લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/ફકીરી હાલ

વિકિસ્રોતમાંથી
કલાપીનો કેકારવ
ફકીરી હાલ
કલાપી
મધુકરની વિજ્ઞપ્તિ →


કલાપીનો કેકારવ

ફકીરી હાલ

અરે ઉલ્ફત! અયે બેગમ! લીધી દિલબર હતું લાઝિમ?
હતું જે બેહિશ્ત થઈ જહાન્નમ : ફકીરી હાલ મ્હારો છે!

ગયું આ ઝિંદગીનું નૂર : હવે જહાંગીર બેપરવા:
તું લૂંડીની નથી પરવા : ફકીરી હાલ મ્હારો છે!

ન ધારું હું કદી કફની : દગ્ધ દિલ પર ન સારું ખાક:
ન પરવા છે કિસ્મતની : ફકીરી હાલ મ્હારો છે!

હવે દરખત પર ચડવું : બુલબુલ મ્હારું ઢૂંઢું હું:
ફરું નાગો બિયાબાને : ફકીરી હાલ મ્હારો છે!

હતો જે હું, હતું જે હું, નથી તે તો, નથી હું હું:
ગયું છૂટી : ગયું ઊડી : ફકીરી હાલ મ્હારો છે!

હવે આ દમ નથી દમમાં : ફકીરી હાલ મ્હારો છે!
પરેશાની જ છે રાહત : ફકીરી હાલ મ્હારો છે!
૧૫-૧૦-’૯૨