કચ્છનો કાર્તિકેય/શત્રુ કે સુહ્રદ્ ?

વિકિસ્રોતમાંથી
← શિવજીનું સાહસ કચ્છનો કાર્તિકેય
શત્રુ કે સુહ્રદ્?
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
યતિનો પ્રસાદ અને દેવીનો આશીર્વાદ →


ચતુર્થ પરિચ્છેદ
શત્રુ કે સુહ્રદ્ ?

ભીંયો રાજકુમારોને તથા છચ્છરબૂટાને પાંચ છ ગાઉપર આવેલા એક ગામ સૂધી પહોંચાડીને પાછો ફર્યો અને ત્યાર પછી છચ્છર તથા ઉભય કુમારો પોતાના પ્રવાસમાં આગળ વધ્યા, અરણ્યમાંનાં ભયંકર પંથને કાપતા વેગપૂર્વક ચાલતા તેઓ ઉષઃકાળમાં રણના સીમાંકમાં આવી લાગ્યા. ત્યાં થોડો સમય વિશ્રાંતિમાં ગાળીને તેઓ પાછા પંથે પડ્યા અને એક પ્રહર સૂર્ય ચઢ્યો એટલામાં તો રણની ક્ષારયુક્ત સપાટ ભૂમિનું ઉલ્લંઘન કરીને રણના પરસીમાંકમાં આવેલા ઝાલાવાડ પ્રાંતના ચરાડવા નામક ગ્રામની મર્યાદામાં તેઓ પહોંચી આવ્યા. ગ્રામના સીમાડે એક વિશાળ વટવૃક્ષની છાયામાં તેમણે મુકામ કર્યો અને છચ્છર ખાનપાનની તૈયારી કરવા લાગ્યો. મધ્યાહ્ન સમય થઈ ગયો હતો. ખેંગારજી તથા સાયબજી ભોજન કરીને વટવૃક્ષની શીતળ છાયામાં વામકુક્ષી કરતા નિદ્રાવશ થયા હતા. ખેંગારજી ડાબા પગના ઢીચણપર જમણો પગ ચઢાવી સૂતો હતો, અને શીતલ મંદ પવનનો તેમનાં શ્રમિત શરીરોને સતત સ્પર્શ થતો હોવાથી તેમની નિદ્રામાં પ્રતિક્ષણે વધારો થતો જતો હતો. હૃદયમાં શત્રુના ભયની શંકા હોવાથી નિમકહલાલ છચ્છર પોતે બહુ જ થાકેલો હોવા છતાં પણ વિશ્રાંતિ કિંવા નિદ્રાનો ઉપભોગ લેવાને બદલે હાથમાં નગ્ન તલ્વાર લઈને કુમારોના રક્ષણનું કાર્ય કરતો જાગ્રત અવસ્થામાં સાવધ તથા ટટાર થઈને બેઠો હતો. મધ્યાહ્ન પછી લગભગ અર્ધ પ્રહર જેટલો સમય વીત્યા પછી ખેંગારજીના જમણા પગનું તળિયું જે દિશામાં હતું તે દિશામાંથી અચાનક એક પુરુષ ત્યાં આવી લાગ્યો અને તે ખેંગારજીના તેજસ્વી મુખમંડળ તથા વિલક્ષણ પદરેષાનું અવલોકન કરતો ત્યાં થોડીક વાર સૂધી સ્તબ્ધતા ધારણ કરીને ઊભો રહ્યો.

એ પુરુષે એક શ્વેત અધોવસ્ત્ર અને ઉપર પણ એક વસ્ત્ર એ પ્રમાણે બે શ્વેતરંગી છૂટાં વસ્ત્રો ધારણ કરેલાં હતાં, તેના માથામાં કેશનો કલાપ સારો હતો અને મુખમુદ્રા અત્યંત ભવ્ય તથા પ્રભાવશાલિની હતી. તેના હાથમાં પાણીથી ભરેલો એક લોટો હોવાથી અત્યારે તે દિશાએ જંગલમાં જતો હોવો જોઈએ એવી છચ્છરે મનમાં જ કલ્પના કરી અને તેથી તે કાંઈ પણ બોલ્યો નહિ.

બે ચાર ક્ષણમાં જ તે પુરુષ એક વૃક્ષરાજીમાં ચાલ્યો ગયો. જ્યાં સૂધી તે પુરુષ ઊભો હતો ત્યાં સૂધી છચ્છરની જિહ્વાને કોણ જાણે તાળું વસાઈ ગયું કે શું−અર્થાત્ તે કાંઈ પણ બોલી શક્યો નહિ; પરંતુ તેના જવા પછી છચ્છરના મનમાં નાના પ્રકારના શુભ અશુભ તર્કવિતર્ક થવા લાગ્યા. "આ અમારા શત્રુ દુષ્ટ રાવળનો કોઈ ગુપ્તચર તો નહિ હોય ને ? એને કાંઈ પણ પુછ્યા ગાછ્યા વિના મે અહીંથી જવા દીધો, એ મારી કેટલી અને કેવી મૂર્ખતા ! જો એણે કુમારોને ઓળખી લીધા હોય અને આવા વેશે પત્તો મેળવી આસપાસ છુપાયેલા બીજા માણસોને આ સ્થળે લઈ આવે, તો અત્યારે અમારી શી અવસ્થા થાય, એ તો ખુલ્લું જ છે. ખેર થયું તે થયું, પણ હવે જો એ એકલો જ પાછો ફરે, તો એને અટકાવવો અને અહીં ઊભા રહેવાનું કારણ પૂછવું; જો સંતોષકારક ઉત્તર આપે તો ઠીક, અને નહિ તો એનો અહીં જ આ તલ્વારથી અંત લાવી નાખવો !!" એ પ્રમાણેનો મનમાં નિશ્ચય કરીને છચ્છરબૂટો તે અજ્ઞાત પુરુષના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યો. થોડી વારમાં જ વૃક્ષરાજીમાંથી તે અજ્ઞાત પુરુષ પાછો આવતો દેખાયો. પુનઃ ખેંગારજી પાસે આવીને તે જરાક અટક્યો અને જરાક હસ્યો પણ ખરો. છચ્છરના મનમાં તેના આ વર્ત્તનથી વિશેષ સંશય આવ્યો અને તે કાંઈક બોલવા જતો હતો, પણ તેની જિહ્વા આ વેળાએ પણ અટકી ગઈ. અંતે મનને બહુ જ દૃઢ કરીને તેણે તે અજ્ઞાત પુરુષને ઉદ્દેશીને કહ્યું કેઃ "મહાશય, તમે ગમે તે હો, પણ મારા પ્રશ્નનો સંતોષકારક નિર્ણય કર્યા વિના અહીંથી એક પગલું પણ આગળ વધશો નહિ, જો મારા વચનની અવહેલના કરશો, તો પરિણામ ભયંકર આવશે."

"વત્સ, આટલા બધા ક્રોધનું કાંઈ કારણ ? મેં તારો કાંઇ પણ અપરાધ કર્યો છે કે શું ?" તે અજ્ઞાત પુરુષે પ્રશ્ન કર્યો.

"તમે આ બાળક ને જોઇને અહીંથી જતી વેળાએ ઊભા રહ્યા હતા અને હમણાં પણ એની પાસે અટકીને હસ્યા, એનું કારણ શું છે ? શું, તમે આ બાળકોને ઓળખો છો ?" છચ્છરે પોતાના ઉદ્દેશને સિદ્ધ કરનારો પ્રશ્ન રજૂ કર્યો.

"આ સુકુમાર અને ભાગ્યશાળી બાળકની પગરેષાનું મેં અવલોકન કર્યું, એટલા કારણથી જ તારા મનમાં આટલો બધો કોપાનળ વ્યાપી ગયો છે કે ? લે ત્યારે સાંભળ એનું કારણ—" એમ કહીને તે પ્રભાવશાળી પ્રજ્ઞ અને મહાશાંતિશીલ અજ્ઞાત પુરુષે ગંભીરતાથી કહ્યું કે: "અહીંથી નીકળતાં અચાનક મારી દૃષ્ટિ આ બાળકના ચરણપર પડી અને તેમાંની એક વિલક્ષતાને જોઈ આશ્ચર્યમગ્ન થઈને હું થોડી વાર સૂધી દિગ્મૂઢ બનીને ઉભો રહી ગયો. હું સામુદ્રિક શાસ્ત્ર તથા જયોતિ:શાસ્ત્ર આદિ ભવિષ્યને વ્યક્ત કરનારી વિદ્યાનું કાંઈક જ્ઞાન ધરાવું છું અને તેથી એના ચરણતલમાં પદ્મ તથા ઊર્ધ્વરેષા આદિ ઉત્કૃષ્ટ સામુદ્રિક ચિન્હોને જોતાં મારા મનમાં આશ્ચર્ય થાય એ સર્વથા સ્વાભાવિક જ છે. જેનાં ચરણતલમાં એવાં ચિન્હો હોય, તે સામુદ્રિક શાસ્ત્રના સિદ્ધાન્ત પ્રમાણે અવશ્ય કોઈ વિશાળ રાજ્યનો સ્વામી હોવો જોઈએ. પરંતુ જ્યારે આ બાળકને મેં આવી સર્વથા દીનદશામાં જોયો, ત્યારે મારા મનમાં એમ થઈ આવ્યું કે આવી મહાબળવતી રેષાઓ છતાં પણ આ નર આવા કષ્ટમાં આવી પડ્યો છે ! અને એથી જ વિધાતાના વિલક્ષણ વ્યવહાર વિશે મને હસવું આવી ગયું ! અત્યાર સુધીમાં કોઈ વાર પણ મેં અસત્ય વાદ કર્યો હોય એવું મને સ્મરણ નથી અને ભવિષ્યમાં પણ જીવ છે ત્યાં સુધી અસત્ય વાદ ન કરવાનો મારો દૃઢ નિશ્ચય છે. હવે તારા મનમાં મારા વિશે કાંઈ સંશય રહ્યો છે ખરો કે?"

એ અજ્ઞાત પુરુષના પ્રભાવ અને આવા સરળ ભાષણથી છચ્છરના મનમાંનો સંશય તો દૂર થઈ ગયો, તો પણ હજી વધારે ખાત્રી કરી લેવાના ઉદ્દેશથી તેણે આડકતરી રીતે પૂછયું કે: "મહાશય, કચ્છમાં રાજ્યક્રાંતિ થવાના સમાચાર તમારા સાંભળવામાં આવ્યા છે ખરા કે ? અમારા પ્રવાસમાં અમે એવી વાર્ત્તા સાંભળી છે કે જામ રાવળે જામ હમ્મીરજીનો વિશ્વાસઘાતથી વધ કર્યો છે અને જે કુમારો તેના હાથમાંથી છટકી ગયેલા છે, તેમને પણ પકડી પાડીને તે મારી નાખવાની ઈચ્છા ધરાવે છે; એ બધી વાર્ત્તા સત્ય છે કે ?"

"કચ્છમાં રાજ્યક્રાંતિ થવાની વાર્તા મારા સાંભળવામાં આવી છે ખરી, પરંતુ એથી વિશેષ હું કાંઈ પણ જાણતો નથી. મારા એ સાંસારિક અજ્ઞાનનું કારણ એ છે કે આવી ક્લેશકારિણી વ્યાવહારિક અને પ્રવૃત્તિમય ઘટનાઓમાં લક્ષ રાખવા કરતાં આ જગદુત્પાદિની આદિશકિત દેવી જગદંબાના પૂજન આરાધનમાં જ હું અધિક ધ્યાનમગ્ન રહું છું; કારણ કે, વિશ્વના એ પ્રપંચો ભયંકર હોવા છતાં એવા તો મનમોહક છે કે જે કોઈ તેમનો ઉપાસક થાય છે તે કદાપિ માયાના બંધનમાંથી છટકી શકતો નથી. માયાના બંધનથી મુક્ત અને સાંસારિક વિષયોથી અનાસક્ત રહેવું, એના જેવો આ જીવનકાળમાં બીજો એક પણ સત્ય આનંદમય વ્યવસાય નથી. જગતનું ચક્ર તો નિરંતર આમ ને આમ જ ચાલ્યા કરે છે અને ચાલતું રહેશે. એમાં વિશેષ આશ્ચર્ય પામવા જેવું કાંઈ પણ નથી; કારણ કે:—

'સુખ પછી આવે દુઃખ ને, દુઃખ પછી સુખ થાય;
સુખ દુઃખો પરિવર્ત્તતાં, ચક્ર સમાન સદાય.
તેથી સુખનો હર્ષ શો, દુઃખ વિશે શો શોક;
દ્વૈતભાવમય વિશ્વમાં, એમ જ જીવે લોક !'

આવી ભાવનાથી મેં ઉદાસીનતાનો જ સ્વીકાર કરેલો છે." અજ્ઞાત પુરુષે મહા ગંભીર વાણીથી સંસારની નશ્વરતાનો ભાસ કરાવ્યો.

છચ્છરના મનમાં એ પુરુષ વિશે મહા સદ્‌ભાવના અને શ્રદ્ધાનો ઉદય થયો અને પ્રથમ કરેલી કુશંકામાટે મનમાં તે પોતે જ પોતાને ધિક્કારવા લાગ્યો. તે હસ્ત જોડીને પ્રાર્થના કરતો તે અજ્ઞાત પુરુષને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે: "પૂજ્ય મહાશય, અજ્ઞાનવશ મેં આપને સંબોધીને જે અપમાનસૂચક વાક્યો ઉચ્ચાર્યા છે, તે મારા અપરાધની કૃપા કરીને મને ક્ષમા આપશો. હું અને આ બે બાળકો એવી એવી આપત્તિઓમાંથી પસાર થઈને અહીં આવી લાગ્યા છીએ અને લોકોના વિશ્વાસઘાતક સ્વભાવોનો અમને એવો તો પરિચય થયો છે કે અમારો હવે તત્કાળ કોઇનામાં પણ વિશ્વાસ બંધાતો નથી. આપ આવા એક નિસ્પૃહ અને ઉદાસીન મહાત્મા છો, એની મને લેશ માત્ર પણ કલ્પના નહોતી અને તેથી મારા હાથે મર્યાદાનો ભંગ થયો હતો."

"વત્સ, ચિન્તા નહિ. જો તમે અત્યારે સંકટમાં હો, તો ચાલો આ ગામમાંની આ દાસની પર્ણકુટીમાં; ત્યાં તમને સર્વ પ્રકારનો સંતોષ મળશે, દેવીની કૃપાથી તમારી ચિન્તા પણ ટળશે અને શુભ ભાવિ ફળશે !" તે પુરુષે ક્ષમાશીલતા બતાવવા ઉપરાંત તેને સત્કારને સ્વીકારવામાટેનું આમંત્રણ કરીને કહ્યું.

"પ્રભો, આપની આજ્ઞા અમને શિરસાવંદ્ય છે. અમે તમારે ત્યાં ચાલવાને અને તમારા આદરાતિથ્યને સ્વીકારવાને તૈયાર છીએ." છચ્છરે કહ્યું.

છચ્છરે કુમારોને નિદ્રામાંથી જાગ્રત કર્યા. કુમારોએ તે અજ્ઞાત પુરુષને જોતાં જ મનમાં સદ્‌ભાવના ઉત્પન્ન થવાથી વિનયપૂર્વક મસ્તક નમાવીને "પૂજ્ય મહારાજ, અમે આપને માનયુકત નમન કરીએ છીએ !" એ પ્રમાણેના વાક્યનો ઉચ્ચાર કર્યો.

"વત્સો, ચિરાયુ થાઓ અને ધર્મલાભને પ્રાપ્ત કરો." તે પુરુષે અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યો.

એ જનસમુદાય વિશેષ વિલંબ ન કરતાં ગામ ભણી જવાને ચાલતો થયો.