કલાપીનો કેકારવ/મધ્યમ દશા
← જરી મોડું | કલાપીનો કેકારવ મધ્યમ દશા કલાપી |
હજુ એ મળવું → |
મધ્યમ દશા
દે તું પ્રેમ વધુ મને, પ્રિય સખિ ! ધિક્કાર દે યા વધુ,
દે તું શીતલ હિમ વા સળગતું દે પાત્ર અંગારનું,
દર્દોને મુજ એ સમાન સુખ ને શાન્તિ નકી આપશે,
આવી આ દુઃખની જ મધ્યમ દશા ના શાન્તિ દે કાંઈ એ.
જે દે તે, પ્રિય ! પૂર્ણ દે, અવધિ દે સંકોચ રાખ્યા વિના,
દે તોફાન મને અહો ! પ્રણયનાં વા ક્રોધધિક્કારનાં;
જો એ પ્રેમ હશે, અહો ! હ્રદય આ તો હંસ ત્હારો થશે,
ત્હારા માનસરોવરે ફરી તરી ઉડી સદા મ્હાલશે.
જો ધિક્કાર હશે, પ્રિયે ! ભવતુ ! તો વંટોળમાં ઊડીને
જૂઠી આ મુજ આશ સર્વ વિખરી નીચે પડી તૂટશે;
ના વૈરાગ્ય પછી સ્મરે મધુર એ મ્હોં કોઈ કાળે કદી,
જ્યાં સૂતો મુજ રાજ્ય ત્યાં કરીશ હું આનન્દની એ સ્થિતિ.
તેને સ્વર્ગ મળ્યું જ જે નરકથી પામી શક્યો મુક્તિ છે,
મૃત્યુ એ પણ આધિ વ્યાધિ દુ:ખનો સાચો જ ઇલાજ છે;
દે ધિક્કાર ખરેખરા જિગરથી તો તે દયા હું ગણું.
દે તું પ્રેમ વધુ મને, પ્રિય સખિ ! ધિક્કાર દે યા વધુ.
૧૧-૮-૧૮૯૬