કલાપીનો કેકારવ/પ્યાલાને છેલ્લી સલામ
← ખાનગી | કલાપીનો કેકારવ પ્યાલાને છેલ્લી સલામ કલાપી |
હમારી સ્થિતિ - હમારું કિસ્મત → |
પ્યાલાને છેલ્લી સલામ
ખુદાનું નૂર પાનારા ! સલામો છે ત્હને, પ્યાલા !
ન રો છોડી મ્હને જાતાં મજા જ્યાં હોય ત્યાં જા, જા !
સદા સાકી તણે હાથે ભરેલો - તર ભર્યો રહેજે !
પડેલા આશકો ફિક્કા: જરા લાલી તહીં દેજે !
પ્રથમ દર્દી જિગર પાસે જઈ દે દર્દ ભૂલાવી !
ઘડી બેભાનની દેવી - ખુદાઈ ત્યાં જ છે ત્હારી !
પછી બાગો મહીં જાજે જહીં માશૂક હો આશક !
જિગરને બોલતી આંખે નવાઈ બોલજે બેશક !
હમારૂં કોઈ પૂછે તો કહેજે આટલું, પ્યારા:
'અરે ! એને ભરી પીતાં સબૂરી ના રહી, પ્યારા !'
વળી ત્હારી મજેદારી હસીને બોલજે આવું:
'ભરી દરિયા ય ન્હાતાં એ જિગરના ના ના નશે આવ્યું !'
જરી દિલનું કહેતાં કૈં જહાં ઝિદ્દી બધું માગે !
પછી તો રોઈને ગાજે, 'બહુ પીતાં નશા ભાગે !'
અરે ! રો ના ! ત્હને છોડી નથી કૈં સાધુ હું થાતો !
ત્હને ધિક્કારનારી એ જબાઓમાં નથી જાતો !
પરી, પ્યાલું બેહિશ્તે એ, ખુદાનો હાથ જ્યાં સાકી :
જહાંમાં તો પછી પીવા રજા, હક હોય કાં બાકી ?
મ્હને ને આ શરાબોને જહાં પાપી કહેતી હો !
ખુદા ભોળાં ઉપર રાજી: જહાં ડાહી થનારી છો !
ખરી તો મહેરબાની જે પહેલાં પાપને ભેટે;
બધી ચતુરાઈને તો આ દયા દેતાં બધાં એ છે !
હમારી તો બૂરાઈમાં અધૂરું કાંઈ એ છે ના !
મગર મૌલા ખુદાઈમાં અધૂરો કાંઈ એ છે ના !
ભલા પ્યાલા ! અરે ! રો ના ! સનમ ત્હારી ત્હને આપું !
ત્હને માશૂકની ઝુલ્ફે સીસાની સાથ હું ટાંગું!
મગર તુંને, શરાબોને અહીં કાં રાખવાં હાવાં ?
હમારાં દર્દ તો ભૂલી જવાતાં ના, નથી જાવાં !
હમારા બાગની સડકે સનમ દેતી કદમ ના ના !
રસીલા તું મજાઓના મજા જ્યાં હોય ત્યાં જા જા !
મગર છેલ્લે સનમને તું કહેતો આટલું જાજે:
'અરે ભોળી ! પરહેઝીથી જરા છૂટી હવે થાજે:
'અને દિલદાર ત્હારાને દફન છેલ્લે નહીં કરજે !
'મગર તેની કરી મિટ્ટી શરાબે ભેળવી દેજે !
'કરીને બૂચ એનાં તું સીસા પર રાખજે નિત્યે !
'ભરી પીતાં પછી એને જરા સંભારજે નિત્યે !'
હવે કિસ્મત ભલું ત્હારૂં હજો ત્હારી સહે, વ્હાલા !
જિગરની આ હવે છેલ્લી સલામો છે ત્હને, પ્યાલા !
૨૮-૨-૯૮