કલાપીનો કેકારવ/ઉત્સુક હ્રદય
← તું વિણ મેઘલ વાજસુર ! | કલાપીનો કેકારવ ઉત્સુક હ્રદય કલાપી |
પ્રભુ-અનાલાપી ગાન → |
ઉત્સુક હ્રદય
અહો ! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે?
પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે ?
હશે ત્યારે શું શું ? મુજ હૃદય ધારી નવ શકે,
અહીંનું અત્યારે અનુભવી થવા વ્યર્થ જ મથે.
ઊંડું ? ના ઊડાતું ! ઝડપું ક્ષણ તે ? તે નવ બને !
અને હાવાં હૈયું પલપલ અધીરું ટમટમે !
નિશા ગાળી : એ તો રુદન કરતાં એ ગઈ વહી,
ઉષાની આ વેળા ચકવી-ચકવાને વધી પડી.
ગઈ છે સૌ ચિન્તા, અનુકૂલ વિધિયે થઈ ગયો,
અમારાં ભાવીને વણકર વિધાતા વણી રહ્યો;
પ્રભુએ, વ્હાલાંએ, જગત પરનાં લોક સઘળે,
દીધો નિર્મી તેનો મધુર કર મારા કર સહે.
હવે તો જાણે એ કુસુમપદને ચુમ્બન કરૂં,
ભરાઈને પ્યાલે અધર-પરવાળે જઈ ઠરૂં;
હવે તો એ પાસે મુજ જિગર કૈં તાંડવ રચી,
રહ્યું નાચી રાચી ઉદધિ રસનામાં રહ્યું મચી.
સુધાની પ્યાલી આ સહુ તરફ જાણે છલકતી,
હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી;
દિસે તાજું તાજું જગત સહુ રોમાંચમય આ !
જુદાઈના કિલ્લા હૃદયથડકે શું ઢળી જતા !
છુપી ક્રીડા પેલી રવિકર અને વાદળી તણી;
છુપી ક્રીડા પેલી ગ્રહ-ઉપગ્રહોની રસિકડી;
ન રાખે કો છૂપું મુજ હૃદયથી આજ જરીયે,
જહીં દૃષ્ટિ નાખું અનહદ તહીં આદર મળે.
છતાં 'લે ! લે !' એવો મધુર ધ્વનિ જાણે ગણગણી,
મને દેતાં દેતાં પવનલહરી કૈં ખસી જતી;
નકી પી દારૂ ને કુદરત વિનોદે ચડી દિસે,
પ્રભુને જોવાને અગર મદમાતી થઈ ચડે.
સદા હું પૂજું તે તરફ છે જેટલી વળી,
અહો ! મ્હારી પાસે કુદરત દિસે તેટલી ઢળી;
પ્રિયાને પામન્તાં કુદરત બધી પામીશ નકી,
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.
છતાં હાવાં હૈયું પળપળ અધીરું ટમટમે,
સ્મૃતિનું ચિત્રે આ હૃદય પર કો ના સ્થિર રહે;
હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને,
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે ?
વહે હૈયું મ્હારૂં : અધિક નદ કોઈ નવ વહ્યો;
અને આ દા'ડો તો ગતિ નિજ તજી સ્થિર જ થયો;
ઉડી જાણે જાશે મુજ રુધિર આ એક ભડકે,
ઉડું ? ના ઉડાતું ! ઝડપું ક્ષણ તે ? તે નવ બને !
૬-૧૨-૧૮૯૮