કચ્છનો કાર્તિકેય/એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી કચ્છનો કાર્તિકેય
એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
ભાગ્યોદયનો આરંભ →


સપ્તમ પરિચ્છેદ
એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ

प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रैव यांत्यापदः” भर्त्तृहरिः

ગત પરિચ્છેદમાં વર્ણવ્યા પ્રમાણે આપણા એ ત્રણ પ્રવાસીઓ પાસે વાટખર્ચીમાટે એક ફૂટી બદામ પણ હતી નહિ અને માર્ગમાં ભોજન આદિની વ્યવસ્થામાટે થોડા ઘણા પૈસા તો અવશ્ય જોઈએ જ; કારણ કે, એ સાધન વિના જરાય ચાલી શકે તેમ નહોતું જ. છચ્છર પાસે અફીણ રાખવાની રૂપાની એક ડબ્બી હતી, તેને પણ તેણે વેચી નાખી અને જાર બાજરીના રોટલાપર ગુજરાન કરતા એ પીડિત પ્રવાસીઓ જેમ તેમ કરીને એક વારના ધ્રાંગધરા નામક નગરની સીમામાં આવી પહોંચ્યા અને નગર બહારની એક ધર્મ-શાળામાં વિશ્રાંતિ લેવામાટે બેઠા.

"છચ્છર કાકા, હવે આપણે શું કરવું ? આપણે પારકા પરદેશમાં આવ્યા છીએ, અમદાવાદ હજી ઘણું દૂર છે અને ખર્ચી ખૂટી ગઈ છે એટલે આપણાથી હવે આગળ કેમ કરીને વધી શકાશે વારૂ ? આપણી પાસે એવી કોઈ વસ્તુ પણ રહી નથી કે જેને વેચીને એક બે દિવસ પણ આપણે નિર્વાહ આપણે ચલાવી શકીએ. હવે આપણી ખરેખરી દુર્દશા થવાનો જ સમય આવી લાગ્યો છે.” ખેંગારજીએ છચ્છરને ઉદ્દેશીને કહ્યું.

“કાકા, હવે આપણે ખાવાનું ક્યાંથી લાવીશું? મને તો અત્યારે જ ભૂખ લાગી છે." નાના કુમારે કરૂણોત્પાદક ઉદ્‌ગાર કાઢ્યો.


કુમારોના એ પ્રશ્નોથી છચ્છરની છાતી ભરાઈ આવી અને મનમાં તે પણ ભયભીત થઈ ગયો. છતાં પોતાની ચિંતા અને શોકાતુરતાના આવેગને રોકી મુખમંડળમાં શાંતિ તથા ગંભીરતાની છાયાને લાવી તે અત્યંત નમ્રતાથી કહેવા લાગ્યો કે: “મારા શિરચ્છત્રો, શાંત થાઓ અને ધૈર્ય ધરો. જગચ્ચાલક પરમેશ્વર અત્યંત કૃપાળુ છે. તે પ્રભાતમાં સર્વ પ્રાણીઓને ભૂખ્યાં જગાડે છે, પણ ભૂખ્યાં ને ભૂખ્યાં જ રાતે સૂવાડતો નથી. આપણે અત્યારે એક નગરમાં આવી પહોંચ્યા છીએ એટલે વધારે ચિંતા કરવાનું કારણ નથી. હું નગરમાં જાઉં છું અને કાંઈ પણ વ્યવસ્થા કરી આવું છું. ત્યાં સુધી તમે અહી વિશ્રાંતિ લ્યો અને જેણે તમારો અનેક સંકટોમાંથી ઉદ્ધાર કર્યો છે, તે પરમાત્મા હવે પછી પણ અવશ્ય તમારો સહાયક થશે જ એટલે અંતઃકરણમાં દૃઢ વિશ્વાસ રાખો.”

છચ્છરનાં એ આશ્વાસનદાયક વચનોથી કુમારોના મનમાં શાંતિનો કિંચિદ્ આવિર્ભાવ થયો અને તેઓ તેના વચનને માન્ય રાખી ત્યાં જ વિશ્રાંતિ લેતા બેસી રહ્યા. છચ્છર પોષણમાટેનાં સાધનોની વ્યવસ્થા કરવામાટે નગર ભણી ચાલતો થયો.

ઉષ્ણ કાળના દિવસો હતા. મધ્યાહ્ન્‌નો સમય વીતી ગયો હતો અને જો કે તૃતીય પ્રહરનો આરંભ થઈ ચૂક્યો હતો, છતાં ઉષ્ણતાનો પ્રતાપ વિશેષ હોવાથી વીથિકા (બજાર)માં લોકોની વધારે ભીડ જોવામાં આવતી નહોતી. દિવસ હોવા છતાં સર્વત્ર રાત્રિસમાન શાંતિનો જ ભાસ થતો હતો. વીથિકાની એવી અવસ્થા જોઈને છચ્છર મનમાં જો કે કાંઈક નિરાશ થઈ ગયો; તો પણ તે આગળ અને આગળ વધતો ગયો. ઝાંઝવાના જળને જોઈને તૃષાતુરની જેવી અવસ્થા થાય છે, તેવી જ અત્યારે છચ્છરના મનની અવસ્થા હતી. અંતે એક શાહૂકારની પેઢી તેના જોવામાં આવી અને તે પેઢીને જોઇ મનમાં કાંઈક આશા ઉત્પન્ન થવાથી તે તે પેઢીપર ચઢી ગયો અને રામ રામ જયગોપાળ કરીને ત્યાં બેસી ગયો.

એક તરફ ત્રણ ચાર મેહતાઓ ગોઠણપર ચોપડા ચઢાવીને નામું લખતા બેઠા હતા, એક બે જણ નાણાંની થોકડીઓને ગણીગણીને કોથળીઓમાં ભરતા હતા અને એક ભવ્ય મુદ્રાવાળા ગૃહસ્થ સર્વને કાંઇને કાંઈ આજ્ઞા કરતો જોવામાં આવતો હતો. ત્યાંની એ સર્વ ચર્યાને જોઈને એ કોઈ મોટો વ્યાપારી અથવા શરાફ હોવો જોઈએ, એવો છચ્છરનો નિશ્ચય થયો અને તેથી તેણે એ જ શાહુકાર પાસેથી જોઈતાં સાધનોને મેળવવાનો વિચાર કર્યો. છચ્છર જો કે એક અજ્ઞાત પુરુષ હતો, છતાં તેને પોતાની પેઢીમાં આવેલો જોઈને અતિથિસત્કારના શિષ્ટસંપ્રદાય પ્રમાણે તેને આવકાર આપતાં શાહૂકારે કહ્યું કેઃ “ભાઈ, આવો. ક્યાંથી પધારો છો અને અહીં આવવાનું શું પ્રયોજન છે ? આપનો જે હેતુ હોય તે દર્શાવો.” એમ કહીને તેણે નોકરને પાન, સોપારી અને એલચી વગેરે લાવવાનો હુકમ ફર્માવ્યો.

એના પ્રત્યુત્તરમાં છચ્છરે જણાવ્યું કેઃ "હું એક મુસાફર છું અને ખાસ એક કામમાટે આપની સેવામાં હાજર થયો છું. હું એક ગરાશીઆનો નોકર છું. તે ગરાશીઆ એટલે કે મારા સ્વામીને એક શત્રુએ દગાથી મારી નાખવાથી અને તેની સ્ત્રીઓ સતી થઈ જવાથી તેના બે કુમારોનો તે શત્રુના પંજામાંથી છૂટકો કરી તેમના જીવ ઉગારવામાટે તેમને લઈને હું ગુજરાત ભણી જવા નીકળ્યો છું; કારણ કે, ત્યાં મારા સ્વામીનો એક બહુ બળવાન્ અને સંપત્તિમાન્ સંબંધી રહે છે. અમારી પાસે અમે નીકળ્યા તે વેળાએ પૂરતા પૈસા હતા, પણ દૈવયોગે માર્ગમાં લૂટારાઓના હાથે લૂટાઇ જવાથી અમે અત્યારે સર્વથા નિરાધાર અવસ્થામાં આવી પડ્યા છીએ. અમારે અમદાવાદ પહોંચવું છે અને વાટખર્ચીમાટે એક કાણી કોડી પણ અમારી પાસે નથી; માટે મેહરબાની કરીને અમારી એક હુંડી લ્યો, તો અમારી સર્વ વ્યવસ્થા અમે કરી શકીએ.”

"ભાઇ, તમારી વાત બધી ખરી, પણ જ્યાં નાણાંની વાત આવી ત્યાં સગા ભાઇનો પણ આજે કોઈ વિશ્વાસ કરતું નથી અને તમે તો વળી એક મુસાફર માણસ એટલે તમારી હુંડીનો મારાથી કેમ કરીને સ્વીકાર કરી શકાય વરુ ? હા, જો આ નગરમાંના કોઈ સારા માણસની તમે જામિનગીરી આપતા હો, તો વળી કાંઈક વિચાર કરી શકાય.” શેઠે વ્યવહારપક્ષને જાળવીને શાંતિથી એ વાક્યો ઉચ્ચાર્યા.

“મારું અહીં કોઈ સગું પણ નથી અને ઓળખીતું પણ નથી, એટલે મારો જામિન કોણ થાય ?" છચ્છરે નિરાશાથી કહ્યું.

"જો કોઈ જામિન ન થાય, તો મારાથી નાણાં પણ ન આપી શકાય." શેઠે ચોખ્ખો ને ચટ જવાબ આપી દીધો.

છચ્છર સર્વથા નિરાશ થયો, પણ 'અર્થસાધુને બુદ્ધિ નથી હોતી' એ નિયમને અનુસરીને તે પુનઃ કહેવા લાગ્યો કેઃ “શેઠ સાહેબ, મારે હજાર બે હજાર જોઇતા નથી; કિન્તુ માત્ર પચીસ ત્રીસ રૂપિયાની જ મને અગમ છે અને તે એક મહિનામાં જ આપને હું પાછા મોકલી આપીશ. કાળચક્રથી ચગદાયલાને સહાય આપવું, એ પ્રત્યેક ધનવાનનું પ્રમુખ કર્તવ્ય છે; પરંતુ જો આપનો મારા વચનમાં વિશ્વાસ ન જ બેસતો હોય, તો હું મારા ધર્મની આપને જામિનગીરી આપું છું.”

ધર્મનું નામ સાંભળીને શેઠને કાંઈક હસવું આવ્યું અને તે કહેવા લાગ્યો કેઃ “ભાઈ, ધર્મની સાક્ષીનો સમય તો સત્યયુગની સાથે જ સ્વર્ગમાં સિધાવી ગયો. અત્યારે તો કળિયુગ ચાલે છે એટલે ધર્મને કોઈ પૂછતું પણ નથી. કહ્યું જ છે કે:—

“કળિયુગના પરિતાપથી, ધર્મ ગયો પાતાળ;
વ્યાપ્યો અધર્મ વિશ્વમાં, અધર્મનો આ કાળ !”

“અસ્તુ: ત્યારે જામિન તરીકે હું પોતે જ જો આપની સેવામાં ઉપસ્થિત રહું તો ? કુમારોને બીજા કોઈ માણસ જોડે મોકલીને હું ધારેલા સ્થાને પહોંચતા કરી દઈશ અને ત્યાંથી આપના રૂપિયા જયારે પાછા આવી જશે, ત્યારે જ આપની આજ્ઞા લઈને હું અહીંથી રવાના થઈશ. તે પૂર્વે, હું ધર્મની પ્રતિજ્ઞાથી કહું છું કે, અહીંથી જવાનો નથી.” છચ્છરે છેલ્લો ઉપાય અજમાવવાનો પ્રયત્ન કરીને કહ્યું.

“ભાઈ, તમારી આ બધી વાતો નકામી છે. સ્વાર્થી મનુષ્ય પોતાના સ્વાર્થને સાધી લેવામાટે ગમે તેમ બોલે છે, પણ તેના બોલવામાં ખરેખરો વિશ્વાસ રાખી શકાતો જ નથી. કાલે ઊઠીને તમે પોબારા ગણી જાઓ, તો તમારી પાછળ પાછળ અમે ક્યાં દોડતા ફરીએ વારૂ ? જોઈએ તો બે વાર જમી જાઓ એની ના નથી, પણ રોકડાં નાણાં તો આવી રીતે નહિ જ આપી શકાય.” વાણિયા ભાઈએ સાફ નન્નો વાસ્યો.

અંતે નિરૂપાય થઈને છચ્છરે કહ્યું કે: “શેઠ, કાંઈ ચિંતા નહિ. માલ રાખીને તો રૂપિયા આપશો ને? અમારા લોકો હથિયાર વિના એક ડગલું પણ ભરતા નથી અને તેથી મારી પાસે અમે ત્રણ જણની ત્રણ તલ્વારો છે કે જેમની કીમત હું આપની પાસેથી જેટલા રૂપિયા લેવા માગું છું તેના કરતાં ચારગણી વધારે છે. એ તલ્વારો પણ રાખો અને હું પોતે પણ અહીં જ રહીશ; પણ ગમે તેમ કરીને અમારો આ પ્રસંગ સંભાળો.”

છચ્છરના આટલી વારના નિષ્કપટ ભાષણથી અને તેની તલ્વારો મૂકવાની ઈચ્છાથી વાણીયાનો નિશ્ચય થયો કેઃ “એ ઠગવા તો નથી જ આવ્યો. જરૂર એ મૂંઝાણો છે અને અગત્યમાં આવી પડ્યો છે તેથી જ આટલા બધા કાલાવાલા કરે છે. એને રૂપિયા આપવા તો ખરા, પછી ગમે તેમ થાઓ !' મનમાં એવો નિશ્ચય કરીને તેણે છચ્છરને પૂછ્યું કે: “વારૂ, તમે અહીં રહીને કામ શું કરશો ?" "મને કપડાં સીવવાનું કામ ઘણું જ સારું આવડે છે એટલે મારી એ કળાના પ્રતાપે પચીસ ત્રીસ રૂપિયા તો હું એક મહિનામાં જ કમાવી લઈશ." છચ્છરે ઉત્તર આપ્યું.

ભાગ્યયોગે શેઠના ગૃહમાં એક વિવાહપ્રસંગ પાસે જ આવેલો હતો અને તેથી દરજીને બેસાડવાની તૈયારી જ હતી એટલામાં આ અચાનક યોગ મળી આવવાથી મનમાં તે પ્રસન્ન થયો અને છચ્છરને જણાવ્યું કેઃ "જાઓ ત્યારે કુમારોને અહીં લાવો અને તલ્વારો પણ લેતા આવો; હું તમારી ઈચ્છા પ્રમાણેની વ્યવસ્થા કરી આપીશ."

પરદેશમાં કોઈ વેળાએ પૈસા વિના કેવી કેવી અડચણો આવી પડે છે અને કાંઈ પણ કીમતી વસ્તુ વિના કોઈને કોઈ એક પાઈ પણ ધીરતું નથી, એનું આ પ્રસંગથી એક પ્રકારનું શિક્ષણ લેવાનું છે અને એટલામાટે જ આપણા પુરાતન સંસ્કૃત નીતિવેત્તાઓએ કહેલું કે:—

"पराधीनं वृथा जन्म परस्त्रीषु वृथा सुखम्‌ ।
परगृहे वृथा लक्ष्मीर्विद्या या पुस्तके वृथा" ॥

એટલે કેઃ "પરાધીન મનુષ્યનો જન્મ વ્યર્થ છે, પરસ્ત્રીમાં સુખ વ્યર્થ છે, બીજાના ગૃહમાંનું ધન વ્યર્થ છે અને પુસ્તકમાંની વિદ્યા વ્યર્થ છે." અર્થાત્ વિદ્યા વદનમાં હોય અને લક્ષ્મી સદનમાં હોય, તો જ તે અમુક પ્રસંગે તત્કાળ ઉપયોગમાં આવી શકે છે. છચ્છરનું કાર્ય અંતે તલ્વારોના યોગે જ સિદ્ધ થયું, એ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. અસ્તુ.

છચ્છર આનંદિત થતો ત્યાંથી ચાલતો થયો અને ધર્મશાળામાં આવીને કુમારોને સર્વ વૃત્તાંત અથથી ઇતિ પર્યન્ત કહી સંભળાવ્યો. એ વેળાએ લગભગ સંધ્યાસમય થવા આવ્યો હતો. છચ્છર કુમારોને લઈને પાછો તે શાહુકારની પેઢીપર આવી લાગ્યો. કુમારોનાં તેજસ્વી મુખનું દર્શન કરતાં જ વાણિયાની ખાત્રી થઈ ગઈ કે: 'એ પ્રવાસીનાં સર્વે વચનો સત્ય જ હતાં.' તેના મનમાં કરુણાનો ઉદય થયો. કુમારોને તેણે પોતાની પાસે ગાદી પર બેસાડ્યા અને છચ્છર સામો ગાલીચાપર બેઠો. છચ્છરે ત્રણ તલ્વારો વ્યાપારી આગળ રજૂ કરી અને વાણિયાએ માત્ર એક જ તલ્વારને મ્યાનમાંથી કાઢી જોઈ તો તે સો રૂપિયાથી પણ વધારે કીમતની દેખાઈ. વાણિયાએ તે એક જ તલ્વાર પોતા પાસે રાખી લીધી અને બાકીની બે તલ્વારો બન્ને કુમારોને આપી દીધી. ભોજનનો સમય થયો હતો એટલે કુમારોને અને છચ્છરને પણ તેણે આગ્રહ કરીને જમવા બેસાડ્યા. સર્વ ભોજન કરીને તૃપ્ત થયા અને ત્યાર પછી તાંબૂલસેવન કરીને તે શાહૂકારે ત્રીસ રૂપિયા છચ્છરને ગણી આપ્યા અને પોતાના એક માણસને બોલાવીને તેણે આજ્ઞા કરી કેઃ "આવતી કાલે પ્રભાતમાં આ કુમારોને લઈને તારે અહીંથી મુસાફરીએ જવાનું છે. અત્યારે જ એક ઊંટ ભાડે કરી લેજે અને એમને જ્યાં જવાનું હોય ત્યાં પહોચાડી આવજે. તારા પેટિયા ઉપરાંત એઓ તને રોજના મેહનતાણુનું એક આધિયું (બે આના) આપશે. ત્યારે હવે સવાર સુધીમાં બધી તૈયારી કરી શકાશે ને ?"

નોકરે તે આજ્ઞા માન્ય કરી અને પ્રભાતમાં આવવાનું કહીને ત્યાંથી ઊંટનો બંદોબસ્ત કરવા માટે તે ચાલ્યો ગયો. રાત્રે સર્વ નિદ્રાવશ થયાં; પણ બન્ને કુમારો અને છચ્છરનાં નેત્રોમાં પ્રભાતમાં થનારા પરસ્પર વિયોગના વિચારથી જરા પણ નિદ્રા આવી નહિ.

યુગોના યુગો જોતજોતામાં વીતી જાય છે અને મન્વંતરોની પણ સમાપ્તિ થાય છે, ત્યાં એક-કેવળ એક-રાત્રિના અલ્પ સમયને વીતતાં કેટલો વિલંબ લાગે વારુ ? રાત્રિનો અંત આવ્યો અને પ્રભાતકાલિક અરુણે પોતાનો પ્રભાવ બતાવ્યો. નોકર આવ્યો અને સાથે ઊંટને પણ લેતો આવ્યો. કુમારો અનિચ્છા છતાં પણ નિરુપાયવશ જવાને તૈયાર થયા. પરંતુ છચ્છરથી વિખૂટા અને છૂટા પડતી વેળાયે તેમનાં નેત્રોમાંથી અસ્ખલિત અશ્રુપ્રવાહનું વહન થવા લાગ્યું. ખરેખર ગૃહના જે મનુષ્યો નિરંતર ક્લેશ જ કરતાં હોય છે અને અનેક પ્રકારે દુઃખદાયક તથા સ્વાર્થસાધક હોય છે, તેમને પણ જ્યારે લાંબા વખતને માટે છોડી જવાનો પ્રસંગ આપણને પ્રાપ્ત થાય છે, ત્યારે આપણા મનમાં કેટલું બધું ઓછું આવી જાય છે અને આપણા હૃદયમાં કેવા કેવા આઘાતો થાય છે, એનો થોડો ઘણો અનુભવ તો પ્રત્યેક પાઠક તથા પાઠિકાને મળેલો હોવો જ જોઈએ. તો પછી પોતાના પ્રાણરક્ષક સુશીલ સેવક અને પિતા સમાન પ્રેમી પાલક–દુ:ખના ભાગી છચ્છરબૂટાથી છુટા પડતી વેળાયે કુમારોના મનમાં અત્યંત દુઃખ ઉત્પન્ન થાય અને તેમનાં હૃદય વિદીર્ણ થઈ જાય, એ સર્વથા સ્વાભાવિક જ હતું. અર્થાત્ પોતાના પિતાના વધના સમાચાર સાંભળતી વેળાયે અને જન્મભૂમિનો નિરાધાર અવસ્થામાં ત્યાગ કરતી વેળાએ કુમારોને જેટલો શોક થયો નહતો, તેટલો શોક અત્યારે તેમને થયો. એજ પ્રમાણે છચ્છરનાં નેત્રોમાંથી પણ અસ્ખલીત નીરધારાનું પતન થવા લાગ્યું. કુમારોની ભાવિ અવસ્થા વિશે તેના મનમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક આવવા લાગ્યા અને તે ઉદ્વિગ્ન થઈ ગયો. રામચંદ્રના વનગમનસમયે દશરથ રાજાની જેવી દુઃખભરિત દશા થઈ હતી, તેવી જ અત્યારે છચ્છર–નિમકહલાલ છચ્છર–ની પણ શોકકારક સ્થિતિ થઈ પડી. છતાં પોતાની છાતીને પાષાણ કિંવા વજ્ર્ સમાન કઠિન કરીને તથા શાંતિને ધારણ કરીને તે કુમારોને આશ્વાસન આપતો કહેવા લાગ્યો કે:—

"મારા શિરોમુકુટ, મારા વિયોગનો લેશ માત્ર પણ શોક ન કરશો. તમારો સહાયક ઈશ્વર છે, માટે ઈશ્વરમાં વિશ્વાસ રાખો અને ભાગ્યના યથોચિત માર્ગમાં આગળ વધો. જો તમારો અને મારો સંબંધ હવે પછી પણ કાયમ રહેવાનો હશે, તો કોઈ પણ ઉપાયે પુનઃ પરમાત્મા તમારી જોડે મારો મેળાપ કરાવશે. પરંતુ અત્યારે તો હૃદયને વજ્ર સમાન બનાવીને આપણે વિયુક્ત થવું જ જોઈએ. તમે ક્ષેમકુશળતાથી એક વાર અમદાવાદમાં પહોંચી જાઓ, એટલે થયું. પછી સહુ સારાં વાનાં થવાનાં જ. જે ચિન્તા અને પીડા છે તે માત્ર ત્યાં સુધીની જ છે. તમે પોતે પણ ક્ષત્રિય હોવાથી હિંમતબહાદર છો અને સાથે આ માણસ પણ છે, એટલે વધારે વિચાર, ભય કે સંશય રાખવાનું કોઈ પણ પ્રયોજન નથી."

કુમારો અદ્યાપિ સંસારના અનુભવથી અજ્ઞાન અને અલ્પવયસ્ક હોવા છતાં અત્યંત બુદ્ધિશાળી હોવાથી ત્વરિત પ્રસંગને ઓળખી ગયા અને તેથી મનના શોકને મનમાં જ દબાવી રાખીને છચ્છર તથા તે શાહૂકારને નમસ્કાર કરી પોતાના જીવન તથા ભવિષ્યને ભાગ્યદેવીના હસ્તમાં સોંપી ત્યાંથી જવાને તૈયાર થયા. ખેંગારજી કાળા ઘેાડાપર અને સાયબજી ઊંટપર પાછલા ખાનામાં તથા અનુચર આગલા ખાનામાં બેસી ગયા. ઊંટ ઊભો થયો અને રામ રામ કરીને સર્વ છૂટા પડ્યા. ઊંટ તથા અશ્વ ચાલતા થયા અને કુમારોના વિયોગથી વિલાપ કરતો છચ્છ૨ પોતાનું વચન પાળીને વાણિયાની સેવા કરવામાટે ત્યાં જ અટકી પડ્યો.

કુમારોને જતી વેળાયે હૃદયને દૃઢ કરીને છચ્છરે ઉપદેશ તો આપ્યો હતો, પણ એ ઉપદેશ 'परोपदेशे पांडित्वम्' જેવો જ હતો; કારણ કે, તેમના અદૃશ્ય થવા પછી તે, પોતાના મનમાં નાના પ્રકારની શંકાઓનો આવિર્ભાવ થવાથી, આક્રોશ કરીને એક અલ્પવયસ્ક બાળક પ્રમાણે રોદન કરવા લાગ્યો. તેનું હૈયું હાથ રહી શક્યું નહિ અને શોકથી તેની છાતી ફાટી જવા લાગી. પરંતુ એવો એક વિશ્વવ્યાપક નિયમ છે કે મનની અવસ્થા સદા સર્વદા એકની એક જ રહી શકતી નથી અને તે ન રહે એમાં જ લાભકારક રહસ્ય સમાયેલું છે; કારણ કે, જો કોઈ પણ હેતુથી ઉદ્‌ભવેલો શોક જેવો પ્રથમ ક્ષણમાં બળવાન્ હોય છે, તેવો જ જો નિરંતર બળવાન્ રહે, તો આ વિશ્વમાં કોઇનું અસ્તિત્વ ટકી શકે જ નહિ અને સૃષ્ટિનો અલ્પસમયમાં જ અંત આવી જાય. અતિશય આનંદનું પણ એવું જ પરિણામ થાય છે. એટલામાટે જ ઈશ્વરે મનુષ્યના મનને આનંદ અને શોકની સાનુક્રમ સ્થિતિ આપેલી છે અને એમાં ઈશ્વરની ઈશ્વરતાનું એક અજ્ઞેય રહસ્ય સમાયેલું છે, એમ જ કહી શકાય. એ મનની ચંચળતાના ધર્મ અનુસાર કેટલાક સમય પછી અશ્રુસ્ખલનથી હૃદયનો ભાર ઓછો થતાં છચ્છર કાંઈક શાંત થયો. પુનઃ આશાનો મંદ પ્રકાશ તેને દૃષ્ટિગોચર થવા લાગ્યો અને જાણે કોઈ અગમ્ય તથા અદૃશ્ય સ્થાનમાંથી તેને અજ્ઞેય આશ્વાસન આપતું હોયની ! એવો તેને ભાસ થવા લાગ્યો;–

આશાના એ આભાસથી ઉદ્વિગ્ન છચ્છરનું મન કાંઈક શાંત થયું અને તેણે અશ્રુને લુછી નાખ્યાં. એ પ્રમાણે તેને શોકમાં મગ્ન થયેલો જોઈને શાહુકાર તેની પાસે આવ્યો અને તેને આશ્વાસન આપીને કહેવા લાગ્યો કેઃ "ભાઈ, આમ વ્યર્થ શોક શામાટે કરો છો ? સંસારમાં આવા પ્રસંગો સર્વને પ્રાપ્ત થાય છે અને દુઃખના પ્રસંગથી જે ડગી જતો નથી તેજ સત્ય વીર કહેવાય છે. તમે તો અનુભવી અને બુદ્ધિમાન્ પુરુષ છો એટલે તમને હું વધારે શીખામણ શું આપું ? શાંત થાઓ. આ દિવસ પણ વીતી જશે અને પુનઃ સુખના સૂર્યનો ઉદય થશે. મારો અનુચર વિશ્વાસપાત્ર છે, માટે કુમારો વિશે તમારે જરા પણ ચિન્તા રાખવી નહિ."

"પ્રભુ કરો અને આપની વાણી સફળ થાઓ !" છચ્છરે ઉદ્‌ગાર કાઢ્યો.

"છચ્છરભાઈ, આપણે ત્યાં થોડા દિવસમાં એક લગ્નપ્રસંગ છે અને તેથી સ્ત્રીઓ માટે તથા કન્યાને દાયજામાં આપવાનાં વસ્ત્રો સીવડાવવાની તૈયારી ચાલે છે. આપ સીવવાની કળામાં પ્રવીણ છો, તો કૃપા કરીને આપણે ત્યાં જ એ કળાનો ઉપયોગ કરી નાખો તો શું ખોટું છે ? એથી અમારું કામ થશે અને તમારા માથાપરથી ઋણનો ભાર ઊતરી જશે. એક પંથ ને દો કાજ, કેમ ?" શાહુકારે તેના મનને બીજા વિષયમાં વાળવાના હેતુથી કહ્યું.

"કપડું વગેરે સર્વ ઘરમાં તૈયાર છે કે હજી લાવવાનું છે ?" છચ્છરે સવાલ કર્યો.

"ઘણોક માલ તો લાવીને ઘરમાં ભરી રાખ્યો છે અને બાકી જે જોઈશે તે તરત મગાવી લઈશું." શેઠે કહ્યું. "વસ્ત્ર કેટલાંક અને શાં શાં સીવવાનાં છે વારૂ ?" છચ્છરે પૂછ્યું.

"એ બૈરાંનું કામ બૈરાં જાણે. બપોરે જમ્યા પછી શેઠાણીને પૂછી જોજો એટલે બધું કામ બરાબર બતાવી દેશે." શેઠે જવાબ દીધો.

"ભલે હું આવતી કાલથી જ એ કામનો આરંભ કરી દઈશ. એથી કામ પણ થતું જશે અને મારો વખત પણ કપાતો જશે. બેસી રહેવું અને 'નવરો બેઠો નખ્ખોદ વાળે' ની કહેવતને ખરી પાડવી તેના કરતાં કાંઈ પણ ઉદ્યોગ કરવો એ વધારે સારૂં છે." છચ્છરે કહ્યું.

"શાબાશ ! માણસ તો આવા જ હોવા જોઈએ. અમારા વાણોતર તો હાડકાંના એવા હરામ છે કે ન પૂછો વાત. 'ખાવામાં ખવીસ ને કામમાં કંજૂસ' એ કહેવત તેમના સંબંધમાં અક્ષરે અક્ષર સત્ય પડે છે. હું ઘણી વાર તેમને ટોકું છું, પણ એ તો 'પાડાની પીઠપર પાણી;' ઘાંચીનો બળદિયો તે વળી આગળ ચાલે ખરો ?" શેઠે છચ્છરને ધન્યવાદ આપીને તેનાં વખાણ કર્યાં.

"અત્યારથીંજ આપ મને આટલી બધી માનની દૃષ્ટિથી નિહાળો છે, એ માટે હું આપનો આભાર માનું છું. પણ આવાં જ વખાણ તમે મારા અહીંથી ચાલ્યા ગયા પછી પણ કરતા રહો, તો જ મારી ખરી મહત્તા. બોલવા કરતાં કરી બતાવવું વધારે સારૂ છે." છચ્છરે નિરહંતા દર્શાવીને કહ્યું.

વાતચીતમાં બપોર થવા આવ્યા અને સર્વ જમવા ગયા. જમ્યા પછી છચ્છર શેઠાણી પાસે ગયો અને શેઠાણી પણ શેઠ જેવી જ માયાળુ અને ભલા સ્વભાવની હોવાથી તેને માનપૂર્વક બેસાડીને શાંતિથી જે કામ હતું તે તેણે તેને બતાવી દીધું.

"આ બધું કામ તૈયાર થતાં કેટલાક દિવસ લાગશે વારૂ ?" શેઠાણીએ સવાલ કર્યો.

"થશે તો વીસ દિવસમાં જ; પણ બહુ બહુ તો એક મહિના કરતાં વધારે વખત તો નહિ જ થાય." છચ્છરે જણાવ્યું.

"તો તો તમારા મોટો ઉપકાર; કારણ કે, લગ્નને સવ્વામહિનો જ બાકી છે. શેઠને કહી કહીને થાકી ગઈ, પણ દુકાનના કામથી એમને તો અવકાશ જ મળતો નથી ! આ તો ઠીક થયું કે તમે આવી ગયા, નહિ તો કામ એમનું એમ રખડી જ પડત તો !" શેઠાણીએ સ્ત્રીસ્વભાવને અનુસરીને ધણીપર તાશેરો કર્યો.

છચ્છર એવી રીતે પોતાના કાર્યમાં પ્રવૃત્ત થયો.

હવે આપણે કુમારોની શી દશા થઈ તેનું અવલોકન કરવામાટે તેમની પાછળ જ પ્રવાસ કરીશું.