કલાપીનો કેકારવ/ચુમ્બનવિપ્લવ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કોણ પરવાર્યું કલાપીનો કેકારવ
ચુમ્બનવિપ્લવ
કલાપી
પ્રેમથી તું શું ડરે ? →


ચુમ્બનવિપ્લવ

ત્યારે હતી અલક સૌ સર તે રમન્તી,
ત્હારાં મૃણાલ વત બાલક અંગ સાથે;
તું તો હતી ઉર ભણી મુજ આ ચડન્તી,
ને એ લટો સરતી પાદસરોજ જોવા.

એ મેઘમાળ સમ વાળ કદી કદી તો
ર્‌હેતા રચી સુરસ રમ્ય કમાન દૈવી;
એ મધ્યમાં સ્મિતભર્યું મુખડું રમન્તું,
આવી જતું કુસુમડું મુજ પાસ યાચી.

દેતો ત્હને જરૂર ઇચ્છિત ને વધુ કૈં
એ કાર્ય તાત વત વત્સલનું કરન્તાં;
દેતો લલાટ પર ચુમ્બન એક મીઠું -
જાણે રહ્યો શીતલ ચન્દન અર્ચતો હું.

આહા ! લલાટ પર ચુમ્બન દેવું !
વાત્સલ્યને અધિક તૃપ્તિ કહીંય ના ના !
નિઃસ્વાર્થ પ્રેમ વધુ સ્નિગ્ધ કશું ય પામી
સંસારમાં હજુ કૃતાર્થ નથી થયેલો !

સ્પર્ધા તણાં નયન કોઈ હતાં ન ત્યારે,
ઇર્ષ્યા હતી ન મુજ એ સુખની જહાંને;
કો યાચનાર ઉરને મુજ લ્હાણ એવી
ત્યારે હતું હૃદય તત્પર અર્પવાને.

શીખ્યું હતું ન મુજ આ ઉર 'માગવું' કૈં,
શીખ્યું હતું ન તુજ એ ઉર 'આપવું' કૈં,
વત્સા હતી ! ગુરુ હતો તુજ હું, કુમારિ !
ત્યાં એ હતી પણ તું પૂજનની જ મૂર્તિ !

કેવાં નિખાલસ પવિત્ર દૃગો હતાં આ
નિર્દોષ ભાલપટચુમ્બનનાં પૂજારી !
પૂજા જ ! હા ! જરૂર એ જ રસાલ ભાવો !
જે સ્વર્ગના ય જનકો નવ જાણનારા.

સ્વર્ગે પરન્તુ જનવાસ ટકી શકે ના,
ના જ્ઞાતિબન્ધ તજતા કદિ કોઈને એ;
વાયુ તણા પડ મહીં શુક ઉડનારા
ઘૂમે અમુક જ પ્રદેશ અનન્ત વ્યોમે.

એ શો થયો નયનમાં ચમકાટ જૂદો !
ભોળાં અજાણ ઉર ત્યાં સરકી પડ્યાં શાં !
મીઠા લલાટ થકી ચુમ્બન એ સર્યું, ને
મીઠા કપોલ ઉપરે સરકી પડ્યું, હા !

ન્હાના ગુલાબ પર નાજુક ટીલડી શું
ચોટી રહ્યું થરથરી તહીં સ્નિગ્ધ એ તો;
મૂર્ચ્છાઈ કોઈ ખુશબો ગ્રહતાં ફુલે કો
ક્યાં એ ન ભૃંગ વધુ મત્ત હશે બનેલો.

કેવી બની અલક એ જયની પતાકા,
ત્હારાં સહુ ય મૃદુ અંગ પરે છવાઈ !
ત્યાં કામ એ જ અલકેથી શરૂ થઈને
એવો જ શ્યામ થઈ આ ઉરને પટાવ્યું ?

એ ક્ષીરસાગર શમી જઈ જુઈની બિછાતે
હું તો બન્યો અલક ઉપર શેષશાયી;
ઉલ્લાસ ઊર્મિ પર ઊર્મિ કૂદી રહ્યા, ને
નાચી રહ્યાં કમલ એ સ્મિતનાં રૂપેરી.

ત્યાં એક ચુમ્બન સહસ્ત્ર સમું બનીને
લોલ્લોલ એ અધર ઉપર ગૂંચવાયું !
ને અન્ય લાખ બસ એક મહીં સમાતાં,
એ તો હતો અકથ ચુમ્બનનો પ્રવાહ !

એથી અધિક મગરૂર નશા ભરેલો
કો દ્રાક્ષથી ન મદિરા કદિ એ મળ્યો છે !
એથી અધિક પણ મૃત્યુ જ ખેંચનારૂં
પીધું હલાહલ નથી કદિ નીલકંઠે !

હું અર્પનાર ગ્રહનાર થઈ ગયો, ને
સ્વર્ગીય પુષ્પ ઉરનાં સહુ એ સુકાયાં;
એ સૌ બન્યું અરર ! ચુમ્બનના જ શ્વાસે,
રે ! સ્થૂલ સ્પર્શ કદિ એ કળિયો સહે ના.

સંસારના ચમનના સહુ મર્ત્ય ભાવો
ઇર્ષ્યાભરી નઝર મર્ત્ય તણી રમે જ્યાં;
એ એ જ આખર રહ્યા અમ પાસ લ્હાવા:
ને આજ તો સહુ જ તેય બળેલ ક્યારા !

ત્હોયે ભર્યું પુનિત કૈં હજુ આ ઉરે છે,
જે સ્વર્ગથી મધુર શબ્દ સુણી રહ્યું આ:
'ઓહો ! કરે ન પરવા પ્રણયી કશાની !
'ઉત્થાન, પાત, સઘળા ક્ષણના પ્રયોગો !'

હું તો છતાં ય હજુ એ જ લલાટવાળું
એ બાલભાવમય ચુમ્બનને જ યાચું:
જો એ થકી હૃદય તૃપ્ત બને હજુ તો,
જો એ ફરી હજુ પ્રભુ ય ધરી શકે તો.

૧૫-૧૨-૯૭