કલાપીનો કેકારવ/આકાશને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જ્વરમાં પ્રિયાને કલાપીનો કેકારવ
આકાશને
કલાપી
કૃતઘ્નતા →


આકાશને

અહો કૈં ખેંચાણો તુજ ઉદરમાં આથડી રહ્યાં,
વલોવાતા ગોળા ગણતરી વિનાના ઘૂમી રહ્યા;
ફર્યા એ કૈં કોશો અગણિત ફરીને લય થશે,
હતા જે સ્થાને ત્યાં ફરી નવ અડ્યા વા ન અડશે!

અહો! ન્હાના ન્હાના ટમટમ થતા દૂર દિસતા,
અને ન્હાની ન્હાની ગૂંથણી ઝુમખાંની ગૂંથી રહ્યા;
પરંતુ પાસેથી કદ કદિ મપાઈ નવ શકે,
અને કલ્પી તેનાં મનુ નવ કદી અન્તર શકે!

અરે! આવાં કૈંનો લય થઈ જઈ ઉદ્ભવ થશે,
અને ત્હોયે એ સૌ તુજ ઉદરની મધ્ય જ હશે!
અહીં, ત્યાં ત્યાં દૂરે, તુજ ઉદરનું મધ્ય જ બધું!
નહીં છેડો તેનું નવ ક્યું હશે સ્થાન વચલું?

ભરેલું શું ત્હારૂં ઉદર સઘળું પૂરણ હશે?
અરે! વચ્ચે સૌ તો અગણિત સ્થળો ખાલી જ હશે;
બધાં આ બ્રહ્માંડો અણુવત નકી તું ઉદરમાં,
અને ન્હાના લીટા જરૂર અજવાળાં રવિ તણાં.

પછી તો અન્ધારૂં તુજ ઉદર શું ફેલી જ રહ્યું!
વસે છે તું જેમાં! તુજ ઉદરમાં જે વસી રહ્યું!
જરા તે રેલે, તો પ્રલય સઘળાનો થઈ જતો,
જરા સંકોચાતાં ઉદભવ થતો આ જગતનો.

તમે બન્ને એવાં પણ અમ કને એવું જ કંઈ!
અમારૂં હૈયું એ તમ ઉદર શું છે નકી નકી!
તમારી પાસે કૈં અમ હ્રદયનું માપ ન મળે!
તમોને ના માપે જનહ્રદય તે માપી ન શકે!

૧૮-૪-૧૮૯૬