કલાપીનો કેકારવ/પ્રિયતમાની એંધાણી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← સારસી કલાપીનો કેકારવ
પ્રિયતમાની એંધાણી
કલાપી
દગો →


પ્રિયતમાની એંધાણી

હતું મીઠું જેવું વિરસ પણ તેવું બની રહ્યું,
અરે! તુંને કહેતાં 'કુસુમ' દિલ મ્હારું જળી રહ્યું!
ગઈ કહો ક્યાં પેલી સુરભ? રૂપ ને કોમલપણું?
ગયું કહો! ક્યાં એવું અમીભર હતું તેહ મુખડું?

હસન્તી ત્હારી તે ઉછળી ઉછળી પાંખડી બધી,
હવે તો એવી એ સૂકી સૂકી જ સંકુચિત બની!
અને મીઠો એવો મધુબર હતો મોહ સઘળે,
હવે સર્વે વ્હીલું રસરહિત ભાસી રહ્યું જગે!

હવે પેલો વાયુ તુજ સહ લપેટાઈ ઉડતો -
પરાગે ભીંજાઈ સકલ દિન રહેતો મહકતો -
નહીં સ્પર્શે તુંને! નહિ જ નિરખે મુગ્ધ નયને!
નિહાળી દૂરેથી નકી જ વળશે અન્ય જ સ્થળે!

હવે સંધ્યાભાનુ કરથી ગ્રહી ત્હારા અધરને -
અમી પીતાં દેતો દ્વિગુણી ત્રિગુણી લાલી મુખને,
જરાએ ના જોશે પ્રણયી નજરે તે તુજ પરે!
નહીં ભાવે ધારી રમત તુજથી આચરી શકે!

હવે પેલો ભોગી મધુપ તુજ ગન્ધે ડુબી ડુબી -
ધરન્તો મૂર્ચ્છા જે તુજ ઉરપદે દેહડી ધરી -
તને પાસેથી એ નિરખી નહિ જાણીય શકશે!
હવે આવ્યો એવો શિથિલ બની ગુંજી ઉડી જશે!

દશાનો કેવો આ ક્રમ જ સઘળો આમ ઉલટ્યો?
અરે! તે દિનોનો પલટી જ ગયો રંગ સઘળો?
ગઈ તે વ્હાલી ને ફકીરી ધરીને આજ ભટકું!
વિલાઈ એંધાણી તુજ સમી ય! પ્યારા! શું કરવું?

ગઈ તે વ્હાલી ને વરસ દશ ગાળ્યાં તુજ પરે!
વિલાયું'તું હાવાં! રહ્યું શું અવલમ્બું શું ઉપરે?
વિલાયું'તું ત્હોયે નહિ જ તજું તુંને મન થકી,
વિલાયું એવું એ હજુ મુજ પ્રિયાનું મટ્યું નથી.

તજે વાયુ, ભાનુ, મધુપ, સહુ તુંને તજી શકે,
ગયાં પેલાં વ્હાલાં સ્વરૂપ સદ્‌ગન્ધી સકલ તે;
મને તો તું હૂતું પ્રિયથી મળ્યું તે તેવું જ હજુ!
સરે અશ્રુ ત્યારે હૃદય શું ધરું ને ધરી રહું!

હવે હું પૂજું છું, મૃતફુલ! તને એ પ્રણયથી,
હવે તું મ્હારે છું, વધુ પ્રિય થયું આ મરણથી!
જશે છેલ્લા શ્વાસો, મુજ પ્રિયતમામાં મળીશ હું,
ત્યહાં સુધી ચાંપ્યું હૃદય શું તને ધારીશ જ હું.

૨૫-૬-૧૮૯૫