કલાપીનો કેકારવ/તું મ્હારી હતી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← દગો કલાપીનો કેકારવ
તું મ્હારી હતી
કલાપી
ગ્રામ્ય માતા →


તું મ્હારી હતી

બહેતર બોલવું; પ્યારી! 'નથી ને ના હતી યારી;'
પરન્તુ ના કહેજે તું, 'હતી ન હતી થઈ ત્હારી!'

નહીં આ ઇશ્કદરિયાનાં ચડ્યાં મોજાં ઉતરવાનાં,
નથી તું યાર આજે તો, હતી દિન કોઈ ના યારી!

કર્યું કુરબાન આ દિલ મેં 'હતી હું ચાહતી તેને,'
કહેતાં બોલ તું એવા નહીં શરમિંદ શું થાશે?

નઝરથી દૂર હું થાતાં, અગર દૌલત ઉડી જાતાં,
જબાંથી બોલશે શું તું, 'હતી હું ચાહતી તેને?'

કબજ આ રૂ થશે ત્યારે જમીનમાં ગારશે મુર્દું-
ફુલો ફેંકી ઉપર તે શું કહેશે "ચાહતી તેને"?

કબર નીચે - ખુદા ઉપર નથી કૈં દૂર - ઓ દિલબર!
છતાં 'દિન એક તેની હું હતી' એવું કહેશે શું?

કહેવાનું કહી ચૂકી! હવે ફરિયાદ શી ગાવી?
ભલે તો ખેર કિસ્મતમાં ફકીરી ખાક છે લાગી!

હવા તુજ વસ્લની પલટી, ચમન મ્હારો ગયો ફીટી;
હવે આ હાડપિંજરને રહી અંજામની બરકત!

અરે! એ મસ્ત યારીમાં ખુદાઈ શી હતી બરકત!
હવે તો બેહયાઈને રહી બેઝારીમાં બરકત!

રહેવું મોજમાં માશુક - તને આમીન એ બરકત!
હમારી પાયમાલીમાં હમોને છે મળી બરકત!

અમીરી બો અને ઇઝ્ઝત રહે હરગિજ તુજ કાયમ!
ફકીરોને ફકીરીમાં ફકીરોને ખરી બરકત!

મગર અફસોસ - ઓ માશૂક! હતું દિલ આ ઝબે કરવું -
નિવાઝી કોઈને તેને હતું ખેરાતમાં દેવું!

પરન્તુ છેવટે, ભોળી! હતું કહેવું રડીને કે:
'અરે! તું છે હજુ મ્હારો અને હું છું સદા ત્હારી.'

૧૬-૮-૧૮૯૫