કલાપી/આર્યાવર્તનો પ્રવાસ

વિકિસ્રોતમાંથી
← રાજકુમાર કૉલેજમાં કલાપી
આર્યાવર્તનો પ્રવાસ
નવલરામ ત્રિવેદી
રાજવી કવિનું ગૃહજીવન →







પ્રકરણ ત્રીજું
આર્યાવર્તનો પ્રવાસ

કૉલેજ છોડ્યા પછી જ કલાપીનો ખરો અભ્યાસ શરૂ થયો.

એજન્સીએ સ્વીકારેલા ધોરણ પ્રમાણે કલાપીને કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી હિંદના પ્રવાસે મોકલવામાં આવ્યા. તેમની સાથે તેમના પરમ મિત્ર બગસરાના ભાગીદાર હડાળાના દરબાર વાજસૂરવાળા, જેમને કલાપીએ પોતાના પત્રોમાં ગીગાભાઇને નામે ઉલ્લેખ કર્યો છે તે હતા. બન્નેના વાલી તરીકે એજન્સીએ વઢવાણના રાવબહાદુર પ્રાણજીવન વિશ્વનાથ ઠાકરની નિમણૂક કરી હતી. રા. બ. પ્રણજીવન આ વખતે વડિયામાં મેનેજર તરીકે કામ કરતા હતા, ત્યાં તેમને કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ હૅન્કોક તરફથી ૩જી ઓગસ્ટ ૧૮૯૧ ના રાજ આજ્ઞા મળી કે તેમણે લાઠીના ઠાકોર સાહેબ સુરસિંહજી અને બગસરાના ભાગીદાર વાજસૂર વાલેરાવાળાને લઈને હિંદના પ્રવાસે નીકળવું. તે પ્રમાણે ૧૮૯૧ના ઑક્ટોબરની પહેલી તારીખે રાજકોટ મુકામેથી પ્રવાસની શરૂઆત કરવામાં આવી, અને ૧૮૯૨ના માર્ચમાં તે પૂરો થયો. તેનો વિગતવાર હેવાલ રા. બ. પ્રાણજીવન ઠાકરે ૧૮૯૨ના માર્ચની ૨૩મી તારીખે કાઠિયાવાડના તે વખતના પોલિટિકલએજંટને મોકલી આપ્યો હતો.[૧] પહેલી ઑકટોબરે નીકળવાનું નક્કી થયેલું હોવાથી પ્રાણજીવનભાઈ અને કુમારો ૨૫મી સપ્ટેમ્બરે રાજકોટ આવી પહોંચ્યા. મુસાફરી માટે રૂા. ૨૫૫૦૦) મંજુર કરવામાં આવ્યા હતા. તેમાંથી રૂા. ૨૦૦૦) રાજકોટમાં તૈયારીમાં ખર્ચ્યા, અને રૂા. ૩૫૦૦) રોકડા અને નોટોના રૂ૫માં સાથે રાખ્યા. બાકીના રૂા. વીશ હજાર બૅન્ક ઓફ બૉમ્બેમાં જમા કરવામાં આવ્યા, કે જેથી જ્યારે જોઈએ ત્યારે તેમાંથી લઈ શકાય. પ્રવાસમાંથી જ્યારે છેવટે પાછા આવ્યા ત્યારે રૂા. ૨૦૦૦) બચ્યા હતા. છ મહિનાની મુસાફરીનો કાર્યક્રમ હતો, પણ કલાપીનાં રાણી રાજબાની માંદગીને લીધે તે પંદર દિવસ પહેલાં પૂરી કરવામાં આવી, એટલે આ વધારા બરાબર ગણતરી પ્રમાણેજ રહ્યો કહેવાય.

મુસાફરીમાં બધાં મળી ૧૬ માણસો હતાં. રા બ. પ્રાણજીવન, તમનો રસોયો અને તેમના બે નોકરો ભળી ચાર માણસો, કલાપી અને તેમના છ નોકરો મળી સાત માણસો, અને વાજસુરવાળા તથા તેમના ચાર નોકરો મળી પાંચ, એમ એકંદરે સોળ માણસોની સંખ્યા થઈ હતી. રા. બ. પ્રાણજીવનને રૂા. ૩૦૦) પગાર અને પોતાના તથા બે નોકરોના ખોરાકી ખર્ચના રૂા. પ૦) એમ એકંદર રૂા. ૩૫૦) માસિક આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. સાથે પરશોતમ ભાવ નામના માણસને લવામાં આવેલ જે દાક્તરનું અને હિસાબ રાખવાનું એમ બેવડું કામ કરતો હતો અને તેને પગાર તથા એલાવન્સ મળી માસિક રૂ. ૪પ આપવાના હતા.

કલાપીની સાથેના માણસોમાં ‘મામા’ રતનસિંહ ઝાલા હતા. તે પ્રખ્યાત હિંદી દેશભક્ત સરદારસિંહ રાણા જે હાલ પેરીસમાં વસે છે, તેમના પિતા થાય.

વળી, આ મંડળમાં ‘સંચિત્’ના નામથી જેમનાં કાવ્યો પ્રસિદ્ધ થતાં હતાં તે રૂપશંકર ઉદયશંકર ઓઝા પણ હતા.[૨]  ભલામણ પત્રો અને હથીયાર તથા દારૂગોળા માટેના પરવાના લેવામાં આવ્યા હતા. વળી કાશ્મીરની કાઉન્સીલના પ્રમુખ રાજા અમરસિંહ ઉપર મુંબઈ સરકાર મારફત ભલામણ કરાવવામાં આવી હતી.

આ પ્રમાણે સજ્જ થઈને સૌ પહેલી ઓક્ટોબર ૧૮૯૧ના રોજ નીકળ્યા અને સાંજે અમદાવાદ પહોંચ્યા. બીજે દિવસે કાંકરિયુ તળાવ, શાહઆલમનો રોજો, પાણીની ટાંકી અને એક શેત્રંજી વણવાના કારખાનાની મુલાકાત લીધી, અને ત્રીજી તારીખે જયપૂર માટે ઉપડી ગયા.

અમદાવાદમાં તેમનો ઊતારો હઠીસિંગની વાડીમાં રાખવામાં આવ્યો હતો, અને લાઠીના મેનેજર આશારામના અમદાવાદના ઘેર તેમને નોતરવામાં આવ્યા હતા. શ્રી. મૂળચંદભાઈ જયપૂર સુધી સાથે ગયા હતા અને સૌએ સાથે હાથી ઉપર બેસીને અંબર (જૂનું જયપૂર) જોયું હતું.[૩] તે ઉપરાંત ત્યાંની વેધશાળા, સંગ્રહસ્થાન, કલાશાળા વગેરે સ્થળો પણ જોયાં.

સાતમી તારીખે જયપૂર છોડ્યું અને ચાર કલાકમાં અલ્વર પહોંચ્યા. ત્યાં રાજ્યમહેલનું પુસ્તકાલય અને શસ્ત્રાગાર વગેરે જોયાં અને ૯મી તારીખે અહીંથી નીકળી બીજે દિવસે લાહોર પહોંચ્યા. આ દશેરાનો દિવસ હતો, એટલે લાહોરના લોકો દશેરાનો ઉત્સવ કેવી રીતે ઉજવે છે તે જોવાનું મળ્યું.

૧૨મી તારીખે લાહોર છોડ્યું અને બીજે દિવસે રાવળપીંડી પહોંચ્યા. અહીં આ પ્રવાસીઓને કાશ્મીરના રેસીડેન્ટનો તાર મળ્યો કે વાઈસરોય રરમીએ પસાર થાય ત્યાં સુધી તેમણે રાવલપીંડી અથવા મહી રોકાવું. તે પ્રમાણે ૨૩મીએ રાવલપીંડીથી મુકામ ઉપાડ્યો. અને ગાડી તથા એકા મારફત બારામુલ્લા પહોંચ્યા અને ત્યાંથી કિસ્તીઓ મારફત ૩૧મી ઓકટોબરે શ્રીનગર પહોંચ્યા.

કાશ્મીરની ઠંડી ઋતુ આપણા જેવા ગુજરાતીઓને ગભરાવી નાખે એ સ્વાભાવિક છે. તેથી આપણા પ્રવાસીઓ જેમ બને તેમ વહેલા કાશ્મીર પહોંચી જવા માગતા હતા, પણ વાઈસરોયની મુલાકાતને લીધે તેમને આ પ્રમાણે દસ દિવસ રાવળપીંડીમાં રોકાઈ રહેવું પડ્યું. આ સમયે તેમની માનસિક સ્થિતિનો અને તૈયારીનો ખ્યાલ કલાપીના પત્રો ઉપરથી બરાબર આવે છે. વળી રાવળપીંડીથી શ્રીનગર સુધીના મુશ્કેલી ભરેલા પ્રવાસનો ઉલ્લેખ પણ રાવબહાદુરના અહેવાલમાં નથી. પણ કલાપીના પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ પત્રોમાં તેનું વિસ્તૃત વર્ણન મળે છે; એટલે તેમાંથી થોડુંક જોઇએ.

“હજી અમે કાશ્મીરમાં ગયા નથી. પરમ દિવસે સવારના ચાર વાગે ચાલશું. પાંચ દિવસ શ્રીનગર પહોંચતાં થશે કે વધારે એાછા, તે લખી શકાય નહિ. કારણ કે વહેલા મોડા પહોંચવું તે ઋતુના હાથમાં છે. બરફ પડવો શરૂ થઈ ગયો છે. વળી નાની હોડીમાં બેસી જવું તેથી તોફાન થાય તો કિનારે ઉતરી પડવું પડે. તંબુ છ સાથે છે, તેથી જ્યાં ઉતરીશું ત્યાં માત્ર તંબુ ઉભા કરતાં સુધી જરા ઠરવું પડે; પછી હરકત નથી. 'બરફમાં ઝાઝું રખડવું નહિ,' એ ખરું પણ બરફ પરજ જવું છે, એટલે એમાં બીજો ઉપાય નથી. લાકડાના મોટા ભડકા કર્યા કરશું, તંબુમાં સગડીઓ રાખશું, અને ગરમ કપડાં પહેરી પડ્યા રહેશું, અને ફરવા જશું ત્યારે નીચે ગરમ કપડાં પહેરશું, ઉપર રબરનાં કોટ, પાટલુન અને માથા પર એક સાહેબ જેવી ગરમ ટોપી, તે પર રીંછના વાળની બીજી કાન, ગાલ, ગરદન ઢંકાઈ જાય, અને માત્ર આંખ ઉઘાડી રહે એવી ટોપી, અને તે પર સખત કરા અથવા બરફના પાણા પડે તો પણ માથામાં ન લાગે એવી લોઢા જેવી ત્રીજી ટોપી મૂકીશું. અને પછી જ્યાં જવું હોય ત્યાં જશું. પગમાં ગરમ મોજાં અને તે પર ઘાસના બૂટ પહેરીશું જેથી લપસી પડાય નહિ. બનતા સુધી પાળાજ ફરશું. કારણ કે ઘોડું ભડકે અથવા લપસે તો પછી પતો લાગે નહિ. ઇશ્વરની ઈચ્છા હશે તો હરકત નહિ આવે. રસ્તાનો કેટલોક ભાગ અને પર્વત પર આ પ્રમાણે છે. પણ ખીણોમાં તે કાઠિયાવાડ જેટલી જ ગરમી છે. ઘણું કરી પંદર દિવસથી વધારે રહેશું નહિ. કારણ કે આ વખતે હમેશ કરતાં ટાઢ વધારે છે. મને કાંઈ પણ તસ્દી નથી. કારણ કે કાઠિયાવાડમાં રહેવા કરતાં હિમાલયના બરફ, ધોળાં રીંછ અને સાવજ દીપડામાં રખડવું અને તંબુમાં રહેવું એ વધારે સારું છે.” (રાવળપીંડી, ૧૮-૧૦-૯૧).

"કાલ રાતના ચાર વાગે અહીંથી ચાલી સાંજના છ સાત વાગે મરી જશું. મરી જશું ? ઇશ્વરની ઇચ્છા. મરી ગામે તે વખતે જશું. મરી બે દિવસ રોકાશું. ત્યાર પછી સવારમાં ચાલી સાંજે કોહાલા જશું. પછી દુમેલ અને ઉરી. ત્યારબાદ બારામુલા જઈ જેલમ નદીમાં કિસ્તી ( એક જાતનો તરાપો) માં બેસી શ્રીનગર જશું. કિસ્તીમાં ઓછામાં ઓછું બે દિવસ મુસાફરી કરશું અને વધારેમાં વધારે ઇશ્વરની ઈચ્છા. ઘણું કરી બૂડી તો જશું નહિ, કારણ કે તોફાન કદાચ થાય તો એકદમ કિસ્તી કીનારે લઈ જાય છે. એ સિવાય અમે બૂચના પટા પહેરી રાખશું, જેથી કદાપિ કિસ્તી ઉંધી પડી જાય તો હરકત ન આવે. એક ઠેકાણે જરા ભય જેવું છે. તે જગ્યાનું નામ વુલર લેક, તે તળાવ છે. એમાં બે ટાપુ તર્યા કરે છે, અને એ સિવાય બીજા નાના બરફના ટાપુ હોય છે.

શું શું હરકત આવી અથવા અમે કેવા સુખથી મુસાફરી કરી તે અહીં પાછું આવ્યા પછી લખી શકાય. હાલ તો માત્ર જે કાંઈ વાતો સાંભળું છું તે પ્રમાણે લખું છું. પણ મારા ધારવા પ્રમાણે જેવી વાતો થાય છે તેવું કાંઈ ભયંકર નહિ હોય; કારણ કે વાતો હમેશાં ખરી વાતથી વધારે થાય. માટે કાંઈ ચિંતા કરવા જેવું નથી.”

(રાવળ પીંડી, ૨૦-૧૦-૯૧)
 
'અહીં એટલી ટાઢ છે કે કાગળ ઝડપથી લખાતો નથી. કારણ કે આંગળાં બેવડ વળી ગયાં છે. રસ્તામાં અમને શું શું અડચણો નડી તે લખું છું.

સવારમાં કાલ ગરમ કપડાં પહેરી, પગ પર ગોઠણ સુધી ગરમ પાટા બાંધી, ખભે દુરબીન લટકાવી ગાડીમાં બેઠા. માણસો માટે સાત એકા ભાડે કર્યા હતા. રાવળપીંડીથી જ ઉંચા ચડવા લાગ્યા. ઘોડાને પણ રંગ છે કે આવા ડુંગર પર પાંચ માણસને ખેંચી લઈ જાય છે. તડકો પડતો હતો. એક બાજુએ ૩૦૦૦ ફીટ ડુંગર ઉંચો અને બીજી બાજુએ પ૦૦૦ ફીટ ખાઈ ઉંડી હતી. વધારે ચાલતા ગયા તેમ ટાઢ લાગવા માંડી. તડકો ઓછો થયો અને અમે વાદળમાં જ ચાલતા હતા. ઘોડા બદલાવ્યા. કારણ કે સાત ગાઉનો ટપ્પો પૂર્યો. બીજા ઘોડા ચાલી ન શક્યા, અટક્યા, મસ્તી કરવા લાગ્યા. કોચમીનને બીક લાગી. કારણકે ગાડી જરા એક બાજુએ ખસે તો પત્તો ન લાગે. જે ઘોડા હતા તે જ પાછા જોડ્યા. અમે તેટલા વખતમાં અગાડી ચાલ્યા. પણ ચડાવ ઘણો હતો. તેથી સરૂની ઝાડીમાં એક પથ્થર પર બેઠા. એટલામાં ગાડી આવી ગઈ. બીચારા ઘોડાને હજી ૧૩ ગાઉ ચાલવાનું રહ્યું. ૨૦ ગાઉ એક જ જોડ અમને લઈ ગઈ. અગાડી ચાલ્યા તો બળદની ગાડીઓ જેને અહીં કરાચી કહે છે તે સામી મળી. રસ્તો સાંકડો, બળદને અહિ રાશ રાખતા નથી, પણ જ્યારે વાળવા હોય ત્યારે એક કોરથી કોરડો મારે છે. ઈશ્વરની ઇચ્છાથી જ અમે જીવતા રહ્યા. વચમાં એક ઊંટની હાર રહી. એક કોરે કરાચી અને બીજી બાજુએ ખીણ તરફ અમે. ઘોડા ઊંટથી ભડક્યા અને ખાઈ તરફ વળી ગયા. બે બાજુએ સરૂના ઝાડની એટલી ગીચ ઝાડી છે કે નજર પણ પડે નહિ. ગાડી ખાઈમાં ચાલી. અમે જાણ્યું કે હવે રામ રામ. ઈશ્વરની ઈચ્છાથી જ સરૂનું ભાંગી ગયેલું એક ઝાડ સડકની પાસે જ હતું તેના થડમાં ગાડીનું પૈડું ભરાણું અને તેથી ખાઈ ઉપર ગાડી લટકી રહી. એક પૈડું સડક પર અને બીજાં ઝાડના થડ પર. ઉતરાય પણ નહિ, કારણ કે રસ્તો ન મળે. ગાડી તો એમ જ ઉભી રહી. ઊંટ ચાલ્યા ગયા એટલે અમે નીચે કૂદી પડ્યા. ગાડી ઉપાડી સડક પર મૂકી, અને ઘોડા ચાલતા ન હતા એટલે પૈ લીધાં. ગાડી ચાલી, એટલે ચાલતી ગાડીએ બેસી ગયા. ઘોડા વારંવાર અટકતા હતા, અને અમે પાછા પઈ દઈ બેસી જતા હતા. એકા અગાડી ચાલ્યા ગયા હતા. એટલે માણસ કોઈ ન હતું. જો એ સરૂનું ઝાડ આડું ન આવ્યું હોત તો આપણે મળત નહિ. અગાડી પાછું એક ગાડું ઝાડીમાં ભરાણું. અમે ખાઈ તરફ કૂદકો મારી સડક પર પડ્યા. ઘોડે કૂદકો માર્યો. પટ્ટો તૂટી ગયો. રાંઢવું બાંધી પાછું ચાલવાનું શરૂ કર્યું. પછી તો રસ્તો બહુ જ ખરાબ આવ્યો. અમે ચાલવા લાગ્યા. પણ ચડાવમાં કેટલું ચાલી શકાય? ત્રણ ગાઉ ચાલ્યા, પછી પાછા બેઠા. કાલ તો પઈ લઈ લઈ હાથ દુઃખવા આવ્યા, અને ચાલવાથી કાઈ ગયા. મરીહીલ બે ગાઉ રહ્યું. સાત વાગી ગયા-વાદળાંઓ એટલાં બધાં થઈ ગયાં કે કાંઈ દેખાય નહિ. એક બાજુએ છ હજાર ફીટ ખાઈ હતી, તેથી મનમાં બીક રહેતી હતી. હવે ઘોડા અટક્યા નહિ. અમે અડધા કલાકમાં મરી પહોંચી ગયા. ત્યાંથી એક કેડી હતી. રામો અમને લેવા આવ્યો હતો. પણ ફાનસ તેની સાથે નહોતું. અમારો બંગલો માઉન્ટ પ્લેઝન્ટ ત્રણ ગાઉ રહ્યો. અંધારું ઘોર. મજૂર કોઈ ન મળે. રામો થઇને અમે છ માણસ થયા. અમે પેટીઓ માથે ઉપાડી. મેં મારો લખવાનો ઈસ્કોતરો માથે બાંધી લીધો, અને એક કપડાનો ગાંઠડો વાંસે બાંધ્યો . એક હાથમાં ધોકો લઈ ચાલવા લાગ્યા. અંધારી રાત, તેમાં વાદળાં, ડુંગરનો રસ્તો, સાંકડી કેડી, અને એક બાજુએ સાત હજાર ફીટ ઊંડી ખીણ. એકબીજાની પછાડી પછાડી ચાલ્યા. ગીગાવાળાના પાસવાનનો પગ લપટ્યો. ખીણમાં પડતાં માંડ બચ્યો. મારો પગ એક ખાડામાં પડ્યો. તેથી હું પણ થોડા વખત પછી પડ્યો. પાછો સામાન માથા પર સરખો રાખી ચાલવા લાગ્યા, એક કલાકે ઝડપથી ચાલી બંગલે પહોંચ્યા. કાઈ ગયા હતા. ટાઢ વાય. રસ્તામાં વાદળાંથી ભીંજાઈ ગયા હતા. ઓઢવાનું કાંઈ ન મળે. એકાવાળાને એકને રસ્તામાં ટાઢથી તાવ આવ્યો. તેથી બધા એકા પાછળ રહ્યા. સામાન પણ એમની સાથે રહ્યો. અગાડી રામો અને ત્રણ માણસ અહિં આવ્યા હતા. એમણે ચ્હા તૈયાર રાખ્યો હતો તે પીધો અને ઉની રસોઈ જમ્યા. પણ ટાઢનું શું કરવું? રાતના બાર વાગે એકા આવ્યા. એકા પણ જ્યાં અમે રોકાણા હતા ત્યાં રોકાયા. અમે ત્યાં એક માણસ મોકલ્યું. તેણે બધા માણસને રસ્તો બતાવ્યો. વશરામ ખવાસ અને બધા ધ્રુજતા ધ્રુજતા આવ્યા. રાતના બાર વાગે સગડી કરી. ધડકી અને બે રગ ઓઢી સુઈ ગયા. સવારે આઠ વાગે ઊઠ્યા. હમણાં પોણા દસ થયા છે. સવારે અગીયાર વાગે ચાલવું છે. હવે વળી એથી પણ વધારે ખરાબ રસ્તો છે. જે થાય તે સારા માટે જ. આ બધી મુસીબતોની વાત જુદી. પણ દેખાવો તો સ્વર્ગ જેવા જ છે. જ્યાં ત્યાં પાણીના ધોધ, રસ્તામાં ઝાડની ઘટા, સરૂના ઝાડ ઘુઘવ્યા કરે છે. અહિં ચારે કોર બરફથી ચળકતી ટેકરીઓ દેખાય છે. અહિં રૂના પોલ જેવો બરફ રાતે પડે છે. અમે બે દિવસથી નાહી શક્યા નથી. મેં એક ડઝન કપડાં પહેર્યાં છે, તો પણ હજુ ટાઢ બહુ વાય છે. બરફ કોઈ વખત વાદળાંથી આસમાની દેખાય છે. કોઈ વખતે ગુલાબી, અને કઈ વખતે સફેદ કાચ જેવો દેખાય છે.' [૪]

અમે મરીથી ચાલી અહિં બિલકુલ ખુશીથી પહોંચ્યા છીએ. કાલ અમારાથી દોઢ વાગે ચલાણું, તેથી અહિં સાંજના સાડા સાત વાગે પહોંચ્યા છીએ. અમારા માણસો બધા એકામાં હતા. તેથી મજૂર પાસે સામાન ઉપડાવી અમે ડાક બંગલે આવ્યા. અહિં ગાડી આવી શકે તેમ નથી, તેથી ચાલતા રાત્રે અહિં આવ્યા. આ બંગલો જ્યાં ગાડી ઉભી રહે છે ત્યાંથી બહુ દૂર નથી, તેથી કાંઈ હરકત આવી નથી. રસ્તો બહુ જ વિકટ છે, અને બધું ઉતરાણ છે. અમારા ઘેાડા તો ચાલ્યા ગયા, પણ રસ્તામાં બે એકાના ઘોડા બેસી ગયા, તેથી ત્રણ માણસને જરા લાગ્યું છે. આ બંગલામાં આવી ઢોલીયા મંગાવ્યા, અને એક મજૂરને કહ્યું કે તરત તે બજારમાંથી જમવાનું લઈ આવ્યો. કાલ દિવસ આખામાં માત્ર રાતના સાડા આઠ વાગે ખાધું. મરીમાં સવારે રસાઈ કરી. પણ ઘી ચરબીનું હતું, અને હું ગોસ્ત ખાતો નથી. વઢવાણથી નીમ લીધું છે.....કે મુસાફરીમાં દારૂ કે ગોસ્ત ન વાપરવાં. તેથી રોટલી કે કાંઈ ખાધું નહિ. વળી ઘી એવું ગંધાતું હતું કે કોઈ ખાઇ શક્યું નહિ. માત્ર ચ્હા પીધો. રસ્તામાં ચાર વાગે રૂગવાડી નામની એક જગ્યા છે ત્યાં છ ઝુંપડાં છે ત્યાંથી ગોળની રેવડી અને મકાઈના ડોડા લીધા અને તે ખાધા. રાત્રે વાળુમાં પટાટાનું કાચું શાક, મૃક નામનું ફળ થાય છે તેનું અથાણું અને ખોરી મીઠાઈ ખાધી. આજે રગ અને ધડકી સાથે રાખ્યાં હતાં તેથી ધડકી પાથરી અને રગ ઓઢી સૂઈ ગયા. રાતના સાડા અગીયાર વાગે માણસો આવ્યા. એમને માટે અમે ખાવાનું મંગાવી રાખ્યું હતું, તે ખાઈ, બધા હેરાન હેરાન થઇ ગયા હતા તેથી સૂઈ ગયા. સવારે ઉઠી, તંબુ ખોડાવી રસોઈ શરૂ કરાવી. હમણાં સાડા નવ થયા છે. રસોઈ થાય છે. મે આવે છે. અમે ૧૧ વાગે ચાલી ઈશ્વરની ઈચ્છા હશે તો દુમાલે સાંજે જશું. મે આવે છે, અને સપાટાબંધ વરસે છે. જો મે બંધ નહિ થાય તો વળી રબરનાં કપડાં પહેરી પલળતાં ચાલ્યું જવું પડશે. રસ્તામાં ખાઇમાં જેલમ નદી ચાલી જાય છે એ એવી ગાજે છે કે કાંઈ સંભળાતું નથી... ......કોઈ વખતે મોટાં લાકડાં તણાતાં જાય છે. વાદળાં ચારેકોર આવી ગયાં છે. તેથી બહુ જ અંધારું થઈ ગયું છે. નદી એટલી બધી બોલે છે કે જ્યારે ચાકરને લાવવો હોય છે ત્યારે સીટી વગાડીએ છીએ. મેં મારા ઘડીયાળના અછોડા સાથે એક સીસોટી ટીંગાડી દીધી છે. [૫] 'આજ સવારે છ વાગે રૂગવાડીથી ચાલ્યા. કાંઈ ખાધું ન હતું. પાણી પણ પીધું ન હતું. ૧ાા વાગે ચકોટી ગામ કે જ્યાં બે ઝુંપડાં છે ત્યાં પહોંચ્યા. ત્યાં દૂધ મળ્યું. ત્યાં એક મોદી હતો તે ગામ જવાનો હતો તેથી ઘઉંના રોટલા અને અડદની ઘણી જ ખારી દાળ ખાવાની તૈયારી કરતો હતો, અને તે અમે માગી લીધા અને બધા ખાઈ ગયા. તેને પાંચ રૂપિયા આપ્યા. જો અમે બે કલ્લાક મોડા પહોંચ્યા હત તો આજ પણ અપવાસ થાત.' [૬]

'મ્હારા હાથ પર મોજાં રાખવા છતાં ટાઢથી શીળસ જેવા ફોડલા થઈ ગયા છે. [૭]

આ પ્રમાણે ટાઢ, રસ્તાની હાડમારી, ભૂખ વગેરે મુશ્કેલીઓ ખમતાં ખમતાં કલાપી, ૩૧ મી ઑક્ટોબરે સવારે અગિયાર વાગે શ્રીનગર પહોંચ્યા.

તા. ૧-૧૧–૯૧ થી તા. ૧૫–૧૧–૯૧ સુધી પંદર દિવસ કલાપી કાશ્મીરમાં રહ્યા. તેનું વર્ણન વિસ્તારપૂર્વક 'કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન' નામના તેમના પુસ્તકમાં તેમણે આપ્યું છે. એ સુપ્રસિદ્ધ પુસ્તકમથી કાંઈ ઉતારા આપવાની અહિં જરૂર લાગતી નથી, પણ એ વાંચવાની ભલામણ કરીને જ, હું બીજું પ્રવાસવર્ણન આગળ ચલાવીશ.

કાશ્મીરમાં કલાપી પંદર દિવસ રહ્યા અને ૧૫મી નવેંબરે રાવળપીંડી પાછા આવી પહોંચ્યા. રાવળપીંડીથી ૧૮મી તારીખે સવારના બે વાગે નીકળી, તે જ દિવસે બપોરના ત્રણ વાગ્યે લાહોર પહોંચ્યા. લાહોરની જુમા મસીદ, સંગ્રહસ્થાન, બગીચાઓ વગેરે સ્થળે જઈ ૨૦મીએ અમૃતસર ગયા અને ત્યાં શીખેનું સુવર્ણમંદિર અને અન્ય જોવા લાયક સ્થળોની મુલાકાત લીધી. અમૃતસરમાં યાત્રીઓને એવો વિચાર થયો કે એક માસની પ્રવાસની મુદત વધારીને સિલોન જઈ આવવું. પણ તે માત્ર વિચાર જ રહ્યો. તા. ર૪મી નવેમ્બરે બે વાગ્યે હરદ્વાર પહોંચ્યા. ત્યાર પછી તુર્ત જ મુંડન કરાવી ગંગાજીમાં નાહીને શ્રાદ્ધ કર્યું. આ દિવસે કલાપીએ ઉપવાસ કર્યો હતો.

મુસાફરીની અસર કલાપીના શરીર ઉપર થઈ હતી. તેમને તાવ અને ઉધરસ જણાતાં હતા. તે હરદ્વાર આવ્યા ત્યારે મટી ગયાં હતાં, પણ હજુ સળેખમ હતું, અને તેમાં વારંવાર ઠંડે પાણીએ નાહવું પડતું હતું તેથી સુધારો થતો નહોતો. છતાં તા. ૨પમીએ કલાપીએ સવારમાં ગંગાજીમાં સ્નાન કર્યા પછી, હરદ્વારનાં છ તીર્થમાં છ વખત સ્નાન કર્યું હતું.

નવેંબરની ૨૭મી તારીખે દિલ્હી પહોંચ્યા. ત્યાંનાં જોવા લાયક સ્થળોની મુલાકાત લઈ બીજી ડિસેંબરે મથુરા ગયા. દિલ્હીમાં કુતુબમિનાર, હુમાયુની કબર, જુમામસીદ વગેરે સ્થળો જેમાં, તે સમયે પણ કલાપીના મનમાં તો પ્રણયના વિચારો જ ઘોળાયા કરતા હતા. અને તેને પરિણામે નીચેનું સુવર્ણવાક્ય નીકળે છેઃ 'સાચી પ્રીતિનો રસ્તો દુર્ઘટ છે. ઈશ્વર મળવો સહેલો છે, પણ મહોબતવીર મળવો કઠિન છે.'

મથુરા, ગોકુલ, વૃંદાવન, ગોવર્ધન વગેરેમાં મંદિરમાં જઈ દર્શન કર્યાં. કુમારશ્રી (તે સમયના) ગીગાવાળાનાં માતાપિતાએ એવી બાધા રાખી હતી કે મથુરાના બલદેવજીના મંદિરમાં દર્શન કરાવ્યા પછી તેમનું નામ પાડવું. તે પ્રમાણે શ્રી. ગીગાવાળાએ કેટલીક ધાર્મિક ક્રિયાઓ બલદેવજીના મંદિરમાં કરી અને તેમને વાજસૂરવાળા એવું નામ આપવામાં આવ્યું. આ બાબત તેમણે એજન્સીને રીતસર ખબર પણ આપી હતી.

૮મી તારીખે બપોરના ત્રણ વાગ્યે મથુરા છોડ્યું અને છ વાગ્યે આગ્રા પહોંચ્યા. અહિં તેમણે સૌથી પ્રથમ ભરતપુરના મહારાજએ જેના મિનારાઓને નાશ કર્યો હતો તે અકબરની કબર જોઈ. વળી શાહજહાંનને કેદમાં નાખવામાં આવ્યો હતો તે સ્થળ પણ કલાપી જેવા કવિ જોયા વિના કેમ રહે? અમરસિંગ દરવાજો જેમાં થઈને જોધપુરના રાઠોડ વીર મોગલ સરદારોની કતલ કરીને નાસી છૂટ્યો હતો તે જોઈ ક્ષત્રિયવીરોને રોમાંચ અનુભવ થયો. તાજમહાલ તો કેમ જ બાકી રહે ?

૧૧મી તારીખે બપોરના ત્રણ વાગ્યે આગ્રા છોડ્યું, અને તે જ દિવસે સાંજના સાત વાગે ગ્વાલિયર આવી ગયા. ગ્વાલિયરનો રેસિડેન્ટ લેફટેનન્ટ કર્નલ બાર તે સમયના કાઠિયાવાડના પોલિટિકલ એજટ કર્નલ હેન્કોકનો મિત્ર હતો, અને તેથી તેણે આ અધિકારની રૂએ યુવાન કુમારને શિખામણ આપી કે ગરીબો તરફ દયા રાખવી અને રૈયત ઉપર કદી જુલમ કરવો નહિ. જયપુરની માફક જ અહીંના રેસિડેન્ટે પણ તેમને હાથીની સવારીનો લાભ આપ્યો.

૧૪મીએ ગ્વાલિયરથી નીકળી થોડો સમય ઝાંસી રોકાયા, અને ૧૬મીએ અલાહાબાદ પહોંચ્યા. અહીં ત્રિવેણીમાં સ્નાન કર્યું અને અન્ય જોવા લાયક સ્થળોની સાથે મેયો કૉલેજ જોઈ તથા તેના પ્રિન્સિપાલની મુલાકાત લીધી. ૧૯મીએ કાનપુર થઇ ૨૧મીએ લખનૌ આવ્યા. ત્યાં બે દિવસ રોકાઇ ૨૩મીએ અયોધ્યા પહોંચ્યા. રામચંદ્રજીના આ જન્મસ્થાનમાં કલાપીએ અનેક મંદિરમાં જઈ દર્શન કર્યાં. પહેલાં જે શહેરનો વિસ્તાર ૫૦ ચોરસ માઈલ હતો તેની તે સમયની કંગાલ સ્થિતિ જોઈ ખેદ થાય એ સ્વાભાવિક છે.

૨૫મી ડિસેંબરે તીર્થોના તીર્થ કાશીમાં મુકામ કર્યો. અહીં એક સપ્તાહ રહ્યા અને કાશીવિશ્વેશ્વરનાં દર્શન કર્યા તથા ગંગાજીના જુદા જુદા ઘાટે સ્નાન કર્યું. ગંગામાં નાવમાં બેસી કાશીના એક છેડાથી બીજા છેડા સુધી ફર્યા અને ગંગાકાંઠાનાં સર્વ મંદિરોનું સમગ્ર દૃષ્ટિથી અવલોકન કર્યું.

કાશી જતાં રસ્તામાં કલાપીને એક આકસ્મિક આફતનો અનુભવ થયો. તે હતી તો નાનકડી જ, પણ તેમણે તેનો ખાસ ઉલ્લેખ કર્યો છે[૮] એટલે હું પણ તેની અહીં નોંધ કરીશ. અયોધ્યાથી ૨૫મી તારીખે કાશી આવતાં વચમાં એક સ્ટેશને કલાપી બીડી લેવા માટે ઊતર્યા હતા, પણ તે આવ્યા એટલામાં ટ્રેન ચાલી. કલાપી એ જ સ્ટેશને રહી જાત પણ ટ્રેન જોસથી ચાલતી નહતી, એટલે એક ત્રીજા વર્ગના ડબાનું બારણું ઉઘાડીને તેમાં બેસવા ગયા. આ ડબામાં કેટલાક કેદીઓ અને સિપાઈઓ હતા, તેમાંથી એક સિપાઈએ કલાપીને ચાલતી ટ્રેને ખેંચી લીધા. આ અનુભવથી નિશ્ચય કરવામાં આવ્યો કે દરેકે પોતાની પાસે થોડા રૂપિયા રાખવા, જેથી અકસ્માત વખતે મુશ્કેલી પડે નહિ.

તા. ૩૧ મી ડિસેંબરે બનારસ છોડી જાન્યુઆરીની પહેલી તારીખે ગયાજી પહોંચ્યા. અહીં ત્રણ દિવસ રહી બન્ને કુમારોએ પિતૃશ્રાદ્ધ કર્યું.

ઈ. સ. ૧૮૯૨ના જાન્યુઆરીની પહેલી તારીખે ગયાજીમાં આ પ્રવાસીઓએ એક ઉત્સવ યોજ્યો હતો. રાણી વિક્ટોરિયાએ પચાસ વર્ષ રાજ્ય કર્યું તે માટે જે ૧૮૮૭ માં જ્યુબિલી ઉજવી હતી, તો તેમના આ વફાદાર રાજ્યકર્તાઓ કેમ જ્યુબિલી ન ઊજવે ? આમ વિચારી તેમણે પહેલી ઑક્ટોબરે શરૂ થયેલી છ મહિનાની મુસાફરીની જ્યુબિલી ત્રણ માસ પૂરા થતાં પહેલી જાન્યુઆરીએ ઉજવી. કલાપી તરફથી સૌને રાત્રે જમણ આપવામાં આવ્યું હતું અને ગવૈયા વગેરેને બોલાવી ધામધૂમ કરવામાં આવી હતી. જ્યુબિલીની ક્રિયા છેક ત્રીજી તારીખે બપોરે બાર વાગ્યે પૂરી થઈ. કારણ ગવૈયાઓ ઘણું સારું ગાતા હતા, એટલે સૌએ ધરાઈ ધરાઈને સાંભળ્યું.

ત્રીજી જાન્યુઆરીએ ગયાથી ઊપડી વૈજનાથ પહોંચ્યા, અને ત્યાં મહાદેવનાં દર્શન કરી પાંચમીએ રાણીગંજ મુકામ કર્યો. બીજે દિવસે ચિન્સૂરા ગયા, અને ત્યાં કલકત્તાની બર્ન ઍન્ડ કંપનીનું ચીનાઈ માટીના વાસણનું કારખાનું જોયું. પછી રાણીગંજની પ્રખ્યાત કોલસાની ખાણો પણ અંદર ઊતરીને જોઈ. ૬ઠ્ઠી તારીખે કલકત્તા પહોંચ્યા. અહીં આઠ દિવસનો મુકામ કર્યો. તે દરમ્યાન ઇડન ગાર્ડન, ઝૂ, મ્યુઝિયમ, હુગલીનો પૂલ, કાલીનું મંદિર વગેરે સ્થળો જોયાં. અહીં એક પ્રખ્યાત જમીનદાર દામોદરદાસ ઉર્ફે રાજા બહાદુર સાથે મૈત્રી થઈ અને કલાપી અને અન્ય સંગાથીઓને તેમણે પોતાને ત્યાં જમવા માટે નોતર્યાં. કલાપીએ અહીંથી છબી પાડવાનો સામાન ખરીદ્યો અને છબી પાડતાં શીખવાનું શરૂ કર્યું.

૧૫મી તારીખે કલકત્તાથી નીકળી કલકત્તા સ્ટીમ નેવિગેશન કંપનીની સ્ટીમર મારફત ૧૮મી એ કટક પહોંચ્યા. અને ત્યાંથી પ૩ માઈલની જગન્નાથપુરીની મુસાફરી બે ઘોડાની ગાડીમાં કરી. ઠેકેદારે વચ્ચે વચ્ચે નવાં ઘોડાં તૈયાર રાખ્યાં હતાં, તે બદલવા છતાં સવારમાં વહેલા નીકળેલા પ્રવાસીઓ રાતના દસ વાગ્યે પુરી પહોંચ્યા. રસ્તો ઘણો કંટાળા ભરેલો લાગ્યો. કારણ ચાર વખત તો નદીઓમાંથી પસાર થવું પડ્યું. આ વખતે ગાડીઓને બળદ જોડવામાં આવતા હતા, અને સંખ્યાબંધ મજૂરોને પણ ખેંચવાના કામમાં રોકવા પડતા હતા.

જગન્નાથપુરીથી સ્ટીમર મારફત મદ્રાસ જવાનો કાર્યક્રમ હતો. પણ સ્ટીમર મળતાં વાર થવાથી પુરીમાં છ દિવસ રોકાઈ રહેવું પડ્યું. આ સમય દરમ્યાન વારંવાર જગન્નાથજીનાં દર્શન કરી આપણાં યાત્રીઓએ સમયનો સદુપયોગ કરવા યત્ન કર્યો.

જગન્નાથપુરીથી દરિયાઈ મુસાફરી શરૂ થઈ જે બધાને જ માટે નવી હતી. સ્ટીમર ગોઆલપરા ૨૭મી તારીખે પૂરી આવી અને સૌ મદ્રાસ જવાને માટે બહુ આતુર હતા એટલે તુરત જ જગ્યા મેળવી લીધી. ગોપાલપુર, વિઝાગાપટ્ટમ, કોકોનાડા, મસલીપટ્ટમ વગેરે બંદરોએ અટકતી અટકતી સ્ટીમર બીજી ફેબ્રુઆરીએ મદ્રાસ પહોંચી. છ રાત અને છ દિવસ દરિયાઈ મુસાફરી કરવા છતાં સૌની તબિચત સારી રહી, કારણ મસલીપટ્ટમ અને મદ્રાસ વચ્ચેની થોડા કલાકની મુસાફરી સિવાય બધો વખત સમુદ્ર શાન્ત હતો. મદ્રાસમાં છ દિવસ રહી દીવાદાંડી, સંગ્રહસ્થાન, ખેતીવાડીની કૉલેજ, નેપિયર પાર્ક વગેરે સ્થળે જોયાં અને ત્યાંથી નીકળી ૮મી ફેબ્રુઆરીએ કાંચી અથવા કાંજીવરમ પહોંચ્યા. અહીં શિવકાંચી અને વિષ્ણુકાંચીનાં મંદિરમાં જઈ દર્શન કર્યાં. હિન્દુ શિલ્પકલાના જેવા ભવ્ય નમૂના અહીંના મંદિરમાં અને મદુરા તથા રામેશ્વરના મંદિરમાં જોવા મળ્યા તેવા ઉત્તર હિંદમાં ક્યાંએ ન જોયેલા હોવાથી પ્રવાસીઓને ઘણો આનંદ થયો.

૧૦મીએ કાંચીથી નીકળા, ત્રિચિનોપલી થઇ ૧૧મીએ મદુરા પહોંચ્યા. મદુરામાં તે સમયે સાઠ હજાર માણસની વસ્તી હતી, જેમાંના ચોથા ભાગના વણાટનું કામ કરતા હતા. અહીં સુંદરેશ્વર મહાદેવ અને મીનાક્ષીદેવીનાં મંદિરો જોઈ ઘણે આનંદ થયો.

૧૩મીએ મદુરાથી બળદના શિગરામમાં બેઠા અને ૧પમીએ રામનદ પહોંચ્યા. આ મુસાફરી પણ પુરી અને કટક વચ્ચેની ઘોડાગાડીની મુસાફરી જેવી જ કંટાળાભરેલી લાગી. કારણ મદુરા અને રામનદ વચ્ચે ૭૦ માઈલનું અંતર છે, અને વારંવાર પૂલો વિનાની નદીઓમાંથી પસાર થવું પડે છે.

રામનદના જમીનદાર ભાસ્કર સ્વામી સેતુપતિને મળવાથી સર્વને ઘણો આનંદ થયો. તેની વાર્ષિક આવક ૯ લાખ રૂપિયાની હતી, અને તે ૨૩ વર્ષનો યુવાન બી. એ.નો અભ્યાસ કરી રહ્યો હતો.

૨૩ માઈલની રેતી અને કીચડવાળી જમીનની મુસાફરી અને ત્રણ માઈલની ખાડીની હોડીની મુસાફરી કરી ૧૬મી ફેબ્રુઆરી ૧૮૮રના રાતના ૯ વાગ્યે હિંદના દક્ષિણબિંદુ રામેશ્વરે કલાપી અને તેમના સંગાથીઓ પહોંચ્યા.

૨૦મી તારીખે રામેશ્વરથી નીકળી રામનદ, મદુરા અને ત્રિચિનોપલી થઈ ૨૮મીએ સૂર્યોદય થતામાં બૅંગલોર પહોંચ્યા. અહીં લાલ બાગ, ટીપુનો કિલ્લો, નંદીનું મંદિર વગેરે સ્થળો જોયાં. ર૯મી તારીખે મ્હૈસૂરના મહારાજા જે બંગલેર હતા તેમની મુલાકાત થઇ. મહારાજાએ બન્ને કુમારો સાથે ઇગ્રેજીમાં લાંબા સમય સુધી વાતો કરી અને તેમને મ્હૈસૂર આવવાનું નિમંત્રણ આપ્યું.

પહેલી માર્ચ સવારના સાત વાગ્યે કોલરની સોનાની ખાણો જોવા માટે નીકળ્યા, અને ત્રણ કલાકમાં કોલર સ્ટેશને પહોંચી ગયા. ત્યાં નાસ્તો કરવા રોકાઈ એક વાગ્યે ખાણો પાસે આવી પહોંચ્યા, કારણ ખાણો સ્ટેશનથી દસ માઈલ દૂર છે. અહીં ભોમિયાની મદદથી તેમણે ખાણામાંથી સોનું કેમ ખોદી કાઢવામાં અને સાફ કરવામાં આવે છે તે જોયું. વળી તેમણે જાણ્યું કે સોનું કાઢનાર કંપનીને માસિક દોઢ લાખ રૂપિયાનું ખર્ચ થાય છે, અને તે ૪ લાખ રૂપિયાનું સોનું કાઢે છે. તેમાંથી મહેસૂર રાજ્યને પાંચ ટકા પ્રમાણે રૉયલ્ટી આપે છે.

મહારાજાના નિમંત્રણને માન આપી સર્વ બીજી માર્ચે મ્હૈસૂર ગયા. અહીં સ્ટેશન ઉપર રાજ્યના અમલદારોએ તેમનો સ્ત્કાર કર્યો અને 'જગન્મોહન' બંગલામાં ઉતારો આપ્યો. અહીં તથા રામનદના જમીનદારને ત્યાં જે મહેમાનીનો પરિચય થયો તે કાઠિયાવાડની અત્યંત વખણાયેલી પરોણાચાકરી કરતાં પણ વધારે હતી. તે સમયના મહારાજાનું નામ ચામરાજ વાડિયાર હતું. તેમણે ૩જી માર્ચ ૧૮૯૨ના રોજ પોતાનો ૨૯મો જન્મદિન ઉજવ્યો. તેમને એક જ રાણી હતી, અને તેનાથી તેમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ એમ પાંચ સંતાનો થયાં હતાં. સૌથી મોટા કુમાર કૃષ્ણરાજ આ સમયે ૭ વર્ષના હતા.

મ્હૈસૂરથી થી ૪ માર્ચે નીકળી ટીપુની રાજધાની શ્રીરંગપટ્ટમ અને બૅંગલોર થઈ ૬ઠ્ઠી તારીખે ધારવાડ આવી પહોંચ્યા. ધારવાડમાં આ વખતે ભાવનગરના કુમાર ભાવસિંહજી (પાછળથી મહારાજા ભાવસિંહજી) અને કોલ્હાપુરના મહારાજ અભ્યાસ કરવા માટે રહેતા હતા. કલાપીને સ્ટેશન ઉપર લેવા માટે ભાવસિંહજી જાતે આવ્યા હતા, અને સૌને પોતાને બંગલે લઈ ગયા. કુમારશ્રી ભાવસિંંહજીએ આ કાઠિયાવાડી કુમારને પોતાના શિક્ષક ફ્રેઝરની અને સહઅભ્યાસી કોલ્હાપુરના મહારાજની મુલાકાત કરાવી, અને ધારવાડ જેલ, ઉન્માદ ભવન વગેરે સ્થળ બતાવ્યાં.

આઠમી માર્ચે ધારવાડથી નીકળી ૯મીએ સવારે ૧૦ વાગ્યે પૂના પહોંચ્યા. અને ત્યાં ભોજન કરી ૧-૪૫ની બપોરની ટ્રેનમાં મુંબઈ માટે રવાના થયા.

તા. ૯ મીએ લગભગ રાતના આઠ વાગ્યે મુંબઈ પહોંચ્યા કે તુરત જ કલાપીને તેમનાં સાસુ તરફથી તાર મળ્યો કે કચ્છ રોહામાં તમારાં પત્ની ગંભીર બિમારી ભોગવે છે અને તેથી તમારે ભૂજ આવવું. આ ઉપરથી તેમના વાલી રા. બ. પ્રાણજીવન ઠાકરે તાર કરી રાજકોટ પુછાવ્યું કે પ્રવાસ પૂરો કરવો કે અધૂરો મૂકી કાઠિયાવાડ ચાલ્યા આવવું? જવાબમાં 'તુર્ત આવો' એવો તાર પોલિટિકલ એજંટ તરફથી મળવાથી કલાપી ૧૧મી માર્ચ રોહા જવા માટે રવાના થયા, અને અન્ય પ્રવાસીઓ કાઠિયાવાડ પાછા આવી ગયા.

આ પ્રમાણે કલાપીનાં રોહાનાં રાણીની માંદગીને લીધે આર્યાવર્તનો પ્રવાસ પંદર દિવસ વહેલો પૂરો થયો.

  1. ૧ હવે પછી આપેલો વૃત્તાંત મુખ્યત્વે આ અહેવાલને આધારે લખ્યો છે. તે ઉપરાન્ત કલાપીના પત્રો અને તેમના પુસ્તક ‘કાશ્મીરનો પ્રવાસ’નો ઉપયોગ પણ પ્રસંગોપાત્ત કરવામાં આવ્યો છે.
  2. ૧ ‘શ્રી સંચિતનાં કાવ્યો’ એ નામનું પુસ્તક સ્વ. રૂપશંકરના પુત્રોએ સં. ૧૯૯૪માં પ્રકટ કર્યું છે.
  3. ૧ ઠાકોરશ્રી સૂરસિંહજી; કેટલાંક સ્મરણો ૧૧મા સાહિત્ય સંમેલન નો અહેવાલ.
  4. ૧. મરીહિલ, માઉન્ટ પ્લેઝંટ, તા ૨૪-૧૦-૯૧.
  5. ૧. કોહાલા, તા. ૨૫-૧૦-૯૧.
  6. ૧. “શ્રી કલાપીની પત્રધારા.”
  7. ૧. “શ્રી કલાપીની પત્રધારા.”
  8. ૧. તા. ૨૬મીના પત્રમાં.