કલાપીનો કેકારવ/ક્યમ પ્રેમ ગયો?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હમારી ગુનેહગારી કલાપીનો કેકારવ
ક્યમ પ્રેમ ગયો?
કલાપી
એક પ્રશ્ન →


ક્યમ પ્રેમ ગયો?

ક્યમ પ્રેમ ગયો ? ક્યમ પ્રેમ ગયો ?
ક્યમ પ્રેમ ગયો પ્રિયનો સઘળો ?

વદને ન કશો ય વિકાર થયો !
હસતાં ત્યમ તે હસતાં નયનો !
મળતાં ન કશો ય વિરાગ જડ્યો !
હૃદયે ધબકાર ન મન્દ પડ્યો !

મુજને મળવા પગલું ઉપડ્યું,
નવ ત્યાં નવીન કશું ય દીઠું !
મમ છાતી મહીં દિલ એ ધડક્યું !
સહુ જેમ હતું બસ તેમ હતું !

ઉરમાં મુજ સંશય કૈં કરવા
અહ ! કાલ કશો ય મને ન મળ્યો !
ગઈ કાલ હતો ! નથી આજ હવે !
પ્રિયનો બસ એમ જ પ્રેમ બન્યો !

અહ ! દારુણ આ અવધિ વચમાં
પડતાં પ્રણયે ન વિરામ લીધો !
સુખ મંગળનું ઝરણું વરસી
ગઈ આ દિલ કેમ જ કાંઈ ચીરી !

ક્યમ પ્રેમ ગયો ? સમજ્યો ન 'ગયો !'
ત્યમ પ્રેમ ગયો ! ત્યમ પ્રેમ ગયો !

૮-૨-૧૮૯૭