કલાપીનો કેકારવ/હું બાવરો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ઋણ કલાપીનો કેકારવ
હું બાવરો
કલાપી
મૃત પુત્રી લાલાંની છબી દ્રષ્ટિથી દૂર કરી →


આ આતશે તાપે તપેલો હું બળેલો બાવરો!
ઝાંખી થયેલી નૂરની તે નૂરનો હું બાવરો!

એ નૂર ના આફતાબ કૈં, એ નૂર ના હા ! વીજળી !
એ કોણ ? શું? કૈં એ નહીં ! હું ત્હોય તેનો બાવરો!

એ ગુલ હતું અંગારનું ! હું ફૂદડી તેની બન્યો !
ચોંટ્યો, ગળ્યો, દાઝી ગયો ! હું ત્હોય તેનો બાવરો!

હા ! હાય ! હાહા ! સ્વપ્નમાં એ જાગતાં એ નીંદમાં,
તેને ન હું તો ક્યાંય ! ત્હોયે હું જ તેનો બાવરો !

અક્કલ કહે છે છોડવા, હૈયું કે, 'તે ના બને.'
અક્ક્લ ગુમાવી ! દિલ બાળ્યું ! ઇશ્કનો હું બાવરો !

'એ ઝેર દેખે છે છતાં કાં માન તેને મીઠડું ?'
એ પૂછશો કોઈ નહીં ! ઉત્તર ન આપે બાવરો!'

આશક તણી નઝરે ભરી ખૂબસૂરતી જે છે સદા,
તે કોઈ માશુકને મુખે છે ? એ જ પૂછે બાવરો !

દુનિયા કહે કૈં એ ભલે ! અક્કલ કહે અંગાર છો !
મ્હારી નિગાહે પુષ્પ તો હું પુષ્પ માનું બાવરો !

મ્હેં પૂતળીના જાદુને કો જાણનારૂં જાણશે !
ખામી નઝર આવે નહીં ! એ દેખનારો બાવરો !

'હા હાય હાહા ! હાય હા હા !' એ પુકારૂં હું ભલે !
એમાં મને માની મજા તો એ મજા લે બાવરો!

કૈં પૂછનારો બાવરો ! કૈં બોલનારો બાવરો!
આ 'હાય' પુકારી રહ્યો તે બાવરો, હું બાવરો!
                                                      ૨૩-૬-૧૮૯૬
                             *