કલાપીનો કેકારવ/વ્હાલીને નિમંત્રણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એક ભલામણ કલાપીનો કેકારવ
વ્હાલીને નિમંત્રણ
કલાપી
એક વેલીને →


વ્હાલીને નિમંત્રણ

હતી ન્હાની વાડી તુજ મુજ કને કૈં વિહરવા,
દિવાલો મ્હોટી કૈં હતી વળી તહીં વાડ કરવા;
હતી ના ઇચ્છા કૈં મુજ મન મહીં ફાળ ભરવા,
અને એ સીમાની ઉપર પગલું એક ધરવા.

દિવાલો મ્હોટી સૌ પણ તૂટી પડે છે પલ મહીં,
અને ઇચ્છાઓ એ કદિ પલ મહીં જાય બદલી!
હતું મીઠું તે એ કટુ પણ બને છે ક્ષણ મહીં!
પ્રભુની લીલા! હા! કુદરત તણો પાર જ નહીં!

સૂતો'તો હું તે દી પ્રિય ચમનના પલ્લવ કને,
હતી ધીમી લ્હેરી અનિલ તણી ત્યારે વહી જતી;
હતી છાયા શીળી વિપુલ દ્રુમની હું ઉપર ત્યાં,
હતી શાન્તિઃ શાન્તિ વળી હૃદયમાં એક કવિતા.

હતું વીણા ત્‍હારૂં દૂરથી સ્વર દૈવી જગવતું,
હતું તેથી મ્હારા હૃદયરસનું પોષણ થતું;
હતાં ન્હાનાં પક્ષી કિલકિલ રમન્તાં મુજ કને,
અને હસ્તીબચ્ચું પવન કરતું'તું વ્યજનથી.

તહીં સૂણ્યો કોઈ મધુર સ્વર ચંડોલ સરખો,
અહા! જાગી ઊઠયું વળી સ્થિર થયું છેક ઉર આ;
વહી વાયુની ત્યાં ઝપટભેર થંડી લહરી કો,
પડી સૌ દિવાલો! ગિરિવર ચડ્યો એક નઝરે!

તહીં ઊંચી ટોચે ઝળહળ થતું કાંઈ નિરખ્યું;
હતું તે ન્હાનું કૈં વીજળી અથવા ચન્દ્ર સરખું;
પ્રિયે! તેને જોતાં જિગર મુજ લાગ્યું ધડકવા,
પ્રિયે! તેનો મીઠો ઊતરી સ્વર ચાલ્યો જિગરમાં.

અરે! આ શું? આ શું? ગિરિવર અને આ વન નવું!
અરે! આ તે શાનું તહીં વળી દિસે દિવ્ય ભડકું?
હશે જુદું શું આ નવીન મુજ વ્હાલા ચમનથી?
હશે કેવું મીઠું જગત કદિ મેં જે નવ દીઠું?

પ્રિયે! મેં તો ઇચ્છ્યું મુજ હૃદયને પાંખ મળવા,
પ્રિયે! મેં તો ઇચ્છ્યું ગિરિ ઉપર ત્યાં દૂર ચડવા;
મને ત્યાં શૃંગેથી મધુર સ્વર એ સાદ કરતો,
અને એ સંગીતે હૃદય મુજ આખું ય ભરતો.

અરે! કિન્તુ દીઠું વિકટ રણ વચ્ચે સળગતું,
તહીં ઊંચા મ્હોટા ફરરફર વંટોળ ચડતા;
તહીં ઊંચે નીચે ધરણી પર દાવાનલ બળે,
તહીં રેતીનાં તો પડ ઉપર મ્હોટાં પડ ચડે.

અરે! ના પાંખોને ક્યમ ઉડી જવું સુન્દર સ્થલે?
નિરાશા આવી ને મમ હૃદય અશ્રુમય બને!
સુણ્યું ત્યાં તો મેં કૈં અતિ કરુણ ને દિવ્ય રડવું,
અને ઉશ્કેરાયું જિગર કરવા સાહસ નવું.

અહા હા હા! કેવો અનિલ ફરક્યો કો નવીન ત્યાં!
ઉગેલી સોનેરી નવીન મુજ પાંખો ફડફડે!
ફુલેલા હૈયામાં મધુર નવી હોંશો છલકતી,
અને મ્હારી આંખો અજબ સુખભીની મલપતી!

થઈ પ્‍હોળી પાંખો નભ તરફ ઊડ્યા અવયવો,
અને ચાલ્યો ઊંચે ઘરર ઘુઘવાટો હું કરતો;
તળેટીમાં જોયાં વિપુઅલ રઢિયાળાં તરુવરો,
રમન્તાં નાચન્તાં વિમલ જલનાં કૈંક ઝરણો.

પડી દૃષ્ટિ ક્યાં ને કહીં વળી ન દૃષ્ટિ પડી શકી,
અહો! ત્યાં તો શૃંગે મુજ પદ અડ્યા બે ક્ષણ મહીં;

અહા! એ દૈવી મોં મમ નયન પાસે ઝૂકી રહ્યું,
અને એક કન્યાનું મુજ પદ ભણી કૈં શિર નમ્યું!

સમાઈ જાતી એ મમ હૃદયનાં સૌ પડ મહીં,
અહા! લેપી દેતી મમ અવયવે અમૃત નકી!
મને આલિંગી એ રુદન કરતી ને હિબકતી!
પ્રિયે! હું તો તેનું મધુર મુખડું જોઈ જ રહ્યો!

અહો! તેની પાંખો મુજ અવયવો ચાંપતી હતી,
અહો! તેનાં અશ્રુ મુજ અધરથી મેં ચૂમી લીધાં;
ગળ્યાં બન્ને હૈયાં લથબથ થઈને વહી વહી,
ઘડાયેલી એ તો મુજ હૃદય માટે જ પ્રતિમા.

કહ્યું તેણેઃ 'આજે મુજ હૃદયનું વાંછિત મળ્યું!'
કહ્યું મેં, 'ઓ વ્હાલી! મુજ હૃદય આ સાર્થક થયું!'
ગુલાબી એ ગાલે નવીન સ્મિત મીઠું ફરકતું,
હતું મ્હારૂં હૈયું નવીન રસમાં કૈં ધડકતું.

'અરે વ્હાલા! અરે વ્હાલા!' ત્યાં એવું રડવું સુણ્યું!
પડેલી બાગની એ સૌ દિવાલો થકી ઊઠતું.

સુણી ત્‍હારૂં રોવું રડી રડી વદી હા! રમણી એ,
'અરે પ્રીતિ કો દી અહિત પ્રણયીનું નહિ કરે;'
લવી એવું એ તો ઢળી પડી અને મૂર્ચ્છિત થઈ,
અને હું તો જીવ્યો તુજ હૃદયની લ્હાય સુણવા!

કરૂં છું હું યત્નો તુજ તરફ પાછો ઉડી જવા,
છતાં એ ઇચ્છું ત્યાં શિથિલ થઈ પાંખો ખરી પડે!
ફરી શુદ્ધિ દેવા મુજ રમણીને યત્ન કરતાં
ચીરાતું આ હૈયું, અરર! મૃદુ ત્‍હારા રુદનથી!

પ્રિયે! મેં તો ઇચ્છ્યું તુજ હૃદયને પાંખ મળવા,
પ્રિયે! હું ઇચ્છું છું ગિરિ ઉપર તુંને લઈ જવા;
સુનેરી પીછાંથી નવીન તુજ જો પાંખ ચળકે,
અને એ પાંખોમાં પવન સરખું તો બલ દિસે!

વળી જો ને વ્હાલી! ગિરિ પણ ડગે આ રુદનથી!
ધીમે ધીમે ચાલી તુજ શિર પરે એ ઝુમી રહ્યો!

અહો! ત્‍હારાં અશ્રુ કણ નકી દિસે અમૃત તણા!
પ્રિયે તે સિંચાતાં રણ મહીં ઉગે છે તરુ નવાં!

ઉડી જો! ઉડી જો! મમહૃદય પાસે પ્રિય હવે,
અને એ ચ્હેરાની ઉપર કર તું ફેરવ, પ્રિયે!
કહે 'પ્રીતિ કો દી અહિત પ્રણયીનું નહિ કરે,'
અને ત્યારે ઊઠી ફરી મુજ દિલે એ લપટશે!

ન મ્હારા હસ્તે એ નયન મૃદુ કો દી ઉઘડશે!
અમી એ મીઠું તો નકી નકી રહ્યું છે તુજ કને!
કરો મ્હારાથી એ મરણવશ થાતાં અટકતી,
અને એ જીવે છે મરણવશ શી મૂર્ચ્છિત રહી!

સ્ફુરે ઓષ્ઠો તેના હૃદય કુમળું શાન્ત ધડકે,
ગુલાબી ગાલોએ મધુર હજુ કેવી ઝલક છે!
ધીમે પંપાળું છું સુરૂપ મુખડું હું કર વતી,
પિરોજી તે થાતું મુજ કર જરી દૂર ખસતાં!

પ્રિયે! બીજો મ્હારો કર તુજ કને આ ઝઝુમતો,
ગ્રહી તેને આવી મુજ હૃદયથી તું લપટજે;
નથી કાંટા ઉગ્યા પણ મૃદુ થયું છે મૃદુ વધુ,
પ્રિયે! ત્‍હારે માટે હૃદય મુજ ભીનું તલફતું.

રડી કાં તું પૂછે? “પ્રિયતમ! મને ચાહીશ ભલા?”
નહીં ત્‍હારૂં એવું મુજ જિગરમાં કાંઈ જ નહીં;
તને શું ના અર્પ્યું? હજુ પણ પૂછે શું પ્રણયનું?
હું ત્‍હારો તેની તો શશી, રવિ, ગ્રહો સાક્ષી ભરશે.

અસત્યો એ બોલ્યો કદિ કદિ તને હું રીઝવવા,
હવે મીઠાં સત્યો શીખવીશ તને હું જિરવવા;
નીતિ કે રીતિનું મુજ દિલ પરે ના બલ રહ્યું,
પ્રીતિ! પ્રીતિ! પ્રીતિ! અનલભડકે એ જળી જવું!

ઉડી જો! ઉડી જો! મમ હૃદય સાથે, પ્રિય! હવે!
નવો ઝીણો તાજો અનિલ ફરકે છે કુદરતે!
ત્યજી દેને વ્હાલી! અધમ પડ વંટોળ સરખાં,
મચી ર્‍હેવું આવી કલુષમયતામાં ઉચિત ના.

ઉગેલી પાંખોને અરર! નવ વિસ્તીર્ણ કર કાં?
હરિની લીલાને સજલ નયને ના નિરખ કાં?
તને મીઠું ત્યાં છે, મધુતર અહીં કિન્તુ મળશે,
પ્રભુએ વેરી છે જૂદી જૂદી જ મીઠાશ સઘળે.

પ્રિયે! મેં જોયું કૈં! હજુ મન રહે તે નિરખવા,
અહો તું જેવું એ પણ વળી કંઈ ભિન્ન તુજથી;
રુચે તુંને તેવું જરી પ્રણયથી તે નિરખતાં,
સખિ! જોને તેને હૃદય તુજ ભીનું કરી કરી.

દિસે તુંમાં, તેમાં, મુજ જિગરમાં એક જ કંઈ,
અને કૈં જૂદું તે મધુર સ્વરના ભિન્ન ધ્વનિ શું;
સ્વરો મીઠા ચાલે મધુર ધ્વનિનો મેળ મળતાં,
અને છોને હૈયાં દ્રવી દ્રવી પડે ગાયન થતાં.

મને તું પૂછે છે, 'પ્રિયતમ! તું છે શું દુઃખી? અરે!'
દુઃખી તો શું? કિન્તુ જગત મુજને આ નવ રુચે!
દિલે ખૂંચી ર્‍હે છે નયન મૃદુ તે દિવસ બધો,
સ્મૃતિ તેની થાતાં છણ છણ બળે છે જિગર આ.

અરે! તેને ચાહે મુજ હૃદયનું રક્ત સઘળું,
પ્રતિમા એ મીઠી મુજ હૃદયનું રાજ્ય કરતી;
સુકાની ઓ વ્હાલી! જરીક જ દિશા ફેરવ, અને
હવે હંકારી દે મુજ નસીબનું નાવડું તહીં.

'એકને ચાહ્તું તેણે બીજાને નવ ચાહવું!
'એકને ચાહતું તેને બીજાએ નવ ચાહવું!'

દિસે કિન્તુ રૂઢિ પરિણત અરે! એ જન તણી
અને તેમાં સાક્ષી હૃદય રડનારાં પણ કંઈ;
ખરૂં છે, કે 'ધારો વગર કંઈ હેતુ નવ થતો,'
પ્રતિ ધારો કિન્તુ સમય વહતાં કંટક બને.

બહુ ટુંકી આ તો હૃદયરસ પીવા અવધિ છે,
અહીં ત્યાં તેમાં એ હદય ક્યમ ભોળાં ભટકતાં?
અરેરે! કોઈ તો જિગર ચીરવા તત્પર થતું!
પ્રભુ! આવી શાને વિષમ રચના છે પ્રણયની?

વિના હેતુ ના ના જન હૃદયનાં ચક્ર ફરતાં,
વિના હેતુ શાને દિલ દિલ ચીરે ને રડી મરે?
વિના હેતુ તો ના ગતિ પણ કરે પર્ણ સરખાં,
વિના હેતુ કાંઈ કદિ પણ બને ના કુદરતે.

હતો હું ત્‍હારો ને જગત મહીં એ કૈં રસ હતો,
જનોના ધારાનું મુજ હદયથી સેવન થતું;
હતો ત્‍હારો તેથી હજુ પણ નહીં ન્યૂન તુજ હું,
હવે કિન્તુ મ્હારૂં હૃદય વળી છે અન્ય દિલનું.

કદી એ બોટાતાં હૃદય નવ ઉચ્છિષ્ટ બનતું,
હતું તેવું મ્હારૂં હૃદય તુજ માટે હજુ રહ્યું;
પ્રિયે! ના પ્રીતિને કુદરત કદી પાતક ગણે,
મને, તેને, તુંને કુદરત અમીથી નિરખશે.

અરેરે રાહ જોવાનું ના ના યોગ્ય દિસે મને,
ઉડ તું! આવ તું! વ્હાલી! કો દી કાલ ન ઠેરશે.

વહી જાશે દ્‍હાડા! વિલુપ મુખ તેનું થઈ જશે!
અને મ્હારૂં હૈયું પછી કદિ નહીં જીવી શકશે!
મરી જાશું આંહીં! તુજ મરણ ત્યાં દૂર બનશે!
અરે વ્હાલી! શાને તુજ હૃદય એ ઘાટ ઘડશે?

બહુ મ્હોટો ફેરો અરર! પછી લેવો જ પડશે!
બહુ જન્મો વ્હાલી! રુદન કરવાનું જ મળશે!
પ્રભુ જાણે ક્યારે ત્રણ હૃદયનું ઐક્ય બનશે!
પ્રિયે! ન્યાયી માતા કુદરત બહુ કૈં કૃપણ છે!

ઘડીનો એ કો દી કુદરત ન વ્યાક્ષેપ સહતી,
ઘડીમાં તો કૈં કૈં કુદરત કરે છે ગતિ નવી;
નભે ગોળા મ્હોટા ઘડી મહીં કંઈ કોશ ફરતા,
ઘડીમાં બ્રહ્માંડો પ્રલય થઈને કૈં ઉદભવે.

ન તું ચાલે ત્‍હોયે સમય તુજને તો ઘસડશે,
ન તું ઇચ્છે તેવું કુદરત નકી કાર્ય કરશે;
અરે! તો શાને ના ખુશ થઈ પ્રવાહે ભળી જવું?
અરે! તો શાને ના મધુ ઝરણનું અમૃત પીવું?


અહિં મીઠું લ્હાણું કુદરત ધરે છે હસી હસી,
પ્રિયે! તેને શાને અરર! તરછોડે રડી રડી?
અવજ્ઞા ના સાંખે કુદરત કદી કાયર બની,
સહાતી ના કોથી કુદરત તણી દૃષ્ટિ કરડી.

કહ્યું કાલે તેથી કહું છું તુજને આજ ઉલટું!
વળી કાલે કાંઈ કહીશ તુજને હું નવું નવું!
પ્રિયે! દોરાઉ છું કુદરત મને જ્યાં લઈ જતી,
અને શીખું પાઠો કુદરત મને જે શીખવતી.

વિચારોની શ્રેણી બદલી મુજ આજે કંઈ ગઈ,
વિચારોની શ્રેણી બદલીશ, પ્રિયે! હું તુજ વળી;
અરે વ્હાલી! વ્હાલી! કદી પણ ન દુરાગ્રહ ઘટે,
પ્રભુ સામે થાવા તુજ હૃદયમાં કૈં બલ ન છે.

અહીં ઊંચા નીલા તરુવર તને સાદ કરતા,
અહીં મીઠાં પક્ષી મધુ રવથી આમન્ત્રણ કરે;
પ્રિયે! ત્‍હારી પાંખો ઉપર ચડવા કૈં ફડફડે,
વિમાસી બેઠી શું? મુજ હૃદયને સાંભળ હવે!

અહીં આ મ્હોં ન્હાને તુજ કર હવે ફેરવ જરા,
હસે મીઠું એ તો વદન કુમળું મૂર્ચ્છિત થતાં!
અહીં ત્‍હારે માટે પ્રણયરસની લ્હેર છલકે!
પ્રિયે! છોડી રોવું મુજ હૃદયને સાંભળ હવે!

અહીં હું રોઉં છું તુજ હૃદય માટે દિલ ચીરી!
વહેતા આ લોહી ઉપર કંઈ તો દૃષ્ટિ કરવી!
વિચારો જૂનાને તુજ જિગરથી દૂર કરને!
પ્રિયે! છોડી ભીતિ મુજ હૃદયને સાંભળ હવે!

હવે તો રાહ જોવાનું ના ના યોગ્ય નકી, પ્રિયે!
ઊડ તું! આવ તું! વ્હાલી! કો દી કાલ ન ઠેરશે!

૨૬-૧૧-૯૬