધન, સતીત્વધન તથા પ્રતિષ્ઠાધનની તારા જેવા વ્યભિચારી પુરુષોની ઇન્દ્રિયલોલુપતામાં આહુતિ અપાય છે અને તેઓ આ લોકમાં નિંદ્ય તથા પરલોકમાંના શાશ્વત સુખથી સદાને માટે વંચિત થાય છે ! સંતાનની પ્રાપ્તિ કે અપ્રાપ્તિનો આધાર કેવળ પરમાત્માની ઈચ્છા૫ર જ રહેલો છે એટલે જો પરમાત્માની કૃપા હશે, તો તે અવશ્ય અમને સંતાન આપશે અને સંતાન નહિ આપે, તો હું મારી વંધ્યતામાં જ સંતુષ્ટ રહીશ. આવી રીતે વ્યભિચાર તથા ભ્રષ્ટતાના માર્ગમાં પ્રવેશ કરીને વર્ણસંકર પ્રજાને ઉત્પન્ન કરવાની અને મારા ધર્મથી પતિત થઈને સંતાનસુખને મેળવવાની મારી લેશ માત્ર પણ ઇચ્છા હતી નહિ, છે નહિ અને હોવાની કે થવાની પણ નથી. હું હવે અન્ય સ્ત્રીઓને પણ ઉપદેશ આપીશ અને તેમને તારા જેવા પિશાચના પ્રપંચજાળમાં સપડાતી અટકાવીશ !”

માધુરીના આ ધિક્કારદર્શક દીર્ધ ભાષણના શ્રવણથી હવે તે બાવાએ, તે યોગિકુલકલંક રાક્ષસે પણ પોતાના સત્ય સ્વરૂપનું દર્શન કરાવવાનો પોતાના મનમાં દૃઢ નિર્ધાર કરી લીધો અને એક પ્રકારનું વિકટ હાસ્ય કરીને તે કહેવા લાગ્યો કેઃ “માધુરી, તારી આ ઓજસ્વિતાને જોઈને હું જાણી ગયો છું કે તું સહજમાં જ કોઈ પરપુરુષની વિકારવાંચ્છનાને વશ થઈ જાય તેવા નિર્મળ હૃદયની અને કામાતુરા કામિની નથી. પરંતુ એ સાથે તારે એ પણ જાણી લેવાનું છે કે, તારા જેવી પક્ષિણીને પોતાના પિંજરમાંથી સહજમાં છટકી જવા દે, તેવો ભોળો અને નિર્બળ હૃદયનો આ ખાકી બાવો પણ નથી. હવે હું તને સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું કે હું યોગી નહિ, પણ ભોગી છું અને ભોળી ભામાઓને ઠગીને તેમના ધન તથા યૌવનનો યથેચ્છ ઉપભોગ કરવામાટે જ મેં આ ખાકી બાવાને વેશ ધારી લીધો છે. આ કારણથી તેં અત્યારે મારા વિશે જે કાંઈ પણ શબ્દો ઉચ્ચાર્યા છે તે સર્વથા યથાર્થ જ છે. છતાં પણ ઈચ્છાથી કે અનિચ્છાથી તારે તારી આ સુવર્ણમુદ્રાઓ તથા તારા આ મૂલ્યવાન અલંકારોને મારાં ચરણોમાં સમર્પવાં જ પડશે માત્ર એટલું જ નહિ પણ મારી વિકારવાસનાને પણ તૃપ્ત કરવી જ પડશે. અહીંથી હું તને હવે ભ્રષ્ટ કર્યા વિના તો જવા નથી જ દેવાનો. જો મૂક મુખથી તું મારી આજ્ઞાને આધીન નહિ થાય, તો હું બળાત્કારે તને મારી શય્યાભાગિની બનાવીશ; કારણ કે, જેવી રીતે સ્મશાનમાંથી શબ પાછું ઘેર નથી જતું, તેવી જ રીતે અહીં આવેલી અબળાની શુદ્ધતા પણ તેના મૂળ સ્વરૂપમાં ઘેર જઈ શકતી નથી, એવો અહીંનો નિયમ જ છે. આનાકાની કર્યા વિના જ તું મારી ઈચ્છાને વશ થઈશ, તો તારા પ્રાણ બચશે અને નહિ તો તારા સતીત્વના નાશ સાથે તારા જીવનનો પણ નાશ થઈ જશે. હું કાપાલિક હોવાથી માનવહત્યા કરવી એ તો મારો નિત્યનો તથા સાધારણ આચાર છે; જો મારા વચનમાં વિશ્વાસ ન બંધાતો હોય, તો તારા સમક્ષ આ ભીશણ દૃશ્ય તૈયાર છે !”

આ શબ્દો ઉચ્ચારતાની સાથે જ તે ક્રુર કાપાલિકે બે ઓરડાની વચ્ચેની દીવાલમાંના કપાટનાં બારણાંને ઊઘાડી નાખ્યાં અને તે બારણાં ઉઘાડતાં જ તેમાંના એક ભીષણ દૃશ્યપર માધુરીની દૃષ્ટિ પડી. એ દૃશ્યને જોઈને તે અર્ધમૃતા થઈ ગઈ અને ભયથી થરથર કંપવા લાગી. એ કપાટની લંબાઈ અને પહોળાઈ લાંબામાં લાંબા તથા ઉંચામાં ઉંચા મનુષ્ય કરતાં પણ કાંઈક વધારે હોવાથી તેમાં મનુષ્યને સરળતાથી પૂરી શકાય તેમ હતું. અર્થાત્ અત્યારે તેમાં એક તરુણી તથા સુંદર સ્ત્રીનું મૃત શરીર પ્રાકૃત અવસ્થામાં લટકતું હતું અને એ કાપાલિકાના અત્યાચારનો સાક્ષાત્કાર કરાવતું હતું. તે સ્ત્રીને તેના ગળામાં ફાંસો નાખીને મારી નાખવામાં આવી હોય અથવા તો મારી નાખ્યા પછી ગળામાં ફાંસો નાખીને આવી રીતે લટકાવવામાં આવી હોય, એવું તેને જોવાથી અનુમાન કરી શકાતું હતું. તે મૃતદેહને બતાવતો ક્રૂર કાપાલિક માધુરીને સંબોધીને કહેવા લાગ્યો કે:— "આ એક અજ્ઞાત અને પ્રવાસિની પ્રમદા પોતાની એક પંચવર્ષીય પુત્રી સાથે ગઈ કાલે સંધ્યા સમયે આ સ્થાનમાં આવી હતી અને અમદાવાદમાં એનું કોઈ ઓળખીતું ન હોવાથી આ સ્થાનમાં રાતવાસો કરવાનો ઉપદેશ આપીને મારી ઉદારતાથી મેં એને લલચાવી હતી. મધ્યરાત્રે એણે મારી વિકારવાસનાનો અનાદર કરવાથી બળાત્કારે એના સતીત્વનો ભંગ કરીને એના ગળામાં ફાંસો નાખી મેં આ કપાટમાં લટકાવી હતી અને મારી એક ગુપ્તદૂતી દ્વારા એની પંચવર્ષીય પુત્રીને એક વેશ્યાને ત્યાં વેચાવી તેની એક હજાર સુવર્ણમુદ્રા જેટલી કીમત આજે પ્રભાતમાં જ ઉપજાવી હતી. જો હઠવાદિની થઈશ તો તારી પણ આવી જ દુર્દશા થવાની છે અને આ મૃત શરીરની સાથે તારી મૃત કાયા પણ આ કાળના વિકરાળ મુખરૂપ ભૂમિગર્ભમાં પડીને સદાને માટે અદૃશ્ય થવાની છે !"

આ શબ્દો ઉચ્ચારીને તે ક્રૂરકર્મા કાપાલિકે પર્યંક પાસેની ભૂમિપરના ગાલીચાને દૂર ખસેડીને એક શિલામાં જડેલા લોઢાના બે કડામાં બે હાથ નાખી એક વિશાળ શિલાખંડને બહાર કાઢી લીધો અને તે શિલાખંડ દૂર થતાં જ નીચે એક ઊંડો ખાડો વિસ્તરેલો માધુરીના જોવામાં આવ્યો. તે ખાડામાં મનુષ્યનાં અસ્થિઓનો જે રાશિ જોવામાં આવતો હતો તેને બતાવીને કાપાલિકે કહ્યું કે “આ સર્વ તારા જેવી હઠવાદિની સ્ત્રીઓનાં શરીરોનાં જ અસ્થિ છે, તે જોઈ લે. આ ખાડામાં દટાઈને જો આ સ્થિતિને પ્રાપ્ત કરવાની તારી ઈચ્છા હોય તો જ મારી ઈચ્છાનો અનાદર કરજે અને મારા વાદની પ્રતિવાદિની થજે. બોલ ત્યારે હવે તારો શો વિચાર છે ?”

જો કે માધુરી વાયુના પ્રબળ આધાતથી કંપતી એક કોમળ લતિકા પ્રમાણે ભયના આઘાતથી કંપતી ઊભી હતી, તો ૫ણ કાપાલિકના આ વાદનો પ્રતિવાદ કરતી તે દૃઢતાથી બોલી કેઃ “આ સંસારમાં ભ્રષ્ટ જીવનને ધારણ કરીને મૃત સમાન અવસ્થામાં જીવવા કરતાં આ ધર્મશીલા માધુરી ધર્મના રક્ષણમાટે આનંદથી પોતાના તુચ્છ પ્રાણનું બલિદાન આપવાને તૈયાર છે !”

"જો એમ જ છે, તો તારા વધમાટે તૈયાર મારી આ તલ્વાર છે !” એમ કહીને તે નિર્દય કાપાલિકે પર્યંકશય્યા તળેથી પોતાની તલ્વારને કાઢી લીધી અને તે દેવીના નામને ઉચ્ચારતો માધુરીના વધની તૈયારી કરવા લાગ્યો; તલ્વાવારને માધુરીપર ઉગામીને તે બોલ્યો કેઃ “ કરી લે ત્યારે આનંદથી મરણનો સત્કાર !”

"ખબરદાર; જો આ હત્યા કરી છે, તો તારામાટે પણ મરણનો હસ્ત છે તૈયાર !" અંતિમ ઘટિકાને આવેલી જોઇને ખેંગારજીએ તે બારીનાં બારણાંંને ઉધાડી નાખીને એ શબ્દનો ભીષણતાથી ઉચ્ચાર કર્યો અને તે સાંભળીને કાપાલિકનો માધુરીના સંહાર માટે ઉપડેલો હાથ પાછો નીચે પડી ગયો. કાપાલિકના એ ભયનો લાભ લઇને માધુરીએ તે ઝૂપડીના દરવાજાની અંદરથી વાસેલી સાંકળ ઉઘાડી નાખી અને તેનું ભાન થતાં તે વાસવાને કાપાલિક દોડ્યો, પણ એટલામાં ખેંગારજી તથા સાયબજીએ ત્યાં દોડીને લાતના આઘાતથી બારણાને ઊઘાડી નાખ્યાં અને ત્યારપછી ઝૂપડીમાં પ્રવેશ કરીને તે બંધુદ્વય પોતાની તલ્વારોને તાણી તે કાપાલિક સમક્ષ ઊભા રહ્યા. સાયબજીએ ખેંગારજીને પૂછ્યું કે “ત્યારે જયેષ્ઠ બંધુ, હવે આપનો શો વિચાર છે ?”

“આવા નરપિશાચના જીવનની સમાપ્તિ થવામાં જ ધર્માંત્માઓના જીવનની નિર્ભયતા છે, ધર્માત્માઓનો ઉદ્ધાર છે." ખેંગારજીએ માર્મિકતાથી તે કાપાલિકના વધનો માર્મિક વિચાર દર્શાવ્યો.

કાપાલિક પણ હૃષ્ટપુષ્ટ અને બળવાન હોવાથી ખેંગારજીના આ ઉદ્‌ગારને સાંભળી તે ઉભય બંધુઓને મારી નાખવાના વિચારપર આવી ગયો અને કહેવા લાગ્યો કે: “મને મારી નાખવાની ઈચ્છા રાખનાર પોતે જ અહીં મરનાર છે; મારી તલ્વારના એક જ વારથી તમો બન્નેનાં માથાં માટીમાં મળી જનાર છે !”

આમ કહીને તે જેવો તલવારનો વાર ખેંગારજીપર કરવા જતો હતો તેવામાં સાયબજીએ તેના તલ્વારવાળા-જમણા–હાથપર પોતાની તલ્વારનો એવો તો વાર કર્યો કે તત્કાળ તેનો હાથ કપાઈ ગયો અને તે કપાયલા હાથ સાથે તેની તલવાર પણ દૂર પડી ગઈ. હવે ખેંગારજી તેના શિરને ધડથી ભિન્ન કરવાને તૈયાર થયો, પણ તેને તેમ કરતો અટકાવીને તે કાપાલિક કરગરીને કહેવા લાગ્યો કેઃ “હે વીર પુરુષો, કૃપા કરીને મારી હત્યા ન કરો; આ ખાડામાં અસ્થિઓની નીચે લક્ષાવાધ સુવર્ણમુદ્રાઓ અને સુવર્ણ, મૌક્તિક તથા હીરક આદિના અસંખ્ય અલંકારોનો ભંડાર મેં ભરી રાખ્યો છે, તે જોઈએ તો લઈ જાઓ; પરંતુ મને જીવનદાન આપો; કારણ કે, આજની આ ઘટનાથી મારા હૃદયમાં ઈશ્વરની ઈશ્વરતાનો પ્રકાશ પડ્યો છે અને પશ્ચાત્તાપથી મારા જીવનના ઉત્તરભાગને સુધારવાનો મારો દૃઢ નિર્ધાર થયો છે. જો આપ મને અત્યારે મારી નાખશો, તો પશ્ચાત્તાપથી મારા જીવનને સુધારવાનો પ્રસંગ મારા હાથમાંથી ચાલ્યો જશે અને મારો રૌરવ નરકમાં નિવાસ થશે ! મારા પર દયા કરો અને મારા ઘોરતમ અપરાધોની મને ક્ષમા આપો. માતા માધુરી, હું તારી પણ ક્ષમા માગું છું અને આજથી મારી પિશાચવૃત્તિને સદાને માટે ત્યાગું છું. તું મારી ગુરુ થઈ છે; કારણ કે, આજે તારા કારણથી જ હું સત્ય ધર્મને ઓળખી શક્યો છું. પુરુષો કરતાં સ્ત્રીઓનાં અંતઃકરણો અધિક કોમળ તથા દયાળુ હોય છે અને તેથી મને આશા છે કે અવશ્ય તું તારી દયાળુતા તથા કોમળતાને પરિચય કરાવીશ !”

માધુરી ખરેખર દયા, અનુકંપા તથા કરુણાની માધુરી જ હતી; કારણ કે, જે પુરુષપિશાચ અલ્પ સમય પૂર્વે તેના સતીત્વનો બળાત્કારે ભંગ કરી તેના પ્રાણનું બલિદાન લેવાને નિર્દયતાથી તત્પર થયો હતો; તે જ પુરુષપિશાચના મરણની ઘટિકા જયારે આવી પહોંચી અને તે દીનતાથી આવી પ્રાર્થના કરવા લાગ્યો એટલે તેથી કરુણામયી માધુરીનું કોમળ અંતઃકરણ પીગળી ગયું અને તેથી તે પોતાના ઉદ્ધારક ખેંગારજીને સંબોધીને કહેવા લાગી કે “વીરબંધુ, હવે આ પાપાત્માની હત્યા કરીને તમે મનુષ્યવધના ભાગી થશો નહિ, પરમાત્માની કૄપાથી અને તમારી સહાયતાથી મારા સતીધર્મનું તથા મારા પ્રાણનું રક્ષણ થયું છે એટલે હવે આને મારી નાખવાની આવશ્યકતા રહી નથી. બળ્યું; એનાં કર્મો એ ભોગવશે.”

ખેંગારજી તેની એ દયાશીલતાને જોઈ કાંઈક હસીને કહેવા લાગ્યો કે:. "પવિત્ર ભગિની. તમે હજી ભોળાં છો અને તેથી જ અત્યારે આવી અયોગ્ય દયા દર્શાવવાનો મને ઉપદેશ આપી રહ્યાં છો. નીતિશાસ્ત્રનો એક એ સર્વમાન્ય સિદ્ધાત છે કે સર્પને અર્ધમૃત અવસ્થામાં જીવતો રાખવો, એ ભવિષ્યમાં તેને વૈરના પ્રતિશોધનો પ્રસંગ આપ્યા સમાન છે; અર્થાત્ ચગદાયલો નાગ પોતાના વૈરનો બદલો લીધા વિના કદાપિ જંપીને બેસતો નથી અને તેથી આપણું જીવન પ્રતિક્ષણ ભય અને ભયમાં જ રહ્યા કરે છે. આ મનુષ્ય નથી, પણ એક મહા ભયંકર વિષધર નાગ છે અને તેથી જો એને અત્યારે આપણે જીવતો રહેવા દઈશું, તો કોઈ વાર પ્રસંગ મળતાં એ નાગ અવશ્ય દંશવાનો પ્રયત્ન કર્યા વિના રહેવાનો નથી, એ નિશ્ચયપૂર્વક માનજો. આવા પિશાચ આત્માઓને તો જેમ બને તેમ સત્વર નરકાલયમાં મોકલી દેવામાં જ સાર છે; કારણ કે, નરકાલયમાં નિવાસ એ જ એમનો ઉદ્ધાર છે !” આમ બોલતાંની સાથે જ ખેંગારજીએ માધુરીના ઉત્તરની પ્રતીક્ષા ન કરતાં અથવા તો તેને અધિક બોલવાનો પ્રસંગ ન આપતાં પોતાની તીક્ષણ ધારવાળી તલ્વારથી તે પુરષરાક્ષસના મસ્તકને ધડથી જુદું કરી નાખ્યું અને ત્યાર પછી કપાટમાના માંના મૃત સ્ત્રીશરીરને તથા કાપાલિકના શબને તે ખાડામાં પધરાવીને તે ખાડાના મુખને શિલાખંડવડે પાછું બંધ કરી દીધું. આ સર્વ કાર્યની સમાપ્તિ પછી ખેંગારજીએ માધુરીને સંબોધીને કહ્યું કે:—

“બહેન, તમારા અંતઃકરણની શુદ્ધતા, પવિત્રતા તથા ધર્મશીલતાને જોઈને અમો ઉભય બંધુઓ આજે અત્યંત પ્રસન્ન થયા છીએ અને આ અમારા સંકટનો કાળ હોવા છતાં પણ આ પિશાચના પંજામાંથી તમારા જેવી એક સતી સુંદરીને બચાવવાનો જે અલભ્ય પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે, તેથી અમો અમને પોતાને અત્યંત ભાગ્યશાળી માનીએ છીએ. અમે તમને આજથી અમારી ધર્મભગિનીનું પદ આપીએ છીએ અને આશા છે કે તમો પણ અમને પોતાના ધર્મબન્ધુ તરીકે સ્વીકારશો અને ભવિષ્યમાં અમારી સાથે ધર્મભગિની તરીકે જ વર્ત્તશો.”

“મારાં એવાં ભાગ્ય ક્યાંથી કે મને તમારા જેવા–રામ અને લક્ષ્મણની સાક્ષાત પ્રતિમા સમાન-ધર્મબન્ધુની પ્રાપ્તિ થાય ? હું આજથી તમને મારા ધર્મબંધુ તરીકે આનંદથી સ્વીકારું છું અને તમારી સાથે ભગિની ધર્મથી વર્તવાના ભાવને હૃદયમાં ધારું છું.” આ પ્રમાણે પોતાની કૃતજ્ઞતા વ્યકત કર્યા પછી માધુરી ખેંગારજી તથા સાયબજીને કહેવા લાગી કેઃ “મારા ધર્મબંધુઓ, તમો મારા ધર્મબંધુ તો થયા છો, પણ અદ્યાપિ તમારી જાતિ, તમારો દેશ અને તમારાં કુળ તથા નામ ઇત્યાદિ મારા જાણવામાં આવ્યાં નથી તે કૃપા કરીને જણાવશો ? કારણ કે, તમારા વેશથી તમે આ ગુજરાત દેશના વાસી નથી, એ તે પ્રત્યક્ષ જણાઈ આવે છે.”

માધુરીના એ પ્રશ્નના ઉત્તરમાં ખેંગારજીએ સંક્ષેપમાં પોતાનો સમસ્ત વૃત્તાન્ત કહી સંભળાવ્યો અને ત્યાર પછી કહ્યું કેઃ “માધુરી બહેન, તમને મેં અમારો આ વૃત્તાંત સંભળાવ્યો તો છે, પણ હાલતરત ક્યાંય કોઈની આગળ અમારાં નામોનો સ્ફોટ કરશો નહિ; કારણ કે, કેટલાક દિવસ અમદાવાદમાં અમારે ગુપ્તનિવાસમાં જ વીતાડવાના છે.”

"આપની એવી ઈચ્છા છે તો એમ જ થશે; પરંતુ બંધુ, તમો અત્યારે સંકટમાં છો, તો આ પાંચસો સુવર્ણમુદ્રા મારી પાસે તૈયાર છે તે સ્વીકારો; કારણ કે, એથી તમોએ મારા શિરપર ઉપકારનો જે ભાર ચઢાવ્યો છે તે પણ કાંઈક હલકો થશે અને સંકટના સમયમાં આ અલ્પ ધન પણ તમને ઉપયોગી થઈ પડશે.” માધુરીએ પોતાની ઉદારતાનો પરિચય કરાવ્યો.

પરંતુ ખેંગારજી તેની એ ઉદારતાનો અસ્વીકાર કરતા કહેવા લાગ્યો કે : "અમો તમારા બંધુ હોવાથી અમારે જ તમને કાંઈ પણ આપવું જોઈએ; પણ અત્યારે આપવાની અમારી શક્તિ નથી અને તેથી અમને શોક થાય છે. અસ્તુઃ અમો અમારી બહેનને સારી રીતે સંતુષ્ટ કરી શકીશું, એ સમય પણ આવશે. તમારી આ ઉદારતા માટે અમે તમારો આભાર માનીએ છીએ. પણ ભગિની પાસેથી ઉ૫કારનો બદલો લેવાની અમારી ઇચ્છા નથી. કૃપા કરીને માત્ર તમારા પતિ તથા શ્વસુરનાં નામો અમને જણાવો અને પછી સત્વર જ અહીંથી પ્રયાણ કરી જાઓ; કારણ કે, કુલીન ગૃહની વધૂ દીર્ઘ કાળ પર્યન્ત આકારણ બહાર રોકાઈ રહે, તો અવશ્ય ગૃહનાં મનુષ્યોનાં મનમાં કોઈ કુશંકાનો ઉદ્‌ભવ થાય, એ સ્વાભાવિક જ છે. અંતે માત્ર મારો એજ ઉપદેશ છે કે આવા દુષ્ટ તાંત્રિક અને માંત્રિક ખલ સાધુઓના ચમત્કારમાં કદાપિ વિશ્વાસ રાખશો નહિ અને અન્ય અબળાઓને પણ કેવળ પરમેશ્વરમાં શ્રદ્ધા રાખવાનો યોગ્ય ઉપદેશ આપતાં રહેજો."

માધુરીએ પોતાના પતિ તથા શ્વસુરના નામો ખેંગારજીને જણાવ્યાં અને ત્યાર પછી ખેંગારજીના ઉપદેશને અંત:કરણમાં ધારણ કરીને પોતાના ઉદ્ધારક તે ઉભય બંધુઓના શિરપર આશીર્વાદોની વૃષ્ટિ વર્ષાવતી તે ત્યાંથી ચાંદીના બેડાને ઉપાડીને જેવી રીતે ઝાંઝર ઝમકાવતી આવી હતી તેવી જ રીતે ઝાંઝર ઝમકાવતી ચાલી ગઈ.

ખેંગારજી તથા સાયબજીએ ઝૂપડીમાં તાળું શોધવા માંડ્યું અને તે તત્કાળ તેમને મળી આવ્યું એટલે ઝૂંપડીની બધી બારીઓ બરાબર બંધ કરી બારણાંને તાળું વાસીને તેઓ જાણે કાંઈ બન્યું જ ન હોય ને તેવી રીતે શાંત ભાવથી પાછા વટવૃક્ષની છાયામાં આવીને બેસી રહ્યા અને છચ્છર તથા રણમલ્લના આવવાની વાટ જોવા લાગ્યા. આ વેળાયે દિવસના તૃતીય પ્રહરનો અંત થઈને ચતુર્થ પ્રહરનો આરંભ થઈ ચૂક્યો હતો અને તેથી સૂર્યાસ્ત થવામાં અદ્યાપિ લગભગ એક પ્રહરનો અવકાશ હતો. ચતુર્થ પ્રહરનો કેટલોક સમય વીત્યા પછી છચ્છર તથા રણમલ્લ ત્યાં આવી લાગ્યા અને તેમણે ખેંગારજીને જણાવ્યું કેઃ "આપના ઓરમાન ભાઈ કુમાર અલૈયાજીને જામ શ્રી હમ્મીરજીના કપટથી થયેલા વધના સમાચાર કેટલાક દિવસ પૂર્વે જ મળી ચૂક્યા છે અને તેઓ આપના આગમનના સમાચાર સાંભળીને બહુ જ પ્રસન્ન થયા છે. તેઓ પોતાના ત્રણ ચાર અનુચરો સહિત આપને માનપૂર્વક પોતાને ત્યાં લઈ જવામાટે હમણાં જ અહીં આવી પહોંચશે." આ શુભ સંવાદ સાંભળીને ખેંગારજી તથા સાયબજીને પરમ સંતોષ થયો. થોડી વારમાં વાહનોને ચારીને જંગલમાંથી રણમલ્લનો ભત્રીજો પણ પાછા આવી લાગ્યો. અલૈયાજીના આગમનમાં કાંઈક વિલંબ થવાથી ખેંગારજીએ છચ્છરને જરા દૂર લઈ જઈને કાપાલિકના વધની ઘટના કહી સંભળાવી અને તે સાંભળીને છચ્છર વળી એક અન્ય પ્રકારના નિશ્ચયપર આવી ગયો.

−□−□−□−□−□−