કલાપીનો કેકારવ/વીંધાએલા હ્રદયને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એક આગિયાને કલાપીનો કેકારવ
વીંધાયેલા હ્રદયને
કલાપી
જરી મોડું →


વીંધાયેલા હ્રદયને

વીંધાયું તું, જખમ તીરનો છેક ઉંડો ગયો આ,
ખેંચી લેતાં મરણ નિપજે રક્તના સ્ત્રાવથી, હા !
ચોંટ્યું ર્-હેશે અરર ! ભલકું જીવ જાતાં સુધી ત્યાં,
ભોળા દર્દી ! દુઃખદ પણ છે ઈશની એ જ ઇચ્છા.

નિરુદ્વેગી પણ થઈ સહે દંશનું દર્દ તું જો,
સૂજે સૂજે સુખથી સુખથી ઘેન મીઠાં મહીં તો;
ઓહો ! તો તો તુજ નયનની પાંપણો ના ભીંજાશે,
ત્હારી આવી ખટકતી સહુ વેદના દૂર થાશે.

ત્હારા ઘાનો, તુજ મન અને દર્દનો તું સુકાની,
જ્યાં ખેંચે ત્યાં સુખદુઃખ તણાં નાવડાં જાય ચાલી;
તો જ્યાં સુધી ઉદય રવિની કોર સિન્ધુ ન્હવાડે,
ત્યાં સુધી તું સુખથી સુખથી ઘોરજે ઘોરજે, રે !

રે રે ! કિન્તુ જખમ પર જો સિંચશે હિમવારિ
વા ત્હારો આ વ્રણ રૂઝવવા આદરે ઔષધિ કૈં;
વ્હાલા ! તો તો મધુતર ભલે મોતની લે પથારી,
એ નિદ્રામાં લય થઈ ભલે દર્દ સૌ દે વિસારી.

ગાતાં કોઈ ઝરણતટની ઉપરે સ્વસ્થ સૂતાં
ત્હેં જે જે સૌ હજી સુધી અહીં ગોઠવ્યાં સ્વપ્ન મીઠાં;
પુષ્પોનાં, કે લલિત લલના, આસવોનાં, રતિનાં,
જા તે સૌથી મધુર ચિર કૈં સ્વપ્નમાં લીન થાવા.

ર્-હેજે જાજે અનુકૂલ પડે કાર્ય તે સાધજે તું,
કિન્તુ તેને પ્રણય કથવા વ્યર્થ ના શોધજે તું;
ના વાચાથી પ્રણય કદિ એ સિદ્ધિ થાશે, થયો ના,
જે હૈયું ના રુધિરથી ગળ્યું, અશ્રુથી તે ગળે ના.

જોને છાની અનિલલહરી શાન્ત અદૃશ્ય વ્હેતી
ત્હોયે તેને કલી કુમળીઓ હીંચતી બાથ લેતી;
ના ચાહે એ - પછી રુધિર ને આંસુડાં સૌ વૃથા છે,
રે ! પ્રીતિ તો રસભર જરી દૃષ્ટિથી ઉછળે છે.

ત્હારાં આંસુ ગળી ગળી પડ્યાં ક્રૂરના પાદમાં સૌ,
ત્હારૂં છુપૂં થરથરી કહ્યું ક્રૂરને તે અરે સૌ;
ઘા માર્યો હા ! જખમી કરીને દૂર ચાલી ગઈ તે,
તેને માટે, અરર નબળા ! આમ શાને ઝુરે છે?

શોધે છે શું ? તુજ મનગમ્યું શોધતાં લાધશે ના,
ને કૈં તૃપ્તિ તુજ જિગરને અન્યથી તો થશે ના;
ખોવાયું તે જગ પર સહુ મેળવી ના શકે છે,
ખોવાયાનું અવર કદી ના સ્થાન પૂરી શકે છે.

૪-૮-૧૮૯૬