કલાપીનો કેકારવ/પરિતાપ

વિકિસ્રોતમાંથી
← ભોળાં પ્રેમી કલાપીનો કેકારવ
પરિતાપ
કલાપી
તારામૈત્રક: મુગ્ધ પ્રેમ →


પરિતાપ

દિલ અશ્રુ થકી પલળ્યું, છલક્યું:
દપટ્યું દિલમાં દિલનું દુખડું:
ન સખો ન સખી દિલથી લપટ્યું:
ફટક્યો ભટકું! ફટક્યો ભટકું!
નથી ભાન હવે!
નથી હામ હવે!
નવ પ્રીતિની દોરીથી હું લટકું:
નવ કો’ મનમાં કદી હું ખટકું:
નથી આશ મને : અવકાશ મને:
ભટકું ફટક્યો! ફટક્યો ભટકું!
મન હર્ષ હવે –
મન શોક હવે –
તજ નિર્લજ! તું : તજ તું : તજ તું
મુજ પ્રેમ હવે દરિયે પટકું!
મુજ પ્રાણ ન કાં દરિયે પટકું!
ફટક્યો! ફટક્યો! ભટકું! ભટકું!
૨૭-૧૧-’૯૨