કલાપીનો કેકારવ/વીણાનો મૃગ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← હું ત્હારો હતો કલાપીનો કેકારવ
વીણાનો મૃગ
કલાપી
મતભેદ →


વીણાનો મૃગ

ઉગતા સૂર્યની સામે આવે છે મૃગ દોડતો
ઉતરે બાગમાં હાવાં ફલાંગે ગઢ કૂદતો

વીણા તણો નાદ તહીં સુણાય
આનંદલ્હેરે અનિલો ભરાય
ઝુલે ફૂલો એ કંઈ તાલમાં ત્યાં
વસંત લીલા સ્વર બેવડી રહ્યાં

ભીતિ કશી એ મૃગને દિસે ના
પિછાન જુની સ્થલની નકી આ
નમાવી શૃંગો ચળ પીઠમાં કરે
યથેચ્છ પર્ણો તરુનાં જરા ચરે

ઊડી રહ્યો છે જલનો ફુવારો
હોજે તરે રંગીન માછલીઓ
ત્યાં કાન માંડી મૃગ તે ઢળે છે
જરા નમીને જલ એ પીએ છે

પાસેથી ત્યાં તો સ્વર આવ્યા
વાયુ તણી લ્હેર મહીં ગુંથાયા
કૂદી ઉમંગે ચમકાવી કર્ણો
સ્વરો ભણી એ મૃગ દોડતો ગયો

હીંચકે ખાટમાં બેઠી કુંજમાં દિવ્ય સુન્દરી
બીનની મીંડ મીઠીમાં એ છેક ગળી ગઈ
દિસે અંગો નાનાં હ્રદયમય કે તાનમય શાં!
લતા શા ડોલે છે કટિ ઉપરના સૌ અવયવો!

અહા કાળા ઝુલે કમર પર એ વાળ સઘળા!
દિસે તારા જેવાં ચકચકિત શાં સ્નિગ્ધ નયનો!
મળી છે શું આંહીં જગત પરની સૌ મધુરતા!
અહીં વેળાનું ના કરવત ઘસાતું નકી હશે!

ગ્રહો, તારા, ભાનુ જરૂર ક્ષણ આંહીં અટકતા!
સ્વરોની દેવીનાં નમી નમી અહીં દર્શન કરે!

દૂરથી આવતો દોડી વ્હાલો એ મૃગ જોઈને,
કન્યા તે હસ્ત લમ્બાવી હેતથી આવકાર દે.

આનન્દભીનાં નયને નિહાળી,
પંપાળતી તે મૃગને કરેથી;
દાસત્વ મીઠું મૃગમાં દિસે છે,
પ્રેમાળ ભીનાં નયને વસે જે.

પછી વીણા તારો મધુર સ્વર દૈવી જગવતા,
હવામાં નાચન્તી સ્વરની કંઈ મૂર્તિ ખડી કરે;
જડી જાણે રાખે નયન મૃદુ કન્યા મૃગ પરે,
અને એ ચ્હેરામાં નવીન કંઈ ભાવો પલટતા.

મૃગે એ ભાસે છે વશ થઈ જતો કે ગળી જતો,
જરા ડોલે શૃંગો વળી અરધમીંચ્યાં નયન છે;
નિસાસા લેતો એ મૃગ હ્રદય જાણે ઠલવતો,
અને કન્યા શિરે રસમય અભિષેક કરતો.

અહો ક્યારે થનનથન નાચી કૂદી રહે,
વળી એ કન્યાના ઘડીક પદ ચાટે જીભ વડે;

ફરે વીણા તેવાં હ્રદય, નયનો અંગ ફરતાં,
દિસે બન્ને આત્મા અનુભવી રહ્યા એકમયતા

પ્રભાત કાલે મૃગ આમ આવતો;
વીણા સુણીને વનમાં ફરી જતો;
સ્વરો ન મીઠા મૃગ વીણ ઊઠતાં,
સુખી થતી ના મૃગ વીણ કન્યકા.

લગની કો લગાડે છે ઉરોની રસએકતા;
પશુ આ માનવી આ એ કાંઈ ભેદ ન પ્રેમને.

દિનો કૈં આનન્દે રસભર ગયા આમ વહતા,
સદા ર્ હેતાં ધૂને મધુર સ્વરની આમ દિલ આ;
પ્રભાતે કોઈ એ પથિક ગઢ પાસે અટકતો,
ઘડી સુણી વીણા નિજ પથ જતો આશિષ દઈ.

          * * *

તહીં ઉગ્યો છે હજુ અર્ધ ભાનુ,
નવીન રંગે નભ છે ભરેલું;
શુકો ઉડે ગીત હજાર ગાઈ,
સહુ સ્થળે છે ભરપૂર શાંન્તિ.

ઉદાસ શાન્ત સ્વર બીન છેડે,
ઉદાર ભાવો મૃગનેત્ર રેડે;
મચી રહી આર્દ્ર સ્વરોની હેલી,
મહાન આનન્દની રેલ રેલી.

સરરર સુસવાટો થાય ત્યાં બાગમાં કૈં,
અરર મૃગ બિચારો ઉછળી પડે છે;
થર થર થર ધ્રુજે કન્યકા ત્રાસ પામી,
શિથિલ કર થતાં એ બીન તૂટે પડીને.

મૃગહ્રદય મહીં છે તીર લાગ્યો અરેરેરે!
ખળખળ ઢળતું, હા! રક્ત ભૂમિ પરે એ!
નયનજલ વતી એ કન્યકા ઘા ધુવે, ને
મૃગ તડફડ થાતો હાંફતો શ્વાસ લે છે.

મીંચાઈ એ જાતાં નયન દરદે બે ક્ષણ, અને
ઘડી કન્યા સામે રુદનમય એ શાં નિરખતાં!

અરે ! છેલ્લે યાચે નિજ પ્રિય કને એક નજરે,
વદે છે કૈં આવું નયન મૃદુ ચોંટી રહી હવે:-

કરીને શીર્ષનું તુમ્બું, નેત્રની નખલી કરી,
બજાવી લે બજાવી લે તારું બીન હજી હજી !
કૃપા હોજો દયા હોજો પ્રભુની બીનની પરે !
'અનુકૂલ સ્વરો મીઠા હજો આ તુજ હસ્તને !'

કન્યા બિચારી દુઃખણી થઈને
એ શીર્ષ ખોળે મૂકતી રડે છે;
ત્યાં પાછળેથી નર કોઈ આવે,
વાત્સલ્યભાવે વદતો જણાયે :

'અયિ પુત્રી શિકારી તો પાપી છે તુજ આ પિતા !
'ભૂલી જા એ ! બજાવી લે તારું બીન હવે જરા !'

હ્રદય સ્થિર નથી એ કન્યકા બાપડીનું,
નજર નવ કરે તે કોણ આવ્યું ન આવ્યું;
પણ દ્રઢ થઈ અન્તે અશ્રુમાં તે ગળન્તી
દરદમય છતાં એ કાંઈ મીઠું લવે છે:-

તુમ્બું તૂટી પડ્યું ! અરે જિગરના ચીરા થયા છે, પિતા !
'રે ! આ સાંભળનારના જગતમાં એવું થયું છે, પિતા !
વીણા બન્ધ થયું ! સ્વરો ઊડી ગયા ! ખારી બની ઝિન્દગી !
સાથી ન જગમાં રહ્યો ! પ્રભુ તણી આશિષ એવી મળી !

'મૃત્યુને વશ આ કલા થઈ ગઈ ! હુંએ બની મૃત્યુની !'
'આ સંસાર અસાર છે ! અહહહા ! એ શીખ આજે મળી!'
'વ્હાલાં હાય અરે અરે ! જગતમાં વ્હાલાં ઉરો ચીરતાં !'
'ભૂલોની જ પરમ્પરા જગત આ, એવું દિસે છે ! પિતા!'

'ક્યાં શ્રદ્ધા ? અહ ! પ્રેમ ક્યાં? જગત આ આખું અકસ્માતનું !
'જે પ્યાલું મૃગને મળ્યું મરણનું તે હુંય માગું ! પ્રભુ !
'જોઈ બે ઘડી આ લઉં મૃગ અને વીણા તૂટેલું પિતા !
'એ નિર્માણ અનન્તના જલ મહિં ડૂબું પછી હું, પિતા!
             * * *

દિનો કૈં કન્યાના દરદમય, ઓહો ! વહી ગયા,
ફર્યાં છે એ ગાત્રો, મુખ પણ ફર્યું છેક જ, અરે !

હવે જો કોઈ એ પથિક ગઢ પાસે અટકતો,
શિલા ત્યાં આ વાંચી કંઈક દુઃખમાં તે ડૂબી જતો:-

'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં!'
'કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !’

૭-૧-૧૮૯૭