કચ્છનો કાર્તિકેય/અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ગૃહલક્ષ્મીનો લાભ કચ્છનો કાર્તિકેય
અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
કપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્દ્ધાર →


તૃતીય પરિચ્છેદ
અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન


જાલમસિંહના ગ્રામમાંથી નીકળેલા ખેંગારજી, સાયબજી, તથા છચ્છર અને તેમના બે અંગરક્ષકો ત્યાંથી નીકળ્યા પછી છઠે દિવસે પ્રભાતમાં સાભ્રમતી (સાબરમતી)ના પશ્ચિમતીરપ્રાંતમાં નિર્વિઘ્ન આવી પહોંચ્યા અને ત્યાં ઊભા રહી સાભ્રમતી નદીના જલપ્રવાહ, ત્યાં સ્નાન કરતાં સ્ત્રીપુરુષો તથા અહમ્મદાબાદ નગરનાં ગગનચુંબિત રાજમહાલયો અને અન્યાન્ય હવેલીઓનાં દર્શન તથા નિરીક્ષણથી પોતાનાં નેત્રોને આનંદ આપવા લાગ્યા. હવે આપણે અહીં સાભ્રમતી નદી તથા અહમ્મદાબાદ-અમદાવાદ-નગરનું કિંચિત્ પૌરાણિક તથા ઐતિહાસિક દિગ્દર્શન કરીશું.

તે સમયમાં પણ અત્યારે જ્યાં નગરની પશ્ચિમે સાભ્રમતીનો પ્રવાહ દૃષ્ટિગોચર થાય છે, ત્યાં જ એ પ્રવાહ વહેતો હતો. નગરની પાસે તેની પહોળાઈ ૫૦૦ થી ૬૦૦ ગજની હતી. ગ્રીષ્મ ઋતુ વર્ત્તમાન હોવાથી તે સમયે નદીમાં જલની એટલી વિપુલતા નહોતી કે તેમાં નૌકાઓ તરી શકે અને ચાલી શકે; અર્થાત્ લોકો પગે ચાલીને, ઊંટ પર બેસીને, ગાડામાં બેસીને અથવા અશ્વારૂઢ થઇને તે પારથી આ પાર આવતા હતા અને આ પારથી પેલે પાર જતા હતા; કારણ કે, તે સમયમાં અત્યારના ' એલિસ બ્રિજ ' જેવો કોઈ સેતુ (પુલ) અસ્તિત્વમાં નહોતો. સાભ્રમતીના તીરપ્રાંતમાં નીલકંઠ મહાદેવ, ખડગધારેશ્વર મહાદેવ, અને ભીમનાથ મહાદેવ આદિ પ્રખ્યાત શિવાલયો તે કાળમાં પણ વિદ્યમાન હતાં અને તે ઉપરાંત કેટલાક ઘાટો પણ એવા તો સુંદર બાંધેલા હતા કે તેમના યોગે તીરપ્રાંતને સ્વર્ગીય શોભા પ્રાપ્ત થયેલી હતી.

એ સાભ્રમતીની ઉત્પત્તિ વિશે 'પદ્મપુરાણ'માં જે એક પ્રાચીન કથા આપવામાં આવી છે, તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:—પવિત્ર સરસ્વતી નદીવડે મંડિત અર્બુદાચલ નામક પર્વતમાં કશ્યપજીએ અનેક વર્ષો પર્યન્ત મહાભારત તપ કર્યું હતું; એટલે કે, મુનિજનોએ કશ્યપજીને એવી પ્રાર્થના કરી હતી કે, ' લોકોના કલ્યાણમાટે તમો ગંગા નદીને આ સ્થાનમાં લાવો; ' અર્થાત્ તેમની એ પ્રાર્થના સાંભળીને કશ્યપે અર્બુદ વનમાં સરસ્વતી નદીના તીરપ્રાંતમાં તપનો આરંભ કરી દીધો અને તેમની સાથે અન્ય ઋષિઓ પણ શિવની આરાધના કરવા લાગ્યા. અંતે તેમના તપથી પ્રસન્ન થયેલા મહાદેવે ત્યાં પ્રકટ થઈને કહ્યું કેઃ “હે કશ્યપ, તમો મારી પાસેથી ઇચ્છિત વર માગી લ્યો.” એટલે કશ્યપે કહ્યું કે: “આપના શિરમાં જે પવિત્ર ગંગાજી છે, તે આપ મને આપી દ્યો.” આ શબ્દ સાંભળતાં જ મહાદેવજીએ પોતાની એક જટામાંથી ગંગાજી આપી દીધાં. કશ્યપ ગંગાને પોતાના આશ્રમમાં લઈ ગયો અને તે સમયથી જ કશ્યપનો આશ્રમ 'કેશરંધ્ર તીર્થ 'ના નામથી તથા ગંગા 'કાશ્યપી ગંગા'ના નામથી ઓળખાવા લાગ્યાં. 'કાશ્યપી ગંગા'ના દર્શન માત્રથી જ બ્રહ્મહત્યા આદિ પાપોનો નાશ થાય છે. એનું નામ સત્યયુગમાં ક્રતવતી, ત્રેતામાં ગિરિકર્ણિકા, દ્વાપરમાં ચન્દના તથા કલિયુગમાં સાભ્રમતી હોય છે. એ 'કાશ્યપી ગંગા' અથવા સાભ્રમતીના તીરપ્રાંતમાં અનેક મહર્ષિઓ વસ્યા કરે છે; એ સરિતાના સલિલમાં સર્વ તીર્થોનો નિવાસ છે; એ નદીના તીરપ્રાંતમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓનો સત્વર ઉદ્ધાર થઈ જાય છે અને એ નદીના તીરપ્રાંતમાં જે બ્રહ્મચારીશ તથા ગંગાધર નામક શિવલિંગો તેમ જ રાજખડગ્ નામક પવિત્ર તીર્થ છે, તે તીર્થમાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યા આદિ પાપોનું નિવારણ થઈ જાય છે. આટલો વૃત્તાંત પદ્મપુરાણ, ઉત્તરાખંડ, ૧૩૫ મા અધ્યાયમાં અપાયેલો છે અને ત્યાર પછીના એ જ ખંડના જે બીજા કેટલાક અધ્યાયોમાં એ વિશે વિશેષ ઉલ્લેખો કરાયા છે, તેમનો સાર આ પ્રમાણે છે:— સાભ્રમતી નદી નન્દીકુંડમાંથી નીકળી અર્બુદ પર્વતને ઉલ્લંઘીને આગળ વધેલી છે. નન્દીકુંડની પાસે કપાલમોચન તીર્થ તથા કપાલેશ શિવલિંગ છે. (૧૩૬ મો અધ્યાય). સાભ્રમતી નદી નન્દીપ્રદેશમાંથી વિકીર્ણ વનમાં જઈને પર્વતોની ધારાને કાપતી સંપ્તધારામાં વિભક્ત થઇને દક્ષિણ દિશામાં સમુદ્રમાં મળી ગઈ છે. તેની એ સપ્તધારાઓનાં અનુક્રમે સાભ્રમતી, સેટિકા, બલ્કીની, હિરણ્યા, હસ્તિમતી, વેત્રમતી અને ભદ્રામુખી એ સાત નામો છે. (૧૩૭મો અધ્યાય). માતૃતીર્થ સમીપ સાભ્રમતીમાં સ્નાન કરવાથી માતૃમંડળમાં નિવાસ થાય છે. સાભ્રરમતી તથા ગોક્ષુરાના સંગમમાં સ્નાન કરનારને કોટિ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. (૧૩૯ મો અધ્યાય). સાભ્રમતીના તીરે ખડ્ગ તીર્થમાં સ્નાન કરીને ખડ્ગધારેશ્વર મહાદેવના દર્શન કરવાથી મનુષ્યને સ્વર્ગલોક મળે છે. કાર્તિક માસમાં ખડ્ગધારેશ્વર મહાદેવની પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળ મળે છે અને વૈશાખ માસમાં પૂજા કરવાથી રાજ્યની પ્રાપ્તિ અથવા રાજ્યલાભ થાય છે. (૧૪૭ મો અધ્યાય). સમુદ્ર તથા સાભ્રમતીના સંગમમાં સ્નાન કરવાથી મહાપાતકોનો પણ નાશ થઈ જાય છે અને ત્યાં શ્રાદ્ધ કરવાથી બ્રહ્મહત્યા આદિ પાપોનો લોપ થતાં મનુષ્ય પિતૃલોકમાં નિવાસ કરી શકે છે. (૧૭૦ મો અધ્યાય). સાભ્રમતીના તીરમાંતમાંના નીલકંઠ તીર્થમાં નીલકંઠ મહાદેવના દર્શન તથા પૂજન આદિ કરવાથી મનવાંછિત ફળ મળે છે અને મોક્ષનો પણ લાભ થાય છે.*[૧]

"અમદાવાદ નગર વસ્યા વિશે[૨] એક એવી આખ્યાયિકા સાંભળવામાં આવે છે કે, જે વેળાયે અમદાવાદ વસ્યું નહોતું, તે વેળાયે તે સ્થાનમાં આસપાસ ઘાટી ઝાડી અને તેની વચ્ચે આસ્તોડિયું અથવા આશાવલ્લી નામક એક નાનું ગામ હતું. સંસ્કૃતમાં એ ગામનું નામ 'આશાપલ્લી,' લખેલું છે. આ ગામમાં આશો નામને એક ભિલ્લ વસતો હતો, અને તેની ગુર્જરકુમારી–ગુજ૨ કુંવરી–નામક એક અત્યંત સૌન્દર્યવતી પુત્રી હતી. તે સમયમાં અત્યારે જ્યાં માણેકચોક છે, ત્યાં સાભ્રમતી નદીનો વહનમાર્ગ[૩] હતો. એ સ્થળે તે બાળા નિત્ય પાણી ભરવા આવતી હતી. એક દિવસ પાટણના બાદશાહ અહમ્મદશાહનો રાવત બાદશાહના ઘોડાને પાણી પાવા ત્યાં આવ્યો અને તેનો એ ગુર્જરકુમારી સાથે અચાનક મેળાપ થઈ ગયો. એ પછી તે રાવત નિત્ય તે ઘોડાને લઇને પાટણથી આવતો અને તે જ રાતે ગુર્જરકુમારીને મળીને પાછો પાટણ પહોંચી જતો હતો. અંતે એ વાર્તા બાદશાહના જાણવામાં આવી અને તેથી બાદશાહે ત્યાં આવીને સંવત ૧૪૬૭ માં પોતાના નામથી અહમ્મદાબાદ નામક નગર વસાવ્યું કે જેનું પછીથી 'અમદાવાદ' એવું અશુદ્ધ કિંવા અપભ્રષ્ટ રૂપ થઈ ગયું અને તે અત્યાર સુધી પ્રચલિત છે. બાદશાહોનું સિંહાસન અમદાવાદમાં હોવાથી કેટલાકો એ નગરને રાજનગર નામથી પણ ઓળખે છે અને તે યોગ્ય જ છે. અહમ્મદાવાદ વસાવ્યા પછી બાદશાહે ગુર્જરકુમારીને પોતાના અંતઃપુરમાં રાખી. વનવાસિનીને રાજમંદિરનિવાસિની બનાવી. એ સમયમાં સાભ્રમતી નદીના તીરપ્રાંતમાં માણેકનાથ બાવો વસતો હતો. બાદશાહે જયારે નગરની આસપાસ ફરતો કોટ ચણાવવા માંડ્યો ત્યારે ચમત્કાર એવો થયો કે, જે વેળાયે દિવસે કોટના ચણતરનું કામ ચાલતું, તે વેળાયે બાવો માણેકનાથ પોતાની એક જૂની ફાટેલી ગોદડીમાં દોરા ભરવા બેસતો અને રાતે ગોદડીમાંથી તે દોરા કાઢી નાખતો એટલે ચણાયલો બધો કાટ કડડ ભૂસ દઈને પડી જતો. આ વાર્તા જે વેળાયે બાદશાહના જાણવામાં આવી તે વેળાયે બાદશાહે એમ ન કરવાને બાવાને નમ્રતા પૂર્વક પ્રાર્થના કરી એટલે બાવાએ જણાવ્યું કે: 'જો તમો મારું નામ કાયમ રાખો તો કોટ ચણાય અને શહેર પણ આબાદ થાય.' બાદશાહે તેની માગણીને માન આપી તેના નામનો 'માણેકબુર્જ' ચણાવ્યો અને ચોકનું 'માણેકચોક' નામ રાખ્યું કે જે અદ્યાપિ અવિચલ છે.

"બીજી એક આખ્યાયિકા કિંવા ઐતિહાસિક કથા એવી છે કે જે વેળાયે સુલ્તાન મુજફ્ફરશાહ મરી ગયો, તે વેળાયે તેનો પૌત્ર અહમ્મદશાહ ગુજરાતનો સુલ્તાન થયો. પરંતુ તેનો પિત્રાઈ ફીરોજશાહ તેના સુલ્તાનપદનો અસ્વીકાર કરીને પોતે સુલ્તાન થવાની આકાંક્ષાથી ભૃગુપુર (ભરૂચ) માં સાત કે આઠ હજાર માણસનું સૈન્ય એકઠું કરી નર્મદાના તીરે છાવણી નાખીને પડ્યો. એ બળવાખોર ફીરોજશાહને દાબી દેવામાટે જ્યારે અહમ્મદશાહ પાટણથી ભરૂચ તરફ આવવા નીકળ્યો ત્યારે વચ્ચે સાભ્રમતીના તીરપ્રાંતમાં આવેલા આશાવલી ગામ પાસે તેના લશ્કરે છાવણ નાખી. એ સ્થાનનાં હવાપાણી બાદશાહને ઘણાં જ સારાં લાગવાથી ફીરોજશાહને પરાજિત કર્યા પછી તેણે એ સ્થાનમાં પોતાના નામથી નવીન નગર વસાવ્યું અને તેને જ પોતાની રાજધાનીનું કેન્દ્રસ્થાન બનાવ્યું. એ પછી પાટણના સુલ્તાનો અહમ્મદાબાદ (અમદાવાદ)માં વસવા લાગ્યા અને તેઓ અમદાવાદના સુલ્તાનના નામથી ઓળખાતા થયા.

"અમદાવાદના આબાદ થવા વિશેની એ બન્ને આખ્યાયિકાઓમાં કેટલોક ભેદ હોવા છતાં એટલું તો નિર્વિવાદ જણાઈ આવે છે કે, અમદાવાદને વસાવનાર તો અહમ્મદશાહ પહેલો જ હતો અને અત્યારે એ નગર તેના નામથી જ ઓળખાય છે, માત્ર એટલું જ નહિ, પણ મૂળ આસ્તોડિયા અથવા આશાવલી ગામના સ્મારકરુ૫ 'આસ્તોડિયો દરવાજો' પણ અત્યાર સુધી કાયમ છે. અસ્તુ.

"અમદાવાદને મૂળ વસાવનાર તો અહમ્મદશાહ હતો, પણ મહમૂદ બેગડો ગુજરાતનો એક મહાપ્રતાપી સુલ્તાન હોવાથી તેના સમયમાં અમદાવાદની જાહોજલાલી ઘણી જ વધી ગઈ હતી. અત્યારે અમદાવાદમાં મુસલ્માનોના સમયની જે સારી સારી ઇમારતોનાં જોવાલયક ખંડિયેરો છે, તેમાંની ઘણીખરી ઈમારતો એ મહમૂદ બેગડાના સમયમાં જ અસ્તિત્વમાં આવી હતી. અર્થાત્ એટલાથી જ અમદાવાદની તે વખતની જાહોજલાલીની કાંઈક કલ્પના કરી શકાય એમ છે."

અમદાવાદના વસાવનાર અહમ્મદશાહ પહેલા એ જ અમદાવાદનો કિલ્લો ચણાવવાના કાર્યનો આરંભ કર્યો હતો, એ તો ઉપર દર્શાવેલું જ છે; પરંતુ તેના જીવનકાળમાં એ કિલ્લો આખો તૈયાર થઈ શક્યો નહોતો; માત્ર એટલું જ નહિ, પણ તેની પછીના બે સુલ્તાન મહમૂદશાહ ૧ લો તથા જલાલખાન ઉર્ફ કતુબુદ્દીનના રાજત્વકાળમાં પણ કિલ્લો અપૂર્ણ અવસ્થામાં જ રહ્યો હતો, કારણ કે, એ દુર્ગની સમાપ્તિનો યશ મહમૂદ બેગડાના ભાગ્યમાં લખાયલો હોવાથી તેના હસ્તે જ એ કાર્યની પૂર્ણાહુતિ થઈ હતી. કહેવામાં આવે છે કે, બેગડાના સમયમાં અમદાવાદના કિલ્લાનો વિસ્તાર લગભગ છ માઈલનો એટલે કે ત્રણ ગાઉનો હતો, તેની ઉંચાઈ પંદર ફીટની હતી અને સાધારણ દીવાલોની પહોળાઈ ચારથી પાંચ ફીટની હતી. પ્રત્યેક પચાસ કદમને અંતરે મોટા મોટા બુર્જ બાંધવામાં આવ્યા હતા અને તેમાં અંદરથી ગોળીબાર કરવામાટે નાનાં મોટાં છિદ્રો રાખવામાં આવ્યાં હતાં. તે સમયમાં અમદાવાદના દુર્ગમાં બધા મળીને અઢાર દરવાજા હતા અને તે એટલા તો વિશાળ હતા કે ઉંચી અંબાડીઓ સુદ્ધાં હાથીઓ તેમાંથી નીકળી જતા હતા અને તો પણ ઉપર કેટલોક ભાગ ખાલી રહેતો હતો. એ દુર્ગદ્વારોનાં બારણાં લોહ તથા કાષ્ઠ ના મિશ્રણથી બનાવેલાં હોવાથી એવાં તો મજબૂત હતા કે તોપના ગોળા આવીને તેમના પર પડે, તો પણ ભાગ્યે જ તેમને ઈજા પહોંચવાનો સંભવ માની શકાય. ફરિશ્તા પોતાના ઇતિહાસગ્રંથમાં એક સ્થળે લખે છે કે: 'તે સમયમાં અમદાવાદના ૩૬૦ મહલ્લા દીવાલોથી સુરક્ષિત હતા.' (એ કદાચિત્ પોળો જ હોવી જોઈએ; કારણ કે, હજી પણ જૂની પોળોના દરવાજા કિલ્લાના દરવાજા જેવા જ જોવામાં આવે છે); અને 'તે કાળમાં અમદાવાદ નગરની વસતી નવ લાખ મનુષ્યોની સંખ્યાએ પહોંચી હતી.'

'મીરાતે સિકન્દરી' નામક ગુજરાતના ઇતિહાસમાં તેનો કર્તા લખે છે કેઃ 'બેગડાના રાજત્વકાળમાં ગુજરાત દેશને પણ નવી તેજી આવી હતી અને તે એવી કે એવી તેજી તે પૂર્વે કદાપિ આવી જ નહોતી. સિપાહીઓની સ્થિતિ સારી હતી અને પ્રજાને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ નહોતો. સાધુ સંતો સ્થિર ચિત્તથી પરમેશ્વરની પ્રાર્થનામાં નિમગ્ન રહેતા હતા અને વ્યાપારીઓ વ્યાપાર તથા નફાથી ખુશખુશાલ જોવામાં આવતા હતા. દેશમાં સર્વત્ર નિર્ભયતા હતી અને ચોરોનો ભય તો હતો જ નહિ, અર્થાત્ સુવર્ણ ઉછાળતા લોકો ચાલ્યા જાય, તો પણ કોઈ તેમના સુવર્ણપર દૃષ્ટિપાત કરી શકતું નહોતું અને તેથી કોઈને પોકાર કે ફરિયાદ કરવાનું કાંઇ પણ કારણ હતું નહિ. સુલ્તાને એવું ફર્માન જારી કર્યું હતું કે, 'અમીર અથવા લશ્કરમાંનો કોઇ પણ સિપાહી લડાઇમાં મરી જાય અથવા કુદરતી રીતે તેનું મરણ થાય, તે વેળાયે તેની જાગીર તેના પુત્રને આપવી; જો તેને પુત્ર ન હોય, તો તેની જાગીરનો અર્ધ ભાગ તેની પુત્રીને આપવો અને જો પુત્રી પણ ન હોય, તો તેના આશ્રિતોને આજીવિકામાટેની એવી વ્યવસ્થા કરી આપવી કે તેમને કોઈ પણ પ્રકારની હરકત ન થવા પામે.' એમ કહેવામાં આવે છે કે, એક મનુષ્યે સુલ્તાન બેગડાને આવીને કહ્યું કે: 'અમુક એક અમીર સ્વર્ગવાસી થયો છે અને તેનો પુત્ર તેની પદવીને લાયક નથી.' એટલે એના ઉત્તરમાં સુલ્તાને જણાયું કેઃ 'ચિન્તા નહિ; પદવી પોતાની મેળે જ તેને લાયક બનાવશે.' ત્યાર પછી આ વિષયમાં કોઈથી એક શબ્દ પણ ઉચ્ચારી શકાયો નહિ. બેગડાના સમયમાં પ્રજા સર્વ પ્રકારનાં સુખો ભોગવતી હતી અને ધનધાન્યવડે સમૃદ્ધ હતી તેનું કારણ એ હતું કે, અત્યાચાર તથા અનાચાર જેવા અપરાધ વિના અન્ય કોઈ પણ કારણથી જાગીરદારોની જાગીરો પાછી લઈ લેવામાં આવતી નહોતી અને સરકારી મેહસૂલ જેટલું પ્રથમ ઠરાવવામાં આવ્યું હોય તેટલું જ તેમની પાસેથી વસૂલ કરવામાં આવતું હતું. સંક્ષેપમાં કહેવાનું એટલું જ કે જ્યારે સુલ્તાન મહમૂદ શહીદના સમયમાં કેટલાક કરકસરિયા વજીરોએ દેશની ઉપજની તપાસ કરી જોઈ ત્યારે તેમને ઉપજમાં દશગણો વધારો થયેલો દેખાયો અને કોઈ પણ ગામમાં બેવડાથી ઓછો વધારો તો નહોતો જ. વ્યાપારીઓને લૂટારાનાનો ભય તો હતો જ નહિ; કારણ કે, માર્ગોમાં નિર્ભયતાના કઠિન ઉપાયો યોજવામાં આવ્યા હતા અને તેથી સુલ્તાનના સમસ્ત રાજ્યમાં ચોર તથા લૂટારાની ઉત્પત્તિ થતી અટકી ગઈ હતી. સાધુ સંતો નિર્ભયતામાં રહી શકતા હતા તેનું કારણ એ હતું કે સુલ્તાન પોતે જ એ માન્યવર સાધુ સંતોનો એક આજ્ઞાધીન શિષ્ય તથા ભાવિક ભક્ત હતો. તે પ્રતિવર્ષ તેમની જાગીરમાં વધારો કરી આપતો હતો અને જ્યાં તેમની ઈચ્છા હોય ત્યાં તેમને વજીફા (પેન્શન) આપતો હતો. પ્રવાસીઓમાટે રાજ્યમાં સર્વત્ર તેણે મોટી મોટી ધર્મશાળાઓ ચણાવી હતી તથા સ્વર્ગ સમાન પાઠશાળાઓ અને મસ્જિદો પણ બંધાવી હતી. સુલ્તાન બેગડો અત્યંત ન્યાયપ્રિય હોવાથી કોઈ પણ મનુષ્ય બીજા કોઈ મનુષ્યની હાનિ કરી શકતો નહોતો." અર્થાત્ જેના સમસ્ત રાજ્યમાં આવી સુવ્યવસ્થા તથા સમૃદ્ધિનો વિસ્તાર હોય, તેની રાજધાનીમાંની સુવ્યવસ્થા તથા સમૃદ્ધિ કેવી અને કેટલી હોવી જોઈએ એની સહજ કલ્પના કરી શકાય તેમ છે.

"સુલ્તાન બેગડાના સમયમાં અનાજની મોંઘવારી કદાપિ થઈ જ નહોતી અને તે એટલે સૂધી કે પ્રત્યેક વસ્તુ સોંઘી હતી. ત્યાર પછી ગુજરાતના લોકોએ એવી સોંઘવારી સ્વપ્નમાં પણ જોઈ નથી. કોઈ પણ દિવસ બેગડાના લશ્કરે ચંગીજખાન મુગલની પેઠે હાર ખાધી નહોતી અને તેથી સુલ્તાનને નવી નવી જીતો જ મળ્યા કરતી હતી. સુલ્તાનનો એવો સખ્ત હુકમ હતો કેઃ 'લશ્કરનાં માણસોએ કર્જ કરવું નહિ.' એ લશ્કરી માણસો માટે મેહસૂલનો અમુક ભાગ જૂદો રાખવામાં આવતો હતો અને તેમાંથી સિપાહીઓને અગત્ય પડે ત્યારે નાણું આપીને પાછું તે વસૂલ કરવામાં આવતું હતું. આ વ્યવસ્થાથી વ્યાજખોર લોકો મહાસંકટમાં આવી પડ્યા હતા અને લોકો તે વ્યાજખાઉઓને શ્વાન કરતાં પણ વધારે હલકા માનતા હતા. સુલ્તાન વારંવાર કહેતો કેઃ 'જો મુસલ્માન વ્યાજે રૂપિયા લે, તો તેમનાથી ધર્મયુદ્ધ કરી શકાય જ નહિ.' આ કારણથી પરમેશ્વર તેને નિરંતર વિજય અને વિજય જ આપ્યા કરતો હતો."

સુલ્તાન મહમૂદ બેગડાને સુશોભિત, વિશાળ અને સારી ઈમારતો બંધાવવાનો શૌક હોવાથી અમદાવાદના તે સમયના આગારો ગગન સાથે વાર્તાલાપ કરતા હતા અને કેટલાક ગાઉના અંતરપરથી પણ બેગડાના મહાલયના ગુંબજો સ્પષ્ટ દેખાતાં હતાં. સુલતાનને રાજી રાખવા માટે અમીર ઉમરા તથા મોટા મોટા વ્યાપારીઓએ પણ એવી હવેલીએ બંધાવી હતી કે જે બીજા કોઈ દેશનાં રાજમંદિરોની સ્પર્ધા કરવાને સમર્થ હતી. એ ઉપરાંત પોતાના રાજ્યમાં નાના પ્રકારનાં પુષ્પવૃક્ષ તથા ફળવૃક્ષોને વધારવાનો પણ સુલ્તાનને એટલો બધો શૌક હતો કે રૈયતનો કોઈ પણ મનુષ્ય પોતાની જમીનમાં વૃક્ષ વાવે, તો તેને તે યોગ્ય ઉત્તેજન આપતો હતો. એ વિશે એવું કહેવામાં આવે છે કે માર્ગમાં અથવા તો કોઈ ગરીબની ઝૂપડી આગળ કોઈ વૃક્ષ ઉછરેલું સુલ્તાનના જોવામાં આવતું, તો સુલ્તાન પોતાના અશ્વને ઊભો રાખી તે વૃક્ષના ઉછેરનારને પોતા પાસે બોલાવીને મેહરબાની બતાવતો અને પૂછતો કેઃ 'આ વૃક્ષને પાણી ક્યાંથી લાવીને તું પાય છે ?' જો તે ગરીબ માણસ એમ કહેતો કે: 'પાણી દૂરથી લાવું છું અને રસ્તામાં મુશ્કેલી છે', તો તરત જ સુલ્તાન તેને નજદીકમાં કુવો ખોદાવી આપતો હતો અને કહેતો હતો કેઃ "જો તું અમુક વૃક્ષને ઉછેરીશ, તો તેને સારું ઇનામ આપવામાં આવશે.' સુલ્તાનના આ શૌકના કારણથી જ ગુજરાતમાં આંબા, દાડમડી, રાયણ, જાંબુ, નાળિયેર, બેલ અને મહુડા આદિ વૃક્ષોનો સુકાળ થયો હતો કે જે અદ્યાપિ ગુજરાતમાં વિપુલ પરિમાણમાં જોવામાં આવે છે. સુલ્તાને પોતે અમદાવાદ નગરના બાહ્ય ભાગમાં પાંચ કોસ લાંબો અને એક કોસ પહોળો 'ફિરદોસ' નામક બગીચો બનાવ્યો હતો અને તે ખરેખર 'ફિરદોસ' એટલે કે, સ્વર્ગનો જ બગીચો હતો અને 'શાબાન' નામક એક બીજો સ્વર્ગસ્પર્ધિત બાગ પણ એ સુલ્તાનના સમયમાં જ અસ્તિત્વમાં આવ્યો હતો. આવી જ રીતે રાજધાની, અન્ય નગર અથવા કસ્બામાં જો કોઈ પણ દુકાન અથવા ઘરને તે ખાલી જોતો, તો ત્યાંના અધિકારી તથા અનુચરોને તેનું કારણ પૂછીને જે કાંઇ આવશ્યકતા હોય તે પૂરી પાડી તેને આબાદ કરવાનો હુકમ ફર્માવતો હતો. આ પ્રમાણે સમસ્ત ગુજરાત દેશ કુરાન શરીફની આયાત 'જે દાખલ થાય છે તે સહીસલામત છે' પ્રમાણે સુખી હતો; તો પછી જો અમદાવાદની પ્રજા સુખના શિખરભાગમાં વિરાજતી હોય, તો તે સ્વાભાવિક છે. અસ્તુઃ હવે આપણે આપણી કથાના અનુસંધાનમાં આગળ વધીશું.

આપણા ખેંગારજી, સાયબજી, છચ્છર, રણમલ્લ તથા તેના ભત્રીજા આદિ પાંચે પ્રવાસીઓએ ત્યાં પડાવ નાખી એટલે કે સાભ્રમતી નદીના પશ્ચિમતીરપ્રાંતમાં રોકાઈ શૌચ, દંતધાવન તથા સ્નાન આદિ કાર્યોથી મુક્ત થઈને હવે નગરમાં કેવી રીતે પ્રવેશ કરવો અને અલૈયાજીને પ્રથમ ખબર આપ્યા પછી તેમની પાસે જવું કે અચાનક જઈ પહોંચવું, એ વિશેનો વિચાર કરવા માંડ્યો. કેટલીક વાર સૂધી વિચાર ચલાવ્યા પછી તેઓ એવા નિશ્ચયપર આવ્યા કે, છચ્છર તથા રણમલ્લે પ્રથમ અમદાવાદ નગરમાં જવું, અલૈયાજીના નિવાસસ્થાનનો પત્તો મેળવવો, અલૈયાજીને મળીને ખેંગારજી તથા સાયબજીના આગમનના સમાચાર આપવા અને ત્યાર પછી અલૈયાજીનો જેવો અભિપ્રાય હોય, તદનુસાર ખેંગારજી તથા સાયબજીએ અમદાવાદ નગરમાં પ્રવેશ કરવો. આ નિશ્ચય અનુસાર છચ્છર તથા રણમલ્લ નગરમાં જવાને તૈયાર થયા, પરંતુ એટલામાં છચ્છરના મનમાં અચાનક એક વિચાર આવવાથી તે ખેંગારજીને સંબોધીને કહેવા લાગ્યો કે:—

"અન્નદાતા, આ અમદાવાદ નગર અતિશય વિશાળ છે એટલે અલૈયાજીના નિવાસસ્થાનને શેાધતાં જ કદાચિત્ વધારે સમય થઈ જાય, એવો સંભવ છે; અથવા તેમના ગૃહનો પત્તો તત્કાળ મળી જાય અને તેમનો પોતાનો મેળાપ ન થાય, તો પણ વિલંબ થવાની સંભાવના છે, એટલામાટે આપણે પ્રથમ નાસ્તા પાણીની વ્યવસ્થા કરી લઈએ અને ત્યાર પછી જ અમો બન્ને નગરમાં જઈએ, એ વધારે સારું છે; કારણ કે, ત્યાર પછી અમો કદાચિત મોડા આવીએ, તો પણ ચિન્તાનું કારણ રહેશે નહિ."

આ વાર્તા સર્વને યોગ્ય લાગવાથી પાસે જ એક શિવાલય હતો ત્યાં એ સર્વ પ્રવાસીઓ ગયા અને શિવાલયના પશ્ચાદ્‌ભાગમાં ઊભેલા એક વિશાળ વટવૃક્ષની છાયામાં બેસીને પોતા પાસે જે ભાતું હતું તે કાઢીને તેઓ નાસ્તાની તૈયારી કરવા લાગ્યા. શિવાલયમાં એક બાવો રહેતો હતો તેની પાસેથી એક કોરો ઘડો લઈને રણમલ્લનો ભત્રીજો નદીમાંથી પાણી ભરી આવ્યો અને સર્વ જનો નાસ્તાને ઇન્સાફ આપવા બેસી ગયા. ખાદ્ય પદાર્થો સાધારણ પ્રકારના હતા અને તે પણ એટલા અલ્પ પરિમાણમાં હતા કે જો છચ્છર, રણમલ્લ તથા રણમલ્લનો ભત્રીજો પેટ ભરીને ખાય, તો ખેંગારજી તથા સાયબજીમાટે કાંઈ પણ બાકી ન રહે અને છચ્છર આદિનું પેટ પણ ભરાય કે કેમ, એની પણ શંકા જ હતી. આવી પરિસ્થિતિને જોઇને છચ્છરે પ્રથમ ખેંગારજી તથા સાયબજીને તેમના પૂરતો ભાગ કાઢી આપ્યો અને રણમલ્લના ભત્રીજાને પણ કાંઇક વિશેષ ભાગ આપીને કહ્યું કે: "આપ પેટ ભરીને જમી લ્યો; કારણ કે, અમો બન્ને નગરમાં જઈએ છીએ એટલે જો જરૂર પડશે, તો અમે તો ત્યાંથી કાંઈ વેચાતું લઈને પણ ખાઈ શકીશું." નાસ્તો થઈ રહ્યા પછી છચ્છરે દશેક કોરી ખેંગારજી પાસેથી લઈ લીધી અને રણમલ્લને સાથે લઇને નગરમાં જવામાટે ત્યાંથી પ્રયાણ કર્યું.

છચ્છર તથા રણમલ્લના જવા પછી અશ્વ તથા ઊંટપરના સાજ તથા કાઠાને ઊતારીને રણમલ્લના ભત્રીજાએ વટવૃક્ષની છાયામાં પથારી કરી અને ખેંગારજી તથા સાયબજીને તેપર બેસાડીને કહ્યું કે: "અન્નદાતા, આપ અહીં વિરાજો અને વિશ્રામ કરો. છચ્છરભાઈ તથા મારા રણમલ્લ કાકા નગરમાંથી પાછા આવે, ત્યાં સુધી હું પણ આપના આ અશ્વ તથા અમારા બે ઊંટોને જંગલમાં લઈ જઈને ચારી આવું."

"આનંદથી જાઓ અને અશ્વ તથા ઊંટોને ચારીને પાછા વહેલા આવી પહોંચો; કારણ કે, છચ્છર ભાઈ તથા તમારા કાકા જો વહેલા આવી લાગશે, તો અમારે વળી આપને શોધવા પડશે" ખેંગારજીએ જવાની અનુમતિ સાથે સત્વર પાછા આવવાની સુચના પણ આપી દીધી. આ વેળાયે લગભગ એક પ્રહર જેટલો દિવસ ચઢ્યો હતો એટલે રણમલ્લના ભત્રીજાએ કહ્યું કે: "મહારાજ, એ વિશે આપ ચિન્તા રાખશો નહિ; બહુધા એક અથવા દોઢ પ્રહર જેટલા સમયમાં એટલે કે, મધ્યાન્હ પછી અલ્પ વેળામાં જ હું પાછો અહીં આવી પહોંચીશ." આ પ્રમાણે કહી તે અશ્વ તથા ઊંટને દોરીને જંગલ ભણી ચાલતો થઈ ગયો.

સૂર્યના તાપની પ્રખરતા જો કે ક્ષણે ક્ષણે વધતી જતી હતી, છતાં જે વટવૃક્ષની છાયામાં ખેંગારજી તથા સાયબજી બેઠા હતા, તે સ્થાનમાં વિશાળ વૃક્ષની ઘનચ્છાયાનો વિસ્તાર હોવાથી તથા પશ્ચિમ દિશાના નદીના પ્રવાહપર થઈને આવતા શીતલ વાયુની મંદ લહરી પ્રચલિત હોવાથી એ બંધુદ્વયને સૂર્યના તાપનો લેશ માત્ર પણ ઉત્તાપ થતો નહોતો; માત્ર એટલું જ નહિ, પણ એ સ્થાનમાં ખેંગારજીને શાંતિ તથા વિશ્રાંતિનો એટલો બધો સાક્ષાત્કાર થવા લાગ્યો કે નિદ્રાધીન થવાની ઈચ્છા ન હોવા છતાં, પણ પ્રવાસના પરિશ્રમના યોગે તેનાં નેત્રોમાં નિદ્રાનો આવિર્ભાવ થતાં ને નેત્રો ઘેરાવા લાગ્યાં. તેની આવી અવસ્થાને જોઈને સાયબજીએ કહ્યું કેઃ "જ્યેષ્ઠ બંધુ, તમારી આંખો ઊંઘતી ઘેરાતી હોય એમ જણાય છે; તો જો તમારી ઇચ્છા હોય તો સર્વ ચિન્તાને વિસારી પ્રવાસજન્ય શ્રમના પરિહારમાટે બે ઘડી વિશ્રામ કરો. હું જાગતો બેઠો છું અને આપણી વસ્તુઓની સંભાળ રાખું છું. જ્યારે તમે જાગશો, ત્યારે અવકાશ હશે અને છચ્છર કાકા નહિ આવ્યા હોય, તો હું પણ બે ઘડી આડું પડખું કરીને નિદ્રાનો આસ્વાદ લઈશ."

"પ્રવાસમાં અત્યંત સાવધ રહેવાની આવશ્યકતા હોવાથી અને તેમાં પણ આપણાં શિરપર તો ડગલે ને પગલે સંકટ આવવાનો સંભવ હોવાથી મારી આંખો ઘેરાય છે, છતાં પણ ઊંઘવાની મારી ઇચ્છા થતી નથી, પરંતુ તમો જ્યારે જાગ્રત રહેવાનું કહો છો, એટલે હું બે ઘડી વિશ્રામ લેવાને લલચાઉં છું; પણ સાવધ રહેજો અને જો તમને વધારે ઊંઘ આવતી જણાય, તો મને જગાડીને જ સૂજો; આમને આમ નિદ્રાધીન થશો નહિ." ખેંગારજીએ સાયબજીને આ પ્રમાણે સાવધ રહેવાની યોગ્ય સૂચના આપી અને ત્યાર પછી પરિશ્રમહારિણી નિદ્રાદેવીની ઉપાસનાનો નિશ્ચિન્તતાથી આરંભ કર્યો.

સાયબજી સાવધ રહીને જાગતો બેઠો હતો. સમય પાણીના રેલાની પદે સરી ગયું અને જ્યારે સૂર્ય ગગનમંડળના મધ્યભાગમાં આવ્યા, તે વેળાયે પચીસ વર્ષના વયની એક પરમલાવણ્યમયી અને ઉત્કૃષ્ટવસ્ત્રાલંકારમંડિતા રમણી મસ્તકપર ચાંદીનું બેડું લઇને ઝાંઝરને ઝમકાવતી ત્યાંથી નીકળી અને શિવાલયના સંરક્ષક ખાકી બાવાની ઝૂંપડીમાં ચાલી ગઈ. આ વિલક્ષણ દૃશ્યને જોઈને સાયબજીના મનમાં અનેક પ્રકારની કુશંકાઓ થવા લાગી અને એમાં કાંઈ પણ ભેદ હોવો જોઈએ એમ તેની મનોદેવતા તેને કહેવા લાગી. તેણે એ ભેદને જાણવાનો પોતાના મનમાં નિશ્ચય કરી લીધો.

−♦−•−♦−•−♦−•−♦−


  1. અત્યાર સુધી કેટલાક લોકોની એવી માન્યતા હતી કે, ઉદયપુર રાજ્ય (મેવાડ) માંના ઢેબર નામક પ્રચંડ તડાગ (તળાવ)માંથી જ સાભ્રમતી (સાબરમતી) નદીનો ઉદ્‌ભવ થયેલો છે અને ત્યાંથી તેનો પ્રવાહ ગુજરાતમાં આવ્યો છે: પરંતુ સાભ્રમતી સરિતા અંબા ભવાની (અંબાજી માતા) ની પાસેના પાર્વત્ય પ્રદેશમાંથી એટલે કે અર્બુદાચલ (આબૂ) માંથી નીકળીને ગુજરાતમાં આવે છે, એ વાર્તા નિર્વિવાદ સિદ્ધ થવાથી પૂર્વ માન્યતા સર્વથા અસત્ય સિદ્ધ થઈ ચૂકી છે. એ વિષે મિસ્ટર હેન્રી જ્યોર્જ બ્રિગ્સ પોતાના "The cities of Gujashtra" નામક ગ્રંથના ૨૦૮ મા પૃષ્ઠમાં લખે છે કે:—
    "The Saharmati (vulgace Sabermaty)-frequently confounded with Saraswati, the Arethusa of Gujarat takes its rise in a mountain not far from Amba Bhuvani, a celebrated Hindu Shrine on the confines of Marwar and Gujarat: it flows thence in a due South South-westerly direction, and disembogues itself in the Gulf of Cambay and its junction with the river Mahi............ It was formerly believed that the Saharmati had its origin in the Debar lake in the province of Udipur; but this idea has become exploded with more accurate knowledge."
    અહીં જે એક વાર્તા વિશેષત: ધ્યાનમાં રાખવાની છે, તે એ છે કે, કેટલીક વાર પુરાણમાંથી પણ કેટલીક વાર્તાઓ કેટલીબધી સત્ય તથા ઉપયુક્ત થઈ પડે તેવી મળી આવે છે; અર્થાત્ પુરાણોમાં કેટલાકો માને છે તેમ સર્વથા ગપાષ્ટકોનો જ સુકાળ નથી હોતો અને આ એનું એક પ્રત્યક્ષ પ્રમાણ છે. બ્રિગ્સ જેવા ઇતિહાસવેત્તાએ સાભ્રમતીના ઉત્પત્તિસ્થાનનો અત્યારના સમયમાં અમુક શોધ પછી જે નિર્ણય કર્યો છે, તે વાર્તાનો 'પદ્મપુરાણમાં' પ્રથમથી જ ઉલ્લેખ કરાયો છે; એટલે કે, સાભ્રમતીનો ઉદ્‌ભવ આબુ પર્વતમાંથી થર્યો છે, એવું 'પદ્મપુરાણ' માં સ્પષ્ટ વિધાન કરેલું છે. આવી જ રીતે જો પુરાણોનું એકાગ્રતાથી અવલોકન કરવામાં આવે તો અન્ય પણ કેટલાક વિવાદગ્રસ્ત ઇતિહાસોપયોગી વિષયોનું પુરાણોની સહાયતાથી નિરાકરણ થઇ શકે તેમ છે.
  2. 'ગુજરાતી' ની ૨૭ મી ભેટ તરીકે પ્રકટ થયેલી 'ભદ્રકાળી અથવા પાવાગઢને પ્રલય' નામક ઐતિહાસિક નવલકથામાં જે ઐતહાસિક પ્રસંગ ચર્ચવામાં આવ્યો છે, તે પ્રસંગ સાથે તે સમયના અમદાવાદના સહવાન મહમ્મદ બેગડાનો ગાઢ સંબંધ હોવાથી તે નવલકથાના પૃષ્ઠ ૯૯, ૧૦૦ અને ૧૦૧ માં અમદાવાદ વસ્યા વિશેની પ્રચલિત બે આખ્યાયિકાઓ આપવામાં આવી છે અને પ્રસ્તુત નવલકથામાં પણ સુલ્તાન મહમ્મદ બેગડાનો તથા અમદાવાદનો કેટલોક મહત્ત્વનો સંબંધ આવતો હોવાથી પ્રસંગને અનુકૂળ જાણીને અમદાવાદ વસ્યા વિશેની તે બે આખ્યાયિકો અહીં પણ આપવામાં આવી છે; માત્ર એટલું જ નહિ, પણ તે અક્ષરશઃ 'ભદ્રકાળી' માંથી જ ઉતારી લેવામાં આવી છે; કારણ કે, જો અહીં એ આખ્યાયિકાઓ આપવામાં ન આવે, તો અમદાવાદનું વર્ણન અપૂર્ણ રહી જાય, એ સ્વાભાવિક જ છે. Gates, but the course of the stream was diverted by Mahmud Shabài the First, Surnamed Begadà, when tho city walls were constructed under his mandate in 891 A. H., corresponding with 1485, of the Christian era.") જો કે અહી કિંચિત્ મતભેદ છે, છતાં એ તો નિર્વિવાદ સિદ્ધ થાય છે કે, અત્યારે જ્યાં છે ત્યાં અમદાવાદ વસ્યા પૂર્વે સાભ્રમતીનો પ્રવાહ નહોતો.
  3. બ્રિગ્સ પોતાના "The Cities of Gujarashtra" નામક ગ્રંથના ૨૦૮ મા પૃષ્ઠમાં જણાવે છે કે: "સાભ્રમતી નદી પ્રથમ ભદ્ર, કારંજ અને ત્રણ દરવાજાની વચ્ચે ચતુષ્કોણ ભૂભાગમાંથી વહન કરતી હતી, પરંતુ જયારે હિજરી સન્ ૮૯૧ (ઈ. સ. ૧૪૮૫)માં મહમૂદ બેગડાની આજ્ઞાથી કિલ્લો બાંધવાનું કામ ચાલતું હતું, તે વેળા નદીના પ્રવાહને સ્થાનાન્તરિત કરવામાં આવ્યો હતો." ("The Sàharmati, which originally ran through the square area about the Karanj, and between the Bhadra and Three