કલાપીનો કેકારવ/તમારી રાહ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← આપની રહમ કલાપીનો કેકારવ
તમારી રાહ
કલાપી


તમારી રાહ

થાક્યો તમારી રાહમાં ઊભો રહી હાવાં, સનમ!
રાહત ઉમેદીમાં હતી : જાતી ગળી હાવાં, સનમ!

પી કાફરો ના હાથનું પાણી ઉગેલું ઘાસ, તે
મિટ્ટી ગણી અંગે વીંટાયું મૂળ નાખીને, સનમ!

પહાડો હતા રેતી બન્યા, રેતી બની પહાડો, અને,
આવી કબર સામે ઊભીઃ જાગો ઊઠો ના કાં સનમ!

પાણી બની ઢોળાઉં છું, હું દમ-બ-દમ ગમને કૂવે;
અંધાર છે, લાચાર છું, સિંચો-હવે સિંચો, સનમ!

સાબૂત છે ના દોર આ, આવો લગાવો મીણ તો;
ખેંચી ઊભા છે ખંજરો, આ દુશ્મનો નીચે, સનમ!

આંહીં શરાબે નીર ભેળ્યું છે હમારા ઝાલિમે;
પીતાં ન ફાવે પ્યાસમાં, આ દમ લબે આવ્યો સનમ!

પીતાં ન ફાવે છે હવે, પીતો મઝાથી જે સદા;
કાને તમારી સાંભળી મીઠી શરાબી છે, સનમ!

છીપી રહ્યાં છે પ્યાસને આ ઝાંઝવે લાખો અહીં;
હું તો તમારું નીર સાચું શોધતાં પ્યાસો, સનમ!

છે પ્યાસ, છે ભૂખે, ઉપર બોજો બુરાઈનો વળીઃ
છે રાહ જોવી એકલાં, ક્યાં-ક્યાં સુધી હાવાં, સનમ!

માફી તમારી છે બધે, જાણું અહીં યે ખૂબ છે;
માફી પુકારો ને દઈ, ઝીલી હવે લેજો, સનમ!

લાઝિમ બુરાઈ આ બધીને, ચૂપકી, ખાવિંદ! છે;
તોયે ઉઠે છે ઊકળી ખૂને જીગર બૂમે, સનમ!

હુંથી થયું ના ના-થતું, યા ના થશે કાંઈ અહીં!
તકલીફ તો આખર તમારે ને તમારે છે, સનમ!

થાકી રહ્યો પૂરો અહીં, માફી હવે તો મોકલો;
છે માફ જો કરવું બધું, તો આજ ના શાને, સનમ!

૧૯૦૦