કલાપીનો કેકારવ/બેપરવાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રપાત કલાપીનો કેકારવ
બેપરવાઈ
કલાપી
હું ત્હારો હતો →


બેપરવાઈ

હતી પરવા, હતી લઝ્ઝત, હતી જાહોજલાલી કૈં;
અહો! દિલદારની સોટી જિગરમાં લાગતી'તી કૈં.

દીઠી મહબૂબને શિકલે પૂરી ખૂબસૂરતી - આહા!
હતાં ના આંખને ચશ્માં તહીંનો ડાઘ જોવાનાં!

હમારી આમદાનીમાં હતો હિસ્સો સનમનો કૈં;
જિગરના તાન ઊંડામાં સફર સાથે થતી'તી કૈં.

જિગર ચાલ્યું ઉછાળે તે હતું કૈં શ્વાસ લેતું ત્યાં;
હતી ના એશમાં કોઈ પર્ હેઝીની હયાતી ત્યાં,

સનમના માપમાં મ્હારૂં સમાતું આંસુડું પ્યારૂં;
મગર તે દી ચડી જોશે વહ્યું તોડ્યું જૂનું પ્યાલું.

ઝીલાયું અન્ય કો પ્યાલે અને ત્યાં એ રહ્યું રમતું;
મગર એ જામ માશૂકને, અરેરેરે! નથી ગમતું.

કહ્યું મેં 'આવને - દિલ્બર! હવે હદ અન્ય આ જો જો,
'હવે હદ અન્યમાં આવી નવું પ્યાલું જરી પી તો!'

ન આવે એ! ન ઊઠે એ! દિસે નિદ્રા બહુ ગાઢી!
હમે તો કૂચ છે માંડી! રહી એ દૂરને પલ્લે!


વિસામો લે સહુ આંહીં, કહીં કો ને કહીં કોઈ;
રુચિ છે સર્વની ન્યારી - સહુને સર્વની પ્યારી.

હવે જૂદાં થયાં - વ્હાલી! મળીશું ક્યામતે કો દી!
મજા તું લે સદા ત્હારી! હમારી છે હમે લીધી.

સહુની આમદાનીનો વટાતો સર્વદા હિસ્સો,
ન લે તું આ જિગરનો તો હજો એ મનસબી ત્હારી.

પડ્યું ર્ હેશે નહીં કાંઈ, ખલક લૂટાઈ આ જાતી;
હમોને લૂટનારાથી હમો લૂટાઈને ર્ હેશું.

હમોને છે મળ્યાં ચશ્માં નવાં કાંઈ નવું જોવા,
તું ત્હારી આંખથી જોજે હમે જોશું હમારાથી.

નઝર છે સર્વની ન્યારી, સહુ એકંદરે સારી,
ન લાંબી કોઈ કે ટૂંકી, જરૂરીને સહુ જોતું.

સહુ પાણી ગળી પીતાં, સહુ છે દેખતાં જોતાં,
પછી કાં આવવું આડે! સમાલો જાતનું જાતે.

હમોને ના તમા ત્હારી, હમો ના નાતમાં ત્હારી;
હમો માની ગુમાની ના, પછી શી રાહ છે જોવી?

હમારી આંખનાં ચશ્માં તને ના બેસશે હાવાં;
ચડાવી લો ચડે તેવાં, અહીં વેપાર બહોળો છે.

કર્યો સોદો હવે ફીટ્યો, લલાટે છે લખેલું એ!
નવી આંખો! નવું નાણું! નવો સોદો! નવી લઝ્ઝત!

ઈશારે કોઈને હાવાં હમે દોરાઈને જાશું,
ત્હમારા સાદ જૂઠાને હમે ના કાન પણ દેશું.

અરેરે! કાન શું દેવો? હવે છે સાદ પણ કેવો?
ફર્યો છે સાદ એ જેવો, ફર્યો છે કાન આ તેવો!

કરીશું યાદ કોઈ દી હશે જો કાંઈએ ફુરસદ!
તું એ રિવાજ એ રાખી, રહે રાજી જહીં રાજી!

તમોને કૈં હમારામાં, હમોને કૈં તમારામાં,
હતી પરવા, હતી લઝ્ઝત! નથી પરવા, નથી લઝ્ઝત!

૩૦-૧૨-૧૮૯૬