કલાપીનો કેકારવ/અસ્થિર મન
← ખુદાની મઝા! | કલાપીનો કેકારવ અસ્થિર મન કલાપી |
વેચાઉં ક્યાં? → |
૧૧-અસ્થિર મન
મન સ્થિર કર્યું, ગાને, ધ્યાને પ્રિયાવદને, વને,
મન સ્થિર કર્યું, તોયે જ્યાં ત્યાં કર્યું, ' ન કર્યું ' બને;
જગત પર તો કોઈ વ્હાલું સદા નવલું નહીં,
પ્રિય સહ છતાં હૈયું ધીમે પડે શ્રમની મહીં!
કુસુમરજ જ્યાં મોતેડામાં રવિ ઝુકતો ભરે,
ધવલ સરલા હંસી ગ્રીવા નમી ચળ આદરે;
તહીં જઈ સુણ્યા હંસોને રે સુમાનસને જળે,
પણ સુખ તહીં નિત્યે સીધું ન વ્યોમ થકી ઢળે!
ગિરિવર રૂડો કૈલાસે હું ચડ્યો શશિકાન્તનો,
અરધ ઉમયા શંભુજીના વિહાર મહીં મળ્યો;
રુધિર પણ જ્હાં વ્હાલીનું એ ફરે પિયુઅંગમાં,
તહીં પણ રહ્યો ભાલે તે એ શશી સરખો ક્યહાં!
વન વન ફરી ઉડી ઉડી મુસાફર કોકિલા,
મધુ સમયની પામી આજે સુઆમ્રતણી લતા;
સહુ મન ગમ્યું પીતાં પીતાં નશો રસનો ચડ્યો,
પણ ટાહુકતાં ચીડાતાં એ તૂટે સ્વર કેટલો!
સ્થિર નહીં અહીં, જોઈ ક્યાં એ હજી સરણી સુખી!
પલ પલ મહીં પાળે બાંધી છતાં પલટી જતી!
અરર! પલટે તેમાં તે શું મળે સુખ કોઈને?
સરખી પડતી ધારા ના ત્યાં બુઝે દવ કોઈ શે?
ખડ ખડ હસે તેનું રોવું મળે અળખામણું !
ખળખળ રડે તેને અશ્રુ નથી સ્થિર સાંપડ્યું!
'પગ જરી ધરૂં! હોડીવાળા ઉભું કર નાવને !'
જલ સ્થિર નહીં: નૌકા ક્યાંથી પછી સ્થિરતા ધરે ?
સ્થિરરસ થવા ઘેલી નાચે અહીં કવિતા બધી!
સ્થિરરસ થવા યોગી તાપે અનેક નવી ધુણી;
સ્થિરરસ થવા વ્હાલાં પંખી, જનો, જડ, સૌ મથે,
પણ કુદી રહ્યા આ બ્રહ્માંડો ! નથી સ્થિરરસ રસે.
સ્થિરરસ થવા મ્હેં વ્હાલીના કપોલ જલે ભર્યા,
સ્થિરરસ થવા તેણે એ આ ઉરે જખમો કર્યા;
સ્થિરરસ થવા વ્હાલાં ! ઓહો ! ચૂકે નિજ વ્હાલને!
પણ ચપલતા યત્ને યત્ને વધ્યા જ વધ્યા કરે.
રસ મુજ જતો રાખી લેવા પ્રિયા ખડકો ચણે,
પણ ગરીબડો ઊંધો એ તો પ્રયોગ પડ્યો, અરે!
વહન વહતું - તેને રોક્યે શિલા વચમાં ધરી,
જલ તુટી પડી તોફાને આ નદી ઉલટી ચડી!
સરલ વહતું વ્હેણું ત્યારે હતી તરુછાંય શી!
સરસ વહતાં ચોક્ખી કેવી હતી જલઆરસી!
નહીં નહીં હવે સ્નાને આંહીં કદી ય બની શકે!
જલ પર હવે રંગીલી એ ન ઝાંય તરી શકે!
અરર! પ્રિયની એ તો પેલી શિલા હિરલે જડી,
કમલ લઈને કુંણે હાથે સુઅશ્રુમયી ઘડી;
પણ વહનને તે એ તોડી જવું જ પડે નકી,
ઉપર ધન ને નીચે સિંધુ: ઇલાજ કશો નહીં!
સ્થિરરસ થવા શ્રદ્ધા શોધે સદા દૃગપૂર્ણતા,
સ્થિરરસ થવા શ્રદ્ધા માટે દગો ય કરે ફર્યાં;
પ્રભુ પર છતાં શ્રદ્ધા દૃષ્ટિ ન પૂર્ણ પડે અને -
સહુ ચપલતા યત્ને યત્ને વધ્યા જ વધ્યા કરે!
તરુવર બધું કંપાવીને વહે પ્રતિ લ્હેરકી,
પણ થડ જરા ધ્રુજે ત્યાં તો શિખા ઝુલતી બની;
તુજ નયનમાં એવા ભેદો બધા અમથા ભરે,
સ્થિરરસ થવા જ્યાં ત્યાં સર્વે સમાન મથ્યા કરે!
મધુર અધરે ગાલે પેલી કુમાશ મજા સમી,
સ્થિરરસ થવા તેને એ આ ઉરે ત્યજતી કરી!
મુજ ગુરુ કહે તે માર્ગે મ્હેં જરા પગલું ભર્યું,
સ્મિત ઉડી ગયું ! રોવું ખોયું : છતાં સ્થિર શું થયું?!
નકી નકી ખરૂં આનંદી છે ન અસ્થિમાં કશું,
મુજ હ્રદયના એ તો લાંબા અનુભવથી કહું;
પણ સ્થિર થવા જેવું ભાસ્યું - તહીં પણ શું વળ્યું?
જીવનમય ને પાષાણોમાં ફરી ભળવું મળ્યું !
પ્રણય વહતો કોરે મૂકી બધા ઉપયોગ જ્યાં -
વગર સમજ્યે જ્યાં ચાલે છે દયામય આંસુડાં!
ફરજ પણ જ્યાં ટીંગાઈને જરી રમતે ચડે,
ઉપકૃતિ તણાં શીર્ષો નીચે નહીં પદમાં પડે!
ચમન મધુરો એ તો જો કે ભલા સ્થિર ના જરી,
પ્રિય ગુરુ ! અહીં ર્' હેવા દેને ! વિરામ મળે જરી;
પણ - અરર ! ત્યાં પેલી મ્હારી કલી કરમાય છે !
ઉઠ ઉઠ - ગુરુ ! તૈયારી છે !છતાં અટવાય છે !
જલ વિણ સૂકાં નેત્રો થાશે, વિના સ્મિત મોં લુખાં-
પણ જઈ તહીં લેવાના છે ક્યાં સુખઝૂમખાં?
મુજ હ્રદયનો આંહીં પૂરો વિહાર નથી થયો,
મુજ હ્રદયને આ બાગેથી હજી રસ ના થયો!
અરર! નિરખે શાને હૈયાં જહીં જઈ ના શકે!
રજ પણ - અરે! શાને જોવી વિહાર બહાર જે!
મધુર ફલ તું તોડી લેને, ન દ્વેષ કશો મ્હને,
ફલ અમર છે, હું આવું છું: ન કાળ બહુ જશે.
રહી શકીશ તો ર્'હેવું હાવાં પ્રવાહપતિત છે,
પણ નવીન આ જોયું તેની કહીં ચિનગી જશે?
નવ મળી શકે તેની ઝાંખી કહીંથી ય થૈ પડે!
પછી રુધિરમાં પોતાના એ જહાં તફડ્યા કરે!
જગત સઘળું કેવા કેવા સ્વરે સ્વરથી ભર્યું !
પણ, સ્થિર નહીં એકકે વીણા, બધું બસુરું બન્યું !
બુલબુલ અહીં , આ કોકિલા, મયૂર તહીં લવે !
પણ સહુ ય એ ભાષા જાણે કંઈક છૂપું રડે!
મુજ ગુરુ અહીં, આ એ વ્હાલી ! તહીં સખી બાપડી!
મુજ શ્રેઅવણમાં રેડે જૂદી બધાં નવી વાતડી!
પણ હ્રદયતો મ્હારું જૂદાં સિતાર મહીં ઝુમે !
પ્રતિ નખ અને તારે નાદો જૂદા જ જૂદા ઘૂમે!
ટમટામ થતી પેલી ઉભી નભે નવી વાદળી,
રવિકિરણને પી જાતી ને નવીન મદે ભરી;
કટિ પર ધરે રંગીલી કો સુરંગની મેખલા,
ઝળહળ થતાં તાકે ખાતી વળી કંઈ હીંચકા!
જગત પર કૈં આવું આવું જરૂર બની શકે ,
પણ રવિ જતાં કાળા રંગે નકી ભળવું પડે;
સ્થિર જરી ય કો રાતો પીળો સુરંગ રહે નહીં!
ત્યજી દઈ બધા રંગો બ્હારે જવાય વળી નહીં.
જહીં જહીં ઉભો ત્યાં ર્'હેવાને સદા મન ચ્હાય છે,
પણ ઘસડતા પૂરે ના કૈં પગો સ્થિર થાય છે;
મન સ્થિર કર્યું ગાને, ધ્યાને, પ્રિયાવદને, વને,
મન સ્થિર કર્યું તો યે જ્યાં ત્યાં 'કર્યું ન કર્યું' - બને.
૧૮૯૮