કલાપીનો કેકારવ/માફી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બેકદરદાની કલાપીનો કેકારવ
માફી
કલાપી
એક સ્વપ્ન →


માફી

દરગુઝર કર એ ખતા તો દરગુઝર કરવી ઘટે!
કર ખૂન ત્હોયે ના ખૂની તું : એ સજા એ ઠીક છે!

આ ખૂન ને આ ઝિંદગી લેતો નથી તુજને હરામ,
લે તો ખુદા નાખુશ નથી ફરિયાદ યા મ્હારી ન છે!

દિલ કુમળું તુજ કમ્પતાં ત્યાંથી ઝર્યો મીઠો શરાબ,
તે જામ તેં મુજને ધર્યું, "દિલદાર પી લે" બોલીને!

કમબખ્ત મેં ઢોળી દઈ "જા જા જલાવી દે" કહ્યું
એ માફ કર એ માફ કર દાનાઈથી હેવાનને!

એ જામના કટકા પરે તુજ ચશ્મથી પાણી પડ્યું,
તે મોતીડાં ચાંપી દઈ ચાલ્યો ગયો હું તો અરે!

લિબાસ લેઈ ફકીરનો તું હું પછાડી આથડી,
ઇતરાઝીની તેના ઉપર ઢોળી બૂરી ગરમી અરે!

ત્હારા નિખાલસ દિલ પરે મેં તો કરી બદી બેશુમાર,
ખૂને જિગર પીવા થયો તૈયાર ખામોખા અરે!

ત્યાં એ ખડી થઈ બન્દગી તુજ આંખમાં આંસું ભર્યાં,
એ જોશના એ ઝોરથી બુરકો ગયો ભીંજાઈ એ!

આ સખ્ત સીનાનો જતાં કિલ્લો તૂટી પણ આખરે,
ત્હારા તુફેલે હૂર અય! નસીહત મળી આજે મને!

રે! લફ્ઝ કહેવા ઇશ્કની મ્હારી ન છે કૈં એ મજાલ,
'આ ઘાતકી દિલ રાખ તું.' એ બોલવા હિમ્મત ન છે!

ઇશ્કના ચોગાનમાં ઝાલિમ નકી પ્હેલો ન હું,
જે છે વફા તેને જફા એ તો ખુદાઈ દોર છે!

ગુલ વીંધીને ગેંદો કરે એ ઝુલ્મ ઝાહિર છે અહીં,
ગુલ ચશ્મથી ના ચાંપવાની એબ આદમ જાતને!

પણ આ જહાંમાં માફી તો નૂર અલ્લાહનું નકી,
હા! બેહયાઈ ઇશ્કદારીમાં ભળીને જ્યાં પળે!

તો માફ કર! દિલદાર થા! ગઈ ગુઝરી તું ભૂલી જા!
આ બેવફા બન્દો હવે ઉગારી લે ઉગારી લે!

૨૦-૨-૧૮૯૬