કલાપીનો કેકારવ/ક્ષમા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રેમની ઓટ કલાપીનો કેકારવ
ક્ષમા
કલાપી
હૃદયત્રિપુટી →


ક્ષમા

દુઃખ તુંથી ન થાય મને કદિ એ?
કદિ દે દુઃખ તો સુખી તે જ દુઃખે!
પછી માફ કરૂં તુજને શું? સખે!
વિણ બીજ તરુ ઉપજે કદિ એ?

જગમાં કદિ માફી મળે ન, સખે!
મળે માફી ભલે સહુ લોક કહે!
દિલ દાગ પડ્યો 'ન પડ્યો' ન બને
પછી માફ કરે જગ ક્યાં થી? સખે!

વિસરી ન જવાય બનેલી બિના!
પછી 'માફ થયું' ક્યમ થાય? સખે?

તૂટી દોર ગયો!
પછી એક થયો!


કહિં એમ બનેલ,સખે!કદિ છે?

પડી ગાંઠ ભલે!
પડી સાંધ ભલે!


પણ દોર તૂટેલ તૂટેલ રહે!
બનશે નહિ તે બનશે ન, સખે!
પણ માગ ક્ષમા મુજ ના કદિ તું!
નથી કાંઇ તૂટ્યું પછી સાંધીશ શું!

વિણ દર્દ દવા કરવી ન ઘટે,
વિણ દર્દ દવા કડવું વિષ છે.

જન માફી ભલે પ્રભુતા ગણતાં!
પણ એ જ ક્ષમા મુજ છે દુઃખડાં!

ક્યમ દોર વણી જન તોડી શકે?
ક્યમ અર્પી દીધેલ લઇ જ શકે?
વળી દે! વળી લે! ફરી દે! ફરી લે!
સહુ એ જ બુરાઇ કૂડાઇ, સખે!

મધુરી નદીઓ દરિયે મળતી,
મધુરી મટીને કડવી બનતી!
પણ ના દુઃખ કૈં દિલમાં ધરતી!
નવ પાછી ફરે! નવ માફ કરે!

સુખ પ્રેમી દિયે!
દુઃખ પ્રેમી દિયે!


પણ લાગણી એક જ એક રહે!
નવ માફીની કૈં જ જરૂર રહે!
ખરી એ જ પ્રીતિ!ખરી એ જ ક્ષમા!
પછી માફ કરૂં તુજને શું ! સખે!
નથી માફ કર્યે ખરી માફી, સખે!

ખરી પ્રીતિ,સખે!
ખરી માફી,સખે!


દ્વય આ દિલમાં નકી એક રૂપે!
પછી માફ કરું તુજને શું? સખે!
કરી માફ ધરૂં પ્રીતિ કેમ સખે!

૧૫-૩-૧૮૯૬