કચ્છનો કાર્તિકેય/જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← યતિનો પ્રસાદ અને દેવીનો આશીર્વાદ કચ્છનો કાર્તિકેય
જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ →


ષષ્ઠ પરિચ્છેદ
જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી

સાયંકાળે ગ્રામની નવયૌવના નારીઓ નાના પ્રકારનાં વસ્ત્રાભૂષણો ધારણ કરીને પદનૂપુર આદિના રમઝમ ધ્વનિ સહિત શિરપર ત્રાંબા, પીતળ તથા ચાંદીનાં બેડાં લઈ પાણી ભરવાને આવવા લાગી. તેમની લીલાનું અવલોકન કરી અને તેમની ગૃહસંસારવિષયક પરસ્પર વિલક્ષણ વાર્ત્તાઓ સાંભળીને આપણા પ્રવાસી કુમારો આનંદપૂર્વક પોતાનો સમય વીતાડવા લાગ્યા. એટલામાં પાણી ભરીને પાછા ફરેલા એક સ્ત્રીસમુદાયમાંની એક યુવતિ અન્ય સ્ત્રીઓથી જૂદી પડી પાછળ રહી ગઈ અને શિરપરનાં જળથી ભરેલાં પાત્રો સહિત ઊભીઊભી એ કુમારોને એકી ટસે જોવા લાગી. તે ઘણી વાર સૂધી એમ જોતી રહી અને ખેંગારજી પણ આડી દ્રષ્ટિથી તેની એ ચેષ્ટાને નિહાળતો રહ્યો. અંતે તેણે છચ્છરને ઉદ્દેશીને કહ્યું કે:—

"છચ્છર કાકા, આ બાઈ અહીં આટલી વારથી શા કારણથી ઊભી છે અને મુખથી કેમ કાંઈ બોલતી નથી. એની જો બની શકે તો તપાસ કરો.”

"હાજ૨, અન્નદાતા !” એમ કહી છચ્છરે તે બાઈ પાસે જઈને વિનયથી પૂછ્યું કે: “બહેન, તમે અહીં કેમ ઊભાં છો અને શું જોયાં કરો છો ?” “ભાઈ મારા મનમાં અત્યારે આ કુમારોને જોઈને એક કલ્પના ઉદ્‌ભવી છે. મારી ધારણા પ્રમાણે તો એ કલ્પના ખરી હોવી જ જોઈએ, પરંતુ કદાચિત્ એ કલ્પના અસત્ય સિદ્ધ થાય તો કૃપા કરીને તમારે મારું હાસ્ય ન કરવું.” તે બાઈએ તેવા જ વિનયથી ઉત્તર આપ્યું.

“એ તમારી શી કલ્પના છે વારૂ ?” છચ્છરે આતુરતાથી પૂછ્યું.

“હું કચ્છના નગર લાખિયાર વિયરાના એક સૂતારની પુત્રી છું અને આ ગામમાં મારું સાસરું છે. મને એવું સ્મરણ થાય છે કે કચ્છના મહારાજા જામ હમ્મીરજીના બે કુમારો ખેંગારજી તથા સાયબજી આબેહૂબ આ બાળકો જેવા જ છે. તે રાજકુમારોની મુખાકૃતિ અને અંગબંધન આદિ આમની સાથે એટલાં બધાં મળતાં આવે છે કે જો આમને મેં આ સાધારણ વેશમાં જોવાને બદલે રાજવંશીય વસ્ત્રાભૂષણયુક્ત અવસ્થામાં જોયા હોત, તો એમને ખેંગારજી તથા સાયબજીના નામથી બોલાવવામાં જરા પણ આંચકો ખાત નહિ. આ મારી કલ્પના ખરી છે કે કેમ ?” તે રમણીએ કહ્યું.

“બહેન, ઘણાં માણસોના આકાર પ્રકાર આવી રીતે એક બીજા સાથે મળતા આવે છે. એટલે તમારે ખાસ આવી કલ્પનાઓથી હૃદયને અસ્વસ્થ કરવાનું શું કારણ છે વારુ ?” છચ્છરે કહ્યું.

“ભાઈ એ તો તમે જાણતા જ હશો કે, નવોઢા નારી પોતાનાં પીયરિયાંમાં વધારે માયા મમતા રાખે છે; જો કે સાસરિયાંમાં મારો સ્નેહ લેશ માત્ર પણ ઓછો નથી, તો પણ હજી પીયરિયાં તરફ મારું મન વધારે આકર્ષાયા કરે છે અને મને મારી જન્મભૂમિના બાળકો ધારીને જ મનમાં ઊમળકો આવવાથી હું ક્યારની બીજી સ્ત્રીઓથી છૂટી પડીને અહીં થોભી રહી છું.” પ્રમદા બોલી.

"વ્હાલાં બહેન, તમારું અનુમાન યથાર્થ છે. કેટલાંક રાજકારણ અને ભયંકર વિશ્વાસઘાતના પરિણામે આવી હીન અને દીન દશામાં આવી પડેલા આ બાળકો બીજા કોઈ નહિ, પણ કચ્છના રાજકુમારો ખેંગારજી તથા સાયબજી જ છે.” છચ્છરે કોઈ પણ પ્રકારના ભયનો સંભવ ન ધારીને ખરેખરો ભેદ કહી સંભળાવ્યો.

આ વાર્ત્તા સાંભળતાં જ તે રમણીનું હૃદય હર્ષ તથા શોકના મિશ્રિત ભાવથી ઉભરાઈ જવા લાગ્યું; તે કુમારો પાસે આવી બેડું નીચે ઊતારી તેમનાં ઓવારણાં લઈને દીન તથા પ્રેમયુક્ત વાણીથી કહેવા લાગી કે: “મારી જન્મભૂમિના રાજકુમારો, આપને આવી અધમ અવસ્થામાં આવી પડેલા જોઈને મારી છાતી ફાટી જાય છે; પણ આ અબળાથી કેવળ અંતઃકરણ પૂર્વક આશીર્વાદ વિના બીજું શું સાહાય્ય આપી શકાય તેમ છે ?” "ભગિની, તમારો શુદ્ધ આશીર્વાદ પણ મહાદુર્લભ છે એટલે એ આશીર્વાદ આમ સહજ મળે, તો પછી બીજું શું જોઈએ વારુ ?” ખેંગારજીએ પરમ સંતોષ દર્શાવ્યો.

"રાજબીજના મુખને આવા શબ્દો જ શોભાવે છે. પણ મહારાજ, હું આ ગામમાં હોવા છતાં આપ આવી રીતે ગામના સીમાડે ઝાડ તળે પડી રહો એ તો સારું ન જ કહેવાય અને મને બહુ જ ઓછું લાગે. માટે કૃપા કરી ગામમાં પધારો, મારી ઝૂપડીને પવિત્ર કરો અને મારા ઘરની લૂખીસૂખી છાશ ઘેંસનો સ્વીકાર કરો. આપના જેવા અતિથિઓનો આદરસત્કાર મારા હાથે થાય, એવાં મારાં અહોભાગ્ય ક્યાંથી હોય વારુ ?” વિવેકશીલ વનિતાએ આમંત્રણ કરીને કહ્યું.

"ભલે, બહેન, તમારી આવી સદ્‌ભાવના છે તો અમે તમારું વચન માન્ય રાખીએ છીએ.” ખેંગારજીએ તેના આમંત્રણનો અંગીકાર કર્યો.

"આ ગરીબના વચનને માન્ય રાખ્યું એ આપનો મારાપર અત્યંત આભાર થયો છે. આપ અહીં થોડી વાર બેસો એટલામાં હું મારા સસરાજીને મોકલું છું એટલે તેઓ આવીને આપને માનપૂર્વક બોલાવી જશે.” એમ કહી બેડું માથે લઇને તે રમણી ઘર ભણી ઊતાવળે પગલે ચાલતી થઈ ગઈ.

તેના જવા પછી ખેંગારજી છચ્છરને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે: “છચ્છર કાકા, જન્મભૂમિના પ્રેમનો પ્રભાવ કેવો હોય છે તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ જોયું કે ? લાખિયાર વિયરામાં અને કચ્છમાં અનેક સ્ત્રીપુરુષો વસે છે અને તે સર્વ સાથે પરસ્પર સર્વનો સંબંધ હોતો નથી; છતાં પણ જ્યારે પરદેશમાં દેશનો કોઈ અપરિચિત મનુષ્ય પણ જોવામાં આવે, તો તેને જોતાં જ હૃદયમાં જે એક પ્રકારનો પ્રેમ ઉભરાઈ આવે છે, તે કેવળ જન્મભૂમિ વિષયક સ્નેહનું જ પરિણામ હોય છે. જન્મભૂમિનો મહિમા અગાધ છે !”

"આપનું કથન સત્ય છે, અન્નદાતા !” છચ્છરે કહ્યું.

એ લોકો એવી રીતે વાતચીતમાં સમય વીતાડવા લાગ્યા. તે યુવતિ ઘેર પહોંચી ગઈ. તે રમણી પોતાના અનેક સદગુણોના પ્રતાપે શ્વસુરગૃહમાં સર્વને અત્યંત પ્રિય થઈ પડેલી હતી અને તે એટલે સૂધી કે તેનો પડ્યો બોલ ઉપાડી લેવામાં આવતો હતો. તેણે મર્યાદાયુક્ત વાણીથી રાજકુમારોનો સર્વ વૃત્તાંત પોતાના શ્વસુરને સંભળાવ્યો અને કુમારોને માનપૂર્વક ઘેર લઈ આવવાની પ્રાર્થના કરી. શ્વસુર પણ સુશીલ ગૃહસ્થ હોવાથી તત્કાળ પોતાના ચાર પાંચ આપ્ત મિત્રોને સાથે લઈને ત્યાંથી ચાલતો થયો અને રાજકુળના અલભ્ય અતિથિઓને આદરપૂર્વક પોતાના ગૃહમાં લાવી એક સ્વચ્છ ઓરડામાં બેસાડી તેમની આસનાવાસના કરવા લાગ્યો.

સાધારણતઃ સંસારવ્યવહારનો એક એવો નિયમ છે કે જો કોઈ ધનાઢ્ય કિંવા ઉચ્ચપદધારી ગૃહસ્થ પોતાથી ઊતરતી પંક્તિના મનુષ્યને ત્યાં અતિથિ થાય, તો તેનું ત્યાં જે આદરાતિથ્ય કરવામાં આવે, તે સેવાના નામથી ઓળખાય છે અને એવી સેવાના બદલામાં તે સમર્થ અતિથિએ તેને કાંઈ પણ ધન કિંવા ઉપહાર આપવો પડે છે. જો એમાં કશી પણ ન્યૂનતા થાય, તો તેથી તે અતિથિ તેટલી અપકીર્તિને પાત્ર થાય છે. અહીં અતિથિ રાજકુમાર હતા અને આતિથ્ય કરનાર એક સાધારણ સૂતાર હતો એટલે રાજકુમારોએ તેને કાંઈ પણ આપવું તો જોઈએ જ; પરંતુ સમય પ્રતિકૂલ હોવાથી રાજકુમારોમાં એ વિવેકને દર્શાવવાની અત્યારે શક્તિ નહોતી એટલે તેમના મનમાં એવો વિચાર આવ્યો કે, જો સૂતારના ઉપકારનો ભાર વધારે ન થઈ જાય તો સારું. એ વિચારથી ખેંગારજીએ વૃદ્ધ સૂતાર–તે બાઈના સસરા–ને ઉદ્દેશીને કહ્યું કેઃ “વૃદ્ધ સદ્‌ગૃહસ્થ, તમે અને અમારાં બાઈએ અત્યાર સૂધીમાં જેટલો વિવેક બતાવ્યો છે અને અમારો જેટલો સત્કાર કર્યો છે, તેટલા સત્કારથી અમને પૂર્ણ સંતોષ થયો છે અને તેથી હવે વિશેષ વિવેક કરવાની કશી પણ આવશ્યકતા નથી. મને ખેદ માત્ર એટલો જ થાય છે કે અમારાં બહેનને કાપડા તરીકે આપી શકાય એટલું નાણું પણ દુર્ભાગ્યવશાત્ અત્યારે અમારી પાસે નથી. છતાં જો ઈશ્વર અમને શુભ દિન દેખાડશે, તો તમારા આ ઉપકારને અમે ભૂલવાના નથી. અર્થાત્ અત્યારે હવે અમને જવા માટેની આજ્ઞા આપો, તો મોટો ઉપકાર; કારણ કે, અમારે ઉતાવળથી અમદાવાદ પહોંચવું છે અને અધૂરામાં પૂરું વાહન આદિનો અભાવ છે એટલે માર્ગમાં જો આમને આમ વિલંબ થયા કરે, તો ત્યાં પહોંચતાં છ માસ કે વર્ષ વીતી જાય. કેવળ તમારું માન જાળવવા માટે જ અમે તમારે ત્યાં આવ્યા હતા એટલે તમારે ત્યાં આવીને બેઠા, જળપાન કર્યું અને વિશ્રામ લીધો. હવે અમારે પુનઃ પ્રવાસનો આરંભ કરવો જ જોઈએ.”

“નહિ, મહારાજ, એમ અમારાથી આપને જવાની અનુમતિ આપી શકાય નહિ; ઓછામાં ઓછા ત્રણ ચાર દિવસ તો અહીં આપનો મુકામ થવો જ જોઈએ.” સૂતારે વિવેક કર્યો. “જ્યાં આજની રાત્રિ જ અમારે અહીં વીતાડવાની નથી, ત્યાં પછી ત્રણ ચાર દિવસની વાત તો ક્યાંથી જ હોય ?” ખેંગારજીએ કહ્યું.

સૂતારે જાણ્યું કે, દૃઢ મનના રાજવંશીયો સમક્ષ પોતાનો આગ્રહ ઉપયોગી થવાનો નથી, એટલે તેણે બીજી પ્રાર્થના કરી કેઃ “વારુ ત્યારે જેવી આપની ઈચ્છા પરંતુ અત્યારે ભોજન તૈયાર થાય છે તેનો સ્વીકાર કરીને પછી સુખપૂર્વક સિધારો.”

ખેંગારજીથી તેની આ પ્રાર્થનાનો અસ્વીકાર કરી શકાયો નહિ; કારણ કે, કોઈના આતિથ્યનો સ્વીકાર કર્યા પછી તેને ત્યાંના ભોજનનો અનાદર કરવો તે વિવેકશૂન્યતા ગણાય છે. ઉત્તમોત્તમ પકવાન્નો કરતાં ખરા પ્રેમથી અપાયેલો રોટલાનો ટાઢો કકડો પણ ઉત્કૃષ્ટ છે. એ વિશે એક સર્વમાન્ય લોકોકિત છે કે:

"માન જહાં આદર જહાં, અરુ નૈનનમે નેહ;
સજ્જન ઉસ ઘર જાઈએ, પત્થર બરસે મેહ !"

વળી કુમારો તળાવપર નાસ્તો કરવાની તૈયારીમાં હતા, તે સમયે જ તેમને અહીં બોલાવવામાં આવ્યા હતા, એટલે તેમના ઉદરમાં ક્ષુધાનો અગ્નિ પણ કિંચિત પ્રજળેલો હતો. એ સર્વ એકત્ર કારણોથી ખેંગારજીએ કહ્યું કેઃ “જો તમારો અમને જમાડીને જ જવા દેવાનો નિશ્ચય હોય, તો આ ક્ષણે ઘરમાં જે કાંઈ પણ ટાઢું ઊનું હાજર હોય, તે અમને લાવી આપો. કૃપા કરીને અમારા પ્રવાસમાં પ્રત્યવાય ન કરો.” એ વિશે કેટલોક વાદવિવાદ ચાલ્યા પછી અંતે વૃદ્ધ સૂતારે ખેંગારજીનું વચન માન્ય કર્યું અને તે ઘરના અંદરના ભાગમાં ચાલ્યો ગયો.

ખેંગારજીની ઈચ્છા જ્યારે તે વૃદ્ધ સુતારે પોતાની વિવેકશાલિની પુત્રવધૂને કહી સંભળાવી, ત્યારે તે સાંભળીને શોકાતુર થતી તે કહેવા લાગી કેઃ “પૂજ્ય સસરાજી, આપ વિવેક આદિમાં પ્રવીણ હોવાથી મારે આપને એ વિશે વધારે કાંઈ પણ કહેવા જેવું નથી. તો પણ મારે એટલું તો જણાવવું જ જોઈએ કે જો તેમની ઇચ્છા પ્રમાણે જ આપણે વર્ત્તીશું, તો તે આપણામાટે યોગ્ય તો નહિ જ ગણાય, મારા પીયરિયાંના એટલે કે મારી જન્મભૂમિના રાજકુમારોનાં પગલાં આપણા ઘરમાં ક્યાંથી હોય ! પરંતુ ઈશ્વરે જ્યારે એ અલભ્ય લાભ આપણને અચાનક મેળવી આપ્યો છે, તો એમનો આપણે જે સત્કાર કરીએ તેટલો ઓછો જ છે. રાજાનો સત્કાર અને દેવનો સત્કાર એકસમાન છે; કારણ કે, રાજામાં ઈશ્વરનો અંશ વિશેષ છે, એમ શ્રીમદ્‌ભાગવદ્‌ગીતામાં પણ શ્રીકૃષ્ણ ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહેલું છે. પરંતુ રાજાના સંત્કારનું કાર્ય આપણાં જેવાં દીન જનોના ભાગ્યમાં લખાયેલું હોતું નથી. અત્યારે એ રાજકુમારો આપત્તિમાં આવી પડેલા હોવાથી આપણી કરેલી જેવી તેવી સેવા પણ ચાલી જાય એમ છે, તો આવા વિરલ પ્રસંગને આપણે વ્યર્થ તો જવા ન જ દેવો જોઈએ.”

"સદ્‌ગુણી વહૂ, તમારા કથનને હું અક્ષરે અક્ષર સત્ય માનું છું અને મેં આગ્રહ કરવામાં કશી કચાશ રાખી નથી, પણ રાજહઠ આગળ મારો આગ્રહ નિષ્ફળ નીવડ્યો છે. જો ઊનું જમાડવાની આશાથી ટાઢું તત્કાળ નહિ આપવામાં આવે, તો એટલો લાભ પણ આપણા હાથમાંથી જતો રહેશે; માટે ઊતાવળ કરો અને ઘરમાં જે કાંઈ હોય તે પીરસી આપો.” સસરાએ નિરૂપાયતા દર્શાવી.

“જો એમ જ હોય, તો પછી બીજો ઉપાય નથી.” એમ કહીને તે રાજભક્ત રમણી ઘરમાં જે હતું તે થાળીઓમાં પીરસવા લાગી.

પીરસતાં પીરસતાં તે બાઈને અચાનક એક વાર્ત્તાનું સ્મરણ થઈ આવતાં તેણે સસરાને ઉદ્દેશીને કહ્યું કેઃ “હં, પણ આપે કહ્યું કે યુવરાજે વાહનવિશેની કાંઈ વાત કાઢી હતી, તો જો આપની ઇચ્છા હોય તો આપણો કાળો ઘોડો એમને આપી દઈએ. એથી એમની પીડા ટળી જશે અને આપણે કાંઈ અડચણ ભોગવવી પડે એમ નથી; કારણ કે, તમારે કે તમારા પુત્રને ક્યાં રોજ ગામતરું કરવું પડે છે ? વળી એઓ જ્યારે આપણા આદરાતિથ્યનો પૂરો સ્વીકાર કરતા નથી, તો તેની પૂર્તિ આનાથી થઈ જશે. દેવની કે રાજાની સેવા કદાપિ અફળ નથી થતી, એ તત્ત્વને કદાપિ ભૂલશો નહિ.”

“વહૂ, રાજસેવાનો આ તમે ઘણો જ રૂડો માર્ગ બતાવ્યો. હું ઘણી વારથી એ જ વિચારમાં હતો કે એમને નજરાણું શું આપવું ? કારણ કે, રાજા અને ગુરુ સમક્ષ ખાલી હાથે ન જવું, એવી શાસ્ત્રની આજ્ઞા છે. કચ્છના ભાવિ રાજાને તેમના અહીંથી નીકળવા સમયે હું અશ્વ નજરાણા તરીકે આપીશ. ટાઢું શીરામણ પીરસવાની હવે ઉતાવળ કરો. હું એમને અહીં બોલાવું છું.” સુજ્ઞ સસરાએ પુત્રવધૂની સલાહને માન્ય રાખીને કહ્યું.

રાજકુમારો આગળ બાઈએ ટાઢી ઘેંશ અને દહિની પીરસેલી તાંસળીઓ મૂકી અને તે વેળાએ વિવેકી વૃદ્ધ સૂતારે હૃદયપૂર્વક શોક દર્શાવીને કહ્યું કેઃ “મહારાજ, મારા મંદ ભાગ્યના યોગે આપ બહુ જ ઊતાવળા થયા છો એટલે મારો કોઈ ઉપાય નથી. અત્યારે આપની એ ઊતાવળના કારણથી આપના દાસ પણ ન આરોગે એવા કનિષ્ઠ પ્રકારના ખાદ્ય પદાર્થો ઈચ્છા ન હોવા છતાં પણ મારે આપ સમક્ષ લાવીને રજૂ કરવા પડ્યા છે. આશા છે કે, મારા આ અવિવેક અને અપરાધની આપ અવશ્ય ક્ષમા કરશો જ.”

"સુશીલ અને બુદ્ધિમાન્ વૃદ્ધ પુરુષ, તમે આ શું બોલો છો. તમારે આ નિશ્ચયપૂર્વક માનવું કે ઉત્તમ અને સ્વાદિષ્ટ વ્યંજન તથા પક્વાન્નોને આરોગવાની આશાથી અમે તમારે ત્યાં આવ્યા નથી. ભાવપૂર્વક જમાડેલી આ ઘેંશછાશથી અમારા આત્માને જેટલો સંતોષ થશે, તેટલો સંતોષ ભાતભાતનાં ભોજનથી થવાનો સંભવ નહોતો. જગદાધાર જગન્નિયંતા જગદીશ્વર આપણને વખતપર આવું અન્ન પણ આપે છે અને આપણી ક્ષુધાના અગ્નિને શાંત કરે છે, એ કાંઈ તે જગત્પિતાનો માનવ પ્રાણીપર જેવો તેવો ઉપકાર નથી. અરે, કેટલાકોને તો આવું અન્ન પણ નથી મળતું. માટે સર્વએ નિરંતર એ જ તત્ત્વનું સ્મરણ કરવું જોઈએ કે;—

'આવે જે સંકષ્ટ, ધૈર્યથી તેને સ્હેવું; .
જે સ્થિતિ આપે ઈશ, સદા તે સ્થિતિમાં રહેવું !'

ખેંગારજીએ અભિમાન તથા ગર્વનું ખંડન કરનારાં વાક્યો ગંભીરતાથી ઉચ્ચાર્યાં.

"મહારાજ, આપ વિવેકના સાગર છો એટલે મારાથી હવે વધારે કાંઈ પણ બોલી શકાય તેમ નથી.” વૃદ્ધ સૂતાર બોલ્યો.

ખેંગારજીએ છચ્છર તથા સાયબજીને ઉદ્દેશીને કહ્યું કેઃ “કેમ, મહાત્મા યતિનાં વચનો રામબાણસમાન સિદ્ધ થયાં કે નહિ ? ઈશ્વર જે કાંઈ પણ કરે છે; તેમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે આપણું હિત અવશ્ય સમાયલું જ હોય છે. ચાલો ત્યારે ઈશ્વરનો આભાર માની અને યતિની વાણીને સત્ય જાણી આ શ્વેતવર્ણ ભોજનને ન્યાય આપવાનો આરંભ કરો.

“પણ બંધુ, હજી એક ઘટના બાકી છે.” સાયબજીએ કહ્યું.

"મારી ધારણા પ્રમાણે તે પણ પૂરી થવીજ જોઈએ.” ખેંગારજીએ સાયબજીના આશયને જાણીને માર્મિકતાથી કહ્યું.

ત્રણે જણે આનંદપૂર્વક ભોજન કર્યું અને ત્યાર પછી વૃદ્ધ સૂતાર તથા તેની પુત્રવધૂનો તેમણે અત્યંત આભાર માન્યો. ખેંગારજીએ તે યુવતિને મર્યાદાપૂર્વક પૂછ્યું કે: “બહેન, તમે અમારી ભૂમિનાં નિવાસી તો ખરાં પણ તમારા પિતાનું અને તમારું નામ હજી અમારા જાણવામાં આવ્યું નથી તે કૃપા કરીને જણાવશો ? કારણ કે, અમે તમારા ઋણી થયા છીએ એટલે જો અમારા ભાગ્યનો ઉદય થાય. તો અમારે એ ઋણનો ભાર ઊતારી નાખવો જ જોઈએ અને કદાચિત્ તેમ ન થાય, તો તમારે વિશેષ શોક વિચાર ન કરવો."

"મહારાજ. મારા પિતાનું નામ વાલજી પુરુષોત્તમ છે અને મારું નામ પાર્વતી છે.” બાઈએ ઉત્તર આપ્યું.

"ખરેખર પાર્વતીનો જ અવતાર. હં, અને વૃદ્ધ પુરુષ આપનું તથા આપના પુત્રનું નામ ?” ખેંગારજીએ બીજો પ્રશ્ન પૂછ્યોં.

"મારું નામ રામજી અને મારા પુત્રનું નામ શ્યામજી.” વૃદ્ધ સૂતારે જણાવ્યું.

"પણ શ્યામજીભાઈ કેમ બિલ્કુલ દેખાયા જ નહિ?” ખેંગારજીએ એક વિશિષ્ટ હેતુથી પૂછ્યું.

“તે બે ત્રણ દિવસથી પોતાની બહેનના સીમંત પ્રસંગે અહીંથી દશેક ગાઉપર આવેલા ગામમાં ગયો છે, તે હજી એક બે દિવસ પછી આવશે.” વૃદ્ધ સૂતારે ઉત્તર આપ્યું.

"ચાલો; જીવતા હઇશું, તો ફરી કોઈ વાર મળીશું. ત્યારે હવે અમને વિદાય થવાની આજ્ઞા છે કે ?" ખેંગારજીએ કહ્યું.

“મહારાજ, મારી એક પ્રાર્થના છે, પણ જો માન્ય કરો તો કહું ?” સૂતારે એક નવી વાર્ત્તા ઉપસ્થિત કરી.

"પણ અમારા પ્રમાણમાં હવે વધારે વિલંબ ન થાય, તો સારું; કારણ કે, રાત્રિ વધારે અને વધારે વીતતી જાય છે.” ખેંગારજીએ કહ્યું.

"ના, મહારાજ, તેમ નહિ થાય.”

"ત્યારે જે કહેવાનું હોય તે આનંદથી કહો.”

"મહારાજ, આપની પાસે કોઈ વાહન નથી અને એટલામાટે જ આપને પ્રવાસ માટે આમ ઊતાવળ કરવી પડે છે. તો મારી પાસે એક ઘોડો છે, તેનો કૃપા કરીને સ્વીકાર કરો એથી મારા હૃદયમાં પણ સંતોષ થશે અને આપને પણ એ વસ્તુ માર્ગમાં અત્યંત સહાયક થઈ પડશે. આશા છે કે આપ મને નિરાશ તો નહિ જ કરો.” સૂતારે પોતાની મનેભાવના દર્શાવી.

"હું એ નજરાણાને ઇચ્છા પૂર્વક સ્વીકાર કરું છું.” ખેંગારજી એ અનુમતિ દર્શાવી.

સૂતારે ઘોડાને પલાણીને તૈયાર કરી દ્વારમાં ઊભો રાખ્યો અને બહાર નીકળતાં જ્યારે ઘોડો કાળા રંગનો જોવામાં આવ્યો, તે વેળાએ છચ્છર, ખેંગારજી તથા સાયબાજી ત્રણેના મુખમાંથી એક સાથે એ ઉદ્‌ગાર નીકળી ગયો કે: “ધન્ય યતિરાજ, તમને અને તમારાં વચનોને ! ખરેખર તમે કોઈ દેવાંશીય નર છો, એનો આજે અમને પૂરેપૂરો પરિચય થયો.”

તેમના આ માર્મિક ઉદ્‌ગારના રહસ્યને જાણવાની સૂતારે અત્યંત જિજ્ઞાસા દર્શાવતાં છચ્છરે ચરાડવામાં માણેકમેરજી યતિને ત્યાં બનેલો બધો બનાવ તેને કહી સંભળાવ્યો અને તે સાંભળીને તે સૂતાર પણ આશ્ચર્યચકિત થઈ ગયો.

જતી વેળાએ આટલો બધો આદરસત્કાર કરનારને કાંઈ પણ આપ્યા વિના ચાલ્યા જવું એ ખેંગારજીને ઠીક ન લાગ્યું. જો કે અત્યારે તેની પાસે એક સોનામોહોર વિના બીજું વધારે કાંઈ પણ હતું નહિ અને પંથ હજી લાંબો કાપવાનો હતો; છતાં પોતાના સંકટનો વિચાર ન કરતાં એ સોનામોહોર પાર્વતીબાઈને આપી દેવાનો તેણે પોતાના મનમાં નિશ્ચય કર્યો. ખરેખર ગર્ભશ્રીમાન્ દારિદ્ર્યમાં પણ પોતાની ઉદારતા બતાવ્યા વિના રહેતો નથી, એમ જે કહેવાય છે તે સત્ય જ છે. એટલામાટે જ એક મહાકવિએ કહેલું છે કે: –

“ધનાઢ્યતા છે મનમહીં, નહિ ધનમહીં જરાય;
તેમ વૃદ્ધતા બુદ્ધિમાં, નહિ વયમહીં જણાય !”

"પાર્વતી બહેન, આ તમારા ધર્મબંધુ અત્યારે આ એક જ સોનામોહોર તમને કાપડા તરીકે આપે છે, તેનો સ્વીકાર કરો અને આશીર્વાદ આપો કે, સત્વર જ આ બંધુ તમારા ઉપકારોનો વ્યાજ સહિત બદલો વાળી આપવાને શકિતમાન્ થાય. તમારો આશીર્વાદ અવશ્ય ફળીભૂત થશે.” ખેંગારજીએ સોનામોહોર આપતાં કહ્યું.

"વીરા, ભલે તમારી ઈચ્છા છે, તો હું તમારો અનાદર નથી કરતી. એક સોનામોહોર નહિ, પણ આ લાખ સોનામોહોર છે. આ સોનામોહોરને હું જીવ પેઠે જાળવી રાખીશ અને જે વેળાએ મારા વીર કચ્છના સિંહાસને વિરાજશે તે વેળાએ એ જ મોહોરની હું ઘોળ કરીશ. તમે સત્વર જ કચ્છદેશના સ્વતંત્ર સ્વામી થાઓ અને ત્યાંની પીડિત પ્રજાને સુખિની કરો, એ મારો અંતઃકરણપૂર્વક આશીર્વાદ છે. સિધારો અને વિજય ધારો." પાર્વતીએ ઓવારણાં લઈને આશીર્વાદ આપ્યો.

તે જન્મભૂમિવાસિની બાઈના આવા પવિત્ર અને શુદ્ધ સ્નેહને જોઈને ખેંગારજી, સાયબજી તથા છચ્છરનાં નેત્રોમાંથી પ્રેમાશ્રુની ધારાનું વહન થવા લાગ્યું. તો પણ મનને દૃઢ કરી તેઓ એ દહિસરા (દધિસર) નામક ગામમાંથી ચાલતા થયા અને પોતાના પંથે ચડ્યા. આ પ્રસંગને ઉદ્દેશીને કચ્છી ભાષામાં જે એક સોરઠો લખાયલો છે તે આ પ્રમાણે:—

"કારો ઘોડો જુવાર, થિયો સમે કે સુકન હી;
માતા કિયો સવાર, ખુશી થઈ ખેંગારતે*!"[૧]  1. * એનો ભાવાર્થ એવો થાય છે કેઃ “સમા (પ્રથમ કચ્છના રાજા સમા કહેવાતા અને પછીથી જાડેજા કહેવાયા હતા એટલે અહીં તેમના મૂળ ક્રમ-નામનો ઉલ્લેખ કરેલો છે) ને કાળા ઘોડા અને જુવારના શકુન થયાં. માતાજી-જગદંબા-એ ખેંગારજીપર પ્રસન્ન થઈને તેને સવાર (ઘોડેસવાર) બનાવ્યો"
    આ સોરઠાનો પાઠ અન્ય પુસ્તકામાં બીજી રીતે પણ આપેલો છે, પરંતુ તે અશુદ્ધ હોવાથી અહીં આપ્યો નથી. !”