કલાપીનો કેકારવ/પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કલાપીનો કેકારવ
પ્રસ્તાવના
કલાપી
અનુક્રમણિકા →
પ્રસ્તાવના

તા. ૮ જાન્યુઆરી, ૧૮૯૩
 

“પ્રેમ” વૃક્ષનાં સુગંધ સુમન-કાલિદાસ, ભવભૂતિ, બાણ વગેરે કરમાઈ ગયાં, ખરી પડ્યાં, તોપણ તેના મધુર મકરન્દના લોભી ભૃંગ તો તેની વાસનામાં જ ગુંજ્યા કર્યા, તેના ગુણગણ પર જ ગણગણ કર્યા ગયા. તે “આર્ય હૃદય!!” તે હૃદયની, તે ઉચ્ચ, કોમળ-કુમળી, ઊંડી, શાન્તમસ્ત લાગણી સજીવ રહો ! ચિરંજીવ રહો ! અરે, પણ,-અહહ મુસલમાનનાં હિમનાં સખ્ત ઝાપટાં પરેશાનીના દવબળતા અંગારા! તેણે તે હૃદયને દાબી દીધાં. તે લાગણી પ્રદીપ્ત સૂર્ય હતી; ચન્દ્ર બની, તારા ખદ્યોત થઈ ગઈ !! સૂરદાસ, પ્રેમાનન્દ, જગન્નાથ જેવાં પુષ્પ પણ કાંઈક પરાગ છાંટતાં ગયાં. અરે! બિચારું પ્રેમાળ “આર્ય હૃદય”! હજી તેની બૂરી હાલત જોઈ જોઈ રોવું બાકી રહેલું ! કાલિદાસની શકુન્તલા ભવભૂતિના ઉત્તરરામચરિત અને બાણની કાદમ્બરીથી કાવ્યરસિકતા ભોજા ભક્તના ચાબખા અને સ્વામિનારાયણનાં ભજનિયામાં આવી પડી ! કેવો મોટો પાત!?! કેવો સજ્જડ વાર !?! માળાનો મણકો જેટલું નીચે જવાય તેટલું ગયો. હવે ઊંચો આવવો જ જોઈએ અને આવ્યો. “સુદર્શન”, “ચન્દ્ર”, “સ્નેહમુદ્રા” પારા પછી પારા ફરવા લાગ્યા, ચડવા લાગ્યા. દૈવની બલવાન ગતિને બલિહારી છે !

“અરે, પણ આ સુરસિંહ તો નહિ તે સૂર્ય કે ચન્દ્ર, નહિ ઉડગણ કે અઘોત ! તે શાની કાવ્ય કરે? ઝાડબાડ બળી જઈ હીંગોરે હીમ ઠર્યું! સૂંઠનો ગાંગડો મળ્યો એટલે ગાંધી થઈ બેઠો – તોપણ :


“મ્હોટાં ન્હાનાં વધુ મ્હોટામાં
તો ન્હાનાં પણ મ્હોટાં,
વ્યોમદીપ રવિ નભબિન્દુ-
“તો ઘરદીવડાં નહીં ખોટાં.”
(ગોવર્ધનરામ)

તો ભલે અજ્ઞાન કોઈ પણ સુરસિંહ કે સાંગાભાઈ, મ્હોટામાં મ્હોટાં કામ માથે લે અને મંડ્યા રહે – સારા વિચારમાં ઈશ્વર પ્રેરે અને મદદ આપે.

કાવ્યનું મૂળ “આદ્રતા-પ્રેમ” છે, આર્દ્ર-પ્રેમી હૃદયને કાવ્ય દ્વિભાવ, ત્રિભાવ, ચતુર્ભાવ, આર્દ્ર અને પ્રેમી, કોમળ અને રસમય કરે છે. હું કાવ્ય લખું કે ટાયલાં લખું પણ તેથી મ્હારા હૈયાના ઉળમકા બહાર પડે અને કાવ્ય લખવાની મ્હારી ઈચ્છા તૃપ્ત થાય તો બસ છે.

“જો ઘડી ગઈ આનન્દમેં જીવનકા ફલ સોહી”! કેવું રમણીય સિદ્ધાંત છે ! દુનિયાનાં દુઃખ કવિતા કરતી વખતે દૂર થાય અને આત્મા “રસ”મય અને એ જ “આનન્દ” મ્હને મળી શકે તો મ્હારાં મહદ્‌ભાગ્ય. “એકાન્તસુખ” દુનિયાદારીના જીવડાને “કળા” વિના ક્યાંથી મળે ? “એકાન્તઆનન્દ" મ્હારૂં તો બનવું એ કળા. અસ્તુ.

“મ્હેં જે લખ્યું છે અને જે હું લખીશ તે આ ચોપડી પર ચિતરાશે - કેટલોક ભાગ “સુદર્શન”માં પ્રસિદ્ધ થશે તેથી મ્હને અને કેટલાંક બીજાને પણ “આનન્દ” મળશે.

“મંડ્યા રહેવું” એ ગુણ પરમાત્મા મ્હને શિખવે અને બીજા કાર્યમાં તેમજ “કાવ્ય”માં તે ગુણથી મ્હારા માર્ગ રસમય બને એ જ મ્હારી ઇચ્છા અને વાઞ્છના.


– સુરસિંહ