કચ્છનો કાર્તિકેય/ભાગ્યોદયનો આરંભ

વિકિસ્રોતમાંથી
← એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ કચ્છનો કાર્તિકેય
ભાગ્યોદયનો આરંભ
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
ગૃહલક્ષ્મીનો લાભ →


તૃતીય ખણ્ડ–ઉષા
—*******—
પ્રથમ પરિચ્છેદ
ભાગ્યોદયનો આરંભ

ધ્રાંગધરાથી વિદાય થયેલા ખેંગારજી, સાયબજી તથા તેમનો સાથી લગભગ આઠેક ગાઉનો પંથ કાપ્યા પછી એક ગામના પાદરમાં આવી પહોંચ્યા. આ ગામ એક ઝાલા ગરાશિયાનું હતું. ગ્રામના બાહ્ય ભાગમાં એક તળાવ હતું અને તેની પાળપર મહાદેવનું એક સુન્દર મન્દિર પણ શોભી રહ્યું હતું. આસપાસ દીર્ધ વિસ્તારમાં સતીઓ તેમ જ ધીંગાણાંમાં મરાયલા શૂરવીર પુરુષોનાં પાળિયાં પણ ઊભેલાં જોવામાં આવતાં હતાં તેમજ વડ, પીપળો, પીપળી, લીંબડો, બેલ તથા એવાં જ નાના પ્રકારનાં અન્ય વૃક્ષો પણ આકાશ સાથે વાર્ત્તાલાપ કરતાં હોયની ! એવો તેમની ઊંચાઈને જોતાં ભાસ થયા કરતો હતો. તળાવમાં જો કે જળ અતિશય અલ્પ પરિમાણમાં હતું, પરંતુ તેમાં બે ત્રણ કૂવા હોવાથી ગામના લોકો તે કૂવામાંથી પાણી ભરીને લઈ જતા હતા અને તેથી તેમને જળના દુષ્કાળની બાધા સહન કરવી પડતી નહોતી. સારાંશ કે, એ એક સાધારણ ગ્રામ હોવા છતાં એની બાહ્ય પ્રાકૃતિક શોભા આકર્ષક હતી અને તેથી ખેંગારજીએ ત્યાં જ રાતવાસો કરવાના વિચારથી પોતાના સાથીને ઉદ્દેશીને કહ્યું કે: “ભાઈ, આ સ્થાન અતિશય સુંદર તથા નિર્ભય હોવાથી મારો એવો વિચાર થાય છે કે રાત્રિ આપણે અહીં જ વીતાડીએ, તો સારૂં; કારણ કે, પ્રવાસમાં આગળ વધ્યા પછી જો રાત્રિનિવાસમાટે બીજું કોઈ આવું સ્થાન નહિ મળે, તો માર્ગમાં આપણે હેરાન થઈશું. રાતે અહીં ભોજન કરી યોગ્ય વિશ્રાંતિ લીધા પછી આવતી કાલે મળસકામાં જ આપણે પુન: આપણા પ્રવાસનો આરંભ કરીશું.”

"જો આપની એવી જ ઈચ્છા હોય, તો આ દાસ આપની ઇચ્છાને સર્વથા આધીન છે.” સાથે આવેલા અનુચરે યોગ્ય શબ્દોમાં પોતાની આધીનતાનું દર્શન કરાવ્યું.

એ સ્થાનમાં રાત્રિનિવાસ કરવાનો નિશ્ચય દૃઢ થવાથી મહાદેવના મંદિર પાસે ખેંગારજીએ પોતાના અશ્વને થોભાવ્યો અને ઊંટને પણ ત્યાં જ બેસાડવામાં આવ્યો. અશ્વના પૃષ્ઠપરની ઝૂલ શિવાલયના ઓટલાપર પાથરીને ખેંગારજી તથા સાયબજી તેનાપર બેઠા અને તેમના સાથીએ અશ્વ તથા ઊંટને થોડા થોડા અંતરપરનાં બે જુદાં જુદાં ઝાડોના થડમાં બાંધી દીધા. એ પછી તેઓ રાત્રિભોજન તથા અશ્વ અને ઊંટમાટે ઘાસ દાણા વગેરેની શી વ્યવસ્થા કરવી એ વિશેનો વિચાર ચલાવવા લાગ્યા.

તેઓ આવી રીતે વાર્ત્તાલાપમાં નિમગ્ન થયેલા હતા એટલામાં એક ભવ્ય અને તેજસ્વી પુરૂષ ત્યાં આવ્યો અને તેને જોતાં હૃદયમાં કેટલીક અન્ય કલ્પનાઓનો ઉદ્‌ભવ થવાથી તેમના વાર્ત્તાલાપનો પ્રવાહ વચ્ચે જ અટકી પડ્યો. એ નવીન આગંતુક પુરુષનો દેહ ભીમના દેહ સમાન હતો, તેનું મુખમંડળ તેજસ્વી અને તેનો ભાલપ્રદેશ અત્યંત વિશાળ હતો. તેના મનોહર શ્યામવર્ણ તથા તેના મુખમંડળમાંના લાંબા કાતરાને જોતાં જોનારના હૃદયમાં તેનો જે એક પ્રકારનો પ્રભાવ પડતો હતો, તે સર્વથા અવર્ણનીય હતો. તેણે અત્યારે ચોયણું, અંગરખું, આડિયું અથવા ભેઠ અને મસ્તકપર વિશાળ ફેંટો ઈત્યાદિ વસ્ત્રો ધારણ કરેલાં હતાં, તેની કમ્મરે તલ્વાર તથા જંબિયો આદિ બે ત્રણ શસ્ત્રો શોભી રહ્યાં હતાં અને તેના હાથમાં રૂપાથી મઢેલો એક સુંદર હુક્કો હતો ને તેની ટોપીમાં ખેરના લાકડાનો દેવતા રખરખતો હતો. એ પુરુષ મહાદેવના મંદિરના ઓટલાપર બેઠેલા આ બે તરુણ પ્રવાસીઓને જોઇને પ્રથમ તો કાંઈક વિચારમાં પડી ગયો અને ક્ષણ બે ક્ષણ તેમને જોઈ રહ્યો; પરંતુ મુખથી કાંઈ પણ ન બોલતા પ્રથમ જોડા ઊતારી મહાદેવના દર્શનનું કાર્ય તેણે આટોપી લીધું અને ત્યાર પછી ખેંગારજી પાસે આવીને તેની સાથે નીચે પ્રમાણે વાર્ત્તાલાપ આરંભ્યો.

"ભાઈઓ, તમો કોણ છો, ક્યાંથી આવો છો અને ક્યાં જવાના છો ?” તે આગંતુક પુરૂષે એ પ્રશ્નથી વાર્તાલાપનું મંગળાચરણ કર્યું.

એ પ્રશ્નના ઉત્તરમાં ખેંગારજીએ ગંભીર મુખમુદ્રા તથા ગંભીર સ્વરથી જણાવ્યુ કે: “ અમો એક દૂર દેશના નિવાસી છીએ એટલે અમારા તે દેશમાંથી આવ્યા છીએ અને અહીંથી ગુજરાત ભણી જવાના છીએ.”

"તમારો તે દેશ કયો છે, તે દેશમાંના તમારા ગ્રામ કે નગરનું નામ શું છે અને તમારા પિતા તથા પિતામહ આદિના નામો શું છે, તે કૃપા કરીને જણાવશો ?” તે પુરુષે પુછ્યું.

આ પ્રશ્નનું હવે શું ઉત્તર આપવું એનો ખેંગારજીથી તત્કાળ કશો પણ નિશ્ચય કરી શકાયો નહિ અને તેથી તેણે માત્ર એટલું જ કહ્યું કે: “મહાશય, અમારો દેશ અહીંથી બહુ દૂર હોવાથી જો અમે અમારા ગ્રામ તથા અમારા પિતા તથા પિતામહ આદિનાં નામો આપને જણાવીશું, તો ૫ણ આપ અમને ઓળખી શકવાના નથી, એ નિર્વિવાદ છે; તો પછી વિના કારણ એ લફમાં શામાટે પડવું ? આપણામાંથી કોઈને પણ આ ચર્ચાથી લાભ થવાનો સંભવ નથી અને તેટલામાટે આ પ્રશ્નોત્તરમાળાને આગળ લંબાવવાની આવશ્યકતા હોય, એવી મારી માન્યતા નથી. આ૫માટે એટલું જાણી લેવું જ બસ થશે કે અમો કોઈ એક ગરાશિયાના કુંવર છીએ અને વખાના માર્યા બહાર નીકળ્યા છીએ. આપના પોશાક તથા દેખાવથી આપ પણ ગરાશિયા હો એમ જણાય છે અને તેથી આપ અમારા આટલા શબ્દોથી જ સર્વે રહસ્ય સમજી શકશો, એવી મારી દૃઢ ધારણા છે.”

તે ગરાશિયો ખેંગારજીના આવા ચાતુર્યભરેલા ઉત્તરના શ્રવણથી આશ્ચર્યચકિત તથા નિરૂતર થઈ ગયો અને પોતાના મનમાં આપણા એ તરુણ રાજપ્રવાસીની અતિશય પ્રશંસા કરવા લાગ્યો. પરંતુ પોતાના એ આંતરિક ભાવોને હૃદયમાં જ ગુપ્ત રાખીને તેણે વળી પણ પૂછ્યું કે: “ત્યારે શું અહીં રાતવાસો કરવાનો તમારો વિચાર છે ? જો એમ જ હોય, તો તો ગામમાં આ ગરીબના ઝૂપડામાં પધારો અને ત્યાં જ રાત્રિભોજન કરી આનંદથી રાત વિતાડો, એ જ વધારે સારું છે; કારણ કે, અતિથિ આવીને ગામને પાદર પડી રહે, તો ગામના ધણીને નીચું જોવું પડે. તમારાં વાહનોને પણ ત્યાં ઘાસ દાણાની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે અને તમારો પોતાનો પણ સર્વ પ્રકારનો યોગ્યતમ સત્કાર થશે, એ વિશે નિશ્ચિન્ત રહેશો. આ સ્થાનમાં રાત્રિના સમયમાં સર્પ નીકળે છે અને તેથી આ સ્થાનમાં અમો કોઈને પણ રાતવાસો કરવા દેતા નથી; કારણ કે, તે સર્પ દેવાંશી છે અને તેથી તેનાપર શસ્ત્ર ચલાવીને તેને કોઈ મારી પણ શકતું નથી; કિન્તુ જે કાઈ એ પ્રયત્ન કરે છે, તે પોતે જ મરણશરણ થઈ જાય છે. આ કારણથી, આશા છે કે, તમો મારી પ્રાર્થનાને સ્વીકારશો અને મારી પર્ણકુટીમાં પધારવાની ઉદારતા અવશ્ય દર્શાવશો.”

“શું ત્યારે આપ પોતે જ આ ગ્રામના ધણી છો ?" ખેંગારજીએ કાંઈક શંકાયુક્ત ભાવથી પૂછ્યું.

"જી હા, હું ઝાલો ગરાશિયો છું અને આ ગામ મારું જ છે. તમો કોઈ પણ વિષયની શંકા લાવશો નહિ અને મારા ઘરને પોતાનું જ ઘર માનજો.” ગરાશિયાએ સંતોષકારક ઉત્તર આપ્યું.

"ત્યારે આપનું નામ ?” ખેંગારજીએ પૂછ્યું.

"મારું ખરૂં નામ તો જો કે ધર્મસિંહ છે; પરંતુ બે ચાર વાર મોટા મોટા સિંહોને મેં મારી મુષ્ટિકાથી જ મારી નાખેલા હોવાથી અને કેટલાક બલિષ્ઠ બારવટિયાને પણ મલ્લયુદ્ધમાં હરાવીને રામશરણ કરેલા હોવાથી લોકો મને જાલિમસિંહના નામથી ઓળખવા લાગ્યા છે અને તેથી અત્યારે હું એ નામથી જ વિખ્યાત છું.” જાલિમસિંહે પોતાના નામની કથાનો વિસ્તાર કરી સંભળાવ્યો.

“વીર પુરુષ જાલિમસિંહજી, આપ વયોવૃદ્ધ હોવાથી અમારા વડિલ સમાન છો અને વડિલના આગ્રહને માન આપવું એ અમારો ધર્મ હોવાથી અમો આપના આદરાતિથ્યને સ્વીકારવામાટે આપને ઘેર આવવાને તૈયાર છીએ.” ખેંગારજીએ તેના આગ્રહનો સ્વીકાર કરી લીધો.

જાલિમસિંહ ખેંગારજી તથા સાયબજીને લઈને આગળ ચાલ્યો અને ખેંગારજીનો સાથી અશ્વ તથા ઊંટને લગામવડે દોરીને પાછળ પાછળ ચાલવા લાગ્યો. ગ્રામ નિકટમાં હોવાથી અલ્પ સમયમાં જ તેઓ ઇચ્છિત સ્થાનમાં આવી પહોંચ્યા. જાલિમસિંહે પોતાના ઘરની ડેલીમાં જ કુમારોને ઊતારો આપીને ઢોલિયો ઢળાવ્યો, ગાદલાં પથરાવ્યાં અને ઓછાડાવ્યાં, ઓસિકાં તથા ગાલમસૂરિયાં રખાવ્યાં અને બન્ને કુમારોને ઢોલિયાપર બેસાડીને પાણી પાયા પછી વાણંદને બોલાવ્યો કે જે આવીને ખેંગારજીના પગ ચાંપવા લાગ્યો. થોડી વારમાં જ જાલિમસિંહના કેટલાક ભાયાતો પણ ત્યાં આવીને બેઠા અને સભા ભરીને નાના પ્રકારની વાર્ત્તાઓ કરવા લાગ્યા. રાત્રિનું આગમન થતાં જ અંધકારના પ્રતિકારમાટે દીપકોને પ્રકટાવવામાં આવ્યા અને ત્યાર પછી અલ્પ સમયમાં જ નિશાભોજનની વેળા થવાથી અંતઃપુરમાંથી ભોજન તૈયાર હોવાની સૂચના મળી ગઈ. સર્વ જનો જમવામાટે ઊઠ્યા. ઓસરીમાં ગોદડાં પાથરીને આગળ પાટલા મૂકવામાં આવ્યા તેમજ પાણીના કળશિયા તથા ફૂલવાટકા ભરીને રાખવામાં આવ્યા. એ સર્વ પૂર્વ તૈયારી થઈ રહ્યા પછી દાસીઓ ભોજનના થાળ પીરસીને લઈ આવી અને તે સાથે જ નિશાભોજનને ન્યાય આપવાના કાર્યનો શુભ આરંભ થઈ ગયો.

જમતાં જમતાં એક અલૌકિક ચમત્કાર થયો અને તે ચમત્કારે ખેંગારજીના ચિત્તને ચકડોળે ચઢાવી દીધું. ચમત્કારમયી ઘટના એ હતી કે જે ઓસરીમાં જાલિમસિંહ, ખેંગારજી તથા સાયબજી જમવા બેઠા હતા, તે ઓસરીમાં પડતા રસોડાના દરવાજાની આડમાં પીરસનારી દાસીને જોઈતા ખાદ્ય પદાર્થો અંદરથી આપવામાટે એક પરમલાવણ્યવતી નવયૌવના બાળા ઊભી હતી તેના પર અચાનક ખેંગારજીની દૃષ્ટિ પડી; કારણ કે, ખેંગારજીનું આસન તે દરવાજાની બરાબર સામે જ હતું. તે બાળા એવી તે સ્વરૂપવતી અને સુંદરી હતી કે જાણે સ્વર્ગમાંથી તિલોત્તમા કિંવા ઉર્વશી જ પૃથ્વીપટપર ઊતરી આવી હોયની ! અથવા તો સ્વર્ગની અપ્સરાઓના ગર્વખંડન માટે બ્રહ્માએ આ તેમની એક પ્રતિસ્પર્ધિનીને જ સંસારમાં નિર્માણ કરી હોયની ! એવો જ તેને જોવાથી ભાસ થયા કરતો હતો. તે બાળાનું મનોહર અને શાંત મુખમંડળ પૂર્ણિમાના ચન્દ્રની સ્પર્ધા કરતું હતું; તેનો કૃષ્ણ તથા દીર્ઘ કેશકલાપ મણિધરના મદનું મર્દન કરવાને સર્વ પ્રકારે સમર્થ હતો; તેના વિશાળ ભાલપ્રદેશમાં ભાગ્યશાલિતાનાં ચિન્હો સ્પષ્ટ દેખાતાં હતાં; તેની નાસિકા શુકચંચુને પણ શર્માવતી હતી તેના ગોળ કપોલના રંગથી ગુલાબનો રંગ ઝાંખો થઈ જતો હતો; તેના ઓષ્ઠોના રંગને જોઈને પ્રવાલના રંગનો સર્વ ગર્વ ગળી જતો હતો; તેની દંતપંક્તિઓને નિરખીને મૌક્તિકપંક્તિઓની અસૂયા સીમાને ઉલ્લંઘી જતી હતી; તેની ગ્રીવાને જોઇને મયૂરો નિ:શ્વાસ નાખતા હતા અને તેનાં નવીનોન્મત વક્ષો અપરિપક્વ આમ્રફળના કાઠિન્ય વિષયક ગર્વદુર્ગને ભેદી નાખતાં હતાં. નવયૌવનના આગમન સાથે તે બાળામાં મુગ્ધતાનો અસ્ત અને અનંગવિકારનો ધીમે ધીમે ઉદય થવા માંડ્યો હતો. તેની કૃશ કટિને નિહાળીને કેસરી ગર્વહીન થવાથી વનમાં પલાયન કરી ગયા હતા; તેના ચંપકવર્ણને જોઈને ચંપકપુષ્પના રંગનો ભંગ થઈ ગયો હતો; તેના હસ્તપાદાદિની કોમળતાને અવલોકીને કોમળતા પણ લજાતી હતી અને તેનાં નેત્રોની વિશાળતા તથા ચપળતાને જોઈ હરિણ તથા મીનની મહાદુર્દશા થતી દેખાતી હતી. તેના શરીરમાંથી જે એક પ્રકારનો હૃદયાલ્હાદક સુગંધ નીકળ્યા કરતો હતો, તે કસ્તૂરીમૃગોના ગર્વને હરતો હતો અને તેનો કોમળ તથા મધુર કંઠ કોકિલના હૃદયને નિરાશાના અગ્નિથી બાળીને ભસ્મીભૂત કરતો હતો. સારાંશ કે, તે નખથી શિખા પર્યન્ત એક સર્વાંગસુંદરી, પદ્મીની નારીનાં લક્ષણોથી ભૂષિતા અને પરમરમણીયા બાળા હતી, એવો ખેંગારજીનો નિશ્ચય થઈ ગયો અને અત્યારે તે બાળાએ રેશમનો ઘેરદાર ઘાઘરો, કંચુલી તથા જરીથી ભરેલી રેશમી ઓઢણી આદિ વસ્ત્રો ધારણ કરેલાં હોવાથી અને તેના હસ્તોમાં હાથીદાંતના ચૂડાનો તથા કપાળમાં સિંદૂરતિલકનો અભાવ હોવાથી તે બાળા અદ્યાપિ કુમારિકા હોવી જોઈએ, એ ભેદ પણ ખેંગારજીના જાણવામાં આવી ગયો. આવી અલૌકિકા સુંદરી બાળાને પોતા સમક્ષ ઊભેલી જોઈને ખેંગારજીને પોતાની વિપત્તિઓનું સર્વથા વિસ્મરણ થઈ ગયું અને તેના હૃદયમાં આશ્વર્યને દર્શાવનાર 'અહા' શબ્દનો વારંવાર ધ્વનિ થવા લાગ્યો. સભ્યતાનો ભંગ થવાના ભયથી માત્ર તેણે પોતાના એ આશ્ચર્યને મુખમાંથી શબ્દદ્વારા બહાર નીકળવા ન દીધું.

ખેંગારજી પણ એક સુંદર, મનોહર તથા રૂપસંપન્ન નવયુવક હોવાથી તેના અવલોકનથી તે લાવણ્યમૂર્તિ કુમારિકા બાળાના હૃદયની પણ ખેંગારજીના હૃદય જેવી જ અવસ્થા થઈ હતી. તે પણ દ્વારની આડમાં ઊભી રહીને સ્થિર તથા એકાગ્ર દૃષ્ટિથી ખેંગારજીના મુખચંદ્રનું ચકોર સમાન નિરીક્ષણ કર્યા કરતી હતી. ખેંગારજીના સૌન્દર્યની સમીક્ષામાં તે એવી અને એટલી તલ્લીન થઈ ગઈ હતી કે, 'જો મારી આ ચેષ્ટા મારા પિતા, મારી માતા કિંવા દાસીના જોવામાં આવશે; તો તેઓ મારા વિશે શું ધારશે !' એ શિષ્ટાચારનું તો સર્વથા તેને વિસ્મરણ જ થઈ ગયું હતું. તે પોતાના સૌન્દર્ય સાથે ખેંગારજીના સૌન્દર્યને સરખાવતી મનોગત કહેવા લાગી કે: “વિધાતાએ મારા લાવણ્યમદ કિંવા સૌન્દર્યગર્વને ઊતારવામાટે જ આ તરુણ પુરુષને આવું અલૌકિક રૂ૫ તથા સૌન્દર્ય આપીને આજે મારા ગૃહમાં એક અતિથિરૂપે મોકલ્યો છે ! મારા સૌન્દર્યમાં અને એના સૌન્દર્યમાં જો કાંઈ પણ ભેદ હોય, તો તે માત્ર એટલો જ છે કે મારા સૌન્દર્યમાં નારીજાત્યુચિત કોમળતાનો વિલાસ છે અને એના સૌન્દર્યમાં નરજાત્યુચિત કિંચિત્ કાઠિન્યનો વિકાસ છે; મારા શરીરમાં સ્ત્રીજાતિની વિશિષ્ટતા વિદ્યમાન છે ! અને એના શરીરમાં પુરુષજાતિની વિશિષ્ટતા વર્ત્તમાન છે ! જો એ ભેદનો વિચાર કરવામાં ન આવે, તો અમો ઉભયનાં રુ૫ તથા આકાર જાણે એકસરખાં જ હોયની ! એવો જ વારંવાર ભાસ થયા કરે છે અને મનમાં એમ પણ થઈ આવે છે કે પરમાત્માએ અમો ઉભયને આ સંસારમાં દંપતી થવામાટે તો નિર્માણ નહિ કર્યાં હોય ને ! અરેરે, મારાં એવાં ભાગ્ય ક્યાંથી કે મને આવા પુરુષની અર્ધાંગના થવાનો અલભ્ય અવસર પ્રાપ્ત થાય ! એ નવયુવક કોણ જાણે કોણ હશે ને કોણ નહિ; અત્યારે અહીં છે અને આવતી કાલે તો પરમાત્મા જાણે ક્યાંય ચાલ્યો જશે. એની તેજસ્વિતા તો સ્પષ્ટ દર્શાવે છે કે અવશ્ય એ કોઈ રાજકુમાર છે; પણ વડિલોની લજ્જા તથા મર્યાદાને ત્યાગીને મારાથી એ અજ્ઞાત પુરુષ સાથે વાર્ત્તાલાપ કેમ કરીને કરી શકાય વારુ ! હાય, આ મારા ચિત્તનો ચોર અતિથિ અહીંથી ચાલ્યો જશે એટલે પછી એના દર્શનનો બીજી વાર લાભ મળશે કે નહિ, એનો આધાર કેવળ ૫રમાત્માની ઈચ્છાપર જ રહેલો છે. અરે, બીજું તો રહ્યું, પણ એ છબીલા સાથે બે ચાર વાતો કરીને હૃદયને શીતળ કરવાનો પણ અત્યારે મારી પાસે કોઈ ઉપાય નથી. હાય, નિષ્ઠુર વિધાતાની કેવી ક્રુરતા !” આ અંતિમ વિચારથી તે પ્રેમોન્માદિની બાળાનાં નેત્રામાંથી અશ્રુના બિન્દુઓ ટ૫કવા લાગ્યા અને તેની આવી દશા ખેંગારજીના જોવામાં આવતાં તેનું ચિત્ત પણ અતિશય વ્યગ્ર થઈ ગયું. પરંતુ ઉભય નિરુપાય હતાં. અર્થાત્ તેમનાથી કોઈ પણ ઉપાયે પરસ્પર વાર્ત્તાલાપનો આનંદ લઈ શકાય તેમ તો હતું જ નહિ, પરંતુ અત્યાર સુધી તેમને પરસ્પર મુખાવલોકનનો જે એક મુગ્ધ આનંદ મળતો હતો, તે તેમના આનંદનો પણ ભોજનકાર્યના અંત સાથે અંત આવી ગયો. ભોજનકાર્યની સમાપ્તિ થતાં જાલિમસિંહ, ખેંગારજી અને સાયબજી પાછા ડેલીમાં આવ્યા અને ત્યાં પાછો દાયરો જામી ગયો ખેંગારજીનું મન તો જો કે તે નવયૌવના કુમારિકામાં જ પરોવાયેલું હતું, પરંતુ સભ્યતાને જાળવવામાટે બળાત્કારે પણ એ દાયરામાંના લોકો સાથે વાર્ત્તાલાપ કર્યા વિના તેનો છૂટકો નહોતો.

સાયબજીમાટે એક જૂદો ઢોલિયો ઢાળવામાં આવ્યો હતો એટલે ખેંગારજી તથા સાયબજી પોતપોતાના ઢોલિયાપર બેઠા અને નીચે પાથરેલા ગાલીચાપર ગૃહનો સ્વામી જાલિમસિંહ તથા અન્ય જનો બેસી ગયા. સોપારી ખાવાનો તથા હુક્કો પીવાનો વ્યવસાય ચાલવા લાગ્યો અને આમ તેમની કેટલીક વાતો પણ થવા લાગી. એટલામાં તે ગ્રામનો નિવાસી દેવભાણ–દેવભાનુ–નામનો એક વૃદ્ધ ગઢવી એ અતિથિઓને મળવામાટે ત્યાં આવી લાગ્યો અને તેણે કેટલાંક છંદ તથા કવિત્ત આદિ છટાદાર ભાષામાં બોલી સંભળાવ્યાં. તેનાં ઉચ્ચારેલાં છંદો તથા કવિત્તોમાંનું એક કવિત્ત આ પ્રમાણેનું હતું:—

“સોમવંશ શિરતાજ, અખંડ પ્રતાપ લાજ,
કચ્છધરામહારાજ, નીકી મતિ ધીરકી;
દગા કિયા રાવર જુ સગા ભાઈ ન્યાઈ જામ,
લાગો મહાપાપ ભઈ બાત બડી પીરકી;
કુંવર કનૈયે જુગ ભગે લિ યે છચ્છ૨ જૂ,
ભગિનીકે પાસ જાત બાટમેં ખમીરકીઃ
લેવૈં તાત બૈર અરુ સેવૈં કચ્છ દેશ પુનિ,
ખેંગાર કુમાર જીવૌ પ્રતિમા હમ્મીરકી !"

ગઢવીના મુખમાંથી આ કવિત્ત નીકળતાં જ ખેંગારજીના મુખમંડળમાં કાંઇક ગંભીરતાની છાયા પ્રસરી ગઈ; કારણ કે, તેના મનમાં એવી આશંકા થવા માંડી હતી કેઃ 'આ કવિત્ત કદાચિત્ અમને ઓળખીને જ બોલાયલું હોવું જોઈએ.’ આવી શંકા આવવા છતાં પણ એ વિશેની ચર્ચા કરવાનું તેને યોગ્ય ન લાગ્યું અને તેથી તે મૌન ધારીને જ બેસી રહ્યો. પરંતુ એ કવિત્તના આશયથી જાલિમસિંહ અજ્ઞ હોવાથી તેણે ગઢવીને પૂછ્યું કેઃ “ગઢવી મહાશય, આપના આ કવિત્તનો આશય શો છે વારુ ? શું કચ્છના જામ હમ્મીરજી ખરેખર જ દગાથી મરાયા છે અને તેમના કુમારો વિડંબનામાં આવી પડ્યા છે  ?”

એના ઉત્તરમાં વૃદ્ધ ગઢવી નિઃશ્વાસ નાખીને કહેવા લાગ્યો કેઃ "હું થોડા સમય પૂર્વે ફરતો ફરતો કચ્છ દેશમાં જઈ ચડ્યો હતો અને ત્યાં જામ હમ્મીરજીએ મારો યોગ્ય આદર સત્કાર કરીને મને સોનાનાં કડાં, સોનાનું કોટિયું, શાલ, એક બહુ જ મૂલ્યવાન્ ઘોડો, પોશાક અને એક હજાર કોરી રોકડી, એ પ્રમાણેનો સરપાવ આપ્યો હતો. અર્થાત્ જીવની એવી ઉદારતાવાળો બીજો કોઈ પણ રાજા અદ્યાપિ મારા જોવા કે સાંભળવામાં આવ્યો નથી. પરંતુ હજી તો હું કચ્છમાં જ હતો ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે જામ હમ્મીરજીને પોતાને ઘેર તેડી જઈને જામ રાવળે દગા અને વિશ્વાસઘાતથી તેમનો ઘાત કરાવ્યો હતો અને તેમનો કોઈ એક છચ્છરબૂટો નામક નોકર તેમના બે કુમારોને ત્યાંથી બચાવીને અમદાવાદ ભણી જવાને નાઠો હતો. એ દુઃખદાયક પ્રસંગને અનુસરીને મેં આ કવિત્તની રચના કરી હતી કે જે કવિત્ત અત્યારે મેં આપ સમક્ષ બોલી બતાવ્યું છે. હાય ! જેના આપણાપર અનંત ઉપકાર થયા હોય, તે ઉદારાત્માને તે કેમ ભૂલી જવાય !”

“ખરેખર કચ્છમાં ત્યારે તો આ એક અતિશય શોકકારક ઘટના જ થયલી છે.” જાલિમસિંહે ઉદ્‌ગાર કાઢ્યો.

“અસ્તુઃ પરમાત્માની જેવી ઈચ્છા !” એમ કહીને ગઢવીએ ખેંગારજીને ઉદ્દેશીને કહ્યું કે: “પણ મોંઘેરા મેહમાન, જરા આપની ઓળખાણ તો આપો. એક તો મારી અવસ્થા મોટી થઈ છે અને તેમાં વળી રાતે બરાબર દેખાતું નથી; નહિ તો હું તો મોઢું જોતાં જ ઓળખી કાઢું તેવો છું. મેં સાંભળ્યું છે કે આપ કોઈ ગરાશિયાના કુમાર છો અને ગરાશિયાના દીકરા મારાથી અજ્ઞાત હોય, એ બની શકે જ નહિ.”

હવે બોલ્યા વિના છૂટાય તેમ નથી એમ જાણીને ખેંગારજીએ કહ્યું કે “ગઢવીજી, અમો સિંધુ દેશના નિવાસી છીએ અને સમા વંશના ક્ષત્રિય છીએ. અમે કોઈ કારણથી અત્યારે ગુજરાતના પાટનગર ભણી જવાને નીકળ્યા છીએ અને અચાનક આ ગામમાં આવી ચડ્યા છીએ. મુરબ્બી જાલિમસિંહજીએ ઓળખાણ ન હોવા છતાં પણ અમારો જે આવો સારો આદરસત્કાર કર્યો છે તેમાટે અમો એમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.”

ખેંગારજીએ બોલવાનો આરંભ કર્યો તે ક્ષણેજ ગઢવીએ તેને ઓળખી લીધો હતો અને તેથી તે આનંદથી ઉભરાઈ જતા અંતઃકરણવડે કહેવા લાગ્યો કેઃ “અન્નદાતા, હવે વધારે વાર પોતાને ગુપ્ત તથા અજ્ઞાત રાખવાની આવશ્યકતા નથી. કચ્છ દેશના ભાવિ ભૂપાલ ખેંગારજી સાહેબ, મેં આપને બરાબર ઓળખી લીધા છે. મેં આપનું લૂણ ખાધું છે અને આપને જ ન ઓળખું, એ બની શકે ખરું કે ? આપની સાથે જે બીજા કુમાર છે, તે આપના કનિષ્ઠ બંધુ સાયબજી જ હોવા જોઈએ. ઊઠો, આપણે મળીએ.”

ખેંગારજી ઊઠ્યો અને ગઢવીને ભેટ્યો, ત્યાર પછી સાયબજી ભેટ્યો અને પછી જાલિમસિંહ આદિ અન્ય જનોને પણ તેઓ ભેટ્યા, ભેટવાના એ વિધિની સમાપ્તિ કરીને પુનઃ ઢોલિયાપર બેઠા પછી ખેંગારજી જાલિમસિંહ આદિ ત્યાં એકત્ર થયેલા પુરુષોને ઉદ્દેશીને ગંભીરતાથી કહેવા લાગ્યો કે: “તમોએ જ્યારે અમને ઓળખી જ લીધા છે, તો હવે અસત્ય ભાષણ કરીને પોતાને છુપાવવાની ચેષ્ટા કરવી વ્યર્થ છે. હવે અમે તમારા શરણાગત છીએ એમ માનીને અમારાં નામ ઠામ કૃપા કરીને કોઈને પણ બતાવશો નહિ; કારણ કે, અમને પકડવામાટે જામ રાવળના ઘોડેસવાર સિપાહીઓ ચારે તરફ ફર્યા કરે છે, એમ અમારા સાંભળવામાં આવ્યું છે. અમારી પાસે ખર્ચ ખૂટવાથી ધ્રાંગધરાના એક વ્યાપારી પાસેથી થોડા પૈસા લઇને અમો છચ્છરને જામિન તરીકે ત્યાં રાખી આવ્યા છીએ એટલે જ્યારે તે રકમ પાછી મોકલીશું, ત્યારે જ છચ્છર પાછો અમારી પાસે આવી શકશે. અમારી વિપત્તિનો વૃત્તાન્ત આ પ્રમાણે છે.”

ખેંગારજીનો આ વૃત્તાન્ત સાંભળીને જાલિમસિંહ નિર્ભયતાદર્શક સ્વરથી કહેવા લાગ્યો કેઃ “હવે આપે કોઈ પણ પ્રકારની ચિંતા રાખવી નહિ. જો જામ રાવળના દશ હજાર સૈનિકો આવે, તો પણ તેમને મારીને નસાડી દેવાને ઈશ્વરકૃપાથી અમો સમર્થ છીએ. આપને અમો નિર્વિઘ્ન અમદાવાદ પહોંચાડી દઈશું; પરંતુ મારો એવો અભિપ્રાય છે કે આપ એક બે દિવસ અહીં રોકાઈ જાઓ એટલે હું છચ્છરને અહીં લઈ આવવામાટેની વ્યવસ્થા કરું છું; અર્થાત્ તે આવે એટલે સર્વ સાથે જ અમદાવાદ સિધારજો. આ ઊંટની પણ આવશ્યકતા નથી; કારણ કે, આપણે ત્યાં વાહનોનો સુકાળ છે.” ખેંગારજીને એવી રીતે આશ્વાસન આપીને જાલિમસિંહે પોતાના બંધુ વૈરિસિંહને સંબોધીને કહ્યું કે: “ભાઈ વૈરિસિંહ, તમો પ્રભાતમાં સો કોરી લઈને ધ્રાંગધરે જજો અને છચ્છરને છોડાવીને સંધ્યા સૂધીમાં પાછા અહીં આવી પહોંચજો. છચ્છરમાટે ત્યાંથી કોઈનો સારો ઘોડો ભાડે કરી લેજો. કોઈ પણ કારણથી આવવામાં વિલંબ કરશો નહિ.”

"એ કાર્યનો ભાર મારા શિરપર આવ્યો ! આપ નિશ્ચિન્ત રહો.” વૈરિસિંહે જ્યેષ્ઠ બંધુની આજ્ઞાનો તત્કાળ સ્વીકાર કરી લીધો અને ત્યારપછી વૈરિસિંહ ત્યાંથી ઊઠીને અંતઃપુરમાં ચાલ્યો ગયો.

*****

વૈરિસિંહ જે વેળાયે અંતઃપુરમાં આવ્યો, તે વેળાયે તેની ભાભી એટલે કે જાલિમસિંહની પત્ની, તેની ભત્રીજી નન્દકુમારી એટલે કે કુમાર ખેંગારજીમાં આસક્ત થયેલી નવયૌવના બાળા અને જાલમસિંહની પુત્રી, તેની પોતાની પત્ની તથા તેની પોતાની દ્વાદશવર્ષીયા દુહિતા રાજમણી તેમ જ બે દાસીઓ આદિ સ્ત્રીસમુદાય એ નવાગંતુક અતિથિઓ વિશે નાના પ્રકારની ચર્ચા ચલાવતો તેના જોવામાં આવ્યો. વૈરિસિંહ આવેલો જોઈને તેની પત્ની ઘૂંઘટો તાણીને ત્યાંથી ઊઠી બીજા ઓરડામાં ચાલી ગઈ; પરંતુ નન્દકુમારી તથા તેની પોતાની દુહિતા રાજમણી ત્યાં જ બેસી રહી એટલે પ્રથમ તેમને સંબોધીને વૈરિસિંહે કહ્યું કેઃ “બેટા, મારે મારાં પૂજ્ય ભાભી સાથે કાંઈ ખાનગી વાત કરવાની છે એટલે થોડીવાર તમો પણ અંદરના એારડામાં જઇને બેસો.” તે ઉભય બાળાઓ ચાલી ગઈ અને ત્યાર પછી વૈરિસિંહ પોતાની માતાતુલ્ય ભાભીને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે: “પૂજ્ય ભાભી, આપણે ઘેર આજે જે કુમારો અતિથિ તરીકે આવ્યા છે, તેમાંનો મોટો કુમાર તે કચ્છ દેશનો યુવરાજ ખેંગારજી છે અને નાનો કુમાર તેમનો સહોદર સાયબજી છે. જામ હમ્મીરજીનો વિશ્વાસઘાતથી જામ રાવળે વધ કરાવ્યો છે અને તેમના આ કુમારોને પણ મારી નાખવાના તેના પ્રયત્નો ચાલૂ છે એટલામાટે આ કુમારો કચ્છમાંથી નીકળીને અમદાવાદ પોતાની ભગિની પાસે જાય છે. અમદાવાદના સુલ્તાન મહમ્મદ બેગડા પાસેથી એઓ સૈન્ય આદિ સાધનો મેળવશે અને જામ રાવળ પાસેથી કચ્છનું રાજ્ય અવશ્ય પાછું લેશે. અર્થાત્ આજે આપણે તેમનો જે આટલો સત્કાર કર્યો છે, તે ભવિષ્યમાં આપણામાટે અતિશય લાભકારક થઈ પડશે, એમાં લેશ માત્ર પણ સંશય નથી. મારી તો એવી જ માન્યતા છે કે આપ મારા વડિલ બંધુને સમજાવીને બહેન નન્દકુમારીનો ખેંગારજી સાથે સંબંધ કરી નાખો અને મારી પુત્રી રાજમણીનું સગપણ હું સાયબજી સાથે કરી નાખું, તો આપણે કન્યાઓને ઠેકાણે પાડવાની ચિન્તાથી પણ મુક્ત થઈએ અને આપણી કન્યાઓનાં ભાગ્ય પણ ઊઘડી જાય તેમ છે. આપની પુત્રી તો ખેંગારજી સાથે પરણવાથી કચ્છ દેશની પટરાણી થશે અને તેના પ્રતાપે મારી પુત્રી પણ સુખમાં રહી શકશે. હું પ્રભાતમાં એ કુમારોના નોકર છચ્છરને અહીં લાવવા માટે ધ્રાંગધરે જવાનો છું, ત્યાંથી આવતી કાલે સાંઝે પાછો આવીશ અને પરમ દિવસે પ્રભાતમાં તો એ અહીંથી રવાના થઈ જશે; એટલે જો આ શુભ કાર્ય આવતી કાલે રાતે જ કરી નાખવામાં આવે, તો વધારે સારું; કારણ કે, આવા શુભતમ અવસરો કાંઈ વારંવાર પ્રાપ્ત થતા નથી અને તેથી આવા કાર્યમાં વિલંબ કરવાથી અનિષ્ટ પરિણામ જ ભોગવવું પડે છે. આજ સૂધી કચ્છમાં બહુધા વાઘેલા વંશની કન્યાઓ જ રાજ્ઞીપદે વિરાજતી હતી, પણ આ સંબંધ થવાથી ઝાલા વંશની કન્યાઓ કચ્છ દેશના રાજ્ઞીપદને ભોગવશે અને કચ્છમાં ઝાલી રાણીઓ થવાથી આપણા ઝાલાવંશની પ્રતિષ્ઠા વધશે. ઝાલાવંશની કન્યાના પુત્રો કચ્છ દેશના ભાવિ ભૂપાલ થાય, એ આપણા માટે અને આપણા વંશજોમાટે કાંઈ જેવા તેવા ગૌરવની વાર્ત્તા તો ન જ કહી શકાય !”

દીયરની આ વાર્તા ભાભીને ગળે ઊતરતાં જરા પણ વાર ન લાગી અને તેથી તેણે પોતાના દીયરને કહ્યું કે: “ભાઈજી, તમારે હવે આ વિષયની લેશ માત્ર પણ ચિન્તા રાખવી નહિ. હું તમારા મોટા ભાઈને બરાબર સમજાવી દઈશ અને આવતી કાલે સંધ્યાકાળે તમારા આવતાં સુધીમાં તો કદાચિત્ આપણી બન્ને બાળાઓનું વાગ્દાન થઈ પણ ગયું હશે. પરમાત્માએ આપણા સદ્‌ભાગ્યના યોગે જે આ અલભ્ય યોગ મેળવી આપ્યો છે, તેને જો આપણે વ્યર્થ જવા દઇએ, તો તો પછી આપણે મૂર્ખશિરોમણિ જ કહેવાઈએ !” ભાભીના મુખથી આ ઉત્તર સાંભળીને વૈરિસિંહ ત્યાંથી ચાલ્યા ગયો.

પાસેના ઓરડામાં બેઠેલી નન્દકુમારી તથા રાજમણી દીયર ભોજાઈવચ્ચેના એ સંભાષણને એકધ્યાનથી સાંભળ્યા કરતી હતી. રાજમણી અદ્યાપિ દ્વાદશવર્ષીયા બાલિકા હોવાથી અજ્ઞાતયૌવના હતી એટલે એ વાર્ત્તાના શ્રવણથી તેના હૃદયમાં આનંદવિકારના ઉદ્‌ભવનો સ્વાભાવિક જ ન્યૂન સંભવ હતો, પરંતુ નન્દકુમારી ષોડષવર્ષીયા જ્ઞાતયૌવના બાળા હોવાથી જેના પ્રતિ પ્રથમ દર્શને જ તેનું મન આકર્ષાયું હતું, તે પુરુષ સાથે જ પોતાના શરીરસંબંધની વાર્ત્તા થતી સાંભળીને જો તેના અંત:કરણમાંનો આનંદ છલકાઈ જાય, તો તે સ્વાભાવિક જ હતું. તે રૂપસુંદરી, લાવણ્યલતિકા, પ્રણયપ્રતિમા, શશાંકવદના અને સદ્‌ગુણવતી કુમારિકાના હૃદયમાં 'હું મારા મનના માન્યા પતિને પામીશ; માત્ર એટલું જ નહિ, પણ જો પરમાત્મા અનુકૂળ થશે, તો કચ્છ દેશના પ્રતાપી ભૂપાલની મહારાણી પણ થઈશ અને તેમ છતાં અનેક દીન જનોપર ઉપકાર કરવાનો અવસર મને પ્રાપ્ત થશે !' આવા પ્રકારના વિચારોથી આનંદ તથા હર્ષના ઓઘ આવવા લાગ્યા. જે પદાર્થની પ્રાપ્તિનો સ્વપ્નમાં પણ સંભવ ન હોવાથી નન્દકુમારીના હૃદયમાં કાંઈક નિરાશાનો આઘાત થવા લાગ્યો હતો; તે જ પદાર્થની અચાનક પ્રાપ્તિના સંપૂર્ણ રંગને નિહાળીને તેના હૃદયને બ્રહ્માનન્દસમાન આનંદનો સાક્ષાત્કાર થવા લાગ્યો અને તે આનંદના ઓઘમાં તણાતાં તે કેટલીક વાર સૂધી તો પોતાના અસ્તિત્વને પણ સર્વથા ભૂલી ગઈ. સારું થયું કે, તેની કાકી પોતાની પુત્રી રાજમણીસહિત પોતાના શયનમંદિરમાં ચાલી ગઈ હતી, નહિ તો નન્દકુમારીના મુખમંડળમાં અત્યારે આભ્યન્તર આનંદની જે દૃશ્ય છટા વ્યાપી ગઈ હતી તે જો તેની કાકીના જોવામાં આવી હોત, તો તેના ગુપ્ત ભાવોનો અવશ્ય કેટલેક અંશે સ્ફોટ થઈ જવાનો સંપૂર્ણ સંભવ હતો.

નંદકુમારીના હૃદયમાં આવી રીતે આશાનો ઉદય થવા છતાં પણ 'આ શરીરસંબંધમાટે જો મારા પિતાશ્રી અનુમતિ નહિ આપે, તો ?' એ પ્રશ્નથી પુનઃ કાંઈક નિરાશાનો આવિર્ભાવ થયા કરતો હતો; કારણ કે, તેની એ આશાની સફળતાનો સર્વ આધાર કેવળ તેના પિતા જાલિમસિંહની ઈચ્છા તથા અનુમતિપર જ રહેલો હતો. અર્થાત્ તે આવી રીતે આશા તથા નિરાશાના મધ્યમાં અટવાતી હતી એટલામાં જાલિમસિંહ પણ અંતઃપુરમાં આવ્યો અને ત્યાર પછી માતાપિતાનો નિમ્ન સંવાદ નન્દકુમારીના સાંભળવામાં આવતાં તેના આનંદનો અવધિ જ થઈ ગયો.

"પ્રાણેશ, મારા જાણવામાં આવ્યું છે કે આપણા આજના અતિથિઓ તો કચ્છના રાજા જામ હમ્મીરના કુમાર છે; જો એ વાર્ત્તા સત્ય હોય, તો આ ઘર બેઠાં આવેલી ગંગામાં સ્નાન કરીને પવિત્ર થવામાટેનો એક વિચાર મારા મનમાં સ્ફુરી આવ્યો છે અને મારો તે વિચાર એ છે કે:—

“આપણી રાજકુમારીનો શરીરસંબંધ મોટા કુમાર ખેંગારજી સાથે કરવો અને વૈરિસિંહની પુત્રીનો હસ્ત નાના કુમાર સાયબજીના હસ્તમાં સમર્પવો; કેમ એમ જ કે નહિ ?" જાલિમસિંહે પોતાની પત્નીના અપૂર્ણ વાક્યની વચ્ચે જ પૂર્ણાહુતિ કરીને કહ્યું.

"મારા હૃદયની વાર્ત્તા આપના જાણવામાં કેવી રીતે આવી વારુ ?” પત્નીએ આશ્ચર્ય દર્શાવીને પૂછ્યું.

“એ તો મનોમન સાક્ષી છે. મારા મનમાં પણ ઘણી વારથી એ જ વિચાર રમી રહ્યો છે એટલે એ જ વિચાર તારા મનમાં પણ આવેલો હોવો જ જોઈએ, એવા અનુમાનથી જ મેં આ શબ્દો ઉચ્ચાર્યા છે અને મારું તે અનુમાન સત્ય સિદ્ધ થયું છે. ગઢવી સાથે મેં આ વિષયની વાતચીત કરી છે અને આવતી કાલનો દિવસ શુભ હોવાથી આવતી કાલે જ વાગ્દાનનો વિધિ કરી નાખવાનો મારો નિશ્ચય થઈ ચૂક્યો છે.” જાલિમસિંહે પોતાના મનોભાવને વ્યક્ત કરી બતાવ્યો.

પિતાના મુખમાંથી નીકળેલા આ શબ્દોએ નન્દકુમારીના હૃદયમાં જે અલ્પસ્વલ્પ નિરાશારુપ અંધકાર હતો તેને પણ દૂર કરી દીધો અને તેથી તેના હૃદયમાં આશારૂપ પ્રકાશનો સંપૂર્ણ પ્રકાશ વિસ્તરી જવાથી તે બાળાનું અંત:કરણ આનન્દપુલકિત થવા લાગ્યું. ખેંગારજી તથા સાયબજી ડેલીમાં નિદ્રાવશ થયા હતા અને ગૃહનાં અન્ય સર્વ મનુષ્યો પણ નિદ્રાવશ થઈ ગયાં; પરંતુ રાજનન્દિની નન્દકુમારીને તત્કાળ નિદ્રા ન આવી. તે પોતાની શય્યામાં પડી પડી વિચાર કરતી મનોગત કહેવા લાગી કે: —

"આ સદ્‌ભાગ્યનો પ્રતાપ કે પરમાત્માની કૃપાદૃષ્ટિનું પરિણામ ? સાધારણતઃ એમ કહેવામાં આવે છે કે વિધાતાએ આ સંસારમાં સ્ત્રીપુરુષનું એક પણ જોડલું સરખું કર્યું નથી; એટલે કે, કોઈની પણ મન:કામના સર્વાંશે પૂર્ણ થતી જ નથી, એવો આ વિલક્ષણ સંસારનો એક વિલક્ષણ નિયમ છે; છતાં આજે કુમાર ખેંગારજી તથા મારા વિષયમાં એ નિયમનું પરિવર્તન થયું હોય, એમ જ જણાય છે; કારણ કે, હજી તો બે દિવસ પૂર્વે જ મને પતિ ક્યારે મળશે અને કોણ જાણે કેવો મળશે, એ ચિન્તામાં હું નિમગ્ન થઈ હતી અને આજે તો જેની કલ્પના જ નહોતી તેવા રતિપતિસમાન રૂપસંપન્ન, તરુણ, ગુણવાન્, વિનયશીલ તથા શૂરવીર સ્વામીની પ્રણયિની થવાનો સુયોગ પરમાત્માએ મેળવી આપ્યો ! ખરેખર પૂર્વજન્મમાં મેં કાંઈ પણ એવાં સત્કર્મ કરેલાં હશે અથવા તો પ્રખર તપશ્ચર્યા કરી હશે, તેનું જ આ ઉત્તમ ફળ પરમેશ્વરે મને આપ્યું છે ! નહિ તો કચ્છ દેશના યુવરાજ આવી અવસ્થામાં અમારા જેવા સાધારણ ગરાશિયાને ઘેર મેહમાન થઈને આવે જ શાના અને મારા ભાગ્યનો ઉદય થાય જ શાનો ! અસ્તુઃ આ સુયોગ તો જાણે આવ્યો અને આવતી કાલે વાગ્દાન પણ થઈ જશે; પરંતુ એ ઉભય બંધુઓ અત્યારે વિપત્તિમાં હોવાથી અમદાવાદ જવાના છે, તો પછી લગ્નસમારંભ ક્યારે થશે ? જો લગ્નસમારંભમાં ધાર્યા કરતાં બહુ જ દીર્ધકાળ વીતી જશે, તો મારાથી મારા પ્રિયતમનો વિયોગ કેમ કરીને સહી શકાશે ? મારા મનમાં તો એમ જ થયા કરે છે કે જો આવતી કાલે જ મારાં પિતામાતા કુમાર ખેંગારજી સાથે મારો લગ્નસંબંધ કરી આપે, તો હું પણ તેમની સાથે જ જાઉં અને વિપત્તિની વેળામાં તેમની સર્વ પ્રકારે સેવા કરી, તેમને આશ્વાસન આપી, 'અર્ધાંગના' નામની સાર્થકતા કરી બતાવવામાટે તેમનાં દુઃખોની પણ સમભાગિની થાઉં ! સતી સીતા વનવાસમાં શ્રી રામચંદ્રજી સાથે ગયાં હતાં: દમયંતીએ આપત્તિના કાળમાં નળનો ત્યાગ કર્યો ન હતો અને સતી દ્રૌપદી પણ પાંડવોના વનવાસના સમયમાં તેમની સાથે જ હતી; તો પછી મારા પ્રાણનાથના સંકટકાળમાં હું પણ તેમની સાથે જ રહું, તો તેમાં અયોગ્યતા શી છે ? સુખના સમયમાં પતિની સંપત્તિમાં ભાગ લેવાના પ્રસંગો તો ઘણાય મળશે; પણ તેમની આપત્તિમાં ભાગ લેવાનો આવો અવસર પુનઃ પુનઃ પ્રાપ્ત થવાનો નથી. પરંતુ હાય ! સમાજબંધન અને રૂઢિની પ્રબળતા એવી છે કે, મારી આ મનીષા પૂર્ણ થશે કે કેમ, એનો મનમાં સંપૂર્ણ સંશય જ રહ્યા કરે છે ! જોઈએ કે હવે પરમાત્મા કેવો રંગ બતાવે છે !”

આવા પ્રકારના તર્કવિતર્ક કરતી તરુણી રાજકુમારી પણ અન્તે અસ્વસ્થ હૃદયથી નિદ્રાદેવીના અંકમાં પડીને કેટલાક સમયનેમાટે માનસિક વેદનાથી મુક્ત થઈ, એમ જો કે સામાન્ય દૃષ્ટિથી આપણે કહી શકીએ તેમ છે; પરંતુ વાસ્તવિક પ્રકાર તેવો નહોતો; કારણ કે, નિદ્રામાં પણ તેને સત્ય શાંતિનો સાક્ષાત્કાર કિંવા ઉપભોગ મળી શક્યો નહિ. નિદ્રામાં પડ્યા પછી તે બાળાને નાના પ્રકારનાં શભાશુભ સ્વપ્નોનું દર્શન થવા લાગ્યું અને તે સ્વપ્નદર્શનમાં જ નિશાનો અંત થવાથી પ્રભાતમાં જ્યારે તેની નિદ્રાનો ભંગ થયો ત્યારે જાણે પોતે સમસ્ત નિશા અખંડ જાગરણમાં જ વીતાડી હોયની ! એવો જ તેને ભાસ થવા લાગ્યો.

««»«»«»«»»