લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/ત્યાગમાં કંટક

વિકિસ્રોતમાંથી
← ચાહીશ બેયને હું કલાપીનો કેકારવ
ત્યાગમાં કંટક
કલાપી
ભરત →


ત્યાગમાં કંટક

બાળી પહાડો સહુ ખાક કીધા!
તે ખાક ચોળી જ શરીરમાં આ;

વિકરાલ દાવા મુજ ત્યાગધૂણી!
તેણે બચાવ્યું નવ કોઈ પ્રાણી!

હા હા! તહીં કંટક આ ક્યહીંથી?
નીલો રહ્યો તે દ્રવતો જલેથી?
ના અગ્નિમાં એ મુજ દિલ દાઝે!
ભોંકાય તેમાં ક્યમ કુમળો એ?

મેઘધ્વનિમાં કંઈ વજ્રપાત,
ઉરે ન તેની ગણી કૈં વિસાત;
તે ઉર આ કાયર કેમ થાય?
કાંટો અડ્યે પીગળી કેમ જાય?

મારી સમાધિ ડગી જાય છે કૈં!
તલ્લીન કાંટા મહીં થાય છે કૈં!
આ યોગ મ્હારો ક્યમ મ્હાત થાય?
ખેંચાણમાં કાં વહતો જણાય?

યોગીઉરે કંટક આ હશે શું?
આ રાગ ત્યાગી-ઉરમાં રહ્યો શું?
બુદ્ધિ મહીં આ દિલનો ઝરો શું?
પાષાણમાં રોપ ઊગ્યો હશે શું?

ખેંચાણ યાચે નબળાઈ કાંઈ,
અશ્રુ વહે છે ક્યમ નેત્ર માંહી?
કાંટો ગળીને મૃદુતા ધરે છે,
ચિત્તે સ્મૃતિ-વાદળ કૈં ચડે છે!

વ્હાલી હતી તે ફરી થાય વ્હાલી!
તે અશ્રુની આપતી કાંઈ યાદી;
આ ત્યાજ્ય લાગે મુજ ત્યાગ શાને!
ના ત્યાજ્ય તે રાગ મને દિસે છે!

ભોળું ન થા, ઉર ! હવે ફરીને,
માન્યું વૃક્ષા તે નકી સૌ વૃથા છે;
કાંટોય બાળી કર ભસ્મ તેને,
તે ભસ્મ ચોળી, અવધૂત! લેને.

૧૩-૬-૧૮૯૬