કલાપીનો કેકારવ/હમીરજી ગોહેલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભવિષ્ય અને શ્રદ્ધા કલાપીનો કેકારવ
હમીરજી ગોહેલ
કલાપી
હમીરજી ગોહેલ/સર્ગ-૧ તારામૈત્રક →


હમીરજી ગોહેલ

ઓ વીણા! તું બહુ યુગ થયાં શાન્ત આંહીં દિસે છે,
ટંગાએલી દિવસરજની વૃક્ષ સાથે ઝુલે છે;
ત્હારા તારો બસુર સઘળા ધ્રૂજતી આ લતાથી,
કમ્પી ઊઠી ઝણઝણ થતા વાયુની લ્હેરલ્હેરે.

ત્હારી પાસે ઝરણ ઘુઘવી જાય છે મન્દ ચાલ્યું,
ત્હેની સાથે તુજ સ્વર ભળે પૂર્વનું ભાન ભૂલી;

ક્યાં આ આવા કઠિન ઘુઘવા? ભવ્ય ક્યાં નાદ ત્હારા?
કોઈ છે ક્યાં વિધિકૃતિ તણી યોગ્યતા પૂછનારા?

રે!રે! ત્હારા મધુતર સ્વરો જાગશે ના હજુ શું?
ત્હારા તારો ઝણઝણ થશે શુષ્ક પર્ણે હજુ શું?
કો યોદ્ધાના મુખ પર સ્મિતે લાવશે તું નહીં - શું?
કો કન્યાના દુઃખી હ્રદયને અર્પશે અશ્રુ ના શું?

ના ના કો દી સમય સરખો જાય છે કોઈનો યે,
તાજી ત્હારી મૃદુ રસભરી મોહની તું કરી લે;
હાવાં છો ને વરસી વરસી વાદળી જાય ચાલી,
વ્હાલી વીણા! તુજ સ્વર હવે કુન્દ થાશે ન તેથી.

જે મીંડો સૌ પ્રણયી નયનો તેજથી પૂરતી'તી,
જે તાનોથી શૂરવીર તણી મૂછ ઊભી થતી'તી;
તે તે જૂના મધુર સ્વર સૌ આર્દ્ર ને ઉગ્ર ત્હારા,
સાધી લેવા કંઈક ડરતો ભક્ત કો યત્નવાન.

વીત્યા તેવા રસિક કર શો દક્ષ ના હસ્ત આ કૈં,
તેને સ્પર્શે પણ ફરી ઉઠી ગીત ગા ગીત ગા તું;
વ્હાલા! જોવી ઘટિત નવ છે અજ્ઞતા ભક્તની કૈં,
જાદુ ત્હારૂં ઝળહળ થતું ફેલવી ગીત ગા તું.

આ ગીતોનો બહુ બહુ હશે ધ્વંશ પાસે કદાપિ,
ને તેવાં યે સ્ફુટ નવ હશે તાન કે મીંડ કાંઈ;
તો યે ત્હારાં પડ રજ તણાં ખેરવાં કાં ન મ્હારે?
ત્હારા તારો બસુર સઘળા મેળવું હું ન શાને?

આ ગીતોથી હ્રદય દ્રવવા કમ્પશે કોઈ એકે,
તો હું ના ના મુજ કર તણા સ્પર્શને વ્યર્થ માનું;
તો, ઓ વીણા! તુજ સ્વર તણું જાદુ દે તું પ્રસારી,
રે! રે વીણા! મધુર સુરિલાં ગીત ગા ગીત ગા તું.