કલાપીનો કેકારવ/હદ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એક કળીને કલાપીનો કેકારવ
હદ
કલાપી
અતિ મોડું →


હદ

મુનાસિબ બસ હવે કરવું, નઝર હદ આ અહીં આવે;
પડ્યું ખંજર ન પાછું લે, ઝુકાવ્યું આ ન દિલ ઝૂકે.

ન કર ઘા; ઘા થશે ઊંધો! ખુદા લેશે ખૂનીનું ખૂન!
અને બદનામીનો ભારો ઉપાડે, યાર! શે ત્હારો?

સિતમગર! તું સિતમની જો નકી હદ આવી છે આ આ!
નહીં તો ઝુલ્મ સ્હેનારૂં ચડે તોફાનમાં દિલ ના.

ખુદાનો ખોફ કૈં રાખી, શરમ કૈં આંખની રાખી,
હવે ફેરાવવો બસ કર અરે શયતાનનો ચરખો.

કર્યું છે દમ બ દમ નમવું શરૂ મેં જ્યારથી કદમે
અરે કાતિલ આ ત્હારૂં ઉપાડ્યું ત્યારથી તેં તેં!

ખુદાને જે કદમ ઝૂકે કદમ ત્હારે ઝૂક્યું શિર તે!
મગર કૈં ખ્યાલ તેનો ના! હવે હદ આવી પ્હોંચી છે.

ન ધર હદ ઉપરે પગલું, તહીં આતશ જળે હરદમ
કબૂતર દિસતું તે તો બને છે શેર ત્યાં, ઝાલિમ!

જફામાં શીદને જાવું? કર્યો તે ઝુલ્મ ભૂલી જો,
તને પેદા કરી તે તે ખુદાનો હું ય છું બન્દો.

ન ધર હદ ઉપરે પગલું, તહીં ના ઝુલ્મ આ ચાલે,
સિતમગર શિરે ત્યાં તો સિતમ હરગિઝ ફાવે છે!

તહીંની ખાકમાં શાને થવાને ખાક તું ચાહે?
અરે! ઇન્સાન થા યા તું ખુશીથી સ્વાદ જા એ લે!

૧૬-૫-૧૮૯૬