કલાપીનો કેકારવ/એક ચંડોલને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એક વેલીને કલાપીનો કેકારવ
એક ચંડોલને
કલાપી
ત્યજાયેલીને →


એક ચંડોલને

નવ ઉડી જજે! ગા તું ગા તું સ્વચ્છન્દ મહીં જરા,
જિગર હલકું મ્હારૂં થાતું તને સુણતાં જરા;
મુજ દિલ મહીં આજે કોઈ દિસે સુખ સાંપડ્યું,
કંઈ સમયથી ભૂલાયેલું ફરી સ્મૃતિએ ચડ્યું.

બહુ સમયથી મ્હારે માટે નથી રસ કૈં રહ્યો,
બહુ સમયથી નિઃશ્વાસે કો નથી ઉરથી વહ્યો;
બહુ સમયથી નેત્રો ભીનાં નથી બનતાં - અરે!
બહુ સમયથી વ્યાપ્યો હૈયે મહા સુનકાર છે.

મુજ નયનથી આજે ભાનુ ફરી હસતો દિસે,
અનિલલહરી આજે પાછી મને રમતી દિસે,
કુદરત મહીં પ્રેરાતો હું ફરી રસ શોધવા,
ફુલ ફુલ મહીં આજે પાછા વહે રસધોધવા.

મુજ હદયની આજે પાછી કળી ઉઘડી પડી,
અરર! દુઃખ છે! કિન્તુ તેમાં મીઠાશ થઈ ખડી;
કટુ રસ, અરે! મેં તો પીધો સદા ય સુધા ગણી,
રસપુટ પીધા હોંશે હોંશે અનેક ભરી ભરી.

રસપુટ પીધા તે 'ના પીધા' હવે બનશે નહીં,
રસપુટ પીવા એવા એવા હવે મળશે નહીં;
'તરસ રસની, નિઃશ્વાસો, ને હજો રડવું સદા -'
મમ હદયનું એવું વાંછ્યું મળે ફરી આજ, હા!

મુજ જિગરને ચીરાતાં - રે! હતું સુખ કૈં મળ્યું,
અરર! વ્રણને સાંધી દેતાં ન ચેન કશું પડ્યું;
સુખ સુખ હતું હૈયું જ્યારે લુટાઈ જતું હતું,
પણ હૃદયમાં લૂટાવાનું કંઈક રહી ગયું.

અરર! દિલની પૂરી પૂરી ન લૂંટ થઈ કદી,
અરર દિલમાં છૂરી પૂરી કદી ય ગઈ નહીં;
જખમ દિલને પૂરો દેવા ન કોઈ મળ્યું કદી,
જખમ કરવા ન્હાના ન્હાના જહાં ઉલટી પડી!


જખમ કરતાં એ શું જાણે? ગરીબ મૃદુ સખી?
જખમ કરતાં વેળાની એ ન હામ ટકી શકી!
તુજ સ્વર વળી આજે કાંઈ દિલે ખુંચતો દિસે,
પણ જખમની વાતોથી તું અજાણ બહુ દિસે.

જખમ સહવો સ્‍હેલો મીઠો સદા સહનારને,
જખમ કદિ એ પીડાતાને ન ઠાર કરી શકે,
જખમ દિલને છેલ્લો દેવા ન કોઈ મને મળે,
જખમ દિલનો જોવા ધોવા ન કોઈ મને મળે.

દરદ દિલની વાતોને એ ન છે સુણનાર કો,
દરદ દિલની વાતો સાથે ન છે મળનાર કો;
અનુભવ અહીં કોઈને એ સમાન મળે નહીં,
જગત સઘળું અક્કેકાની અસાર મુસાફરી.

જગત રસમાં ક્યાં એ પૂરું ન પકવ થયું હજી,
હૃદય ગળતાં રોવામાં એ કચાશ રહી જતી;
અરર! સ્મિત ના કિન્તુ રોવું હજુ જડતું નથી,
રુદન શીખવા કૈં એ જન્મો હજુ ફરવું નકી.

પણ દરદ કૈં ધીમે ધીમે બુઝાઈ જતું હતું,
અરર! દિલ આ ધીમે ધીમે કઠોર થતું હતું;
સ્વર તુજ સુણ્યો ને આ ચાલ્યું ફરી નિજ માર્ગમાં,
તુજ સ્વરથી આ મ્હારૂં હૈયું ધ્રૂજે કંઈ તાલમાં.

તુજ સ્વરથી આ મ્હારૂં હૈયું કરે કંઈ ગોઠડી,
સ્થિર જરી થશે! ગાતું ગાતું ઉડીશ નહીં જરી;
પણ સુખી તું એ ઓચિન્તું કૈં ઉડી જ નકી જશે,
દરદ દિલની વાતોથી તું અજાણ હજુ દિસે.

સહુ સુખી ઉડે તેવું તું એ ઉડી જ જશે નકી,
મુજ જિગરની ત્‍હારે હૈયે વ્યથા ઘટતી નથી;
મુજ રુદનથી ત્‍હારા કંઠે ન શોષ કંઈ પડે,
મુજ હૃદયની વાતોથી તું અજાણ નકી દિસે.

૩૦-૧૧-૯૬