કચ્છનો કાર્તિકેય/ગૃહલક્ષ્મીનો લાભ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભાગ્યોદયનો આરંભ કચ્છનો કાર્તિકેય
ગૃહલક્ષ્મીનો લાભ
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન →


દ્વિતીય પરિચ્છેદ
ગૃહલક્ષ્મીનો લાભ

પ્રભાતમાં અર્ધ પ્રહર જેટલો દિવસ ચઢતાં જાલિમસિંહની ડેલીમાં પાછો દાયરો જામી ગયો, કસૂંબા, ઠૂંગા તથા હુક્કા પાણીનો રંગ ચાલવા લાગ્યો અને અગમનિગમની વાતો થવા લાગી. ખેંગારજી તથા સાયબજી આ આનંદમાં અલિપ્ત ભાવથી ભાગ લેતા અને વાર્ત્તાલાપ કરતા બેઠા હતા એટલામાં ગઢવીએ કસૂંબાની ત્રણ ચાર પ્યાલીઓ ચઢાવીને ટટાર થયા પછી જાલિમસિંહજીને સંબોધીને કહ્યું કે: “ઠાકોર સાહેબ, એક શ્રીફળ, લગાર કંકુ, થોડા અક્ષત અને પાણીનો ભરેલ એક લોટો લાવો તથા આપણા વીરજી જોશીને પણ સત્વર બોલાવો.” જાલિમસિંહજીએ ગઢવીની આજ્ઞા પ્રમાણે સર્વ વસ્તુઓ તત્કાળ મગાવી લીધી અને જોશીને પણ બોલાવ્યો. જોશીએ શ્રીફળને પોતાના હાથમાં લઈ કંકુ પલાળીને શ્રીફળપર તેનો સાથિયો કર્યો અને ત્યાર પછી ખેંગારજીને ઉદ્દેશીને કહ્યું કે: “પૃથ્વીનાથ, જરા પૂર્વ દિશામાં મુખ રાખીને બેસો.”

"પણ આ સર્વ શો પ્રકાર છે તે જરા જણાવો તો ખરા.” ખેંગારજીએ કાંઈક આશ્ચર્ય દર્શાવીને કહ્યું અને ત્યાર પછી તે કાંઈક વિચારમાં પડી ગયો.

તેને આવી રીતે વિચારમાં પડી ગયેલો જોઈને ગઢવી દેવભાનું તેને સંબોધીને ગંભીર વાણીથી કહેવા લાગ્યો કેઃ “પ્રતાપી જામ હમ્મીરજીના ઉત્તરાધિકારી અને કચ્છ દેશના ભાવિ ભૂપાલ ખેંગારજી, કૃપા કરીને અત્યારે કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના આ બ્રાહ્મણની આજ્ઞાને આધીન થાઓ અને શંકાને હૃદયમાં સ્થાન ન આપો. આપને આ અત્યંત શુભ શકુન થાય છે એટલે અત્યારે લગારે આનાકાની કરશો નહિ. અમે જે કાંઈ કરીએ છીએ તે આપના કલ્યાણ માટે જ કરીએ છીએ, એ નિશ્ચયપૂર્વક માનજો.”

ગઢવીના વચનને માન આપીને ખેંગારજી પૂર્વ દિશામાંના ઉદિત સૂર્યનારાયણ સમક્ષ મુખ રાખીને બેઠો; એટલે બ્રાહ્મણ દેવે

‘मंगलं भगवान् विष्णुर्मगलं गरुडध्वजः ।
मंगलं पुंडरीकाक्षो मंगलायतनो हरिः ॥'

આ શ્લોકનો ઉચ્ચાર કરીને ખેંગારજીના ભાલપ્રદેશમાં કુંકુમનો તિલક કર્યો. તે પર અક્ષત ચોડ્યા. થોડાક અક્ષત મસ્તક પર ઉડાડ્યા અને ત્યારપછી તેમના ઉભય હસ્તમાં શ્રીફળ સમર્પીને કહ્યું કે, “અખંડપ્રતા૫, ગૌબ્રાહ્મણપ્રતિપાલ, શ્રીમન્મહારાજાધિરાજ, આ વિધિથી અત્યારે આ ગ્રામના સ્વામી ઠાકોર શ્રી જાલિમસિંહજીનાં સત્પુત્રી નન્દકુમારીબાના આપ સાથેના શરીરસંબંધનું વાગ્દાન થઈ ચૂક્યું છે કે જેને આપણે સગપણ કહીએ છીએ. અર્થાત્ નન્દકુમારીબા આપશ્રીનાં ધર્મપત્ની થયાં છે, જાલિમસિંહજી આપના પૂજ્ય શ્વસુર થયા છે અને આપ જાલિમસિંહજીના જામાતા થયા છો. આ સંબંધ સુર્યનારાયણદેવની સાક્ષીથી થયેલો હોવાથી કોઇથી પણ તોડી શકાય તેવો નથી.”

ખેંગાજીએ શ્રીફળનો તો સ્વીકાર કરી લીધો; પરંતુ ત્યાર પછી તે કાંઇક ખિન્નતા દર્શાવીને કહેવા લાગ્યો કે; “મારી આવી દુર્દશામાં પણ પોતાની પ્રિય કન્યા મને આપવાની ઉદારતા દર્શાવવા માટે હું વડિલ જાલિમસિંહજીનો જેટલો પણ આભાર માનું તેટલો ઓછો જ છે; છતાં મારે નિરુપાય થઈને કહેવું પડે છે કે આ કાર્યમાં આટલી બધી ઊતાવળ ન કરવામાં આવી હોત, તો વધારે સારું થાત; કારણ કે, અત્યારે હું વિપત્તિમાં છું, મારે અદ્યાપિ અમદાવાદ જવાનું છે, ત્યાંથી સુલ્તાનની સહાયતા મેળવવાની છે અને કચ્છમાં જઈને મારા પરમ શત્રુ જામ રાવળ સાથે ઘોર યુદ્ધ કરીને ભુજાના બળથી ભાગ્યની પરીક્ષા કરવાની છે. અર્થાત્ યુદ્ધમાં શું પરિણામ આવશે અને મારો વિજય થશે કે પરાજય થશે તેમ જ આ જીવન રહેશે કે મરણના મુખમાં પડવાનો પ્રસંગ આવશે, એ સર્વ ભેદો ભવિષ્યના ગર્ભમાં સમાયલા છે અને તેથી આ કાર્ય મને તો અપ્રાસંગિક તથા સાહસરૂ૫ જ જણાય છે. આવા પ્રસંગે મારા હૃદયમાં જે સ્વાભાવિક આનંદ થવો જોઇએ તેને બદલે આ સર્વ પરિસ્થિતિનો વિચાર કરતાં અત્યારે મારા હૃદયમાં તો કેવળ ખેદ જ થયા કરે છે. અસ્તુઃ જેવી પરમાત્માની ઈચ્છા !” એમ કહીને ખેંગારજીએ એક નિ:શ્વાસ નાખ્યો.

ખેંગારજીનાં આવાં નિરાશાદર્શક વચનો સાંભળીને ગઢવી દેવભાનુ તેને આશ્વાસન આપતો ઉત્સાહવર્ધક વાણીથી કહેવા લાગ્યો કે: “અન્નદાતા, જે વિધિ થવાનો હતો તે થઈ ગયો છે એટલે હવે, આપને કાંઈ પણ અધિક બોલવાનો અધિકાર નથી. જાલિમસિંહની કન્યા નન્દકુમારીબા અત્યારથી આપની અર્ધાંગના થઈ ચૂકી છે; કારણ કે, તેના ભાગ્યમાં કચ્છના ભૂપાલની પટરાણી થવાના લેખ વિધાતાએ લખી દીધા છે અને વિધાતાના લેખને મિથ્યા કરવાને કોઈ પણ સમર્થ નથી. આજથી આપના ભાગ્યોદયનો આરંભ થયો છે અને તેથી ભવિષ્યમાં કદાપિ આપનો પરાજય થવાનો નથી. જો ગઢવીનાં આ વચનો મિથ્યા થાય, તો આપે એમ જ માનવું કે આ દેવભાનુ ગઢવીનો પુત્ર જ નહોતો ! અમો શારદાના પુત્ર છીએ અને માતા શારદા જે કાંઈ બોલાવે છે તે જ બોલીએ છીએ ! રાજાઓનો એવો ધર્મ છે કે શરણાગતને અવશ્ય શરણ આપવું જ જોઈએ અને આપ પણ રાજા છો એટલે આપથી હવે શરણાગતા રાજકુમારીનો કોઈ પણ પ્રકારે અનાદર કરી શકાય તેમ નથી.” ખેંગારજીએ “તથાસ્તુ” કહીને પછી પોતાના મનોગત ભાવને વ્યક્ત કરતાં જણાવ્યું કેઃ “આપ વડિલોની આજ્ઞાને હું આનંદથી સ્વીકારૂં છું; પરંતુ ઝાલા વંશના કુટુંબ સાથે કચ્છના જાડેજાવંશીય રાજકુટુંબનો આ પ્રથમ જ શરીરસંબંધ થાય છે એટલે હું પરમેશ્વર પાસેથી માત્ર એટલું જ માગું છું કે આ સંબંધ ઉભય પક્ષને સુખકારક થાય અને ઉભયના સુખમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે !”

“પરમાત્મા આપની આ ભાવનાને સફળ કરો અને આપના સંસારસુખમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવો !” ગઢવીએ અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યો.

એ પછી આગળથી કરી રાખેલા સંકેત અનુસાર ભૂદેવે એક બીજું શ્રીફળ વિધિપૂર્વક સાયબજીના હાથમાં આપ્યું અને જાલિમસિંહજીની ભત્રીજી રાજમણી સાથે સાયબજીનું સગપણ થઈ ગયું. આ વાગ્દાનની વાર્ત્તાનો ગ્રામમાં વિસ્તાર થતાં સમસ્ત ગ્રામમાં આનંદ વ્યાપી ગયો; પરંતુ નન્દકુમારીના હૃદયમાં જે આનંદ થયો હતો તે સર્વથા અલૌકિક તથા અવર્ણનીય જ હતો. જાલમસિંહે એ દિવસને સુવર્ણ દિવસ માનીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં, દીન જનોને યથાશક્તિ દાન આપ્યાં અને ગઢવીને પણ આદરપૂર્વક જમાડીને યોગ્ય સરપાવ આપ્યો. હવે ખેંગારજી તથા સાયબજીનો જામાતા તરીકે વળી વિશેષ આદરપૂર્વક સત્કાર થવા લાગ્યો અને તેથી તે ઉભય બંધુઓને વિપત્તિમાં પણ સંપત્તિની છટા દેખાવા લાગી.

આ સર્વ ધામધૂમ ચાલતી હતી અને ખેંગારજી તથા સાયબજી હજી તો હમણાં જ મધ્યાહ્નભોજનથી પરવારીને ડેલીમાં આવી બેઠા હતા એટલામાં ઘ્રાંગધરે ગયેલો વૈરિસિંહ છચ્છર સહિત પાછો ત્યાં આવી પહોંચ્યો. તેને આટલો બધો વ્હેલો પાછો આવેલો જોઈને સર્વને આશ્ચર્ય થયું અને તે આશ્ચર્યનું નિવારણ કરતો છચ્છર કહેવા લાગ્યો કેઃ “યુવરાજશ્રી ખેંગારજી તથા કુમારશ્રી સાયબજીને ઘ્રાંગધરાથી રવાના કર્યા પછી મારાં નેત્રોમાંથી અશ્રુ પડતાં જોઇને તે વ્યાપારીએ આગ્રહ કરીને અમારો વૃત્તાન્ત પૂછ્યો અને જ્યારે અમારો સત્ય વૃત્તાંત તેણે જાણ્યો એટલે તત્કાળ મને જામિનગિરીના બંધનથી મુક્ત કરીને કહ્યું કેઃ “જો આ વૃત્તાંત તમોએ પ્રથમથી જણાવ્યો હોત, તો અમે રૂપિયા પણ આપત અને તમને કુમારોથી જુદા પાડીને અહીં રાખત નહિ. ખયર; હજી કુમારો બહુ દૂર તો નહિ જ ગયા હોય, માટે જાઓ અને તેમના સહાયક થાઓ. જ્યારે સારો સમય આવે ત્યારે આ ગરીબ વાણિયાને ભૂલી જશો નહિ. આમ કહીને તેણે બીજી બસેં કોરી મને આપી અને પોતાના ઊંટપર બેસાડીને મને રવાના કરી દીધો. માર્ગમાં અમને વૈરિસિંહજી મળ્યા અને તેમણે અનુમાનથી મને ઓળખી લીધો. આ કારણથી અમે વ્હેલા આવ્યા છીએ.” ખેંગારજીએ તે વાણિયાના ઉપકારને પણ સ્મરણમાં રાખી લીધો અને ત્યાર પછી, એ વેળાએ ત્યાં અન્ય કોઈ મનુષ્ય ન હોવાથી, પોતાના તથા સાયબજીના શરીરસંબધની વાર્ત્તા છચ્છરને કહી સંભળાવી. આ વાર્તા સાંભળીને છચ્છર આનન્દમગ્ન થઈને કહેવા લાગ્યો કે: પરમાત્મા આપના સંસારને સર્વ પ્રકારે સુખમય કરો. કહો, ત્યારે આપણે હવે અહીંથી ક્યારે પ્રયાણ કરીશું ?”

હજી તો છચ્છરના આ પ્રશ્નનું ઉત્તર આપવા માટે ખેંગારજી પોતાની જિહ્વાને ખોલતો હતો એટલામાં ગઢવી દેવભાનુ, જાલિમસિંહ અને વૈરિસિંહ ત્યાં આવી લાગ્યા અને ગઢવી દેવભાનુ ખેંગારજીને સંબોધીને પોતાની મધુર તથા આકર્ષક વાણીથી કહેવા લાગ્યો કે; “શ્રી કચ્છનરેશ, આપ ઉભય બંધુઓનાં અનુક્રમે રાજકુમારી નન્દકુમારી તથા કુમારિકા રાજમણી સાથે સગપણ તો થઈ ગયાં છે; પરંતુ નન્દકુમારી વિવાહને યોગ્ય વયનાં થયેલાં હોવાથી જાલિમસિંહ આદિનો એવો વિચાર છે કે પાણિગ્રહણનો વિધિ પણ અત્યારે જ થઈ જાય, તો વધારે સારું; અને જો નન્દકુમારીનાં લગ્ન થાય, તો પછી સાથે સાથે રાજમણીના લગ્નનું કાર્ય પણ આટોપી લેવું, એ ઉભયપક્ષને હિતાવહ છે. ત્યારે હવે આપનો શો અભિપ્રાય છે ?”

ખેંગારજી થોડી વાર વિચાર કર્યા પછી ગંભીર ભાવથી કહેવા લાગ્યો કે “ ગઢવીજી, એ તો હવે તમે જાણી ચૂક્યા છો કે અમારી પાસે અત્યારે એક કપર્દિકા પણ નથી અને લગ્ન જેવા પ્રસંગે અમારા કુળની પ્રતિષ્ઠા અનુસાર અમારે કાંઇક તો ખર્ચ કરવો જ જોઈએ; અર્થાત્ અમે અમદાવાદથી કચ્છમાં જવા માટે પાછા ફરીએ, ત્યાં સુધી જો આ લગ્નસમારંભને મુલતવી રાખવામાં આવે, તો સારું, એવો જ મારો અભિપ્રાય છે; કારણ કે, ત્યાંથી કદાચિત્ અમને જોઈતું ધન મળી શકશે, એવો અમારો દૃઢ નિશ્ચય છે.”

ગઢવીએ અમુક આશયથી જાલિમસિંહ પ્રતિ દૃષ્ટિપાત કર્યો અને તેના આશયને સમજીને જાલિમસિંહે ખેંગારજીને કહ્યું કે, “એ વિષયની આપ લેશ માત્ર પણ ચિન્તા રાખશો નહિ; કારણ કે, આપને અત્યારે પાંચ હજાર કોરી અમો ઉછીની આપીશું. જો કે આપની કુલપ્રતિષ્ઠા સાથે સરખાવતાં પાંચ હજાર કોરી કશી પણ બિસાતમાં નથી: પણ હાલ તરત પ્રસંગ નભી જશે અને લગ્નનો જે અધિક ઉત્સવ કરવાનો હોય, તે જ્યારે સારો સમય આવે ત્યારે કરશો તો પણ ચાલશે. અર્થાત્ કોઈ પણ રીતે લગ્નના કાર્યને મુલ્તવી ન રાખો, તો આપનો અતિશય આભાર !”

હવે ખેંગારજીથી કોઈ પણ રીતે આનાકાની કરી શકાય તેમ ન હોવાથી તેણે લગ્ન માટે પોતાની અનુમતિ આપી દીધી અને એ અનુમતિ મળતાં જ જાલિમસિંહે લગ્ન માટેની ધૂમધડાકે તૈયારીઓ કરાવવા માંડી. ખેંગારજી તથા સાયબજીને એક જૂદા ઘરમાં ઊતારો આપવામાં આવ્યો અને ત્યાં તેમના પોતાના ગૃહસમાન સર્વ યોગ્ય વ્યવસ્થાઓ કરી આપવામાં આવી. માંડવો બાંધવામાં આવ્યો અને ગીત ગવડાવવાનો પણ આરંભ કરી દેવાયો. રાજપૂતની રીતિ પ્રમાણે બીજે દિવસે ગોધૂલી સમયે ખેંગારજી તથા સાયબજીનાં ખાંડા સાથે નન્દકુમારી તથા રાજમણીનાં લગ્નનો વિધિ થયો અને તે કન્યાઓ પોતાના પિતૃગૃહમાં તે ખાંડા સાથે બે મંગળ ફેરા ફરીને પતિના ગૃહપ્રતિ પ્રયાણ કરવાને નીકળી. પતિના ગૄહમાં આવ્યા પછી પતિ સાથે બાકીના બે મંગળ ફેરા ફરીને તેઓ કુમારિકા મટીને અખંડ સૌભાગ્યવતીના પદને પામી અને સ્વામીની સેવાનો અધિકાર તેમને પ્રાપ્ત થયો. એ પછી બીજી પણ જે જે ઉચિત ક્રિયાઓ થવાની હતી તે થઈ અને મધ્યરાત્રિ પછી નવવિવાહિત દંપતીઓએ પોતપોતાના શયનમંદિરમાં પ્રવેશ કર્યો. પ્રિય પાઠક તથા પાઠીકાઓ આપણે પણ હવે એમાંના તારુણ્યસંપન્ન દંપતીના શયન મંદિરમાં અદૃશ્ય પ્રવેશ કરીને ત્યાંની દામ્પત્યલીલાનું કાંઇક અવલોકન કરીશું.

*****

જે ખેંગારજી તથા નન્દકુમારીનાં હૃદયો પ્રથમ દૃષ્ટિસંમેલનથી જ પરસ્પર આકર્ષાયાં હતાં, તેમનો આવી રીતે અચાનક શરીરસંબંધ થતાં તેમના હૃદયમાં એક બીજાને મળવાની, પરસ્પર પ્રેમાલાપ કરવાની અને કેલીવિનોદમાં નિશા વીતાડવાની કેવી અને કેટલી તીવ્ર અભિલાષા રમી રહી હશે, એની સહજ કલ્પના કરી શકાય તેમ છે. નન્દકુમારી ષોડષ શ્રૃંગારોથી પોતાના દેવાંગનાતુલ્ય શરીરને શ્રૃંગારીને પુષ્પશય્યામાં પતિની પ્રતીક્ષા કરતી બેઠી હતી અને તેનું પ્રેમાતુર હૃદય અનંગરંગના અભંગ રસનો આસ્વાદ લેવામાટે આતુર થઈ રહ્યું હતું. ખેંગારજીએ વીરવેષમાં શયનમંદિરમાં પ્રવેશ કર્યો એટલે નન્દકુમારીએ શય્યાપરથી ઉઠીને તેનો સત્કાર કર્યો અને મસ્તક નમાવીને નમન કર્યું. ત્યાર પછી માનપૂર્વક તેનો હસ્ત ઝાલીને તેને પુષ્પશય્યામાં બેસાડ્યો અને પોતાના સુકોમળ હસ્તથી સુવર્ણપાત્રમાં ઉત્તમ મદિરા ભરીને તેનું પોતાના પ્રાણનાથને તેણે અનુરાગસહિત પાન કરાવ્યું. નન્દકુમારીના 'અર્ધાંગનાપદ'ની સાર્થકતા થતાં હર્ષનો અતિરેક થવાથી તે આ સંસારમાં સ્વર્ગસુખની છટાને અનુભવવા લાગી અને ત્યાર પછી ખેંગારજીને સંબોધીને બોલી કે:—

"હૃદયેશ્વર, પ્રાણજીવન, પ્રાણવલ્લભ, અત્યારે તો આ કિંકરીને આપે આનંદના અર્ણવમાં નિમજ્જન કરાવ્યું છે; પરંતુ આવતી કાલે જ્યારે આપ આ અનુરક્તા દાસીને અહીં જ ત્યાગીને પરદેશમાં જવામાટે પ્રયાણ કરી જશો, તે વેળાયે આ વિરહિણી વનિતાની શી અને કેવી દુર્દશા થશે. એનો પણ આપે કાંઈ વિચાર કર્યો છે ખરો કે ? મારી આપનાં ચરણોમાં માત્ર એટલી જ પ્રાર્થના છે કે, આપ મને અહીં છોડીને ક્યાંય ચાલ્યા ન જશો; કિન્તુ આપની સેવામાટે મને જ્યાં જાઓ ત્યાં સાથે જ લઈ જજો.”

પત્નીની આ પ્રાર્થના સાંભળીને ખેંગારજી ગંભીરતાથી કહેવા લાગ્યો કેઃ “હૃદયેશ્વરી હૃદયવલ્લભે, જો કે તારા વિયોગથી મારા હૃદયમાં પણ અસહ્ય વેદના થવાનો સંભવ છે; છતાં પણ અત્યારે તારા આ પ્રસ્તાવને મારાથી સ્વીકાર કરી શકાય તેમ નથી અને એમાટે મને પણ અતિશય શોક થાય છે.”

"તો પછી આપના વિયોગમાં મારાથી કેમ કરીને જીવી શકાશે ?” નન્દકુમારીએ એક વિલક્ષણ પ્રશ્ન ઉપસ્થિત કર્યો.

"પ્રાણેશ્વરી, આ તું શું બોલે છે ? આ અલ્પકાલિક વિયોગનો અંત આવી જશે અને ઈશ્વરની કૃપાથી આપણો પુનઃ સત્વર જ સંયોગ થશે. જે પતિ તથા પત્નીનાં અંત:કરણો એક હોય છે તેમને વિયોગમાં પણ સંયોગનો સાક્ષાત્કાર થાય છે અને જે દંપતીનાં હૃદયો ભિન્ન હેાય છે તેમનો સંયોગ પણ વિયોગ સમાન થઈ પડે છે. અર્થાત્ જો તારો મારામાંનો પ્રેમ અખંડ હશે, તો તારે એમ જ માનવાનું છે કે હું સદાસર્વદા તારી પાસે જ છું; હું પણ તારી પ્રતિમાને મારા હૃદયમાંથી કદાપિ દૂર કરવાનો નથી. રાણીઓ કદાપિ પ્રવાસમાં પોતાના પતિ સાથે જતી નથી અને હું તો વળી અત્યારે મહાવિપત્તિમાં હોવાથી અમદાવાદના સુલ્તાનનો આશ્રય મેળવવામાટે જાઉં છું અને ત્યાંથી સહાયતા મેળવી શત્રુ સાથે યુદ્ધ કરીને મારે મારા પૂર્વજોના ગયેલા રાજ્યને પાછું મેળવવાનું છે એટલે આવા સમયમાં તો તને મારાથી સાથે લેવાય જ નહિ. જ્યારે યોગ્ય અવસર આવશે, તે વેળાયે હું તને મારી પાસે બોલાવીશ. અત્યારે તો ધૈર્ય ધારવામાં જ આપણી શોભા છે અને સહિષ્ણુતામાં જ આપણું કલ્યાણ છે. ધૈર્ય, ધર્મ, મિત્ર તથા સ્ત્રીની દૃઢતાની પરીક્ષા આવા સંકટના સમયમાં જ થાય છે." ખેંગારજીએ યોગ્ય ઉપદેશદ્વારા પોતાની પત્નીના હૃદયસાંત્વનનો પ્રયત્ન કર્યો.

પરંતુ નન્દકુમારી પણ બુદ્ધિમતી યુવતી હોવાથી પોતાના પ્રાણેશ્વરના એ વાદનો પ્રતિવાદ કરતી કહેવા લાગી કે: "મારા સૌભાગ્યના આધાર, સંકટના સમયમાં શું સતી સીતાને શ્રી રામચંદ્રજી પોતા સાથે વનવાસમાં નહોતા લઈ ગયા ? શું દમયંતી પોતાના પતિના સંકટકાળમાં પતિ નળરાજ સાથે રહી નહોતી ? દ્રૌપદીએ શું વનવાસી પાંડવો સાથે વનગમન નહોતું કર્યું અને ધારાનગરીના પરમારવંશાવતંસ જગદેવ સાથે તેની પત્ની વીરમતી પણ દુ:ખની વેળામાં છાયા સમાન અભિન્ન જ રહી નહોતી કે શું ? આટઆટલાં ઐતિહાસિક ઉદાહરણો આપણાં નેત્રો સમક્ષ પ્રત્યક્ષ હોવા છતાં પણ આપ મને પોતા સાથે લઈ જવાની ના પાડો છો, એથી મને આશ્ચર્ય થાય છે અને એમ જ ભાસે છે કે મારામાં આપનો જોઈએ તેવો પ્રેમ કિંવા પ્રણય નથી. હું પણ ઝાલાવંશના ક્ષત્રિયની કુમારી છું અને તેથી જો એવોજ પ્રસંગ આવશે, તો ચાવડી વીરમતી પ્રમાણે અવશ્ય પરાક્રમ કરી બતાવીશ અને આપના નામ તથા આપની પ્રતિષ્ઠાને ખોવા કરતાં મારા પ્રાણને ખોવાનું જ વધારે પસંદ કરીશ. મારો આટલો બધો આગ્રહ હોવા છતાં પણ જો આપ મને ત્યાગીને ચાલ્યા જશો, તો અવશ્ય હું ઝૂરીઝૂરીને મરી જઇશ. પછી તો જેવો આપનો વિચાર; કારણ કે, આપ મારા પતિદેવ હોવાથી આપને મારાથી અધિક કંઈ પણ કહી શકાય તેમ નથી; અધિક બોલવાનો મારે અધિકાર નથી."

"ધન્ય છે, તારી વીરભાવનાને ! ક્ષત્રિય જાતિની એક વીરદુહિતા તથા વીરનારીના મુખમાંથી આવા જ ઉદ્‌ગારો નીકળવા જોઈએ !" આવી રીતે પોતાની પત્નીની પ્રશંસા કરીને ખેંગારજી કાંઈક આગળ બોલવા જતો હતો એટલામાં અચાનક દાસીએ આવીને શયનમંદિરનાં બારણાં ખખડાવ્યાં અને તેથી એ દંપતીને વાર્ત્તાલાપ એટલેથી જ અટકી પડ્યો.

નન્દકુમારીએ દ્વાર ઉઘાડ્યું અને દાસીએ અંદર આવીને ખેંગારજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કેઃ "ખમ્મા મહારાજાને ! આપને આપના પૂજ્ય શ્વસુર જાલિમસિંહજી કોઈ અગત્યના કાર્યમાટે અત્યારે અને આ ક્ષણેજ તેમની ડેલીમાં બોલાવે છે. તેઓ પોતે જ અહીં આવવાના હતા, પણ તેમના આવવાથી તેમની મર્યાદાને ભંગ થવાનો સંભવ હોવાથી છચ્છરભાઈ સાથે તેઓ ડેલીમાં આપની વાટ જોતા બેઠા છે અને મને આ સંદેશો સંભળાવવામાટે મોકલી છે."

દાસીના મુખની આ વાર્તા સાંભળીને નન્દકુમારીના રંગનો ભંગ થયો અને ખેંગારજીના મુખમંડળમાં પણ કાંઈક વિષાદનો રંગ આવી ગયો. ખેંગારજી વસ્ત્ર પરિધાન કરીને નન્દકુમારીની આજ્ઞા લઇ શ્વસુર પાસે જવામાટે શયનમંદિરમાંથી બહાર નીકળ્યો અને તેના જવા પછી નન્દકુમારી શય્યામાં પડી પડી અનેક પ્રકારના શુભાશુભ તર્કવિતકોં કરવા લાગી. તે રમણીના હૃદયસમુદ્રમાં અશાંતિરૂપ અવસ્કંદનો ઉદ્‌ભવ થતાં મહાવિક્ષોભ થવા લાગ્યો અને તે અશાંતિની પ્રબળ લહરીએ તેના અંતઃકરણની શાંતિનો સર્વથા લોપ કરી નાખ્યો. "અત્યારે આટલી મોડી રાતે મારા પિતાએ મારા પ્રાણેશને મારા શયનમંદિરમાંથી શામાટે બોલાવ્યા હશે ? વળી કોઈ નવીન ભયનું કારણ તો આવીને ઉપસ્થિત નહિ થયું હોય ?" આવા પ્રકારના પોતાના મનમાં ઉદ્‌ભવતા સંશયોનું તત્કાળ રાજકુમારીથી ઉચિત સમાધાન કરી શકાયું નહિ અને તે મુંઝાવા લાગી.

*****

દાસી સાથે ખેંગાર જ્યારે જાલિમસિંહની ડેલીમાં આવ્યો, તે વેળાયે ત્યાં જાલિમસિંહ, વૈરિસિંહ, છચ્છર અને એક બીજો કોઈ અજ્ઞાત પુરૂષ એવી રીતે ચાર મનુષ્યો વાર્ત્તાલાપ કરતા બેઠા હતા. ખેંગારજીને ઉત્થાન આપીને જાલિમસિંહે ઢોલિયાપર બેસાડ્યો અને ત્યાર પછી અજ્ઞાત પુરુષને ઉદ્દેશીને કહ્યું કે: "રણમલ્લજી, જે વાર્ત્તા તમોએ અમને સંભળાવી છે, તે જ વાર્ત્તા અક્ષરશ: આ કુમારશ્રીને બીજી વાર કહી સંભળાવો."

જાલિમસિંહની આજ્ઞા થતાં રણમલ્લ ખેંગારજીને સંબોધીને કહેવા લાગ્યો કે: "મહારાજ, વાત જાણે એમ છે કે હું પરમ દિવસ અહીંથી કોઈ કારણવશાત્ ધ્રાંગધરે ગયો હતો અને ગઈ કાલે પણ ત્યાં જ હતો. આજે સાંઝે હું ત્યાંથી નીકળવાની તૈયારી કરતો હતો એવામાં અચાનક કચ્છ દેશના અત્યારના રાજા જામ રાવળના પાંચ સો ઘોડેસવાર સિપાહીઓ ત્યાં આવ્યા અને થોડી વારમાં જ નગરમાં સર્વત્ર એવી ચર્ચા ચાલવા લાગી કે, 'કચ્છના દગાથી મરાયલા રાજ જામ હમ્મીરજીના બે કુમારો કચ્છમાંથી નાઠા છે, તેમને શોધીને પકડી લઈ જવામાટે જ એ ઘોડેસવારો આવ્યા છે. આપ અહીં છો, એ વાર્ત્તા મારા જાણવામાં નહોતી, પણ મારી સ્ત્રીએ આપના અહીં આવ્યાની અને આપના લગ્નની વાર્ત્તા મને જણાવી અને તેથી આ સમાચાર મેં અમારા ગામધણીના કાને નાખી દીધા. આપ જાલિમસિંહજીના જમાઈ છો એટલે અમારા પણ સંબંધી છો અને તેથી આપનું કલ્યાણ ઇચ્છવું એ અમારું પરમ કર્ત્તવ્ય છે. તે ઘોડેસવારો કદાચિત્ આપને શોધતા શોધતા અહીં પણ આવી પહોંચશે, એવો સંભવ છે; કારણ કે, આપ અમદાવાદ ભણી જવાના છો એ સમાચાર તેમને મળી ગયા છે. અર્થાત્ અત્યારે હવે જે યોગ્ય લાગે તે આત્મરક્ષણનો ઉપાય આપે તત્કાળ યોજવાનો છે; કારણ કે, વિલંબ તથા દીર્ધ વિચારથી આવા કટોકટીના સમયમાં ઘણીક વાર હાનિ થવાનો સંભવ હોય છે, એ તો સ્પષ્ટ જ છે. હવે પરમાત્મા આપને જેવી બુદ્ધિ આપે તદનુસાર વર્ત્તો. મારી સેવાની આવશ્યકતા હોય, તો હું આપની યથાશક્ય સેવા કરવાને તૈયાર છું."

"આપની આ લાગણીમાટે હું આપનો અત્યંત આભાર માનું છું અને અંત:કરણપૂર્વક આપને ધન્યવાદ આપું છું." એવી રીતે ખેંગારજીએ રણમલ્લનો યોગ્ય શબ્દોવડે આભાર માનીને પછી પોતાના શ્વસુર જાલિમસિંહજીને સંબોધીને કહ્યું કે: "વડિલશ્રી, અત્યારે અમો આપના આશ્રિત છીએ અને તેથી આપ જે માર્ગ દર્શાવો તે માર્ગનું અવલંબન કરવાને તૈયાર છીએ. ત્યારે હવે દર્શાવો કે આપ વડિલનો આ વિષયમાં શો અભિપ્રાય છે ?"

"આપ અત્યારે મારા અતિથિ છો તેમ જ જામાતા થયા છો એટલે આપના જીવનનું સર્વ પ્રકારે સંરક્ષણ કરવું, એ મારો તથા મારા આપ્તજનોનો તેમજ મારા પ્રજાજનોનો પરમ ધર્મ હોવાથી જો રાવળના તે સૈનિકો અહીં આવશે, તો અમો તેમની સાથે તુમુલ યુદ્ધ કરીશું અને પ્રસંગ આવતાં રણયજ્ઞમાં આનંદથી પ્રાણુનું બલિદાન આપીશું; પણ આ દેહમાં પ્રાણ છે ત્યાં સૂધી તો આપને શત્રુઓના હાથમાં જવા નહિ દઈએ તે નહિજ દઈએ." જાલિમસિંહે પોતાની વીરતા તથા નિર્ભયતાનું વાણીદ્વારા દર્શન કરાવ્યું.

"પરંતુ મારો એવો અભિપ્રાય નથી; કારણ કે, ધારો કે કદાચિત્ ધીંગાણું થાય અને તેમાં હારીને રાવળના સૈનિકો પાછા ચાલ્યા જાય, તો પણ અમારે અમદાવાદ તો જવાનું જ છે; કારણ કે, જો અમદાવાદના સુલ્તાનની સહાયતા ન મળે, તો કચ્છનું રાજ્ય ખેંગારજી બાવાથી પાછું લઈ શકાય તેમ નથી. અર્થાત્ જ્યારે અમદાવાદ ગયા વિના તો અમારે છૂટકો છે જ નહિ, તો પછી આ અકારણ યુદ્ધ શામાટે કરવું અને આપણાં થોડાંઘણાં માણસોની હાનિ પણ શામાટે કરાવવી વારુ ? આમ કદાચિત્ બે દિવસ પછી અહીંથી પ્રયાણ કરત અને આ કારણ આવ્યું છે તો અત્યારેજ પ્રયાણ કરવું પડશે, એટલો જ માત્ર ભેદ છે. આ પ્રમાણેની પરિસ્થિતિ હોવાથી મારો તો એ જ આગ્રહ છે કે અત્યારે જ અમને પ્રવાસનાં સાધનો તૈયાર કરી આપો અને અમને વિદાય કરી દ્યો. હવે અમદાવાદ વધારે દૂર નથી એટલે અમો કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના ત્યાં પહોંચી જઈશું અને આપનો પરિશ્રમ પણ ટળી જશે. યોગ્ય અવસર આવતાં દુષ્ટ રાવળ પાસેથી તેની આ સર્વ દુષ્ટતાનો બદલો આપણે વ્યાજ સુદ્ધાં લઈશું, એ વિશે આપે નિશ્ચિન્ત રહેવું." છચ્છરે પરિસ્થિતિનો વિચાર કરીને જાલિમસિંહના અભિપ્રાયથી સર્વથા વિરુદ્ધ અભિપ્રાય દર્શાવ્યો.

"અને મારા પોતાનો પણ એ જ અભિપ્રાય છે." ખેંગારજીએ પોતાના નમકહલાલ નોકરના અભિપ્રાયને અનુમોદન આપ્યું.

"મારી પણ એ જ માન્યતા છે કે ભાઈ છચ્છર તથા મહારાજશ્રી ખેંગારજીનો અભિપ્રાય યોગ્ય છે; કારણ કે, અત્યારના અકારણ યુદ્ધથી કોઈ પણ પ્રકારના અધિક લાભનો સંભવ નથી." રણમલ્લે પણ છચ્છરના મતનેજ પુષ્ટિ આપી.

"હું પણ અત્યારે વેળા પ્રમાણે વર્ત્તવાનું જ યોગ્ય ધારું છું." વૈરિસિંહ પણ તેમના મતને જ મળતો થયો.

સર્વના અભિપ્રાયને પોતાના અભિપ્રાયથી ભિન્ન જોઈને જાલિમસિંહ પણ સમયનો વિચાર કરીને તેમના અભિપ્રાય સાથે એકમત થઈ કહેવા લાગ્યો કે: "જ્યારે તમો સર્વનો આ જ અભિપ્રાય છે, તો પછી પરમાત્માનીજ એ ઈચ્છા હોય એમ જણાય છે; કારણ કે, પંચ ત્યાં પરમેશ્વર એ આપણો એક પુરાતન સિદ્ધાન્ત છે. અસ્તુઃ જો અહીંથી પ્રયાણ કરવાનીજ આપની ઇચ્છા હોય, તો પછી વિલંબ કરવો વ્યર્થ છે. આપ પાસે એક અશ્વ છે અને મારો એક સારામાં સારો ઊંટ હું સાજ નખાવીને તૈયાર કરાવું છું તેપર કુમાર સાયબજી તથા છચ્છર બેસશે અને મારા બીજા ઊંટપર બે રાજપૂતો સવાર થઈને આપને ઠેઠ અમદાવાદ પહોંચાડી આવશે. હાલ તરત એક હજાર કોરી રોકડી પણ સાથે લેતા જજો કે જેથી અમદાવાદમાં જતાંની સાથે તરત કોઈ પાસેથી પૈસા માગવા ન પડે અને માર્ગમાં પણ કાંઈ અડચણ ભોગવવાનો પ્રસંગ ન આવે."

"પરમાત્મા આપના આ ઉપકારોનો બદલો વાળી આપવાનું અમને સત્વર સામર્થ્ય આપે, એજ અમારી તે પરમકૃપાળુ પરમાત્માનાં ચરણોમાં અનન્યભાવયુત પ્રાર્થના છે." ખેંગારજીએ માર્મિક શબ્દોમાં કૃતજ્ઞતા દર્શાવી. જાલિમસિંહે પોતાના બન્ધુ વૈરિસિંહને ખેંગારજી, સાયબજી તથા છચ્છર માટે પ્રવાસનાં સાધનો તૈયાર કરાવવાની આજ્ઞા આપી દીધી. ખેંગારજી પોતાની પ્રાણેશ્વરીની આજ્ઞા લેવામાટે અને સાયબજીને નિદ્રામાંથી જગાડીને પ્રવાસની સૂચના આપવામાટે પાછા પોતાના ઊતારાભણી ચાલ્યો અને જાલિમસિંહ માર્ગમાં ખાવા માટે કાંઈક ભાતું અથવા ટીમણ તૈયાર કરી લેવાની પોતાની પત્નીને આજ્ઞા આપવા માટે પોતાના અંતઃપુરમાં ગયો. છચ્છર તથા રણમલ્લ વાતો કરતા ડેલીમાં જ બેસી રહ્યા. રણમલ્લ હુક્કો ભરીને ઘેરથી લેતો આવ્યો હતો એટલે વાર્તાલાપ સાથે તેઓ હુક્કાને પણ યોગ્ય ન્યાય આપીને ઘૂમ્રપાનનો વ્યવસાય પણ ચલાવ્યા કરતા હતા. દાસી ખેંગારજીના ઊતારાના મોટા દ્વારમાં જ નન્દકુમારીની આજ્ઞાથી ખેંગારજીના આવવાની વાટ જોતી ઊભી હતી એટલે તે દાસીને ખેંગારજીએ સાયબજીને જાગ્રત કરવાની તથા પ્રવાસવિષયક સૂચના આપવાની આજ્ઞા કરી દીધી અને પોતે પોતાના શયનમંદિરમાં પ્રવેશ કર્યો.

*****

જે વેળાયે ખેંગારજીએ શયનમંદિરમાં પ્રવેશ કર્યો, તે વેળાયે નન્દકુમારી અત્યંત શોકાતુર થઈને શય્યામાં લમણે હાથ દઈ ચિંતામગ્ન અવસ્થામાં બેઠી હતી; કારણ કે, દાસીના મુખથી અચાનક આવીને ઉપસ્થિત થયેલા ભયના સમાચાર ખેંગારજીની અનુપસ્થિતિમાં તેણે સાંભળ્યા હતા અને તેથી હવે ખેંગારજી સાથે જવાનો હઠ કરવો કે હાલ તરત થોડા દિવસ પીયરિયાંમાં જ વીતાડવા, એ વિષયના ગહન વિચારમાં તે પડી ગઈ હતી અને તેથી ખેંગારજી આવ્યો એનું પણ તેને ભાન રહ્યું નહિ. જ્યારે ખેંગારજીના મુખમાંથી નીકળેલો 'પ્રિયતમે!' શબ્દ તેના સાંભળવામાં આવ્યો ત્યારે જ તેની વિચારનિદ્રા કિંવા ચિંતાનિદ્રાનો ભંગ થયો અને તે શય્યાપરથી ઊઠીને ખેંગારજીના હસ્તને પોતાના સુકોમળ હસ્તોમાં ધારણ કરી અત્યંત મૃદુતા તથા આશ્વાસક ભાવથી કહેવા લાગી કે:—

"મારા પ્રાણજીવન પ્રાણેશ, અત્યારે આપ અને મારા દીયરજી કેવી આપત્તિમાં છો, એ હું સારી રીતે જાણું છું અને સમયનો વિચાર કરી આવા કટોકટીના પ્રસંગે હું આપને અધિક ચિંતામાં નાખવા નથી ઇચ્છતી. અત્યાર સૂધી તો મારો એવો જ અભિપ્રાય હતો કે હું મારાં માતુશ્રીને સમજાવીશ અને તેમની મધ્યસ્થતાથી મારા પિતાશ્રીની આજ્ઞા મેળવીને અવશ્ય આપની સાથે જ અહીથી પ્રયાણ કરીશ; પરંતુ આ ક્ષણે જ અચાનક આપના પ્રયાણનો નિશ્ચય થવાથી હવે એ હઠને વળગી રહેવામાં સાર નથી અને તેથી હું આનંદથી આપને અહીંથી વિદાય થવાની અનુમતિ આપું છું. આવા પ્રસંગે હઠને ત્યાગવામાં જ લલનાનું ભૂષણ છે. માત્ર આપની આ દીન તથા આધીન કિંકરીની આપનાં ચરણોમાં એટલી જ નમ્ર પ્રાર્થના છે કે આપ જ્યાં જાઓ અથવા જ્યાં રહો ત્યાં આ દાસીને વિસારશો નહિ અને જો કોઈ અનિવાર્ય કારણવશાત્ અમદાવાદમાંથી ઇચ્છિત સહાયતા મેળવવાના કાર્યમાં વિલંબ થાય અને તેથી જો અમદાવાદમાં વિશેષ કાળ કાઢવો પડે, તો કૃપા કરીને મને પણ ત્યાં બોલાવી લેજો અને આપની ચરણસેવાથી કૃતાર્થ થવાનો અવસર સત્વર પ્રાપ્ત કરાવજો. મારી મનોદેવતા મને અત્યારે એમ જ કહે છે કે આ સંકટોનો હવે અલ્પ સમયમાં જ અંત આવી જશે અને આપનું સર્વ પ્રકારે કલ્યાણ થતાં વિજયશ્રી અવશ્ય આપના ગળામાં વરમાળા આરોપશે. હું પણ નિરંતર અહીં આપના નામનું સ્મરણ કરતી રહીશ અને આપના કલ્યાણ માટે કરુણાસિંધુ કમલાપતિને અનન્ય ભાવથી વિનવતી રહીશ. ધૈર્યને ત્યાગશો નહિ અને પરમાત્મામાં અવિચલ વિશ્વાસ રાખજો એટલે વિજય આપનો જ છે !”

ખેંગારજીએ જ્યારે શયનમંદિરમાં પ્રવેશ કર્યો, ત્યારે તેના મનમાં એવો ભય હતો કે: “જો પ્રાણેશ્વરી અત્યારે સાથે આવવાનો હઠ કરશે અને હું ના પાડીશ, તો એક પ્રકારના ક્લેશનો આરંભ થશે અને ખિન્ન હૃદયથી પ્રયાણ કરવું પડશે.” પરંતુ નન્દકુમારીના ઉપર્યુક્ત ઉદ્દગારો જ્યારે તેના સાંભળવામાં આવ્યા એટલે તેના ભયનો લોપ થયો અને તેના હૃદયમાં એક પ્રકારનો ઉત્સાહજન્ય આનંદ પ્રસરી ગયો. તે પોતાની પ્રાણેશ્વરીને ધન્યવાદ આપતો કહેવા લાગ્યો કે પ્રાણવલ્લભે, તારા આવા યોગ્ય ઉદ્‌ગારોના શ્રવણથી તથા તારી ધૈર્યશીલતાના સાક્ષાત્કારથી મારા હૃદયમાં તારા વિશે જે ઉચ્ચ ભાવો બંધાયા છે તેમને વાણીદ્વારા વ્યક્ત કરવામાટેના યોગ્ય શબ્દો મારી પાસે નથી. હું જ્યાં જઈશ અને જ્યાં રહીશ, ત્યાં એક ક્ષણ માત્ર પણ તને તથા તારા પ્રેમને ભૂલવાનો નથી. મારું શરીર ત્યાં હશે, પણ હૃદય તો અહીં જ રહેવાનું છે. પરમાત્માની કૃપા થશે, તો આ દુઃખના દિવસો પણ વીતી જશે અને સત્વર જ સુખનો સમય આવી લાગશે. તું પણ પરમાત્મામાં શ્રદ્ધા રાખજે એટલે તે આપણું કલ્યાણ જ કરશે. હું પણ તારાથી વિયુક્ત થવા ઈચ્છતો નથી, પણ નિરુપાય થઈને મારે જવું પડે છે, તેની ક્ષમા કરજે. જો કોઈ કારણથી અમદાવાદમાં વધારે સમય વીતાડવાનો રંગ જણાશે, તો હું અવશ્ય તને ત્યાં બોલાવીશ; કારણ કે, હવે મને પણ તારા સમાગમ વિના ગૃહ સ્મશાનતુલ્ય જ ભાસશે. અસ્તુઃ: હવે વાર્તાલાપમાં વીતાડી શકાય તેટલો સમય અત્યારે આપણી પાસે નથી. પ્રણામ, પ્રાણેશ્વરી, પ્રણામ !”

"પ્રણામ, મારા હૃદયવિશ્રામ, આ દીન દારના સહસ્ત્ર વાર સ્વીકારી લેજો પ્રણામ ! !” નન્દકુમારીએ નેત્રમાં નીર લાવીને સદ્‌ગદિત સ્વરથી આ શબ્દો ઉચ્ચાર્યા.

ખેંગારજીનાં નયનોમાંથી પણ અશ્રુની ધારા વહી નીકળી, પરંતુ હૃદયને વજ્ર કરતાં પણ કઠિન કરીને અધિક કાંઈ પણ ન બોલતાં તત્કાળ તે ત્યાંથી ચાલતો થઈ ગયો.

ખેંગારજીના ચાલ્યા જવા પછી નન્દકુમારી હૃદય ભરાઈ આવવાથી ખેદપૂર્વક અશ્રુપાત કરવા લાગી અને તેના આ કલ્પાંતને જોઈને તેની દાસી તેને વાયુ ઢોળતી યોગ્ય શબ્દોમાં આશ્વાસન આપવા લાગી. નન્દકુમારીના મુખમાંથી એવા ઉદ્‌ગાર નીકળ્યા કે:—

"પરદેશીના પ્રેમનો, વિષમ વિકટ છે પંથ;
પ્રમદા પરણીને ત્યજી, ક્યારે મળશો કંથ !”

ખેંગારજી જ્યારે જાલિમસિંહની ડેલીમાં આવ્યો, તે વેળાયે જાલિમસિંહજી એકલો જ તેની વાટ જોઈને ઊભો હતો એટલે તેણે ખેંગારજીને કહ્યું કે “ચાલો, પાદરમાં વાહનો તૈયાર છે અને કુમાર સાયબજી તથા છચ્છર પણ ત્યાંજ વૈરિસિંહ સાથે આગળથી જઇને આપની વાટ જોતા ઊભા છે. માત્ર ગઢવી દેવભાનુ વિના ગ્રામના અન્ય કોઈ પણ મનુષ્યને આપના આ અચાનક પ્રયાણની વાર્તા જણાવવામાં આવી નથી.”

શ્વસુર તથા જામાતા ત્યાંથી ચાલીને ગ્રામના પાદરમાં આવ્યા એટલે ત્યાં પોતાનો કૄષ્ણ અશ્વ તથા બે ઊંટ સુસજિજત અવસ્થામાં પ્રવાસ માટે તૈયાર થઈને ઊભેલા ખેંગારજીને દેખાયા. ખેંગારજી પોતે પોતાના અશ્વપર બેઠો, એક ઊંટ પર સાયબજી તથા છચ્છર બેઠા અને જે બે મનુષ્યો તેમને અમદાવાદ સુધી પહોંચાડવાને જવાના હતા તેઓ બીજા ઊંટ પર બેઠા. એ બે મનુષ્યોમાંનો એક રણમલ્લ હતો અને બીજો તેનો ભત્રીજો હતો. ઉષ:કાળ વીતી ગયો હતો અને પ્રભાત થવામાં અધિક વિલંબ નહોતો એટલે ચાલવાની તૈયારી કરવામાં આવી; પણ ખેંગારજીએ પોતા પાસેની એક હજાર કોરીમાંથી કોરી બસેં કાઢીને ગઢવી દેવભાનુને આપતાં કહ્યું કેઃ “ગઢવીજી, અત્યારે અમારી વેળા ન હોવાથી આ ફૂલ નહિ ને ફૂલની પાંખડી જે કાંઈ અમો આપીએ છીએ તે સ્વીકારશો અને એવા આશીર્વાદ આપતા રહેશો કે આપનો યોગ્ય સત્કાર કરવાનો અવસર પરમાત્મા અમને સત્વરજ આપે ”

“જાડેજાવંશભૂષણ, ધન્ય છે આપની ઉદારતાને ! પણ અન્નદાતા, અત્યારે હું આ લાભની આશાથી અહીં આવ્યો નથી, કિંતુ કેવળ આપને આશીર્વાદ આપવા માટે જ આવ્યો છું. આપ ધર્માત્મા છો એટલે પરમાત્મા અવશ્ય આપનો વિજય કરશે, એ નિશ્ચયપૂર્વક માનજો. આ કોરી બસેં હાલ તરત સાથે લેતા જાઓ; કારણ કે, અત્યારે આપને એ સાધનની આવશ્યકતા છે. જયારે પરમાત્મા આપનો સારો સમય લાવે, ત્યારે આનાથી દશગણી દક્ષિણા આપશો તો તેનો આ ગઢવી આનંદથી સ્વીકાર કરશે.” આ પ્રમાણે બોલીને ગઢવીએ કોરી પાછી આપવાનો પ્રયત્ન કર્યો.

પરંતુ ખેંગારજીએ તેનો અસ્વીકાર કરીને કહ્યું કેઃ “ગઢવીજી, આપ્યાં દાન પાછાં લેવાતાં નથી, માટે આ કોરી રાખો અને સમય આવશે, ત્યારે આનાથી દશગણું તો શું પણ પચાસ ગણી રકમ હું આપીશ અને ત્યારે જ મારા અંતઃકરણમાં સંતોષ થશે.”

ગઢવી જાણી ગયો કે, ખેંગારજી આપેલી કોરી પાછી લે તેમ નથી એટલે તે વધારે કાંઈ પણ બોલ્યા નહિ અને ત્યાર પછી તરત જ ખેંગારજીએ સર્વને પ્રણામ કરીને પોતાના અશ્વને ચલાવવાનો આરંભ કરી દીધો. અશ્વની પાછળ બે ઊંટ પણ ચાલતા થયા. જાલિમસિંહ તથા વૈરિસિંહ લગભગ અડધા ગાઉ સુધી તેમની સાથે વાત કરતા ચાલ્યા ગયા અને ત્યાર પછી ખેંગારજીના આગ્રહથી ઘેર આવવામાટે પાછા વળ્યા. ખેંગારજી, સાયબજી, છચ્છર, રણમલ્લ તથા રણમલ્લનો ભત્રીજો હવે વાહનોને દ્રુત ગતિથી ચલાવીને અમદાવાદની દિશામાં આગળ વધવા લાગ્યા.

«»«»«»«»