કલાપીનો કેકારવ/પ્રેમ અને મૃત્યુ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કટુ પ્રેમ કલાપીનો કેકારવ
પ્રેમ અને મૃત્યુ
કલાપી
પ્રેમ અને શ્રદ્ધા →
ઇંગ્રેજ રાજકવિ ટેનિસનના એક ગીત ઉપરથી


પ્રેમ અને મૃત્યુ*[૧]

ફેંકી દીધો મિથ્યા પરન્તુ સત્ય પ્રેમ મીઠો મીઠો :
વળી મિષ્ટ છે મૃત્યુ ખરે જે અંત લાવે કષ્ટનો :
ભોળું હૃદય જાણે નહીં :જાણું નહીં મધુતર કયું !

હે પ્રેમ ! તું મધુ છે ભલા ? તો તો બને મૃત્યુ કટુ !
પ્રેમ ! તું કડવો ખરે? મૃત્યુ મને તો છે મધુ :
અહો પ્રેમ ! જો મૃત્યુ મધુતર, તો મને મરવા જ દે !

મધુ પ્રેમ કરમાઈ જવા પેદા થયો જે ના દિસે,
મધુ મૃત્યુ સૌ જનને દિસે કરતું નિ:સ્નેહી ખાક જે,
બેમાં મગજ સમજે નહીં: જાણું નહીં મધુતર કયું !

પ્રેમમાં ઘસડાઈ જાવા ઈચ્છું જો કદી તે બને :
દોરાઉં હું મૃત્યુ થકી બોલવતું તે ત્યાં મને :
બોલાવ રે ! હું આવું છું: હું આવું છું ! મરવું હવે !
૨૮-૪-૧૮૯૩

  1. ઈંગ્રેજ રાજકવિ ટેનિસનના એક ગીત ઉપરથી