લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/યજ્ઞમાં આમન્ત્રણ

વિકિસ્રોતમાંથી
← પ્રેમમાં ક્રૂર દોરો કલાપીનો કેકારવ
યજ્ઞમાં આમંત્રણ
કલાપી
રજાની માગણી →


યજ્ઞમાં આમંત્રણ

અશ્રુની સૈયારી ધારાઃ
સૈયારી નિઃશ્વાસે જ્વાળા !
પ્રેમ સૈયારી પીડાઃ
     આ છે ખાકે સૈયારી - વ્લાલાં સૈયારી !

સાથી ના મૂકીને જાશેઃ
સાથી સાથે રોશે, ગાશેઃ
દિલની ખાક દિલે ચોળશેઃ
         ચોળો હર્ષે સૈયારી - વ્હાલાં સૈયારી !

શાનાં સૈયારી વિણ સુખડાં ?
સૈયારી ત્યાં શાનાં દુઃખડાં:
તોફાને હસવીશું મુખડાં:
        લાવો નૌકા સૈયારી - વ્હાલાં સૈયારી !

સૈયારી સપનામાં આવ્યાં:
કફની આ ભગવી ત્યાં લાવ્યાં:
પ્‍હેરાવીને ને ના પ્‍હેરી કાં ?
    આવો આવો, સૈયારી - વ્હાલાં સૈયારી !

વ્હાલાં! આપું જે પામ્યો તેઃ
વ્હાલાં! પામું જે આપ્યું છેઃ
સૈયારી જગવી'તી હોળીઃ
       લેવી સૈયારી ઝોળી - વ્હાલાં સૈયારી !

૯-૧-૯૮