કલાપીનો કેકારવ/ખાકદિલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સ્મૃતિચિત્ર કલાપીનો કેકારવ
ખાકદિલ
કલાપી
પરવાર્યો →


ખાકદિલ

આ ખાકદિલ અંગારમાં ભારી હવે તું શું કરે ?
છેલ્લું થવું વીતી ગયું તેને હવે તું શું કરે ?

બાળે તપાવે ખાકને શું ખાકથી બીજું મળે ?
આલમ થકી બાતલ ઉડે તેને હવે તું શું કરે ?

બસ કર ! અયી બેગમ ! હવે અંગાર ત્‍હારો ફુંકવો !
એ ખાકને બાળે નહીં ! એ ખાક થાશે ! શું કરે ?

છે ખાકથી એ કામ ? તો તો હાથ લે ઝોળી હવે !
આરામની કફની વગર તેને મગર તું શું કરે ?

ત્‍હારી પછાડી આંસુડાં ! તું માગતી હસવું ફરે ?
એ આંસુડાં ના લૂછતી ! તો વ્યર્થ ઢૂંઢ્યા શું કરે ?

આ ઝિન્દગીનું પૂછવા મ્હારો હવે હક ના રહ્યો !
ફરિયાદ વિણ રોયા કરે તેને સનમ ! તું શું કરે ?

અવધૂતની માળા મહીં પારો ફરી લાખો ગયા !
આ એક પારો ઝિન્દગીનો ફેરવી તું શું કરે ?

અવધૂત હું તેને બખીલી એક પારામાં નહીં !
લાખો કહે, લાખો દઉં ! પણ મંત્ર વિણ તું શું કરે ?

આ ખાકના પારા પરે કો ઇલ્મ સાધી જાણતું !
તે હસ્તથી આ લૂંટ આવી તું કરીને શું કરે ?

આ ખાકને ખાખી સહે યારી હતી જૂની કંઈ !
તું તો નકામી ખાકથી મેલી બનીને શું કરે ?

આ ખાક રોતી એટલું ! ખાખી રડે તે એ જ છે !
બાજીગરે બાજી મગર એવી રચી ! તું શું કરે ?

રાખું સબૂરી ! રાખજે તું એ સબૂરી ઓ સનમ !
ત્‍હોયે રહે ના આંસુડાં ! કોની સબૂરી શું કરે ?

૩૧-૭-૧૮૯૭