કચ્છનો કાર્તિકેય/યતિનો પ્રસાદ અને દેવીનો આશીર્વાદ

વિકિસ્રોતમાંથી
← શત્રુ કે સુહ્રદ્? કચ્છનો કાર્તિકેય
યતિનો પ્રસાદ અને દેવીનો આશીર્વાદ
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી →


પંચમ પરિચ્છેદ
યતિનો પ્રસાદ
અને
દેવીનો આશીર્વાદ !

ગત પરિચ્છેદમાં જે અજ્ઞાત પુરુષ સાથે આપણો પરિચય થયો છે, તે એક સર્વત્ર મહતી ખ્યાતિને પામેલો અને અદ્વિતીય વિદ્વાન્ જૈન યતિ માણેકમેરજી હતો. એ જૈન યતિઓ પૂર્વે સામુદ્રિક, જ્યોતિષ અને તંત્ર વિદ્યા આદિ વિદ્યાઓમાં બહુજ નિપુણ થતા હતા અને અનેક ચમત્કાર કરી શકતા હતા. અમાવાસ્યાની નિશ્રામાં તેઓ ચંદ્રનો ઉદય કરી શકતા ને પૂર્ણિમાની રાત્રિમાં સર્વત્ર અંધકારનો પ્રસાર કરી શકતા હતા ઇત્યાદિ તેમની ચમત્કારશક્તિની આખ્યાયિકાઓ જનસમાજમાં અદ્યાપિ પ્રચલિત છે. જૈન યતિઓ સાધારણત: ગોરજીના નામથી ઓળખાય છે અને ગોરજીઓ મેલી (તંત્ર) વિદ્યામાં અત્યંત પ્રવીણ હોવાનું મનાય છે. એ માન્યતાના યોગે જ વર્ત્તમાન સમયના કેટલાક ગોરજીઓ-ધૂર્ત્ત, કામી અને લંપટ તથા લોભિષ્ટ ગોરજીઓ–મંદબુદ્ધિના પુરુષો તથા અબુદ્ધિ અબળાઓને ભ્રમાવી તેમનાં દ્રવ્ય તથા પાતિવ્રત્ય આદિને લૂટી લેવાને સમર્થ થાય છે. ભોળા ભાવિક જનો તેમના પ્રપંચને ન જાણતાં તેમના પૂર્વ ગૌરવની કથાઓથી મુગ્ધ થાય છે અને સ્વેચ્છાથી તેમના હાથે ઠગાઈ લૂટાઈ અંતે પતિત તથા ભ્રષ્ટ થઈ જાય છે. પરંતુ માણેકમેરજી એવા પ્રકારનો પ્રપંચી ગોરજી નહોતો. તે તો એક મહાન્ બુદ્ધિમાન્ ગુણવાન્ અને સદાચારી સાધુ પુરુષ હતો. તેનું શુદ્ધ અને શાંત હૃદય નિરંતર પવિત્ર કાર્યોમાં જ પ્રવૃત્ત રહેતું હતું અને પોતા પાસે અભિમાન રાખવાનાં અનેક સાધનો હોવા છતાં નિરભિમાની અને સાંસારિક વિષયોથી વિરક્ત રહેવામાં જ તે પોતાનું ગૌરવ માનતો હતો. ત્યાગી થવા છતાં અનેક પ્રકારના શ્રૃંગાર સજી પરપ્રમદાના પ્રેમને ઈચ્છનારા જે કેટલાક નામધારી સાધુઓ વર્તમાન કાળમાં સર્વત્ર પ્રસરેલા જોવામાં આવે છે, તેવા દુર્ગણનો એ સત્ય સાધુ માણેકમેરજીમાં એક અંશ માત્ર પણ હતો નહિ અને તેથી જ તે સર્વત્ર પૂજ્યતા અને વંદનીયતાને પ્રાપ્ત કરી લોકોના હૃદયમાં પોતાનો અલૌકિક પ્રભાવ પાડી શક્યો હતો. અસ્તુ.

માણેકમેરજીએ છચ્છર તથા કુમારોને પોતાના ઉપાશ્રય (અપાસરા) ના એક એકાંત ભાગમાં ઊતારો આપ્યો અને તેમના ભોજન શયન આદિની સર્વ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરી આપ્યા પછી રાત્રિના સમયે છચ્છરને પોતા પાસે બોલાવીને પૂછ્યું કેઃ "ભાઈ આ બાળક મને તો અસાધરણ દેખાય છે, માટે જો કાંઈ બાધા ન હોય, તો મને સત્ય વાર્તા જણાવીશ ?"

"મહારાજ, હવે આ ભેદને આપ સમક્ષ વધારે વાર છુપાવી રાખવાની હું કશી પણ અગત્ય જોતો નથી. કચ્છના પ્રપંચથી મરાયલા સ્વર્ગવાસી જામ હમ્મીરજીના જ આ બે કુળદીપકો છે અને ચાંડાલ જામ રાવળના પંજામાંથી એમને બચાવવામાટે અમદાવાદ તરફ લઈ જવાને હું નીકળ્યો છું." એમ કહીને છચ્છરે કચ્છમાં બનેલી શોકકારક ઘટનાનો અથથી ઇતિ પર્યંત સમસ્ત વૃત્તાંત તેને કહી સંભળાવ્યો.

દયામૂલક ધર્મના ઉપાસક અને કોમલ ભાવનાવાળા યતિના હૃદયમાં એ વૃત્તાંતનું બહુ જ અનુકુલ પરિણામ થયું અને તેણે છચ્છરને આશ્વાસન આપીને કહ્યું કે: "કૃતજ્ઞ અનુચર છચ્છર, તારે હવે આ કુમારો વિશે લેશ માત્ર પણ ચિન્તા રાખવી નહિ. મારા ઉપાશ્રયમાં એઓ આવ્યા ત્યારથી એમના કલ્યાણ અને શુભ દિનનો આરંભ થઈ ચૂક્યો છે, એમ જ તારે સમજવું. અત્યારે હવે અહીંથી જવાની ઉતાવળ કરીશ નહિ; કારણ કે, નવરાત્રિના ઉત્સવમાં હવે થોડા દિવસ જ બાકી છે એટલે દેવીનું હવન થઈ ગયા પછી જ અહીંથી પ્રયાણ કરજો.”

"જેવી મહા પુરુષની આજ્ઞા. હું આપની આજ્ઞાને આધીન છું.” છચ્છરે અનુમોદન આપ્યું.

છચ્છરની આવી વિનયસંપન્નતાથી પવિત્ર યતિનું ચિત્ત અતિશય પ્રસન્ન થયું.

પાંચ સાત દિવસમાં ચૈત્ર માસના નવરાત્રિમહોત્સવનો પ્રારંભ થયો અને ત્યાર પછી હવનનો અષ્ટમીનો દિવસ આવી લાગ્યો. એક વિશાળ ચૉકના મધ્યમાં એ વાર્ષિક હોમની સામગ્રીઓ તૈયાર કરવામાં આવી. સુશોભિત અગ્નિકુંડની આસપાસ વેદપાઠી અને હોતા બ્રાહ્મણો બેસી ગયા અને વેદમંત્રોની ભીષણ ઘોષણા સહિત યજ્ઞકાર્યનો ધામધૂમથી આરંભ કરી દેવામાં આવ્યો. યતિ માણેકજીમેરજીએ પોતાના અતિથિઓને એ પ્રસંગે એક તરફ એક ગાલીચો પાથરીને તેપર બેસાડ્યા હતા. યજ્ઞના વિધિની સમાપ્તિ કિંવા યજ્ઞની પૂર્ણાહુતિ થતાં માણેકમેરજીએ અગ્નિકુંડ સમક્ષ આવી જે દેવીની પ્રસન્નતા માટે એ યજ્ઞવિધિ કરવામાં આવ્યો હતો, તે પોતાની પરમપૂજ્યા જગદંબાની હસ્તદ્વય જોડીને એકાગ્ર ધ્યાનથી પ્રાર્થના અને આરાધના કરવા માંડી:—

(રુચિરા)–"મહિષાસુરમર્દિની કાલિકા, શુંભનિશુંભવિદારક તું;
સંહારી અસુરોને ભવમાં, સુખદા શાંતિપ્રચારક તું;
તારો મહિમા દેવ દાનવો, એક ધ્વનિથી ગાયે છે;
શેષનાગથી પણ તવ વર્ણન, પૂર્ણ કદાપિ ન થાયે છે. ૧

હું એક જ જિવ્હાથી તારાં ગુણગાનો શું કરી શકું;
વાચા નિર્બળથી હે માતા, જેવા તેવા શબ્દ બકું;
નિત્ય સાનુકૂલા રહીને તું મને સુખી બહુ રાખે છે;
તારા કેવળ કૃપાકટાક્ષે જનો પૂજ્ય મતિ દાખે છે. ૨

ઉપાસના તવ અખંડ કીધી તેનો બદલો આજ ચહું;
આદિશક્તિ સર્વજ્ઞાત્રી તું, તો મુખથી હું શું જ કહું !;
કચ્છનૃપતિના કુમારને જે અભય વચન મેં આપ્યું છે;
સત્ય થાય તે, માટે કહે તું 'વત્સ, દુઃખ તવ કાપ્યું છે !.” ૩

એ પ્રમાણે પ્રાર્થના કરીને દેવીને તેણે ત્રણ વાર સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. તત્કાળ અગ્નિકુંડમાંના પ્રજ્વલિત અગ્નિના મધ્યમાંથી વિદ્યુતના ચમકારા જેવો એક મોટો ચમકારો થયો અને દેવીનો વરદહસ્ત બહાર આવ્યો. એ હાથમાં સાંગ નામક એક શસ્ત્ર હતું. યતિએ તે સાંગને હાથમાં લેતાંની સાથે જ આકાશવાણી સમાન ધ્વનિ સંભળાયો કે:—

""થીનેં રાજા કચ્છજો, જરૂર તું ખેંગાર;
રાવર તાં વેંધો ભજી, ખેંધો તોજી માર ! "*[૧]

“ધન્ય, ધન્ય ! પરદુઃખહારિણી દેવી જગદંબે, ધન્ય ! ! ! આજે મને તેં પૂર્ણ કૃતાર્થ કર્યો !” એ પ્રમાણે દેવીનો આભાર માની ખેંગારજીને તે સાંગ આપતાં યતિ કહેવા લાગ્યો કેઃ “કચ્છ દેશના ભાવિ ભૂપાળ, લ્યો આ દૈવી શસ્ત્ર અને પોતાનાં અહોભાગ્ય માનો. આ શસ્ત્રના યોગે તમારો સર્વત્ર વિજય થશે અને શત્રુઓ સર્વદા સંતપ્ત થઈ પરાજય પામશે !”

"તથાસ્તુ!” ખેંગારજીએ કહ્યું.

આ દૈવી ચમત્કારના અવલોકનથી ખેંગારજી, સાયબજી તથા છચ્છર સાનંદ આશ્ચર્યમાં નિમગ્ન થઈ ગયા અને દેવીની એક નિષ્ઠાથી સ્તુતિ કરવા લાગ્યા. બીજે દિવસે છચ્છરે વિદાય થવાની આજ્ઞા માગી. માણેકમેરજીએ થોડા દિવસ ત્યાં જ રહેવા માટે તેમને ઘણો આગ્રહ કર્યો, પરંતુ અંતે તેમની તેવી ઈચ્છા ન જોઈને આનંદથી પ્રયાણમાટેની આશીર્વાદ સહિત આજ્ઞા આપી અને ખેંગારજીને વિશેષતાથી જણાવ્યું કે:—

“યુવરાજ, હવે તમારે પોતાના ભાવિ કલ્યાણમાટે કશી પણ શંકા રાખવી નહિ. મારા વચનની સત્યતાને સિદ્ધ કરનાર ચિન્હ તરીકે અહીંથી નીકળીને જે પ્રથમ ગામમાં તમે જશો, ત્યાં તમને કૃષ્ણવર્ણ વાહન અને શ્વેતવર્ણ ભોજન મળશે. એ શુભ શકુનથી તમારે પોતાના ભાવિ ઉદયનો નિશ્ચય કરી લેવાનો છે. ચિરાયુ થાઓ; સિધારો.” યતિની આજ્ઞા લઈ તેના આશીર્વાદ અને પ્રસાદથી મંડિત થઈ ખેંગારજી, સાયબજી તથા છચ્છર ત્યાંથી વિદાય થયા અને યતિરાજ તથા ઉપર્યુક્ત દૈવી ચમત્કાર વિશેનો વાર્ત્તાલાપ કરતા પંથ કાપવા લાગ્યા. સાયબજીએ કહ્યું કે: "મોટા ભાઈ, શું આપને કૃષ્ણવર્ણ વાહન અને શ્વેતવર્ણ ભોજન હવે આવતા પ્રથમ ગામમાંથી મળશે કે ?”

“યતિરાજના વચનમાં મારો પૂર્ણ વિશ્વાસ છે. મારી શ્રદ્ધા પ્રમાણે તો એમાં લેશ માત્ર પણ ન્યૂનાધિકતા થવાનો સંભવ નથી !” ખેંગારજીએ નિષ્ઠાયુક્ત ભાવથી કહ્યું.

“અવશ્ય માણેકમેરજી એક અપૂર્વ ચમત્કારિક પુરુષ છે, એમાં તો સંશય છે જ નહિ.” છચ્છરે પુષ્ટિ આપી.

એ પ્રમાણેના વાર્ત્તાવિનોદમાં આનંદથી પંથ કાપતા તેઓ લગભગ તૃતીય પ્રહર થઈ જવા પછી એક ગામને સીમાડે આવી લાગ્યા અને ત્યાં તળાવના કિનારાથી જરાક દૂર વૃક્ષની છાયામાં તેમણે ઊતારો કર્યો.



  1. *આનો ભાવાર્થ એ થાય છે કે; “હે ખેંગાર, તું અવશ્ય કચ્છનો રાજા થઇશ, રાવળ તારો માર ખાશે અને નાસી જશે ! ”
    આ અદ્‌ભુત ધટના ખરેખરી બનેલી છે કિંવા પૌરાણિક પદ્ધતિથી કલ્પનાના યોગે ઊભી કરવામાં આવી છે, એ વિશે શંકા જ છે, છતાં આ ઘટનાની કથા કચ્છના લોકોમાં ઘણી જ પ્રચલિત અને પ્રસિદ્ધ હોવાથી અત્ર જેવા ને તેવા સ્વરૂપમાં જ આપવામાં આવી છે. અને સત્ય તરીકે મનાવવાનો અમારો લેશ માત્ર પણ આગ્રહ નથી. જેને જેમ યોગ્ય લાગે તે પ્રમાણે તેણે એ ઘટનાને સત્ય કિંવા કાલ્પનિક માનવાની છે.