કલાપીનો કેકારવ/તરુ અને હું
← મહાબળેશ્વરને | કલાપીનો કેકારવ તરુ અને હું કલાપી |
નિર્વેદ → |
૭-તરુ અને હું
શિખરિણી
તરુ તે ઝૂલંતાં ગિરિ પર હતો હું નિરખતો,
બન્યાં નેત્રો મ્હારાં કંઈક દરદે ત્યાં ગળગળાં;
તરુ તો ઝૂલંતાં હજુ ય દિસતાં સૌ સુખ ભર્યાં,
નિસાસા આવા એ મુજ હ્રદયનાં તો સુખ હર્યાં.
'તરુના જેવાં એ જનહ્રદયને શું સુખ નહીં?
હશે શું દેવોને જનસુખ થકી ન્યૂન સુખડાં?
અગાડી જોતાં શું અધિક અધિકી છે વિષમતા?
ગયેલી વેળા શું મધુતર હતી આ સમયથી?'
જડાત્મા થાવાને મુજ જીગરમાં હોંશ ઉલટી,
અકારી ભાસી આ જનહ્રદયની જ્ઞાનચિનગી;
ગયાં મ્હારાં નેત્રો જલમય થતાં કૈં વધુ વધુ,
અને ધીમે ધીમે હ્રદય પર મૂર્ચ્છા પણ ઢળી.
ગયો જાણે જીવે ક્ષણ મહીં તજી આ શરીરને,
બન્યો જાણે કોઈ તરુ ઉપરનું બીજ ઉડતું;
પડ્યું ક્યાં એ, ઊગ્યું દ્રુમ પણ બને કાળ વહતાં,
મહેકંતો લાગ્યો વિટપ વિટપે મૉર નવલો.
દ્રુમે સામે બીજે ઝૂકી રહી હતી યૌવન દશા,
હતી તેની સાથે મુજ વિટપને બાથ ભરવી;
હતી ત્યાં મ્હારે આ નવીન રજ મ્હારી અરપવી,
હતી વિશ્રાંતિની ઉલટ ઉર છાયા લઈ દઈ.
'હતું કો કાળે હું જનહ્રદયમાં વાસ વસતું,
કહી, રોઈ, ગાઈ, કંઈક દુઃખ ઓછું ય કરતું.'
સ્મૃતિ એવી તાજી હજી પણ રહી'તી હ્રદયમાં,
હતાં મ્હારાં પર્ણો ખિલખિલ થતાં સૌ દરદમાં.
ન એ આવે પાસે, નવ પ્રિય કને હું જઈ શકું,
વહે વાયુ ઉંધો, નવ રજ સખીને દઈ શકું;
જનોના બંધો શા તુટી પણ શકે બંધ નવ આ,
વળી આ સ્થિતિમાં નહીં જરી દશાનું પલટવું.
ગયા દહાડા વીતી, સ્મૃતિ પણ ગઈ એ ઝળકની,
સહી એ સૌ જાતાં નવીન નવ ઈચ્છા પણ રહી;
રહી અંગે અંગે મુજ શરીરમાં વ્યાપ્ત જડતા,
વહંતાં વર્ષોમાં કશી ય નવ ભાસે નવીનતા.
દિને કોઈ માથે ધડધડ થતી વિદ્યુત પડી.
ગઈ મૂર્ચ્છા, પાછું હ્રદય પણ ત્યાં જાગ્રત થયું;
અહોહો! હું આવો ગતિમય થતાં માનવ ફરી,
પ્રભુની લીલાની ઉપકૃતિ તણું ગાયન કરૂં.
મ્હને તો ના ભાસી કશી ય જડતામાં મધુરતા,
પ્રભુની લીલાને નિરખી શકતી જ્ઞાનમયતા;
સહેતાં વ્હેતાં સૌ કઠિન કટુ સીમા ટપી જશો.
બને છે તે સર્વે ઉચિત બનતું સૌ નિરખશો.
૧૮૯૬