કલાપીનો કેકારવ/શિકારીને

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← રજાની માગણી કલાપીનો કેકારવ
શિકારીને
કલાપી
સ્વર્ગનો સાદ →


રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ;
ઘટે ના ક્રૂર દૃષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું.

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના ના કિન્તુ સ્થૂલ મળી શકે.

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે ત્હને.

સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

સૌન્દર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.

રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું !
                                                   ૨૯-૧-૧૮૯૮
                         *